'ભાજપના નારાજ ધારાસભ્યો ખજૂરાહોવાળી કરે તેવી શક્યતા'

ઇમેજ સ્રોત, HardikPatel/Twitter
'દિવ્ય ભાસ્કર'ની વેબસાઇટ અનુસાર, પાટીદાર નેતા હાર્દિક પટેલે ગુજરાતમાં રાજકીય બળવાની આશંકા વ્યક્ત કરી છે.
હાર્દિકે કહ્યું, ''જ્યારે ખજૂરાહોકાંડ સર્જાયો ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિદેશ ગયા હતા. આ વખતે પણ વિજય રૂપાણી વિદેશ પ્રવાસે છે, ત્યારે ભાજપના નારાજ ધારાસભ્યો સરકાર ઊથવાલી નવાજૂની કરી શકે એમ છે.''
મહત્ત્વપૂર્ણ છે કે આ પહેલાં પણ હાર્દિકે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ઉદ્દેશની એક ટ્વીટ કર્યું હતું.
વિજય રૂપાણીના વિદેશ પ્રવાસ અંગે વાત કરતા હાર્દિકે લખ્યું હતું, ''નીતિનભાઈ છ દિવસ મળ્યા છે. અનામત, શહીદ પાટીદારોને ન્યાય, નિર્દોષ યુવાનો પરથી રાજદ્રોહના કેસ પરત લેવાં જેવી બાબતોનો અમલ કરી પાંચ વર્ષ માટે મુખ્યમંત્રી બની જાવ.''
બાયડના તેનપુર ગામે પાટીદાર શહીદ યાત્રા દરમિયાન હાર્દિકે સંબંધિત વાત કરી હતી.
ભુંડાસણથી તેનપુર સુધી નીકળેલી શહિદ યાત્રામાં હાર્દિક જોડાશે કે નહીં એવી અટકળો વચ્ચે હાર્દિકના આગમનને પાટીદારોએ વધાવી લીધું હોવાનું પણ વેબસાઇટ જણાવે છે.

ફરી સ્વિસ બૅન્કોમાં ભારતીયોનાં નાણાં વધ્યા

ઇમેજ સ્રોત, Getty Images
સતત ત્રણ વર્ષ સુધી ઘટાડા બાદ ગત વર્ષે (2017માં) સ્વિસ બૅન્કોમાં ભારતીયોનાં નાણાંની ટકાવારીમાં પચાસ ટકાનો ઉછાળો આવ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતીયો દ્વારા સ્વીસ બૅન્કોમાં મૂકવામાં આવેલા નાણાં 1.02 અબજ સ્વિસ ફ્રૅન્ક (અંદાજે સાત હજાર કરોડ રૂપિયા) હોવાનું બહાર આવ્યું હતું.
અંગ્રેજી અખબાર 'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ પ્રમાણે, સ્વિસ નેશનલ બૅન્ક દ્વારા આ આંકડા બહાર પાડવામાં આવ્યા છે.
અગાઉ વર્ષ 2006માં ભારતીયોના રૂ. 44,500 કરોડ સ્વિસ બૅન્કોમાં જમા હતા.
તાજેતરમાં રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા દ્વારા વિદેશમાં નાણા મોકલવા માટે ઉદાર નીતિ અપનાવવામાં આવી છે, જેનાં કારણે પણ સ્વિસ બૅન્કમાં ભારતીયોએ જમા કરાવેલી રકમ વધી હોવાનું માનવામાં આવે છે.
કાળાં નાણાંને ડામવા માટે ભારત અને સ્વિત્ઝરલૅન્ડ વચ્ચે કરાર કરવામાં આવ્યા છે, જે મુજબ ભારતીયો દ્વારા જમા કરાવવામાં આવેલી રકમ અંગે ભારત સરકારને માહિતી આપવામાં આવે છે.

મોદીની વિદેશયાત્રા પાછળ કેટલો ખર્ચ?

ઇમેજ સ્રોત, Getty Images
એક આરટીઆઈ (રાઇટ ટુ ઇન્ફોર્મેશન) અરજીમાં બહાર આવેલી વિગતો પ્રમાણે, ચાર વર્ષના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન તેમની વિદેશયાત્રાઓ પાછળ રૂ. 355 કરોડનો ખર્ચ થયો છે.
ન્યૂ ઇન્ડિયન એક્સ્પ્રેસમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે, 48 મહિનાના કાર્યકાળ દરમિયાન મોદીએ 50 દેશોમાં 41 વિદેશયાત્રાઓ ખેડી છે.
બેંગ્લુરુ સ્થિત આરટીઆઈ કાર્યકર્તા ભીમપ્પા ગદાદે માગેલી માગેલી વિગતોમાં બહાર આવ્યું હતું કે મોદીએ તેમના કાર્યકાળ દરમિયાન કુલ 165 દિવસ વિદેશમાં રહ્યા હતા.
વર્ષ 2015માં મોદી ત્રણ દેશોની નવ દિવસીય વિદેશયાત્રા પર ગયા હતા, જેમાં સૌથી વધુ ખર્ચો આવ્યો હતો. એ પ્રવાસ પાછળ રૂ. 31,25,78,000નો ખર્ચ થયો હતો.
મોદીએ જૂન 2014માં વડા પ્રધાન બન્યા બાદ ભૂટાનની સૌપ્રથમ વિદેશયાત્રા ખેડી હતી, જેમાં સૌથી ઓછું ખર્ચ થયો હતો. એ યાત્રામાં 2,45,27,465નો ખર્ચાયા હતા.
મોદીની આંતરદેશીય યાત્રાઓ પાછળ કેટલો ખર્ચ થયો હતો, તેની વિગતો પણ ભીમપ્પા દ્વારા માગવામાં આવી હતી. જોકે, આ વિશે જવાબ આપવામાં આવ્યો ન હતો.
આરટીઆઈના પ્રત્યુત્તરમાં જણાવાયું હતું કે, સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રૂપ (SPG) દ્વારા વડા પ્રધાનને સુરક્ષા આપવામાં આવે છે. આ સંગઠનને આરટીઆઈમાંથી મુક્તિ મળેલી છે.
જોકે, ભીમપ્પાનું કહેવું છે કે તેઓ સુરક્ષા વ્યવસ્થા અંગે નહીં પણ તેની પાછળ થયેલા ખર્ચ અંગે વિગત માગી હતી.
ભીમપ્પાએ માગ કરી હતી કે મોદીની વિદેશયાત્રાઓમાંથી કેટલો લાભ થયો, તે અંગેની વિગતો પણ બહાર પાડવી જોઈએ.

ગુજરાતમાં યહુદીઓ ધાર્મિક લઘુમતી

ઇમેજ સ્રોત, VijayRupani/Facebook
'ઇન્ડિયન એકસપ્રેસ'ના અહેવાલ અનુસાર, ઇઝરાયલના પ્રવાસે ગયેલા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ યહુદીઓને રાજ્યમાં ધાર્મિક લઘુમતીનો દરજ્જો આપવાની જાહેરાત કરી છે.
જેરુસલેમમાં ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથેની મુલાકાત બાદ રૂપાણીએ આ જાહેરાત કરી હતી.
રાજ્યના માહિતી ખાતાએ જણાવ્યું છે કે યહુદીઓને લઘુમતીનો દરજ્જો આપવા સરકારે સૈદ્ધાંતિક સ્વીકાર કર્યો છે. ટૂંક સમયમાં આ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવશે.
રૂપાણી સરકારની આ જાહેરાતને ગુજરાતમાં રહેતા 300 જેટલા બેને ઇઝરાયલી યહુદી લોકોએ વધાવી લીધી છે. આમાંથી અડધોઅડધ યહુદીઓ અમદાવાદમાં રહે છે.
મહત્ત્વપૂર્ણ છે કે લઘુમતીના દરજ્જા માટે ગુજરાતના યહુદીઓ દ્વારા છેલ્લાં કેટલાય સમયથી માગ કરાઈ રહી હતી.

ત્રિપુરામાં ભીડ દ્વારા એકની હત્યા

ઇમેજ સ્રોત, Getty Images
ઉત્તર પ્રદેશના એક ફેરિયાની ગુરૂવારે ત્રિપુરામાં હત્યા કરી નાખવામાં આવી હતી જ્યારે અન્ય બે લોકો ઘાયલ થયા છે.
મૃતક અને તેમના સાથીઓ બાળકચોર છે, એવી આશંકાને પગલે સ્થાનિકોએ તેમની ઉપર હુમલો કર્યો હતો.
'એનડીટીવી'ના અહેવાલ પ્રમાણે ઝહિર ખાનનું (33) ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે તેમના બે સાથીઓ ગુલઝાર તથા ખુર્શીદ ખાનને ગંભીર ઇજાઓ પહોંચી છે.
પોલીસ અધિકારી સ્મૃતિ રંજન દાસના કહેવા પ્રમાણે, પીડિતોએ ત્રિપુરા સ્ટેટ રાયફલ્સ કૅમ્પમાં આશરો લીધો હતો, છતાંય સુરક્ષાબળો ઉશ્કારાયેલી ભીડને વીખેરવામાં નિષ્ફળ રહ્યા હતા.
" સુરક્ષાબળોએ હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જ્યારે ટિયરગેસના સેલ્સ પણ છોડ્યા હતા, છતાં હજારો લોકોની ભીડ વિખેરાઈ ન હતી અને ફેરિયાની હત્યા કરી નાખી હતી."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














