મલેશિયામાંથી 18.73 અબજ રૂપિયાના મૂલ્યનાં હીરા-ઝવેરાત જપ્ત

કુઆલાલમ્પુરમાંથી જપ્ત કરવામાં આવેલી મોંઘીદાટ સામગ્રીનો ફોટોગ્રાફ

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, કુઆલાલમ્પુરમાં આવેલી પ્રોપર્ટીઝમાંથી મોંઘીદાટ સામગ્રી જપ્ત કરવામાં આવી હતી.

ભૂતપૂર્વ વડાપ્રધાન નજીબ રઝાક અને તેમનાં પત્ની રોસમાહ મન્સોર સાથે સંકળાયેલી પ્રોપર્ટીઝમાંથી મલેશિયાની પોલીસે 273 મિલિયન ડૉલર્સ એટલે કે અંદાજે 18.73 અબજ રૂપિયાના મૂલ્યનાં હીરા-ઝવેરાત, હેન્ડ બૅગ્ઝ અને રોકડ જપ્ત કર્યાં છે.

સ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ વનએમડીબી સામેના ભ્રષ્ટાચારના આરોપોની તપાસના ભાગરૂપે આ સામગ્રી જપ્ત કરવામાં આવી છે.

એ સામગ્રીમાં સોળ લાખ ડૉલર્સના મૂલ્યના ગોલ્ડ તથા ડાયમંડ નેકલેસ, 14 રત્નજડીત મુગટ અને હર્મેસની 272 મોંઘીદાટ બૅગ્ઝનો સમાવેશ થાય છે.

નજીબ રઝાકે રચેલા એ ફંડમાં અબજો ડૉલરની ગોલમાલ કરવામાં આવી હોવાનો આક્ષેપ છે.

મેમાં યોજાયેલી ચૂંટણીમાં આઘાતજનક હાર પછી નજીબ રઝાક સામે તપાસ ચાલી રહી છે.

line

જ્વેલરીની 12 હજાર આઇટમ્સ

પોલીસના કોમર્શિયલ ક્રાઈમ વિભાગના વડા અમર સિંઘ

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, પોલીસ અધિકારી અમર સિંઘે આ જપ્તીને મલેશિયાના ઇતિહાસની સૌથી મોટી જપ્તી ગણાવી હતી

પોલીસે આ મૂલ્યવાન સામગ્રીની જપ્તીને મલેશિયાના ઇતિહાસમાંની સૌથી મોટી જપ્તી ગણાવી છે.

જપ્ત કરવામાં આવેલી સામગ્રીમાં જ્વેલરીનું પ્રમાણ સૌથી વધુ છે. જ્વેલરીની કુલ 12 હજાર વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.

તેમાં સૌથી મોંઘો 16 લાખ ડૉલર્સના મૂલ્યનો નેકલેસ છે.

શું તમે આ વાંચ્યું?

કુલ 567 હેન્ડ બૅગ્ઝ જપ્ત કરવામાં આવી છે. એ હેન્ડ બૅગ્ઝમાં ભરવામાં આવેલા રોકડા ત્રણ કરોડ ડૉલર્સ ઉપરાંત 423 ઘડિયાળો અને 234 સનગ્લાસીસ પણ જપ્ત કરવામાં આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું.

પોલીસના કોમર્સિયલ ક્રાઇમ વિભાગના વડા અમર સિંઘે પત્રકાર પરિષદમાં કહ્યું હતું, "જપ્ત કરવામાં આવેલી સામગ્રીની સંખ્યા એટલી મોટી છે કે અમે ઘટનાસ્થળે તેની ગણતરી કરી શક્યા ન હતા."

તેમણે ઉમેર્યું હતું કે જપ્ત કરવામાં આવેલી સામગ્રીની અને તેનાં મૂલ્યની ગણતરી કરવામાં પોલીસ અધિકારીઓને પાંચ સપ્તાહનો સમય લાગ્યો હતો.

line

પ્રચૂર શોપિંગ અને બ્રાન્ડેડ વસ્તુઓ પ્રત્યેનો પ્રેમ

મલેશિયાના ભૂતપૂર્વ વડાપ્રધાન નજીબ રઝાક અને તેમનાં પત્ની રોસમાહ મન્સોર

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, મલેશિયાના ભૂતપૂર્વ વડાપ્રધાન નજીબ રઝાક અને તેમનાં પત્ની રોસમાહ મન્સોર

ભૂતપૂર્વ વડાપ્રધાનનાં પત્ની રોસમાહ મન્સોર પ્રચૂર પ્રમાણમાં શોપિંગ તથા બ્રાન્ડેડ વસ્તુઓ પ્રત્યેના પ્રેમ માટે વિખ્યાત હતાં.

તેમની સરખામણી ફિલિપિન્સનાં ભૂતપૂર્વ ફર્સ્ટ લેડી ઇમેલ્ડા માર્કોસ સાથે કરવામાં આવતી હતી. ઇમેલ્ડા માર્કોસ પણ પ્રચૂર પ્રમાણમાં મોંઘાદાટ શૂઝ તથા લક્ઝરી ગૂડ્ઝની ખરીદી કરતાં હતાં.

ભૂતપૂર્વ સાથી મહાતિર મોહમ્મદ સામે ચૂંટણીમાં નજીબ રઝાકની હારમાં ભ્રષ્ટાચારના આક્ષેપોએ મોટો ભાગ ભજવ્યો હતો.

રઝાક નજીબે ફંડમાંથી 70 કરોડ ડૉલર્સ ગૂપચાવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો, પણ રઝાક નજીબે એ આક્ષેપને નકારી કાઢ્યો હતો.

ચૂંટણીમાં હાર પછી રઝાક નજીબ તથા તેમનાં પત્નીની ભ્રષ્ટાચાર વિરોધી અધિકારીઓ પૂછપરછ કરી રહ્યા છે અને તેમના પર દેશ છોડવા સામે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો