નીતિ આયોગે આપ્યો જવાબ: ગુજરાત વૉટર મૅનેજમૅન્ટમાં અવ્વલ, તો જળસંકટ કેમ?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, કિંજલ પંડ્યા વાઘ
- પદ, બીબીસી સંવાદદાતા
તાજેતરમાં જ કેન્દ્ર સરકારની થિંક ટેન્ક સંસ્થા નીતિ આયોગે જળ સંકટ પર એક રિપોર્ટ જાહેર કર્યો હતો.
રિપોર્ટ અનુસાર નીતિ આયોગે, ભારતમાં ગંભીર જળ સંકટ વિશે વાત કરી હતી. વળી તાજેતરમાં પેટ્રોલ-ડીઝલમાં અતિશય ભાવવધારા પર પણ ઘણી ચર્ચાઓ થઈ.
ઉપરોક્ત વિષયો સહિત અન્ય મુદ્દે બીબીસીના સંવાદદાતા કિંજલ પંડ્યાએ નીતિ આયોગના ઉપ-અધ્યક્ષ રાજીવ કુમાર સાથે ખાસ વાતચીત કરી.
બીબીસીને આપેલા ખાસ ઇન્ટરવ્યૂમાં તેમણે પેટ્રોલ-ડિઝલના ભાવવધારાની સમસ્યા અને રાજ્ય તથા કેન્દ્રમાં ચૂંટણીઓ એક જ સમયે યોજવા વિશે વાતચીત કરી.

જળ વ્યવસ્થાપન અને ગુજરાત

એ રિપોર્ટમાં જળ વ્યવસ્થાપન માટે 24 રાજ્યોને રેન્કિંગ આપ્યું હતું. જેમાં ગુજરાત ટોચ પર રહ્યું હતું. જ્યારે મધ્યપ્રદેશ બીજા તથા આંધ્ર પ્રદેશ ત્રીજા ક્રમે રહ્યા હતા.
રાજીવ કુમારના કહેવા પ્રમાણે, "ચેક ડેમ, જળ સંચય તથા અન્ય પગલાં લીધા છે, જેનાં કારણે ગુજરાતમાં ભૂગર્ભ જળસ્તર વધ્યું છે.
"ગુજરાતમાં ખેડૂતોએ સિંચાઈ વપરાશનાં પાણી માટે પૈસા ચૂકવવા પડે છે. ત્યાં ખેડૂતોને 24 X 7 વીજળી મળે છે. જ્યારે ખેડૂતોને અવિરત વીજળી મળવા લાગી તો તેઓ પૈસા ચૂકવવા માટે તૈયાર થયા.
"આવું જ પાણી માટે થયું છે. ખેડૂતોએ પાણી માટે પૈસા ચૂકવવા પડે છે એટલે તેઓ પાણી બચાવે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાજીવ કુમાર ઉમેરે છે કે ગુજરાતે 'મોર ક્રોપ, પર ડ્રોપ' દ્વારા ડ્રીપ ઇરિગેશનને પ્રોત્સાહન આપવાની યોજના હાથ ધરી છે. ઉપરાંત શહેરી વિસ્તારોમાં દરેક જોડાણમાંથી નાણાં મળે તેવી વ્યવસ્થા ઊભી કરી છે, જેથી કરીને ગુજરાતમાં ભૂગર્ભ જળસ્તર વધ્યું છે.
આપને આ પણ વાંચવું ગમશે

તો ગુજરાતમાં જળ સંકટ કેમ?
છેલ્લા એક વર્ષથી ગુજરાતમાં જળસંકટ પ્રવર્તમાન છે. ત્યારે નીતિ આયોગના અહેવાલથી ઘણાંને આશ્ચર્ય થયું હતું.
તેના જવાબમાં રાજીવ કુમાર કહે છે, "અપૂરતા વરસાદને કારણે ગુજરાતમાં આ સ્થિતિ ઊભી થઈ હતી. તેનાં કારણે વોટર મૅનેજમૅન્ટ ક્ષેત્રે જે કાંઈ કર્યું છે, તેને નકારી ન શકાય."
ડેટાની સત્યતા અંગે રાજીવ કુમારે કહ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા આ ડેટા આપવામાં આવ્યો હતો અને બે સ્વતંત્ર એજન્સીઓએ તેને પ્રમાણિત કર્યો હતો.
વોટર મૅનેજમૅન્ટ રિપોર્ટનો અહેવલ

ઇમેજ સ્રોત, Getty Images
- દેશના 54 ટકા વિસ્તારમાં ભૂગર્ભ જળસ્તર ઘટી રહ્યું છે.
- દેશના 60 કરોડ લોકો ભારેથી ગંભીર શ્રેણીના જળસંકટનો સામનો કરી રહ્યા છે.
- દેશનું 70 ટકા પાણી પ્રદૂષિત છે.
- વોટર ક્વૉલિટી ઇન્ડેક્સમાં વિશ્વના 122 રાષ્ટ્રોમાંથી ભારત 120મા ક્રમે છે.
- દર વર્ષે પીવાનું શુદ્ધ પાણી ન મળવાથી બે લાખ ભારતીયો મૃત્યુ પામે છે.
- 2030 સુધીમાં દેશના કરોડો લોકો જળસંકટથી ઝઝૂમી રહ્યા હશે, જેનાં કારણે દેશના કુલ ઘરેલું ઉતપાદનમાં છ ટકાની ઘટ આવશે.
નીતિ આયોગ દ્વારા પગલાં

ઇમેજ સ્રોત, Getty Images
અગાઉ રશિયાની તર્જ પર ભારતમાં આયોજન પંચ કાર્યરત હતું, જેનાં સ્થાને જાન્યુઆરી 2015માં નીતિ આયોગની સ્થાપના કરવામાં આવી હતી.
આયોજન પંચ દ્વારા પંચ વર્ષીય યોજનાઓ બનાવવામાં આવતી હતી, જ્યારે નીતિ આયોગ દ્વારા અમલમાં મૂકી શકાય તેવી નીતિઓનું ઘડતર કરવામાં આવે છે.
જેમ કે, વૉટર મૅનૅજમૅન્ટના ઉત્કૃષ્ટ ઉપાયોને નીતિ આયોગ દ્વારા એક મેન્યુઅલ સ્વરૂપે તમામ રાજ્યોને મોકલવામાં આવશે.

2020 સુધીમાં 21 શહેરોમાં જળ સંકટ
નીતિ આયોગે તેના એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે જે ઝડપથી જમીનમાંથી પાણી કાઢવામાં આવી રહ્યું છે દિલ્હી, બેંગ્લુરુ, ચેન્નાઈ તથા હૈદરાબાદનું જમીન પાણી વર્ષ 2020 સુધીમાં ખાલી થઈ જશે.
રાજીવ કુમારના કહેવા પ્રમાણે, દર વર્ષે જળસંકટ ઊભું થાય છે, પણ આપણે ત્યાં તેની ચર્ચા થતી નથી, વાસ્તવમાં તે ભારતીયો સામે 'મોટી સમસ્યા' છે. અનેક રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થાઓએ આ અહેવાલને હેડલાઇન તરીકે સ્થાન આપ્યું હતું.

"...તો પેટ્રોલના ભાવ ઘટી શકે છે"

ઇમેજ સ્રોત, REUTERS/MAX ROSSI
પેટ્રોલ-ડિઝલના ભાવવવાધા વિશેના સવાલ વિશે રાજીવ કુમારે કહ્યું કે રાજ્ય સરકારો જો ટેક્સ ઘટાડે તો તેના ભાવમાં ઘટાડો થઈ શકે છે.
તેમણે આ પેટ્રોલ-ડિઝલની કિંમતો વિશે કહ્યું કે, "રાજ્ય સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવ પર મૂલ્ય આધારિત ટેક્સ લગાવે છે."
"આથી જેમ ભાવ વધે તેમ ટેક્સનું પ્રમાણ વધે છે. ઉપરાંત તેના પર એક્સાઇઝ ડ્યૂટી પણ નાખવામાં આવે છે."
"આથી પણ વધુ તેના પર એક ટકા ટેક્સ વસૂલવામાં આવે છે. આમ કુલ 49 ટકા જેટલો ટેક્સ લાગવાથી ભાવ વધ્યા કરે છે."
"આથી રાજ્ય સરકારોએ આ ટેક્સમાં ઘટાડો કરવો જોઈએ અને ગ્રાહકોને તેમાં રાહત આપવી જોઈએ."
"રાજ્ય સરકારોએ આ કુલ ટેક્સના લીધે પહેલાં જ એટલો ફાયદો કરી લીધો હોય છે, આથી રાજ્ય સરકાર ટેક્સ ઘટાડવાનું નુકસાન વેઠી શકે છે."
શું તમે આ વાંચ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
દરમિયાન ગત વર્ષે નીતિ આયોગે કહ્યું હતું કે રાજ્ય-કેન્દ્રની ચૂંટણીઓ એક સાથે થઈ શકે છે. વડાપ્રધાન મોદી પણ આ બાબત પર જ ભાર મૂકે છે.
આ વિશે તેમનું શું માનવું છે તેના જવાબમાં રાજીવ કુમારે કહ્યું, "હું આ વિશે ટિપ્પણી ન કરી શકું, પરંતુ વ્યક્તિગત રીતે કહું તો આવું થવાથી એક સુધાર આવી શકે છે."
તેમણે કહ્યું,"આ એક ગંભીર રાજકીય મુદ્દો છે. મારી વ્યક્તિગત સમજ મુજબ ચૂંટણીઓ એક સાથે યોજવાથી ચૂંટણી વખતે મતદાન પ્રત્યેની ઉદાસીનતામાં સુધાર થઈ શકે છે."
"કેમ કે દેશમાં વારંવાર ચૂંટણીઓથી તેના પ્રત્યે લોકોની ઉદાસીનતા વધી જાય છે. જેને કારણે મતદાન નીચું જાય છે."
"આપણે જોયું જ છે કે 32 ટકા સુધી પણ મદતાન જોવા મળ્યું છે. આથી જો મતદાતાઓનો ભવિષ્યમાં રસ જ ઊડી જશે તો પછી મોટું નુકસાન થઈ શકે છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














