કાશ્મીરમાં ‘પાકિસ્તાન ડે’ ઊજવનારા આસિયા અંદ્રાબી છે કોણ?

ઇમેજ સ્રોત, BILAL BAHADUR/BBC
- લેેખક, માજિદ જહાંગીર
- પદ, શ્રીનગરથી બીબીસી ગુજરાતી માટે
કાશ્મીરમાં ઉગ્રતાવાદીઓનાં હિમાયતી અને દુખ્તરાન-એ-મિલ્લત સંગઠનનાં અધ્યક્ષા આસિયા અંદ્રાબીને તેમના બે સાથીઓ સાથે નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી(એનઆઈએ)એ 10 દિવસની રિમાન્ડ પર લીધાં છે.
58 વર્ષનાં આસિયા અંદ્રાબી છેલ્લા ત્રણ દાયકાથી કાશ્મીરને ભારતથી અલગ કરવાનાં સમર્થક રહ્યાં છે.
તેઓ હંમેશાં કાશ્મીરને પાકિસ્તાનમાં ભેળવી દેવાની વકીલાત કરતાં રહ્યાં છે.
આસિયા અંદ્રાબીને દિલ્હીની તિહાર જેલમાં શિફ્ટ કરવાના વિરોધમાં અલગતાવાદીઓએ શનિવારે કાશ્મીર બંધનું એલાન આપ્યું હતું.
અલગતાવાદીઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આસિયાને તિહાર જેલમાં શિફ્ટ કરીને ભારત સરકાર તેમની સામે બદલો લઈ રહી છે.
આસિયાની નજીકના લોકોનું કહેવું છે કે કાશ્મીરને પાકિસ્તાનમાં ભેળવી દેવાની માગણીના ટેકેદાર મોખરાના અલગતાવાદીઓમાં સૈયદ અલીશાહ ગિલાની પછી આસિયાનો ક્રમ આવે છે.

1990માં પહેલીવાર થઈ હતી ધરપકડ

ઇમેજ સ્રોત, BILAL BAHADUR/BBC
શ્રીનગરના નૌપોરા, ખાનયારમાં જન્મેલાં આસિયાના પિતા શહાબુદ્દીન ડોક્ટર હતા, જેમનું 80ના દાયકામાં મૃત્યુ થયું હતું અને તેમને પાકિસ્તાનમાં દફન કરવામાં આવ્યા હતા.
આસિયાનાં માતાનું બે વર્ષ પહેલાં મૃત્યુ થયું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અરબીમાં માસ્ટર્સની ડિગ્રી ઘરાવતાં આસિયાએ એમએસસીનો અભ્યાસ પણ કર્યો છે.
આસિયાનાં લગ્ન ડો. કાસિમ ફાક્તો સાથે થયાં છે. શ્રીનગરના જાલડાગરના રહેવાસી કાસિમ ફાક્તો સક્રીય ઉગ્રવાદી છે.
તમે આ વાંચ્યું કે નહીં?
શરૂઆતમાં તેઓ ઉગ્રવાદી સંગઠન હિઝબુલ મુજાહિદીન સાથે જોડાયેલા હતા અને પછી જમીયત-ઉલ-મુજાહિદીનમાં સામેલ થયા હતા.
કાસિમ ફાક્તો એક કાશ્મીરી પંડિત હ્રદયલાલ વાંચોની હત્યાના આરોપસર આજીવન કારાવાસની સજા ભોગવી રહ્યા છે.
આસિયાની 1990માં પહેલીવાર ધરપકડ કરવામાં આવી હતી અને જેલમાં તેમના પહેલા પુત્ર મોહમ્મદ બિન કાસિમનો જન્મ થયો હતો.
કાશ્મીરમાં દર વર્ષે પાકિસ્તાન ડેની ઊજવણી કરતાં આસિયાની એ પછી અનેકવાર ધરપકડ કરવામાં આવી છે.
પાકિસ્તાન ડેની ઊજવણી વખતે આસિયા પાકિસ્તાનના રાષ્ટ્રગીતનું ગાન પણ તેમનાં સાથીઓ સાથે કરતાં હોય છે.

ઓસ્ટ્રેલિયામાં રહે છે તેમનો દીકરો
આસિયા એક સંબંધીના જણાવ્યા મુજબ, કાસિમ ફાક્તો તથા આસિયાનાં લગ્ન 1990-91 દરમિયાન થયાં હતાં.
લગ્નના બીજા દિવસે જ તેમના ઘરે દરોડો પાડવામાં આવ્યો હતો અને કાસિમ ફાક્તો ભાગી છૂટ્યા હતા.
આસિયા અંદ્રાબીને બે દીકરા છે, જેમાંનો એક ઓસ્ટ્રેલિયામાં અને બીજો કાશ્મીરમાં રહે છે.
આસિયાના એક ભાઈ ઇનાયત ઉલ્લાહ અંદ્રાબી હાલ લંડનમાં રહે છે, જ્યારે તેમની એક બહેનનાં લગ્ન પાકિસ્તાનમાં થયાં છે.
દુખ્તરાન-એ-મિલ્લત સાથે જોડાતાં પહેલાં આસિયા જમાત-એ-ઇસ્લામી સાથે પણ જોડાયેલાં હતાં.
પત્રકાર ખુર્શીદ વાનીના જણાવ્યા મુજબ, આસિયાના ભાઈ ઇનાયત અંદ્રાબી ઇસ્લામી જમીયત તુલબાના નેતા પણ હતા.
ખુર્શીદ વાનીએ કહ્યું હતું, "ઇસ્લામી જમીયત તુલબા પછી તેમણે તેમનું પોતાનું એક ગ્રૂપ બનાવ્યું હતું."
"એ ગ્રૂપનું નામ મહાજ-એ-ઇસ્લામી હતું, પણ એ ગ્રૂપ બહુ સક્રીય રહ્યું ન હતું અને ઇનાયત અંદ્રાબી કાશ્મીર છોડીને ચાલ્યા ગયા હતા. તેઓ હાલ ક્યા દેશમાં છે એ કોઈ જાણતું નથી."
ખુર્શીદ વાનીના જણાવ્યા મુજબ, આસિયા અંદ્રાબીએ 80ના દાયકામાં ચુસ્ત ધાર્મિક વલણ અપનાવ્યું હતું. એ પહેલાં તેઓ સામાન્ય શહેરી યુવતી જેવાં હતાં.

સશસ્ત્ર આંદોલનનાં ટેકેદાર

ઇમેજ સ્રોત, Getty Images
ખુર્શીદ વાનીએ કહ્યું હતું, "80ના દાયકામાં આસિયા અંદ્રાબી કૉલેજમાં ભણતાં હતાં ત્યારથી તેમની ધાર્મિક લાગણી તીવ્ર બની હતી.
"તેઓ સ્ટુડન્ટ પોલિટિક્સમાં સક્રીય થવા લાગ્યાં હતાં. તેઓ ગવર્નમેન્ટ વીમેન કૉલેજમાં બીએસસીનાં સ્ટુડન્ટ હતાં.
"એ વખતે તેમણે ધાર્મિક પુસ્તકોનો અભ્યાસ શરૂ કર્યો હતો. એ પહેલાં તેઓ એક મૉર્ડન છોકરી હતાં."
એક અન્ય લેખક હારુન રેશીના જણાવ્યા મુજબ, આસિયા અંદ્રાબીએ તેમને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ઉર્દૂના વિખ્યાત લેખક, શાયર માયલ ખૈરબાદીનું પુસ્તક 'ખવાતીન કી દિલોં કી બાતેં' (સ્ત્રીના હ્રદયની વાત) વાંચીને તેમની વિચારધારા બદલાઈ ગઈ હતી.
આસિયાએ 1990માં દુખ્તરાન-એ-મિલ્લત સંગઠનની સ્થાપના કરી હતી અને આખા શ્રીનગરના મદરેસાઓમાં જાળ બિછાવી હતી.
કાશ્મીરમાં ચાલી રહેલા સશસ્ત્ર આંદોલનને ટેકો આપવાનું પણ તેમણે 1990માં જ શરૂ કર્યું હતું.
હારુન રેશીએ કહ્યું હતું, "કાશ્મીર મુદ્દે આસિયાનું વલણ હંમેશાં કઠોર રહ્યું છે. તેઓ કાશ્મીર સમસ્યાને આ ધાર્મિક બાબત માને છે."
"કાશ્મીરમાં ચાલતા ભારતવિરોધી આંદોલનને તેઓ જેહાદ ગણાવે છે. તેઓ ઉગ્રવાદનું ખુલ્લેઆમ સમર્થન કરે છે."
"તેઓ ઇચ્છે છે કે કાશ્મીરને ધર્મના આધારે પાકિસ્તાન સાથે ભેળવી દેવું જોઈએ. આ બધું તેઓ આજ સુધી ખુલ્લેઆમ કહેતાં રહ્યાં છે."

બુરખા સંબંધી ઝૂંબેશ નિષ્ફળ

ઇમેજ સ્રોત, Getty Images
કાશ્મીરી મહિલાઓએ બુરખામાં રહેવું જોઈએ એવા આગ્રહ સાથે આસિયાએ ઝુંબેશ શરૂ કરી હતી, પણ તેમાં તેઓ સફળ થયાં નથી.
આ ઝુંબેશ માટે લોકોમાં તેમની જોરદાર ટીકા થઈ હતી. લોકોએ આક્ષેપ કર્યો હતો કે આસિયા બળજબરીથી મહિલાઓને બુરખામાં રાખવા ઇચ્છે છે.
કેટલીક મહિલાઓએ બુરખામાં રહેવાનું શરૂ કર્યું હતું, પણ એ ઝુંબેશ લાંબો સમય ચાલી ન હતી.
એ ઉપરાંત આસિયાએ કાશ્મીરમાં કેફે કલ્ચર સામે પણ જોરદાર ઝુંબેશ શરૂ કરી હતી. તેમાં પણ તેઓ સફળ થયાં ન હતાં.
કેફે કલ્ચર બંધ કરાવવા માટે આસિયાએ તેમની ઝુંબેશ દરમિયાન અનેક કપલ્સ પર કાળો રંગ પણ ફેંક્યો હતો.
ખુર્શીદ વાણીએ કહ્યું હતું, "બુરખા માટે અને કેફે કલ્ચર વિરુદ્ધ આસિયાએ કાશ્મીરમાં જોરશોરથી ઝુંબેશ ચલાવી હતી, પણ એ સફળ થઈ શક્યાં ન હતાં."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













