વૉટ્સઍપ ગ્રૂપમાં વાંધાજનક મૅસેજ કરવા બદલ જેલ થઈ શકે છે

વૉટ્સઍપ ગ્રૂપમાં વાંધાજનક મૅસેજ શેર કરવા બદલ તમને જેલ પણ થઈ શકે છે.

જો ભરોસો ના આવતો હોય તો મધ્ય પ્રદેશના રાજગઢ જીલ્લાનો આ કિસ્સો તમને આશ્ચર્યમાં મૂકી શકે છે.

એક વૉટ્સઍપ મૅસેજ માટે જુનેદ ખાન છેલ્લા પાંચ મહિનાથી જેલમાં છે.

જોકે, એ સ્પષ્ટ નથી કે તે મૅસેજ શું હતો અને જુનેદના પરિવારજનોનું કહેવું છે કે તેમણે આ મૅસેજ મોકલ્યો નહતો.

સ્થાનિક મીડિયા અહેવાલોમાં જણાવ્યા અનુસાર 21 વર્ષના જુનેદ પર વાંધાજનક મૅસેજના આધારે દેશદ્રોહનો આરોપ લગાડવામાં આવ્યો છે.

વૉટ્સઍપ એડમિનની કાયદાકીય જવાબદારી

પોલીસનો આરોપ છે કે જ્યારે ફરિયાદ નોંધવામાં આવી ત્યારે જુનેદ આ વૉટ્સઍપ ગ્રૂપના એડમિન હતા.

જ્યારે જુનેદના પરિવારજનોનું કહેવું છે કે પહેલાંના એડમિને ગ્રૂપ છોડી દીધું હોવાથી જુનેદ ડિફૉલ્ટ એડમિન બની ગયા હતા.

આ કિસ્સો ગ્રૂપ એડમિનની કાયદાકીય જવાબદારી અને આ પ્લેટફૉર્મની ભૂમિકા અંગે આપણને એક નવી જ રીતે વિચારતા કરી દે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

સુપ્રીમ કોર્ટના સીનિયર વકીલ વિરાગ ગુપ્તા જણાવે છે," ત્રાસવાદ ગ્રસ્ત જમ્મુ અને કાશ્મીરના એક જિલ્લામાં વૉટ્સઍપ એડમિનનું રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી બની ગયું છે."

"બીજી બાજુ વૉટ્સઍપ પ્લેટફૉર્મની કાયદાકીય જવાબદારી અંગે સરકાર અને સુપ્રીમ કોર્ટમાં ચર્ચા ચાલી રહી છે.''

તેઓ જણાવે છે કે આ પરિસ્થિતિમાં વૉટ્સઍપ એડમિનના ગુના અંગેની ખાતરી કર્યા વગર તેને પાંચ મહિના સુધી જેલમાં રાખવો એ કાયદાની દ્રષ્ટિએ યોગ્ય નથી. એ પણ સવાલ ઉઠે છે કે જો વૉટ્સઍપ ગ્રૂપના એડમિનને જેલ થાય તો પછી વૉટ્સઍપ પ્લેટફૉર્મને ક્લીન ચીટ કેમ આપવામાં આવી?

શું છે આ મુદ્દો?

મધ્ય પ્રદેશના રાજગઢનાં તાલેનના રહેવાસી જુનેદ ખાન બીએસસીના બીજા વર્ગના વિદ્યાર્થી છે.

પોલીસે એમની 15 ફેબ્રુઆરી 2018ના વૉટ્સઍપ ગ્રૂપમાં વાંધાજનક મૅસેજ ફોરવર્ડ કરવાના આરોપસર ધરપકડ કરી છે.

જુનેદના કુટુંબીજનોનું કહેવું છે,"આ મૅસેજ એક સગીરે ફોરવર્ડ કર્યો હતો પણ આની ફરિયાદ થતાં જ ગ્રૂપનો એડમિન બહાર નીકળી ગયો અને જુનેદ એમની જગ્યાએ એડમિન બની ગયા.''

''આ આખી ઘટના દરમિયાન તેઓ તાલેનની બહાર રતલામમાં પોતાના એક સગાને ત્યાં લગ્નની કંકોતરી આપવા ગયા હતા."

''જુનેદના પાછા ફર્યા બાદ એમની વિરુદ્ધ આઈટી ઍક્ટ સાથે દેશદ્રોહનો ગુનો નોંધવામાં આવ્યો હતો.

"જેલમાં હોવાને કારણે જુનેદ બીએસસીની પરીક્ષા પણ આપી શક્યા નહોતા. અન્ય આઈટીઆઈની પરીક્ષા પણ તેમણે જેલમાં જ આપી હતી.''

કાયદો શું કહે છે આ અંગે?

આઈપીસી અને આઈટી ઍક્ટ હેઠળ ધાર્મિક અને રાજકારણની દ્રષ્ટિએ વાંધાજનક મૅસેજ ફેલાવવા બદલ કાયદાકીય જવાબદારી નક્કી કરવામાં આવે છે.

પોલીસ અધિકારી(એસડીઓપી) પ્રકાશ મિશ્રાએ જણાવ્યું, ''આ મુદ્દે ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર તપાસ કર્યા બાદ જ આ ધરપકડ કરવામાં આવી છે."

"જો પરિવારજનોને લાગે છે કે આમાં ક્યાંક ચૂક થઈ છે તો તેઓ કોર્ટમાં પુરાવા રજૂ કરી શકે છે. આગળ જે પણ તપાસ થશે તે કોર્ટના આદેશ અનુસાર જ થશે.''

દેશમાં અત્યારે 20 કરોડ સક્રિય વૉટ્સઍપ યૂઝર્સ છે. જોવા મળ્યું છે કે આવી ઘણી ધરપકડ પાછળ વૉટ્સઍપ પ્લેટફૉર્મનો વપરાશ જ જવાબદાર હતો.

સરકારનું કહેવું છે કે સોશિયલ મીડિયા દ્વારા હિંસા ફેલાતી અટકાવવા આ પગલાં ઉઠાવવામાં આવી રહ્યા છે.

જોકે, બીજી બાજુ ટીકાકારો એ તરફ ધ્યાન દોરી રહ્યા છે કે પોલીસ આ કાયદાનાં ઉપયોગ વડે વિચારોની સ્વતંત્ર રજૂઆતના અધિકારને દબાવી રહી છે.

(ભોપાલથી સુરૈહ નિયાઝીના ઇનપુટ્સ આધારિત)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો