'અંતિમ સમય' માટે કબીરે મગહરને જ કેમ પસંદ કર્યું હતું?

મગહર

ઇમેજ સ્રોત, SAMIRATMAJ MISHRA

    • લેેખક, સમીરાત્મજ મિશ્ર
    • પદ, બીબીસી ગુજરાતી માટે, મગહરથી

વારાણસીથી લગભગ બસો કિલોમિટર દૂર આવેલા સંતકબીર નગર જીલ્લાનું નાનકડું ગામ છે મગહર. વારાણસીને પ્રાચીનકાળથી જ જ્યાં લોકો મોક્ષ આપતી નગરી તરીકે ઓળખે છે.

તો મગહર જાણીતું એ રીતે છે કે આ એક અપવિત્ર જગ્યા છે અને અહીં મૃત્યુ પામતી વ્યક્તિને આવતા જન્મમાં ગધેડાનો અવતાર મળે છે કે પછી નરકમાં જાય છે.

સોળમી સદીનાં મહાન સંત કબીરદાસનો જન્મ વારાણસીમાં થયો અને એમણે એમનું આખું જીવન કાશી એટલે કે વારાણસીમાં જ વિતાવ્યું, પણ અંતિમ સમયમાં તેઓ મગહર ચાલ્યા ગયા અને આજથી પાંચસો વર્ષ પહેલાં વર્ષ 1518માં તેમનું મૃત્યુ થયું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે ત્યાં જાહેરસભાને સંબોધી હતી. મોદીએ કહ્યું, "તેઓ (કબીર) વ્યક્તિથી અભિવ્યક્તિ અને તેથી આગળ શબ્દથી બ્રહ્યશબ્દ બની ગયા. તેઓ વિચાર બનીને આવ્યા અને વ્યવહાર બનીને અમર થઈ ગયા."

મોદીએ સંત કબીર એકૅડેમીનું ખાતમુહૂર્ત કર્યું.

કબીર સ્વેચ્છાથી મગહર આવ્યા હતા અને 'કાશીમાં મોક્ષ મળે છે અને મગહરમાં નરક' એ માન્યતા તોડવા માગતા હતા. મગહરમાં કબીરની સમાધિ અને મઝાર આજે પણ છે .

કબીરની સમાધિના પરિસરની બહાર પૂજા-સામગ્રીની દુકાન ચલાવતા રાજેન્દ્ર કુમાર જણાવે છે, "મગહરને ભલે ગમે તે રીતે ઓળખવામાં આવતું હોય, પણ કબીર સાહેબે એને પવિત્ર બનાવી દીધું. આજે દુનિયાભરનાં લોકો મગહરને ઓળખે છે અને અહીં આવે છે."

line

નામની પાછળનું રહસ્ય

મગહર

ઇમેજ સ્રોત, SAMIRATMAJ MISHRA

ઉત્તર પ્રદેશના પૂર્વ ભાગમાં ગોરખપુરથી લગભગ ત્રીસ કિલોમિટર દૂર પશ્ચિમમાં મગહર આવેલું છે.

મગહર નામ પાછળ ઘણી દંતકથાઓ સાંભળવા મળે છે. એમ કહેવાય છે કે પ્રાચીનકાળમાં બૌદ્ધ ભિક્ષુ આ જ માર્ગે કપિલવસ્તુ, લુંબિની, કુશીનગર જેવા પ્રસિધ્ધ બૌદ્ઘ સ્થળોનાં દર્શન કરવા જતાં હતાં.

આ વિસ્તારની આજુબાજુ મોટા ભાગે આ ભિક્ષુઓ સાથે લૂંટફાટની ઘટના બનતી હતી અને એ કારણસર જ આ રસ્તાનું નામ 'માર્ગહર' એટલે કે 'મગહર' પડી ગયું.

પણ કબીરની મઝારનાં મુતવલ્લી ખાદિમ અંસારીનાં જણાવ્યા અનુસાર, "માર્ગહર નામ એટલા માટે નથી પડ્યું કે અહીં લોકોને લૂંટી લેવામાં આવતાં હતાં, પણ એટલે પડ્યું કે અહીંથી પસાર થનાર વ્યક્તિ હરિ એટલે કે ભગવાન પાસે જ જાય છે."

આ કેટલીક એવી વાતો છે જેનું કોઈ ઐતિહાસિક પ્રમાણ મળતું નથી પણ ઐતિહાસિક તથ્યો આ દંતકથાનું સમર્થન ચોક્કસ કરે છે.

ગોરખપુર વિશ્વવિદ્યાલયમાં પ્રાચીન ઇતિહાસ વિભાગના પ્રોફેસર વિપુલા દુબે જણાવે છે , ''દંતકથાનાં ઐતિહાસિક પ્રમાણ ભલે ના હોય પણ એના ઐતિહાસિક મહત્ત્વને જળમૂળથી તો ના જ ઉખાડી શકાય."

"વાસ્તવમાં ,આ લોકવાયકાઓનાં આધારે ઐતિહાસિક તથ્યોની તપાસ માટે ઊંડી શોધખોળ કરવાની જરૂર છે.''

line

મહેનત મજૂરી કરનારાઓનો વિસ્તાર

મગહર

ઇમેજ સ્રોત, SAMIRATMAJ MISHRA

પ્રોફેસર દુબે જણાવે છે કે, આ માર્ગ બૌદ્ધ યાત્રાસ્થળો સુધી જરૂર જતો હતો, પણ અહીં 'લોકોને લૂંટી લેવામાં આવતા હતા' એ વાતનું કોઈ પ્રમાણ મળતું નથી અને ના તો એનો સાહિત્યમાં પણ કોઈ ઉલ્લેખ છે.

મગહરને પવિત્ર સ્થાન ન માનવા પાછળનું કારણ પ્રોફેસર વિપુલા દુબે જણાવે છે,''પૂર્વી ઈરાનમાંથી માઘી બ્રાહ્મણ જે-જે વિસ્તારમાં આવીને વસ્યાં, એ વિસ્તાર અંગે આવી જ નકારાત્મક ધારણા ઉપજાવી દેવામાં આવી.

"અવધ ક્ષેત્રથી માંડી મગધ સુધીનો વિસ્તાર માઘી બ્રાહ્મણનો હતો અને વૈદિક બ્રાહ્મણ એમને મહત્ત્વ આપતાં નહોતાં. એટલા માટે જ એમના નિવાસ સ્થળને પણ ઊતરતી કક્ષાનું ચિતરવામાં આવ્યું છે.

"વારાણસી વૈદિક બ્રાહ્મણોનું એક મોટું કેન્દ્ર હોવાથી તેને વધારે પડતું મહત્ત્વ આપવામાં આવ્યું."

હાલમાં મગહરનો સમગ્ર વિસ્તાર મહેનત મજૂરી કરનારાઓનો વિસ્તાર છે. વહીવટી રીતે તો આ એક ગ્રામ પંચાયત છે અને તે ખલીલાબાદ સંસદીય ક્ષેત્ર હેઠળ આવે છે, પણ અહીંનું મુખ્ય આકર્ષણ કે પર્યટન કેન્દ્ર તો કબીર ચોરા કે કબીર ધામ જ છે.

line

કબીર ધામ

મગહર

ઇમેજ સ્રોત, SAMIRATMAJ MISHRA

કબીર પોતાના અંતિમ સમયમાં જ્યાં રહ્યાં તે ક્ષેત્રની વિચારધારા પણ એમના માનસ સાથે એકરૂપ જણાય છે.

આમી નદીને કિનારે જ્યાં શબને અગ્નિદાહ આપવામાં આવ્યો, તેની જમણી બાજુએ કબ્રસ્તાન હતું અને આજે પણ તે ત્યાં જ છે.

કબીરદાસની સમાધિથી લગભગ સો મીટર દૂર એ જ પરિસરમાં કબીરની મઝાર પણ છે.

મઝારનાં મુતવલ્લી ખાદિમ અંસારીનાં જણાવે છે, ''મઝાર જ્યાં છે, એ વિસ્તારમાં આજે પણ કબ્રસ્તાન છે. સમાધિ અને મઝાર વચ્ચે બે કબરો અમારા પૂર્વજોની છે.

"આ વિસ્તાર અત્યારે પુરાતત્વ વિભાગનાં સંરક્ષણ હેઠળ છે પણ એની બહાર કબ્રસ્તાન જ છે અને બીજી બાજુ સ્મશાન ઘાટ.''

હિન્દુ-મુસ્લિમ એકતાનાં પ્રતીક તરીકે યાદ રહેલા સંત કવિ કબીર ધાર્મિક સામંજસ્ય અને ભાઈચારાનો જે વારસો છોડીને ગયા છે, એ વારસો આ પરિસરમાં જીવંત જોવા મળે છે.

પરિસરની અંદર, જ્યાં એક બાજુ કબર છે તો બીજી બાજુ એક મસ્જિદ અને થોડાં અંતરે મંદિર પણ છે. આટલું જ નહીં, લગભગ એક કિલોમિટરના અંતરે એક ગુરુદ્વારા પણ છે, જે અહીંથી સ્પષ્ટ જોઈ શકાય છે.

આ બધું એકદમ સરળતાથી થયું નથી. કબીરદાસનાં મૃત્યુ બાદ એમના પાર્થિવ શરીર પર અધિકાર અંગે હિંદુઓ અને મુસલમાનો વચ્ચે સંઘર્ષની વાતો પણ જાણીતી છે.

જાણકારોના મત અનુસાર, આ જ કારણસર હિંદુઓએ એમની સમાધિ અને મુસલમાનોએ કબર બનાવી, પણ હવે એમનાં અનુયાયીઓ બન્ને સ્થળોએ પોતાની શ્રધ્ધા વ્યક્ત કરવા આવે છે.

line

કબીરપંથીઓ માટે શ્રદ્ધાનું મુખ્ય કેંદ્ર

મગહર

ઇમેજ સ્રોત, SAMIRATMAJ MISHRA

મગહર દેશભરમાં ફેલાયેલા કબીરપંથીઓ માટે શ્રદ્ધાનું મુખ્ય કેંદ્ર છે.

અહીંના મુખ્ય મહંત વિચારદાસના જણાવ્યા મુજબ દેશભરમાં કબીરનાં લગભગ ચાર કરોડ અનુયાયીઓ છે અને વર્ષ દરમિયાન અહીંયા લાખોની સંખ્યામાં લોકો આવે છે.

વિચાર દાસ જણાવે છે, "કેટલાક લોકો પર્યટક તરીકે પણ આવે છે, પણ મોટા ભાગનાં લોકો અહીંયા ધાર્મિક શ્રધ્ધાને કારણે આવે છે."

"વડા પ્રધાન તરીકે અહીં આવનાર મોદીજી પહેલી વ્યક્તિ છે, જ્યારે પૂર્વ વડા પ્રધાન તરીકે ઇંદિરા ગાંધી અહીંયા આવી ચૂક્યાં છે.''

મગહરનાં નિવાસીઓ પોતાનાં ક્ષેત્ર અંગેની દંતકથા માટે કંઈ અલગ જ વિચારે છે.

મગહર ગામમાં તમામ સ્કૂલ, કૉલેજ, અન્ય શૈક્ષણિક સંસ્થાઓ અને તમામ દુકાનો તથા ઇમારતોનાં નામ પણ કબીરનાં નામ પરથી રાખવામાં આવ્યાં છે.

સ્થાનિક રહેવાસી રામ નરેશ જણાવે છે , ''દંતકથાઓ કંઈ પણ હોય,પણ અહીંના લોકો તો અહીં જન્મ લેવા અને મરવા માટે પણ ગૌરવ જ અનુભવે છે.''

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો