નરેન્દ્ર મોદીના મંત્રીઓને આરોપીઓ સાથે આટલો પ્રેમ કેમ?

ઇમેજ સ્રોત, MANSI THAPLIYAL/BBC
- લેેખક, રાજેશ જોશી
- પદ, રેડિયો એડિટર, બીબીસી
લિન્ચિંગના આરોપીઓને મીઠાઈ ખવરાવતા, માળા પહેરાવતા કોઈ પણ કેન્દ્રીય મંત્રીની તસવીર ભારતીય લોકતંત્રની સૌથી શરમજનક તસવીર હોવી જોઈતી હતી. પણ, કેન્દ્રીય મંત્રી જયંત સિન્હાએ એ તસવીરને કાયદા પ્રત્યે તેમની પ્રતિબદ્ધતાનો પુરાવો ગણાવ્યો.
હત્યાના આરોપમાં પકડાયેલા લોકોનું જાહેરમાં અભિનંદન કરનારા જયંત સિન્હા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કૅબિનેટના એક માત્ર આવા નેતા નથી.
તેમના પહેલાં દેશના સંસ્કૃતિ મંત્રી મહેશ શર્મા લિન્ચિંગના એક આરોપીના મૃતદેહને સામે નમનની મુદ્રામાં, નતમસ્તકે ઊભા રહી ચૂક્યા છે.
મોહમ્મદ અખલાકને ટોળાએ મારી નાખ્યા એ ઘટનાને તેઓ 'મામૂલી' ગણાવી ચૂક્યા છે.

ઇમેજ સ્રોત, Twitter
રાજસ્થાન ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યના ગૃહમંત્રી ગુલાબચંદ કટારીયાએ પણ ગત વર્ષે 'ગૌરક્ષકોની'ના ટોળાના હાથે જાહેરમાં માર્યા ગયેલા પહલુખાનની હત્યા માટે 'બન્ને પક્ષો'ને જવાબદાર ગણાવી ચૂક્યા છે.
તેમણે આ હત્યાને સામાન્ય ઘટના ગણાવવા પણ પ્રયાસ કર્યો હતો.

હાથમાં તલવાર તોય સાદગી

ઇમેજ સ્રોત, TWITTER
આટલું ઓછું હોય એમ હવે કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહ રડી પડ્યા. તેઓ હુલ્લડ કરવાના આરોપમાં બિહારની નવાદા જેલમાં બંધ વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોના ખબરઅંતર પૂછવા ગયા હતા.
આંસુ લૂછતાં લૂછતાં તેમણે નીતિશકુમારની સરકાર પર 'હિંદુઓને દબાવવાનો' આરોપ પણ લગાવ્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ મંત્રીઓને જોઈને એ શેર યાદ આવી જાય છે, ‘ઉનકી 'સાદગી' પર કૌન ન મર જાયે એ ખુદા, લડતે હૈં ઔર હાથ મેં તલવાર ભી નહીં!’
જ્યારે કેન્દ્ર સરકાર અને રાજ્યના મંત્રીઓ જ લિન્ચિંગ અને ટોળાને કારણે થયેલી હત્યાઓ સામે આંખ આડા કાન કરે ત્યારે કલ્પના કરો કે લાકડી-ધોકાના આધારે દરેક નાનામોટા ગામ કે શહેરોમાં બનાવાયેલી ગૌરક્ષકોની સમિતિઓના સભ્યોની છાતી કેટલી ફૂલાતી હશે?
ગત વર્ષે 29 જૂને ઝારખંડના રામગઢ જિલ્લામાં એક ટોળાએ 55 વરસના અલીમુદ્દીન અંસારીનો પીછો કર્યો.
બજારટાંડ વિસ્તારમાં પહેલાં તેમની વાનને આગ લગાવી અને બાદમાં જાહેર રસ્તા વચ્ચે તેમની હત્યા કરી નાખી.
હત્યારા ટોળાને શંકા હતી કે અલીમુદ્દીન પોતાની ગાડીમાં ગૌમાંસની સપ્લાય કઈ રહ્યા હતા.

જાણે કોઈ ક્રાંતિકારી ના હોય!

ઇમેજ સ્રોત, RAVI PRAKASH
આ શંકા એ જ પ્રકારની હતી કે જે દિલ્હી પાસે દાદરીના મોહમ્મદ અખલાક પર હુમલો કરનારા ટોળાને થઈ હતી.
પણ, આ વખતે આ ભીડ એ લોકોની નહોતી કે જેમના અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક સેમિનારમાં કહ્યું હતું કે આ લોકો 'ગૌરક્ષાના નામે પોતપોતાની દુકાનો ખોલીને બેઠા છે.'
તેમના પોતાના જ પક્ષના લોકો પર આ હિંસક ભીડમાં સામેલ થવાના આરોપ લાગ્યા હતા.
અલીમુદ્દીન અંસારીની હત્યાના આરોપોમાં ફાસ્ટ ટ્રૅક કોર્ટે જે 11 આરોપીઓને જન્મટીપની સજા સંભળાવી હતી એમાં ભાજપના સ્થાનિક નેતા નિત્યાનંદ મહતો, ગૌરક્ષક સમિતિ અને આરએસએસ સાથે જોડાયેલા બજરંગ દળના કાર્યકરો સામેલ હતા.
હત્યાના આરોપમાં જેલમાં બંધ આ લોકોને જામીન મળતા કેન્દ્રીય મંત્રી જયંત સિન્હાએ પોતાના ઘરે એમનું એવી રીતે તેમનું સન્માન કર્યું કે જાણે તેઓ હત્યાના આરોપી નહીં પણ ભગતસિંહ, રાજગુરુ કે સુખદેવની જેમ કોઈ મોટા રાષ્ટ્રીય હીરો હોય.
જ્યારે હત્યાના આરોપીઓ સાથે દેશની સૌથી શક્તિશાળી સંસ્થા એટલે કે સરકારના પ્રતિનિધિઓ જ ઊભેલા જોવા મળે ત્યારે દાદરી ટોળાના હાથે માર્યા ગયેલા મોહમ્મદ અખલાક કે રામગઢમાં સરાજાહેર જેમની હત્યા કરી દેવાઈ એ અલીમુદ્દીન અંસારીને ન્યાય મળવાની આશા કેટલી જીવંત રહી શકે?

ડિસ્કલેમર વાળી વાત

ઇમેજ સ્રોત, TWITTER/JAYANT SINHA
મહેશ શર્મા અને જયંત સિન્હા સારી રીતે જાણે છે કે બંધારણ પ્રત્યે નિષ્ઠાના સોગંદ લીધા બાદ, કેન્દ્ર સરકારના જવાબદાર પદ પર રહેતા કોઈ પણ વ્યક્તિ અપરાધનું સમર્થન ના કરી શકે.
તેઓ આરોપીઓને ફૂલોની માળા પહેરાવે છે અને સાથે જ 'સ્ટાન્ડર્ડ ડિસ્ક્લેમર' પણ જાહેર કરે છે- આ કહાણીના બધા જ પાત્રો કાલ્પનિક છે અને કોઈ પણ જીવિત કે મૃત વ્યક્તિ સાથેની સમાનતા માત્ર સંયોગ જ હશે.
જયંત સિન્હાએ શનિવારે ટ્વીટર પર ડિસ્ક્લેમર આપ્યું હતું, ''હું તમામ પ્રકારની હિંસાની નિંદા કરું છું અને તમામ પ્રકારના વિજિલૅન્ટિઝમને ફગાવી દઉં છું.''
પણ, હકીકત એ હતી કે તેમણે એ પ્રકારના લોકોને ફૂલોની માળા પહેરાવી કે જેમના પર પોલીસની હાજરીમાં એક વ્યક્તિની જાહેર હત્યા કરી દેવાનો આરોપ છે.
હાઈ કોર્ટે પણ હજુ તેમને આરોપ મુક્ત નથી કર્યા, માત્ર જામીન જ આપ્યા છે.
રાજકારણીઓ બરાબર જાણતા હોય છે કે તેમનાં કયા કામથી જનતાને કેવો સંદેશ જશે. એવું કરવાથી તેમને કેટલો ફાયદો થશે.
આ દેશના બંધારણ અને કાયદાને કારણે તેમને કેટલીય વખત એવું લાગતું હોય છે કે તેમના હાથ બંધાયેલા છે.
છતાં, પણ તેઓ એવા ડિસ્ક્લેમર સાથે પોતાની વાતો કહી દેતા હોય છે કે જેથી કાયદાનું ઉલ્લંઘન પણ ના થાય અને વાત સીધી જ ટાર્ગેટ સુધી પહોંચી પણ જાય.

મનોબળ ના ઘટે
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
જયંત સિન્હાએ કંઈ બજરંગ દળની શાખામાં રાજકારણના પાઠ નથી શીખ્યા. તેઓ અત્યંત પ્રભાવશાળી અર્થશાસ્ત્રી છે. તેમણે આંતરરાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત હાવર્ડ બિઝનેસ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે.
એમ છતાં પણ જે પ્રકારનું રાજકારણ તેઓ રમી રહ્યા છે તેમાં તેમને બજરંગ દળ અને ગૌરક્ષા સમિતિના લાકડીધારીઓની જરૂર પડશે.
એટલે જ લિન્ચિંગના આરોપીઓને કોર્ટ નિર્દોષ જાહેર કરે એ પહેલાં જ તેઓ જાતે જ જાહેર કરી દે છે.
એનો સીધો જ અર્થ એવો થાય કે આ દેશની નસેનસમાં હિંદુત્ત્વના રાજકારણનો પ્રવાહ વહેતો રાખવા માટે એ જરૂરી છે કે લાકડી-ધોકાધારી ગૌરક્ષોની સત્તા રસ્તા પર ચાલુ રહે.
તેમના તમામ ઍક્શન, દરેક કાર્યવાહીને કાં તો યોગ્ય ઠેરવવામાં આવે કે કાં તો તેમને નિર્દોષ સાબીત કરવાના પુરજોશ પ્રયાસ કરવામાં આવે.
સાથે જ, એ વાતનું પણ ધ્યાન રાખવામાં આવે કે ગૌરક્ષણના પ્રયાસમાં કરાયેલા કોઈ પણ ગુનાને કારણે તેમનું 'મનોબળ' ના ઘટે.
જો ગૌરક્ષકોનું મનોબળ ઘટ્યું કે તેમના કાયદેસર કે ગેરકાયદે કામોમાં સત્તાનું સીધું કે પરોક્ષ સમર્થન ના મળ્યું તો તેઓ સત્તાને ચાલું રાખવા માટે પોતાના જીવનું જોખમ શા માટે વહોરે?

વડાપ્રધાનની મજબૂરી?

ઇમેજ સ્રોત, Getty Images
જોકે, સાથે જ એ વાતનું પણ ધ્યાન રાખવામાં આવતું હોય છે કે ગૌરક્ષોની કરતૂતોને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને એક અરાજક રાષ્ટ્ર ના ગણી લેવામાં આવે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મજબૂત શાસકની છબીને નુકસાન ના પહોંચે.
એટલે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લાગે કે કોઈ કથિત ગૌરક્ષકને કારણે તેમની બદનામી થઈ રહી છે તો તેઓ કોઈ સેમિનારમાં જઈને ગૌરક્ષોને બે-ચાર વાતો સંભળાવીને રૅકર્ડ ઠીક કરી લે છે.
પણ લાકડી-ધોકાધારીઓ જાણે છે કે આવી રીતે ટીકા કરવી એ વડા પ્રધાનની એક પ્રકારની મજબૂરી જ છે.
અને એટલે જ તો તેઓ જયંત સિન્હા, મહેશ શર્મા કે ગુલાબ ચંદ કટારીયા તરફથી મળતા સંદેશથી ફૂલાઈ જતા હોય છે. એમનો મોદીનો ગુસ્સો પણ મીઠો લાગતો હોય છે.
વડા પ્રધાન વઢે કે તેમનાં મંત્રીઓ વ્હાલ કરે એ બધુ એક પ્રકારની રાજનીતિનો જ ભાગ છે.
જો વધુ ટીકા થાય તો વડા પ્રધાન વઢી કાઢે, પણ ગૌરક્ષોના કાળા-સફેદ કારનામાઓને સતત યોગ્ય ઠેરવતાં અને તેમની પીઠ પર મંત્રીઓના વરદહસ્તો પડતાં જ રહે.

ભયનું રાજકારણ

ઇમેજ સ્રોત, Getty Images
ગૌરક્ષકો રસ્તા પર આવ-જા કરતા ટ્રકોને ચકાસતા રહે અને તેમાં જો કોઈ ગાય-ભેસ લઈ જઈ રહ્યું હોય કે નિર્બળ મુસલમાન મળી તો રસ્તા પર જ એમને મારી નાખવા તૈયાર રહે.
આ રીતે મુસલમાનોના મનમાં હિંદુઓની તાકાતનો ભય બનેલો રહે.
મુસલમાનોમાં ભય બનાવી રાખવો એ રાજકારણની મજબૂરી અને લક્ષ્ય બન્ને છે, જેમની પાસે હિંદુઓને એક કરી રાજકીય શક્તિમાં ફેરવવાની બીજી કોઈ મજબૂત ફૉર્મ્યુલા નથી.
જ્યાં સુધી મુસ્લિમોની એક બહુમતિને હિંદુઓ અને ભારતના દુશ્મન તરીકે સ્થાપિત કરવામાં સફળ નહીં રહે ત્યાં સુધી તેઓ જાતિઓમાં વહેચાયેલા હિંદુ સમાજને કોના વિરુદ્ધ એક કરશે?
એમણે એ સાબિત કરવાનું છે કે મુસલમાનો હકીકતમાં આ દેશ અને હિંદુઓ વિરુદ્ધ સતત ષડ્યંત્રમાં લાગેલા રહે છે, વારંવાર હિંદુઓ તેમના ષડ્યંત્રનો શિકાર બનતા રહે છે.
તમામ પ્રકારનો કટ્ટરવાદ, વિધ્વંસક રૂઢિવાદી, મહિલા-વિરોધી અને પ્રગતિવિરોધી ઇસ્લામિક સંગઠનો તેમજ વ્યક્તિઓને એક જ પંગતમાં બેસાડીને તેઓ હિંદુ વિરોધી હોવાનું સાબીત કરવામાં આવે છે.
આ યાદીમાં સુવિધાના હિસાબે ક્યારેક કાશ્મીરમાં પથ્થરમારો કરનારાઓનું નામ પણ જોડાઈ જતું હોય છે.
તો ક્યારેક પાકિસ્તાનના હાફિઝ સઇદ, લશકર-એ-તૈયબા, હિઝબુલ મુજાહિદીન, આઈએસઆઈ, સીરિયાનું ઇસ્લામિક સ્ટેટ, ભારતમાં ગાયભેંસનો વેપાર કરનારા મુસલમાન, હિંદુ યુવતીઓ સાથે લગ્ન કરનારા મુસલમાન, હિંદુઓથી વધુ બાળકો પેદા કરી પોતાની વસતિ વધારનારા પણ મુસલમાન.
મુસલમાનોને હિંદુઓનો ભય બતાવવા માટે જરૂરી છે કે હિંદુઓ પણ મુસલમાનોથી ડર્યા કરે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
















