શી જિનપિંગ: ચીન પોતાની એક ઇંચ જમીન પણ નહીં છોડે

અમેરિકાના સંરક્ષણ પ્રધાન જેમ્સ મેટિસ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકાના સંરક્ષણ પ્રધાન જેમ્સ મેટિસ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ

ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગનું કહેવું છે કે ચીન શાંતિ માટે કટિબદ્ધ છે, પણ 'પોતાની એક ઇંચ જમીન પણ' નહીં આપે. તેમણે અમેરિકાના સંરક્ષણ પ્રધાન જેમ્સ મેટિસ સાથે વાતચીત બાદ આ વાત કહી હતી.

ટ્રેડ વોર અને દક્ષિણ ચીન સમુદ્રમાં પ્રદેશની માલિકી બાબતે ચીનના દાવાને કારણે અમેરિકા તથા ચીન વચ્ચે તંગદિલી વધી રહી છે.

જેમ્સ મેટિસ 2014 પછી ચીનની મુલાકાત લેનારા અમેરિકાના પહેલા સંરક્ષણ પ્રધાન છે.

તેઓ હાલ એશિયાના ઘણા દેશોની મુલાકાત લઈ રહ્યા છે અને અમેરિકાના તમામ સહયોગીઓ સાથે બેઠકો યોજી રહ્યા છે.

જેમ્સ મેટિસે જણાવ્યું હતું કે ચીનના રાષ્ટ્રપતિ સાથેની તેમની બુધવારની મુલાકાત 'ઘણી જ સારી' રહી હતી. ચીન સાથેના લશ્કરી સંબંધને ખાસ સ્વરૂપે વિકસાવવાની દિશામાં અમેરિકા કાર્યરત છે.

આપને આ પણ વાંચવું ગમશે

line

'ઈરાદા શાંતિપૂર્ણ છે પણ..'

અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગ

બીજી તરફ શી જિનપિંગે જણાવ્યું હતું કે ચીનના ઇરાદા શાંતિપૂર્ણ છે, પણ ચીન તેની જમીન તથા ક્ષેત્ર બાબતે કોઈ બાંધછોડ નહીં કરે.

ચીનના સરકારી મીડિયામાં પ્રકાશિત નિવેદન અનુસાર, શી જિનપિંગે કહ્યું હતું, "અમારા પૂર્વજોએ આપેલી જમીનનો એક ઇંચ હિસ્સો પણ અમે છોડી શકીએ નહીં."

આ અગાઉ અમેરિકા દક્ષિણ ચીન સમુદ્રમાં ચીનની ગતિવિધિઓની સતત ટીકા કરતું રહ્યું છે.

સમુદ્રી વિસ્તારમાં પોતાનું સૈન્ય તહેનાત કરવાની સાથે કૃત્રિમ ટાપુનું નિર્માણ કરીને ચીન તેના પાડોશી દેશોને ધમકાવતું હોવાનો આક્ષેપ પણ અમેરિકાએ કર્યો છે.

અમેરિકા ઉપરાંત બીજા દેશોએ પણ દક્ષિણ ચીન સમુદ્રમાં ચીનની ગતિવિધિની ટીકા કરી છે, પણ ચીન હંમેશા એવો દાવો કરતું રહ્યું છે કે સમુદ્રના સૌથી મોટા હિસ્સા પર તેનો અધિકાર છે.

ચીનનું કહેવું છે કે દક્ષિણ ચીન સમુદ્ર પરનો તેનો અધિકાર સદીઓ પુરાણો છે.

શા માટે મહત્વનો છે દક્ષિણ ચીન સમુદ્ર?

દક્ષિણ ચીન સમુદ્રમાંનો ચીનનો કૃત્રિમ ટાપુ

ઇમેજ સ્રોત, Google/ Digital Globe

ઇમેજ કૅપ્શન, દક્ષિણ ચીન સમુદ્રમાંનો ચીનનો કૃત્રિમ ટાપુ

દક્ષિણ ચીન સાગરમાંથી એક મહત્વનો સમુદ્રી માર્ગ પસાર થાય છે અને માછલીઓના જથ્થાના સંદર્ભમાં એ ઘણો સમૃદ્ધ છે.

એ ઉપરાંત દક્ષિણ ચીન મહાસાગરમાં ગેસ અને ક્રૂડ ઑઇલના ભંડાર હોવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ-ઉનની સિંગાપુરમાં ઐતિહાસિક મુલાકાત બાદ જેમ્સ મેટિસ એશિયન દેશોના પ્રવાસે નીકળ્યા છે.

ગુરુવારે તેઓ દક્ષિણ કોરિયામાં હતા, જ્યાં તેમણે દક્ષિણ કોરિયાના સંરક્ષણ પ્રધાન સોંગ યંગ-મૂની મુલાકાત લીધી હતી.

જેમ્સ મેટિસે દક્ષિણ કોરિયાને ખાતરી આપી હતી કે તેની સલામતી સંબંધે અમેરિકાની પ્રતિબદ્ધતા અગાઉની માફક મજબૂત જ છે.

તેમણે જણાવ્યું હતું કે દક્ષિણ કોરિયા સાથેની લશ્કરી કવાયત રદ્દ કરવાના ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દ્વીપકલ્પમાં શાંતિપૂર્ણ સમજૂતિની તકમાં વધારો થશે.

સંયુક્ત લશ્કરી કવાયત

ઉત્તર કોરિયાના સર્વોચ્ચ નેતા કિમ જોંગ-ઉન અને ડોનલ્ડ ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઉત્તર કોરિયાના સર્વોચ્ચ નેતા કિમ જોંગ-ઉન અને ડોનાલ્ડ ટ્રમ્પ

કિમ જોંગ-ઉન સાથેની મુલાકાત બાદ ડોનાલ્ડ ટ્રમ્પે દક્ષિણ કોરિયા સાથેની લશ્કરી કવાયત રદ્દ કરીને તેમના સાથીઓને ચોંકાવી દીધા હતા.

ટ્રમ્પના એ નિર્ણયને અમેરિકાએ ઉત્તર કોરિયાની તરફેણમાં લીધેલું મોટું પગલું ગણવામાં આવ્યું હતું.

અમેરિકા અને દક્ષિણ કોરિયાની સંયુક્ત લશ્કરી કવાયતને ઉત્તર કોરિયા હુમલાની તૈયારી ગણે છે, પણ દક્ષિણ કોરિયા તેને રક્ષણાત્મક ગતિવિધિ ગણાવતું રહ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો