આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યને કેમ છોડ્યો મોદી સરકારનો સાથ?

અરવિંદ સુબ્રમણ્યન

ઇમેજ સ્રોત, TWITTER/ARVIND SUBRAMANIAN

ઇમેજ કૅપ્શન, અરવિંદ સુબ્રમણ્યન

દેશના મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યને તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું અંગત કારણસર આપ્યું હોવાનું તેમણે જણાવ્યું છે. હવે તેઓ અમેરિકા પાછા ફરશે.

સુબ્રમણ્યનના રાજીનામાની જાણકારી નાણા પ્રધાન અરુણ જેટલીએ આપી હતી. આ બાબતે અરુણ જેટલીએ ફેસબૂક પર એક લાંબી પોસ્ટ મૂકી હતી.

એ પોસ્ટમાં તેમણે જણાવ્યું હતું કે સુબ્રમણ્યનના રાજીનામાના કારણો અંગત છે. એ કારણો એમના માટે મહત્વનાં છે અને મારી પાસે તેમનું રાજીનામું સ્વીકારવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.

અરવિંદ સુબ્રમણ્યને મુખ્ય આર્થિક સલાહકારનું પદ 2014ની 16 ઓક્ટોબરે સંભાળ્યું હતું.

તમે આ વાંચ્યું કે નહીં?

આ અગાઉ અરવિંદ પનગઢિયાએ નીતિ આયોગના ઉપાધ્યક્ષપદેથી ગયા વર્ષના ઑગસ્ટમાં રાજીનામું આપ્યું હતું.

રિઝર્વ બૅન્કના ગવર્નર રઘુરામ રાજને 2016ના જૂનમાં જણાવ્યું હતું કે કાર્યકાળ પૂર્ણ થયા પછી તેઓ શૈક્ષણિક ક્ષેત્રમાં પાછા ફરશે.

હવે સવાલ એ છે કે દેશના આર્થિક તથા નીતિગત ક્ષેત્રમાં બહેતરી માટે સલાહકારનું કામ કરતા લોકો સરકારનો સાથ શા માટે છોડી રહ્યા છે?

બીબીસીએ આ સવાલ આર્થિક બાબતોના જાણકાર અને વરિષ્ઠ પત્રકાર પરંજોય ગુહા ઠાકુરતા તથા એમ. કે. વેણુને પૂછ્યો હતો.

line

પરંજોય ગુહા ઠાકુરતાનો દૃષ્ટિકોણ

અરવિંદ સુબ્રમણ્યને જણાવ્યું છે કે તેઓ અંગત કારણોસર અમેરિકા પાછા જવા ઇચ્છે છે.

અરુણ જેટલીએ તેમને તેમનો કાર્યકાળ વિસ્તારવા માટે પૂછ્યું હતું, પણ અરવિંદ સુબ્રમણ્યને અનિચ્છા દર્શાવી હતી.

અરુણ જેટલીએ અરવિંદ સુબ્રમણ્યનની વિદાય બાબતે એક ફેસબૂક પોસ્ટ લખી હતી અને જણાવ્યું હતું કે તેઓ અંગત કારણોસર અમેરિકા પાછા ફરવા ઇચ્છે છે અને તેમને રોકવાનો કોઈ વિકલ્પ નથી.

હકીકત આવી જ હશે એવું માની લઈએ.

સરકાર અને નાણાં મંત્રાલયમાં મુખ્ય આર્થિક સલાહકાર તરીકે અરવિંદ સુબ્રમણ્યનની પસંદગીનો નિર્ણય પણ અરુણ જેટલીએ જ કર્યો હતો.

તેઓ ચાર વર્ષ પહેલાં મુખ્ય આર્થિક સલાહકાર બન્યા હતા. એ સમયે તેમણે દેશની દવા નીતિની ટીકા કરી હતી. એ વખતે તેમની પસંદગી બાબતે સવાલ ઉઠ્યા હતા.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) અને સ્વદેશી જાગરણ મંચ અરવિંદ સુબ્રમણ્યનની પસંદગીથી નારાજ હોવાનું પણ સાંભળવા મળ્યું હતું. તેમ છતાં તેમની પસંદગી કરવામાં આવી હતી.

આ અગાઉ પણ અનેક અર્થશાસ્ત્રીઓ આવ્યા હતા અને પછી અમેરિકા પાછા ચાલ્યા ગયા હતા. તેમની સરખામણી કરી શકાય નહીં.

line

'દેશના અર્થતંત્રની હાલત બહુ સારી નથી'

નાણા પ્રધાન અરુણ જેટલી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નાણા પ્રધાન અરુણ જેટલી

રિઝર્વ બૅન્કના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજન ખુદ કહેતા હતા કે તેઓ ભારતમાં રહેવાના નથી.

રઘુરામ રાજનનો કાર્યકાળ લંબાય એવું આરએસએસ, સ્વદેશી જાગરણ મંચ અને સરકારમાંના ઘણા લોકો ઇચ્છતા ન હતા.

રઘુરામ રાજન પ્રત્યેની પોતાની નારાજગી સુબ્રમણ્યમ સ્વામીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવી હતી.

કેટલાક લોકો દબાણ હેઠળ આવીને તરત ચાલ્યા જતા હોય છે અને કેટલાક લોકો એ પાછા ફરવા માટે સમય લેતા હોય છે. આજે દેશના અર્થતંત્રની હાલત બહુ સારી નથી.

નોટબંધી અને જીએસટી જેવા નિર્ણયો ઊતાવળે લેવામાં આવ્યા હતા. પેટ્રોલિયમના ભાવ સતત વધી રહ્યા છે અને તેની અસર મોંઘવારી પર પડી રહી છે.

બેરોજગારીને ઘટાડવાના પ્રયાસો થતા નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેરોજગારી જાતે દૂર કરવાની અને ઉદ્યમી બનવાની સલાહ લોકોને આપી રહ્યા છે.

અર્થવ્યવસ્થાની સ્થિતિ સારી ન હોવાથી રઘુરામ રાજન પણ દુઃખી હતા.

બીજી બાબત એ છે કે આ સરકાર કોઈની વાત સાંભળતી નથી. આર્થિક સમીક્ષા વાંચો અને પછી બજેટ પર નજર કરો. તમને ખબર પડી જશે કે સરકારે કેટલી સલાહ સ્વીકારી અને કેટલીને નજરઅંદાજ કરી.

સલાહકારનું કામ સલાહ આપવાનું છે. નાણાપ્રધાન ઇચ્છે તો તેમની સલાહ માની શકે અને ઈચ્છે તો તેને નજરઅંદાજ કરી શકે.

line

એમ. કે. વેણુનો દૃષ્ટિકોણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અરુણ જેટલી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અરુણ જેટલી

અરવિંદ સુબ્રમણ્યને જણાવ્યું છે કે તેમનો આ કાર્યકાળ સર્વોત્તમ હતો.

રઘુરામ રાજનની વિદાય વખતે પણ આવાં જ કારણો દર્શાવવામાં આવ્યાં હતાં.

રઘુરામ રાજનને સરકાર સાથે મનમેળ ન હોવાનું ત્યારે લોકો જાણતા હતા.

અરવિંદ સુબ્રમણ્યનની વાત કરીએ તો તેમનો કાર્યકાળ ઠીક રહ્યો છે. તેઓ બહારથી આવ્યા હતા એટલે સલાહ પણ મોકળાશથી આપતા હતા.

જીએસટીના અમલના સરકારના નિર્ણયને તેમણે અયોગ્ય ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જે રીતે ટેક્સ રેટ નક્કી કરવામાં આવ્યા છે એ ચાલશે નહીં.

line

સુબ્રમણ્યનની સલાહ મુજબ જીએસટીના દર ઘટ્યા

પ્રતિકાત્મક તસ્વીર

ઇમેજ સ્રોત, AFP

સામાન્ય લોકોના ઉપયોગની વસ્તુઓ પર 28 ટકા કર વસૂલવા સામે તેમણે વાંધો લીધો હતો.

થોડા મહિના પછી તેમની સલાહ સ્વીકારીને સરકારે ટેક્સ રેટમાં ઘટાડો કર્યો હતો.

નોટબંધીના મુદ્દે પણ તેઓ અસહમત હતા, પણ તેનો ખુલ્લેઆમ વિરોધ કર્યો ન હતો.

પાછલાં ચાર વર્ષમાં ખેડૂતોની આવકમાં કોઈ વધારો ન થયો હોવાનું તેમણે આર્થિક સર્વેક્ષણમાં જણાવ્યું હતું.

તેમણે રોકાણ બાબતે પણ નારાજગી વ્યક્ત કરી હતી.

સરકારના ગુલાબી દાવાઓને તેમણે આંકડા મારફતે રંગવિહોણા કરી નાખ્યા હતા.

હવે ચૂંટણી આવી રહી છે. અરવિંદ સુબ્રમણ્યન સમજે છે કે હવે તેમનો કોઈ ઉપયોગ નથી.

હું માનું છું કે તેમણે અમેરિકા પરત જવાનો નિર્ણય પણ આ કારણસર લીધો હશે, પણ તેમણે એ માટે અંગત કારણોનો હવાલો આપ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો