પૂણેના ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં પાકિસ્તાની શાયરના શબ્દોએ કેમ વિવાદ જગાવ્યો?

ફૈઝ અહમદ ફૈઝની તસવીર
    • લેેખક, વુસઅતુલ્લાહ ખાન
    • પદ, વરિષ્ઠ પત્રકાર, પાકિસ્તાનથી બીબીસી ગુજરાતી માટે

ફિલ્મ ઍન્ડ ટીવી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (એફટીઆઈઆઈ) પૂનાની હૉસ્ટેલમાં રહેતા બે વિદ્યાર્થીઓએ કૅન્ટીનની દીવાલ પર એક માછલી અને એક આંખ દોરી, સાથે જ 'હમ દેખેંગે' લખ્યું. બસ, હોબાળો તો થવાનો જ હતો.

ઇન્સ્ટિટ્યૂટના તંત્રને લાગ્યું કે કૅન્ટીનના બદલાવાઈ રહેલા રંગ-રૂપ વિરુદ્ધ 'હમ દેખેંગે' લખીને ધમકી અપાઈ છે, એટલે હૉસ્ટેલમાં હવે તેમના બિસ્તરાં-પોટલાં પડ્યાં રહેવા ના જોઈએ.

જોકે, આમાના એક વિદ્યાર્થીઓનું કહ્યું છે કે આ આમાં ધમકી-બમકી ક્યાંય છે જ નહીં.

હું તો ફૈઝ અહમદ ફૈઝનો દિવાનો છું અને એટલે જ તેમનો એક મિસરો 'લાઝિમ હૈ કિ હમ ભી દેખેંગે'માંથી 'દેખેંગે'ને મેં દિવાલ પર લખી દીધું, બસ!

પણ ડિરેક્ટર સાહેબે સ્પષ્ટ કહી દીધું કે વધુ શાણા ના બનો. પહેલા દિવાલ પરથી આ બધું ભૂંસો, નહીં તો બિસ્તરા-પોટલાં બાંધો.

line

ને વળી ફૈઝ સાહેબનું તો પાકિસ્તાનમાં પણ કેટલું માન?

પૂણે ઇન્સ્ટિટ્યુટ પર લખાયેલા ફૈઝના શબ્દો

ઇમેજ સ્રોત, ROHIT KUMAR

મારું માનવું છે કે આ કોઈ એવી મોટી ઘટના નથી કે આટલો હોબાળો થાય.

બે મહિના પહેલાં જ જ્યારે ફૈઝ સાહેબનાં પુત્રી મુનીઝને ભારતના વિઝા ના મળ્યા ત્યારે જ પૂના ઇન્સ્ટિટ્યૂટના આ મૂર્ખ બાળકોએ સમજી જવું જોઈતું હતું કે પવન કઈ દિશામાં વહી રહ્યો છે.

એમને જ્યારે લેનિન પ્રાઇઝ મળ્યું ત્યારે અય્યુબ ખાને જ નહીં પણ જમાત-એ-ઇસ્લામીએ પણ તેમને રશિયન એજન્ટ જ ગણાવ્યા હતા.

શું તમે આ વાંચ્યું?

જોકે, એ વાત અલગ છે કે આ જ રશિયન એજન્ટને ઝુલ્ફીકાર અલી ભુટ્ટો વડા પ્રધાન બન્યા ત્યારે પાકિસ્તાની સંસ્કૃતિના વિકાસ માટે સલાહકાર બનાવાયા હતા.

એ તો ભલું થજો ઝિયા-ઉલ-હકની સરકારનું કે રેડિયો પાકિસ્તાન કે સરકારી ટીવી પર ફૈઝ સાહેબના કોઈ પણ કલામને પ્રસારીત ના કરવા આદેશ આપી દેવાયો.

આ બન્ને સંસ્થા પાકિસ્તાનની પ્રજાની થાપણ છે અને એટલે જ પ્રજાનો પૈસો 'નઝરિયા-એ-પાકિસ્તાન'ના વિરોધીઓ અને રશિયન એજન્ટો પર થોડો બરબાદ કરી શકાય?

line

ભારતીય શાયર પણ રેડિયો પાકિસ્તાન પર પ્રતિબંધ

ફૈઝ અહમદ ફૈઝની તસવીર

ઝિયા-ઉલ-હકે કોઈ નવું કામ નહોતું કર્યું. અય્યુબ ખાને ભારત સામે યુદ્ધ હારવા કે જીતવા ઉપરાંત એક સારું કામ એ કર્યું કે એમણે રેડિયો પાકિસ્તાનને પત્ર લખી આદેશ આપી દીધો કે કોઈ પણ ભારતીય શાયરના કલામ પ્રસારિત કરવામાં ન આવે.

એટલે થયું એવું કે જે પણ શાયરના નામ ભારતીયો જેવા લાગતા કે એમની રૅકર્ડ્સ કબાટમાં બંધ પૂરી દેવાઈ.

આમાં ફિરાક સાહેબ એવા માટે બચી ગયા કે તેમનું સાચું નામ રઘુપતિ સહાય કોઈને ખબર નહોતું.

ઇકબાલ એટલાં માટે બચી ગયા કે તેઓ તો છે જ પાકિસ્તાની પ્રજાના શાયર.

હવે એ વાત તો અલગ છે કે એમના દેહાંતના નવ વર્ષ બાદ પાકિસ્તાન બન્યું.

line

દેખાતું નથી?

ફૈઝ અહમદ ફૈઝ અને અતલ બીહારી વાજપેયી

આજના ભારતમાં જ્યારે ફિલ્મ, સાહિત્ય, રાજકારણ, શિક્ષણ કે ધર્મની આડમાં છુપાયેલા દ્રોહીઓને શોધીશોધીને પાકિસ્તાન મોકલવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે, ત્યારે એક પાકિસ્તાની અને એ પણ ફૈઝ સાહેબને પસંદ કરી એમની શાયરી લખવી એ તો ગાંડપણ જ ગણાયને!

હું પૂના ઇન્સ્ટિટ્યૂટના એ બન્ને વિદ્યાર્થીઓને કહેવા માગીશ કે તેઓ માફી માગે અને પછી ક્યારેય ના લખે કે 'હમ દેખેંગે'.

જે થઈ રહ્યું છે એ દેખાઈ તો રહ્યું જ છે તો પછી લખવાની શી જરૂર?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો