દૃષ્ટિકોણ : ભાજપ માટે ખાડે ગયેલી અર્થવ્યવસ્થાને સુધારવાની છેલ્લી તક

ભારતની જનતા

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, એમ.કે. વેણુ
    • પદ, આર્થિક બાબતોના જાણકાર

સોમવારથી બજેટ સત્રનો પહેલો તબક્કો શરૂ થયો, જે નવમી જાન્યુઆરી સુધી ચાલશે. આ સત્ર દરમિયાન દેશનું સામાન્ય બજેટ રજૂ કરવામાં આવશે.

આ વર્ષે કેન્દ્રની ભાજપ સરકાર છેલ્લું પૂર્ણ બજેટ રજૂ કરશે. કારણ કે વર્તમાન લોકસભાનો કાર્યકાળ આવતા વર્ષે મે મહિના સુધીનો છે. એ પહેલાં લોકસભાની ચૂંટણીઓ યોજાશે.

એટલે વર્તમાન બજેટ સત્ર ભાજપ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે.

વાંચો વરિષ્ઠ પત્રકાર અને આર્થિક બાબતોના જાણકાર એમ. કે. વેણુનો દૃષ્ટિકોણ.

વીડિયો કૅપ્શન, સામાન્ય વ્યક્તિની સરકાર પાસે શું છે અપેક્ષા

દેશનું અર્થતંત્ર કપરા કાળમાંથી પસાર થઈ રહ્યું છે, એવા સંજોગોમાં ભાજપે છેલ્લું બજેટ રજૂ કરવાનું છે.

ગત ત્રણ વર્ષ દરમિયાનના જીડીપી (કુલ ઘરેલું ઉત્પાદન) જોઈએ તો તે 2015-16 દરમિયાન 7.9 ટકા, 2016-17 દરમિયાન 7.1 ટકા થયું. 2017-18 દરમિયાન તે ઘટીને માત્ર 6.5 ટકા રહ્યું. આ તમામ આંકડા સરકારી છે.

કૃષિ ક્ષેત્રે વિકાસ ઘટ્યો છે અને ખેડૂતોની આવકમાં પણ ઘટાડો થયો છે. સત્તા પર આવ્યા ત્યારે મોદીએ વચન આપ્યું હતું કે ખેડૂતોને તેમની પડતર કિંમત પર પચાસ ટકા નફો મળશે.

બાદમાં તેમણે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્યાંક મૂક્યું હતું. પરંતુ એ દિશામાં કંઈ થતું જણાતું નથી.

અરૂણ જેટલી

ઇમેજ સ્રોત, Getty Images

બેકારી વધી રહી છે અને નોટબંધી બાદ નાના ઉદ્યોગોની સ્થિતિ કથળી છે. આ સ્થિતિને સુધારવા માટે છેલ્લા બજેટમાં પ્રયાસ કરવામાં આવશે.

સરકાર સામે નાણાંકીય નુકસાનને પહોંચી વળવાનો પડકાર છે.

સરકારનો દાવો હતો કે જીએસટી કર પ્રણાલી આર્થિક સુધારની દિશામાં મોટું પગલું છે, પરંતુ તેના કારણે સરકારની આવક ઘટી રહી હોય તેમ લાગે છે.

નિષ્ણાતોના કહેવા પ્રમાણે, જીએસટીને અયોગ્ય રીતે લાગુ કરવાના કારણે સરકારની આવકમાં લગભગ રૂ. એક લાખ કરોડની ઘટ પડશે.

line

બજેટ પર મીટ

વીડિયો કૅપ્શન, આવતા મહિને રજૂ થનારા બજેટથી લોકોની શું અપેક્ષા છે?

અર્થવ્યવસ્થાના મુદ્દે સરકાર પર સંકટ તોળાઈ રહ્યું છે. બજેટમાંથી કંઈ મળશે કે નહીં, તેની ઉપર લોકો મીટ માંડીને બેઠા છે.

બેકારી અને ખેતી વિષયક સમસ્યાઓમાં રાજકારણ પણ ભળ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન તેની અસર જોવા મળી હતી.

ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં ભાજપનું પ્રદર્શન કથળ્યું હતું, જ્યારે શહેરી વિસ્તારમાં સારું રહ્યું હતું.

તાજેતરમાં રાજસ્થાન તથા મધ્ય પ્રદેશમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ હતી. જ્યાં ભાજપનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું.

આવનારા સમયમાં અનેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, પરંતુ તેમાં શું થશે તે ચોક્કસપણે કહી શકાય તેમ નથી.

પહેલાં નોટબંધી અને પછી જીએસટી એમ બેવડા ફટકાને કારણે દેશના અર્થતંત્રને જે નુકસાન થયું છે, તેમાંથી બહાર નીકળતા એક-દોઢ વર્ષ નીકળી જશે.

2019ની લોકસભા ચૂંટણીઓ પહેલાં આપણે તેનાં સકારાત્મક પરિણામો જોવા મળશે.

line

જીડીપી આંકડાઓ સુધરશે

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, AFP

કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે, 2018-19 દરમિયાન જીડીપીના આંકડાઓ થોડા સુધરશે. પરંતુ તેમાં કેટલો વધારો થશે તે જોવું રહ્યું.

2017 દરમિયાન દુનિયાના મોટાભાગના દેશોમાં અર્થતંત્રમાં વિકાસ જોવા મળ્યો હતો, પરંતુ ભારતમાં જીડીપી ગ્રોથ ઘટ્યો હતો.

મને ખેડૂતોમાં ગુસ્સો દેખાય રહ્યો છે. તેમને આપવામાં આવેલા વાયદાઓ નિભાવાયા નથી, એટલે તેમને લાગે છે કે તેમને ઠગવામાં આવ્યા છે.

ગુજરાતની ચૂંટણીઓ બાદ મોદીએ ખુદ કહ્યું હતું કે તેમને ભારે ટક્કર મળી હતી અને પાર્ટી માંડમાંડ ચૂંટણી જીતી છે.

વડાપ્રધાને ભાજપ સંસદીય સમિતિના સભ્યોને કહ્યું હતું, "મને ખબર છે કે કેટલી મહેનતે આ ચૂંટણી જીત્યા છીએ."

ગત બે-ત્રણ વર્ષ દરમિયાન દરેક સંસદીય સત્રમાં વિપક્ષે નોટબંધી અને અર્થ વ્યવસ્થાની કથળતી સ્થિતિ જેવા મુદ્દા ઉઠાવ્યા છે.

વીડિયો કૅપ્શન, આવતા મહિને રજૂ થનારા બજેટથી લોકોની શું અપેક્ષા છે?

બજેટ રજૂ થશે, ત્યારે પણ આ મુદ્દા ચોક્કસથી ઉઠશે. આ સિવાય પદ્માવત, કરણી સેના અને તાજેતરની ઘટનાઓ પણ ચોક્કસથી ઉછળશે.

રાજ્યોની ભાજપ સરકાર મૂકદર્શક બની રહી છે, તેના પર પણ પ્રશ્નાર્થ ઊભા થશે.

સુપ્રીમ કોર્ટના ચાર જજોએ જે મુદ્દા ઉઠાવ્યા છે, તેના પર પણ આ સત્ર દરમિયાન ચર્ચા થશે. સરકાર લોકતંત્રના ચાર મુખ્ય આધાર સાથે કેવો વ્યવહાર કરી રહી છે, તેની પણ ચર્ચા થશે.

કોંગ્રેસ આ મુદ્દો ઉઠાવે તેવી શક્યતા છે અને તેને એનસીપી (નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી)ના નેતા શરદ પવારનું સમર્થન મળશે, એવું મને લાગે છે. મને લાગે છે કે તે મહત્ત્વપૂર્ણ બાબત છે.

વડાપ્રધાન મોદીના મૌન પર પણ વિપક્ષ સવાલ ઉઠાવી શકે છે, કારણ કે આ મુદ્દાઓ પર મોદી હજુ સુધી કાંઈ નથી બોલ્યા.

(આર્થિક બાબતોના જાણકાર એમ. કે. વેણુની બીબીસી સંવાદદાતા માનસી દાશ સાથે વાતચીતના આધારે)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો