મહાત્મા ગાંધીની સમાધિને 24મી જૂને તાળું કેમ મારી દેવાયું હતું?

રાજઘાટના પ્રવેશ દ્વાર પર લગાવવામાં આવેલી સૂચનાની તસવીર

ઇમેજ સ્રોત, Shailendra Pandey/Rajasthan Patrika

ઇમેજ કૅપ્શન, રાજઘાટના પ્રવેશ દ્વાર પર લગાવવામાં આવેલી સૂચના
    • લેેખક, કુમાર પ્રશાંત
    • પદ, અધ્યક્ષ, ગાંધી શાંતિ પ્રતિષ્ઠાન

24મી જૂને દિલ્હીમાં એક વિચિત્ર ઘટના બની, આવું પહેલાં ક્યારેય નહોતું થયું. 24મી જૂને મહાત્મા ગાંધીની સમાધિ રાજઘાટને તાળું મારી દેવામાં આવ્યું, જે 25મી જૂને સવારે 11 વાગ્યે ખુલ્યું.

મહાત્મા ગાંધીની સમાધિ બન્યાં બાદ આવું પહેલી વખત જ બન્યું છે કે, કોઈ પણ પૂર્વ સૂચના વિના રાજઘાટને સામાન્ય લોકો માટે આ રીતે બંધ કરી દેવામાં આવ્યો હોય.

દેશની રાજધાની દિલ્હીના રાજઘાટ પર મહાત્મા ગાંધીની આ સમાધિ પર દેશ-દુનિયાના હજારો લોકો દરરોજ વંદન કરવા અને પ્રેરણા લેવા આવે છે.

આ રીતે દરરોજ લોકોનું રાજઘાટ પર આવવું એ બાપુને કોઈ સરકારે આપેલો પદ્મ-પુરસ્કાર નથી.

લોકમાનસમાં સ્થાપિત થયેલી બાપુની એ પવિત્ર પ્રતિમા છે, જેની ચમક ઝાંખી નથી થતી અને તેમના પ્રત્યેની આસ્થામાં પણ ઊણપ નથી આવતી.

રવિવાર 24 જૂન, 2018ના દિવસે કાગળ પર લખેલી એક સૂચના રાજઘાટના પ્રવેશ-દ્વાર પર ચોંટાડેલી જોવા મળી. જે દર્શાવી રહી હતી કે રાજઘાટ એ તમામ લોકો માટે બંધ છે કે જે બાપુની યાદમાં શીશ નમાવવા અહીં આવ્યા છે.

રાજઘાટના પ્રવેશ દ્વારની તસવીર

ઇમેજ સ્રોત, SHAILENDRA PANDEY/RAJASTHAN PATRIKA

આ નિર્ણય કોણે કર્યો, કેમ કર્યો અને જે આજ સુધી ક્યારેય નહોતું થયું, એવા નિર્ણય પાછળનું કારણ શું હતું, તેની માહિતી નાગરિકોને ન આપવામાં આવી.

ખબર નથી કે એ શરમજનક કુપ્રથા ક્યારથી લાગુ કરવામાં આવી કે, જ્યારે પણ કોઈ દેશ-વિદેશી ખુરશીધારી ઔપચારિકતાઓ પૂરી કરવા રાજઘાટ આવે, ત્યારે થોડા સમય માટે રાજઘાટને સામાન્ય જનતા માટે બંધ કરી દેવામાં આવે છે.

શું તમે આ વાંચ્યું?

માત્ર વીઆઈપી દરવાજો ખુલ્લો રહે છે, જ્યાંથી કહેવાતા વીઆઈપીઓ અંદર આવે છે. વિચારું છું કે, જો ગાંધી હોત તો આ બાબત એમણે ક્યારેય સહન ન કરી હોત.

line

વિશ્વ હિંદુ પરિષદની બેઠક

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Reuters

એ વાત સાચી કે 24-25 જૂન 2018ના દિવસોમાં રાજઘાટની બિલકુલ સામે આવેલી ગાંધી સ્મૃતિ અને દર્શન સમિતિના પરિસરમાં વિશ્વ હિંદુ પરિષદની બેઠક ચાલી રહી હતી. જેની સુરક્ષાના નામે રાજઘાટને તાળું મારી દેવામાં આવ્યું.

ગાંધી સ્મૃતિ અને દર્શન સમિતિ ગાંધીજીની સ્મૃતિઓ અને વિચારોને જીવંત રાખવાના ઉદ્દેશથી બનાવવામાં આવી હતી.

એ ખબર નથી કે આ સ્થળને એક ખાનગી સંસ્થાની બેઠક માટે કયા આધારે આપવામાં આવી.

એ પણ વિશ્વ હિંદુ પરિષદ જેવી સંસ્થાને જેનો એકમાત્ર ઉદ્દેશ ગાંધીની સ્મૃતિ અને ફિલસૂફીથી દેશને દૂર લઈ જવાનો છે.

મહાત્મા ગાંધીના આદર્શો અને વિચારો સાથે વિશ્વ હિંદુ પરિષદનો મેળ ક્યારેય નથી પડ્યો.

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, AFP

વિશ્વ હિંદુ પરિષદ હોય કે અન્ય કોઈ પણ સંસ્થા, લોકશાહીમાં દરેકને અધિકાર છે કે એ પોતાની બેઠકો પોતાને અનુકૂળ હોય તેવા સ્થળે કરે.

પરંતુ કોઈને પણ એ અધિકાર નથી કે કોઈ સાર્વજનિક જગ્યાનો મન ફાવે તેવો ઉપયોગ કરે.

બાપુની સમાધિ જેવી પવિત્ર જગ્યા તો કોઈ સાર્વજનિક સ્થળની શ્રેણીમાં પણ નથી આવતી, જેનો ઉપયોગ સરકાર અથવા સરકાર સમર્થિત સંસ્થા પોતાના હિતો માટે મન ફાવે તે રીતે કરે. એટલું જ નહીં, જ્યારે ઇચ્છે ત્યારે તેને તાળું મારી દે.

જે હિંદુ મહાસભાએ હંમેશાં માન્યુ કે ગાંધીની હત્યા નથી થઈ, તેમનો વધ કરવામાં આવ્યો.

જે તેમના માનવા પ્રમાણે દેશના હિતમાં કરવામાં આવેલું એક અનિવાર્ય અને સ્તુત્ય કાર્ય હતું.

આ એ જ સંસ્થા છે, જેના લોકો ગોડસેની મૂર્તિઓ લગાવી રહ્યા છે, જે ગાંધી પર આરોપ મૂકે છે કે તેમણે હિંદુઓને 'કાયર' બનાવી દીધા.

વિશ્વ હિંદુ પરિષદ એજ વિચારધારાની નવી પેઢી છે.

line

'હિંદુત્વને હંમેશાં માનવતાથી ઉપર રાખ્યું'

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, PRAKASH SINGH/AFP

સત્તાથી મળેલાં સંરક્ષણથી હિંદુત્વવાદી સંગઠનોને કથિત રીતે નવો ઉત્સાહ અને કંઈ પણ કરવાનું લાઇસન્સ મળી ગયું છે.

આ જન્મથી જ જાતિય શ્રેષ્ઠતાના દર્શનમાં વિશ્વાસ કરનારી સંસ્થા છે.

જેણે હિંદુત્વને હંમેશાં માનવતાથી ઉપર રાખ્યું છે, જે ગાંધીની ફિલસૂફીથી બરાબર વિપરીત છે.

સરકાર, આરએસએસ અને મોદી જે બહુમતી હિંદુઓને ધર્મના આધારે પોતાની કાયમી રાજકીય મૂડી બનાવવાના અભિયાનમાં લાગેલા છે, તેમનું પાયાનું કામ વિશ્વ હિંદુ પરિષદ કરી રહી છે.

આવા મનસૂબા ત્યારે જ અસરકારક બને છે, જ્યારે પડદા પાછળ તેની તૈયારી કરવામાં આવી હોય.

મહાત્મા ગાંધીની પ્રતિમાની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

સાંપ્રદાયિક શક્તિઓએ ગાંધી સામેની તમામ લડાઈઓ પડદા પાછળ રહીને જ લડી.

એમની હત્યા પણ પડદાની આડમાં જ કરવામાં આવી.

બહારથી ગાંધીનો આદર પણ થતો રહ્યો અને અંદરથી તેમને ખતમ કરી દેવા માટેનું કામ પણ ચાલતું રહ્યું.

ગાંધી દર્શન અને સ્મૃતિ સમિતિ અને રાજઘાટ પર પડદો નાખીને વિશ્વ હિંદુ પરિષદની બેઠક થઈ.

તેમાં રામ મંદિર બનાવવાની યોજના તૈયાર કરવામાં આવી.

એવી ઘોષણા પણ કરવામાં આવી કે અદાલતના ફેંસલાની દરકાર કર્યા વિના 2019માં ચૂંટણી પહેલાં અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ શરૂ કરી દેવાશે.

line

સાધન શુદ્ધિના વૈશ્વિક અગ્રદૂત રહ્યા ગાંધી

મહાત્મા ગાંધીની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મહાત્મા ગાંધી

એક સંતનું નામ ધરાવતી વ્યક્તિએ કહ્યું કે જ્યારે આપણે મસ્જિદ અદાલતના આદેશથી નહોતી તોડી, તો એને બનાવવા માટે કોર્ટની મંજૂરી શા માટે લઈએ?

એનો અર્થ સીધો છે - સરકાર આવી વાતો કહેવાની છૂટ આપે છે, જેનાથી તણાવ અને હિંસાનું વાતાવરણ બને છે.

મોટા નેતા 'સમરસતા'ની વાત કરતા રહે છે, જ્યારે વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર્તાઓ આક્રમક સૂત્રોચ્ચાર સાથે ત્રિશૂળ લહેરાવે છે.

આ એ જ લોકો છે, જે ઢળતી સાંજે ગાંધીને ગોળી મારે છે અને પછી તેમને પ્રાતઃ સ્મરણીય લોકોમાં શામેલ કરી લે છે.

કપટ અને અસત્યને લક્ષ્ય પ્રાપ્તિનું સાધન માની લેવાય તો ગ્લાનિ વિના કંઈ પણ કરી શકાય છે.

ગાંધી સાધન શુદ્ધિના વૈશ્વિક અગ્રદૂત રહ્યા છે.

તેમની સમાધિ જે લોકોની સુરક્ષાના નામે સામાન્ય જનતા માટે બંધ કરી દેવાઈ, એમના મૂલ્યો અને સિદ્ધાંતોનો પરિચય આપણને 30 જાન્યુઆરી 1948 અને 6 ડિસેમ્બર 1992ના દિવસે મળી ગયો છે.

રાજઘાટની તાળાબંધી નિરંકુશ માનસિકતાની ઊપજ છે, જે રાષ્ટ્રભાવનાનું અપમાન પણ કરે છે અને એને ખુલ્લો પડકાર પણ ફેંકે છે.

ગાંધી ગાયબ કરી દેવાયા છે, માત્ર એમના ચશ્મા રહી ગયા છે, પરંતુ યાદ રાખો કે ગાંધીએ શું કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે આપણે એમને ભલે ગમે તેટલી ઊંડી કબરમાં દફનાવી દઈએ, એ ત્યાંથી આપણને કહેતા રહેશે.

સાંભળો, એ કંઈક કહી રહ્યા છે. તમે એમને સાંભળી શકો છો?

(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં. )

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો