You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમિત શાહની જીભ આજકાલ કેમ લપસી રહી છે?
- લેેખક, પ્રદીપ કુમાર
- પદ, બીબીસી સંવાદદાતા
ભારતીય જનતા પક્ષના 38માં સ્થાપના દિવસે પક્ષના અધ્યક્ષ અમિત શાહ પોતાનું સંબોધન 'ભારત માતા કી જય' સાથે શરૂ કરે છે.
દસ સભ્યો સાથે શરૂ થયેલા પક્ષના આજે 11 કરોડ સભ્યો સાથે સૌથી મોટો રાજકીય પક્ષ બનવાનો દાવો કરે છે.
તે એમ પણ કહે છે કે માત્ર બે સંસદ સભ્યોનો પક્ષ 330 સભ્યો સાથે પૂર્ણ બહુમતીથી સરકાર ચલાવી રહ્યો છે.
અટલ બિહારી વાજપેયીએ જે સપનું પક્ષના સ્થાપના દિવસે જોયું હતું કે 'અંધેરા હટેગા ઔર કમલ ખિલેગા' (અંધારું હટશે અને કમળ ખીલશે).
તમને આ પણ વાંચવું ગમશે
એ કમળને દેશના મહત્તમ ભાગો સુધી પહોંચાડવાનું કામ અમિત શાહ - નરેન્દ્ર મોદીની જોડીએ કરી બતાવ્યું છે.
પરંતુ એ ઝડપથી મુદ્દા પર આવી જાય છે અને એ મુદ્દો છે, 2019ની લોકસભા ચૂંટણીઓનો છે.
આ ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જ તેમણે નરેન્દ્ર મોદી સરકારની એ યોજનાઓને ગણાવી જેમના વિશે દાવો કરવામાં આવે છે કે એ બધી ગરીબો માટે શરૂ કરવામાં આવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હિસાબ માગો તો પ્રશ્ન
આ યોજનાઓમાં જનધન યોજના, ઉજ્જ્વલા યોજના, સૌભાગ્ય યોજના, સ્વચ્છ ભારત અભિયાન હેઠળ શૌચાલયોનું નિર્માણ અને વીમા યોજના સામેલ છે.
અમિત શાહે એ પણ દાવો કર્યો કે મોદી સરકારે દરેક ગરીબને સુખ પહોંચાડવાનું કામ કર્યું છે.
અમિત શાહની છાપ ભાજપના ચાણક્યની બની ગઈ છે.
રાજકીય વર્તુળોમાં એમ કહેવાય છે કે જે વાત નરેન્દ્ર મોદી વિચારે છે, તેને અમિત શાહ શક્ય કરી બતાવે છે.
એ જ કારણ છે કે નરેન્દ્ર મોદી સરકારને કોઈ પ્રશ્ન પૂછે તો એ તેમને ગમતું નથી.
રાહુલ ગાંધીના પ્રશ્નોની મજાક ઊડાવતા તેમણે કહ્યું, "રાહુલ બાબા તમે સાડા ચાર વર્ષનો હિસાબ માગો છો, જનતા તમારી પાસે ચાર પેઢીનો હિસાબ માગી રહી છે."
38 વર્ષ જૂનો પક્ષ
આ કેવી તુલના છે અને એનાથી નરેન્દ્ર મોદી સરકારનું કામ કેવી રીતે પ્રભાવિત થયું છે, કે પછી મોદી કંઈક કરવા ઇચ્છતા હોય તે કોંગ્રેસની અગાઉની સરકારોને કારણે શક્ય ન થઈ રહ્યું હોય.
આ વિશે અમિત શાહ કંશું જ નથી બોલતા. પોતાના કાર્યકર્તાઓના સંબોધન પણ નથી કહેતા.
તમે આ વાંચ્યું કે નહીં?
38 વર્ષ જૂના રાજકીય પક્ષને મહાન ગણાવીને પક્ષના અધ્યક્ષ હોવાથી પોતાને પણ 'મહાન' લોકોની હરોળમાં સામેલ કરી લે છે.
પરંતુ 129 વર્ષ જૂના કોંગ્રેસ પક્ષના અધ્યક્ષને એ 'રાહુલ બાબા' કહીને મજાક ઊડાવે છે.
એ આડવાત છે કે તેમની પોતાના પક્ષમાં 'અસલી બાબાઓ'ની ખૂબ કદર થઈ રહી છે.
હાલમાં જ તેમના જ પક્ષના એક મુખ્યમંત્રીએ પાંચ-પાંચ બાબાઓને મંત્રી પદનો દરજ્જો આપ્યો છે.
કૂતરાં બિલાડાંથી સાપ, નોળિયા સુધી
જોકે, અમિત શાહ ત્યાં જ ન અટક્યા.
તેમણે આગળ કહ્યું, "પૂર આવે ત્યારે સાપ, નોળિયા, બિલાડી, કૂતરાં, ચિત્તો, વાઘ પણ ઝાડ પર ચડી જાય છે, કારણ કે નીચે પાણીનો ડર હોય છે.
આ મોદીજીનું જે પૂર આવ્યું છે, તેના ડરથી સાપ, નોળિયા, કૂતરાં, બિલાડાં બધાં એકઠાં થઈને ચૂંટણી લડવાનું કામ કરે છે."
દેશ પર શાસન કરનારા પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષનું જાહેર મંચ પરથી આવું નિવેદન સાંભળીને વિશ્વાસ નથી થતો. બે વખત, ત્રણ વખત સાંભળ્યા પછી પણ વિશ્વાસ નથી થતો.
પરંતુ અમિત શાહનો આત્મવિશ્વાસ એવો છે કે એમના ભાષણ પછી પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.
તેમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેમણે આ શબ્દોનો પ્રયોગ કયા લોકો માટે કર્યો, ત્યારે તેમણે કહ્યું:
"મેં સાપ અને નોળિયાનું ઉદાહરણ એટલા માટે આપ્યું, કારણ કે સામાન્ય રીતે એ સાથે નથી હોતા. વિચારધારાઓને બાજુમાં રાખીને રાજકીય પક્ષો મોદીજીના વેવ (લહેર)ને કારણે એકઠાં થઈ રહ્યા છે. તેમને એ ખરાબ લાગતું હોય તો હું નામ કહી દઉં છું, સપા-બસપા, કોંગ્રેસ અને તૃણમૂલ, નાયડૂ અને કોંગ્રેસ."
વિપક્ષની પ્રતિક્રિયા
હવે અમિત શાહના આવા નિવેદન સામે વિરોધ પક્ષના નેતાઓની પ્રતિક્રિયા આવે એ સ્વાભાવિક છે. તમે અમિત શાહનું પૂર્ણ ભાષણ અહીં સાંભળી શકશો.
કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ ટ્વીટ કરીને કહ્યું કે પૂર થોડા સમય માટે જ આવે છે અને અમે આ પૂરને રોકી દઈશું.
બહુજન સમાજવાદી પાર્ટીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીએ અમિત શાહના આ નિવેદનને અપરાધી માનસિકતા અને સંઘની ચાલની મજબૂરી ગણાવી.
અમિત શાહે પોતાના સંબોધનમાં મોદીની તુલના પૂરથી કરી નાખી. જોકે એ વાત જુદી છે કે, કોઈ પણ માટે પૂર ક્યારેય ફાયદાકારક નથી હોતું.
સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે ટ્વીટ કર્યું કે સત્તાપક્ષ પોતાને પૂર માને છે, એમાં જનતાને વિકાસને બદલે વિનાશ જ મળશે.
રાજકીય હકીકત
એમ તો એ વાત બરાબર છે કે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી એક-બીજાના વિરોધ માટે ઓળખાય છે, પરંતુ રાજનીતિમાં એકબીજાનો વિરોધ કરનારા પક્ષોનું ગઠબંધન દેશમાં પહેલી વખત તો નથી થઈ રહ્યું.
નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકાર અને 20 રાજ્યોમાં ભાજપની સરકારોનું સત્ય એ પણ છે કે, ભાજપનું લગભગ 44 પક્ષોનું ગઠબંધન ચલાવી રહ્યો છે.
એમાં પણ જમ્મુ કાશ્મીરની પીડીપી પાર્ટી સાથે ભાજપનો મતભેદ જગજાહેર છે.
નીતીશ કુમાર કેટલાક મહિના પહેલાં સુધી ભાજપની વિરોધી છાવણીમાં જ હતા.
જે ચંદ્રાબાબૂ નાયડૂની વાત અમિત શાહ કરી રહ્યા હતા, એક મહિના પહેલાં તો તેમના બે સંસદ સભ્યો મોદી સરકારમાં મંત્રી હતા.
જનતા સરકારનો પ્રયોગ
અમિત શાહને સંભવતઃ યાદ નથી રહ્યું કે, દેશમાં ઇન્દિરા ગાંધી વિરુદ્ધ 1977માં સંપૂર્ણ વિપક્ષ એકજૂથ થઈ ગયો હતો.
એમાં જનસંઘના અટલ બિહારી વાજપેયી પણ હતા અને ડાબેરી પક્ષો પણ સામેલ હતા.
લોકો ચૂંટણી જીતી શકાય તેવા ગઠબંધનો બનાવવાનું ચલણ રાજકારણમાં હંમેશાથી હોય છે.
પરંતુ ભારતીય રાજનીતિમાં સૌથી મોટા પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ તરફથી આવી તુલનાનું ઉદાહરણ પહેલી વખત જોવા મળ્યું છે.
જોકે, તેમની પાર્ટીના એક વરિષ્ઠ નેતા ઉત્તર પ્રદેશ ભાજપના પૂર્વ અધ્યક્ષ લક્ષ્મીકાંત વાજપેયી ગોરખપુર અને ફૂલપુર લોકસભાની પેટાચૂંટણી દરમિયાન સપા-બસપા ગઠબંધનની તુલના સાપ-નોળિયા સાથે કરી ચૂક્યા છે.
અમિત શાહનો રાજકીય અનુભવ બે દાયકાથી વધુનો થઈ ચૂક્યો છે.
એટલે એવું તો ન માની શકાય કે અહીં તેમની જીભ લપસી ગઈ હોય, એમાંય એ તો લખેલું ભાષણ જ વાંચી રહ્યા હતા.
અમિત શાહની નવી વ્યૂહરચના
જોકે, છેલ્લા એક મહિનામાં એક વખત તેમની જીભ લપસી છે, જ્યારે કર્ણાટકમાં તેમણે પોતાના જ પૂર્વ મુખ્યમંત્રીને રાજ્યના 'સૌથી ભ્રષ્ટ મુખ્યમંત્રી' કહી દીધા હતા.
ત્યારબાદ કર્ણાટકની એક ચૂંટણી પ્રચાર સભામાં તેમના ભાષણનો અનુવાદ એવો થઈ ગયો કે 'મોદીજી દેશને બરબાદ કરી દેશે.'
તો એમ લાગે છે કે, 2019ની સામાન્ય ચૂંટણીનું દબાણ અમિત શાહને અનુભવાઈ રહ્યું છે.
આ દબાણને સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટી સાથે આવવાની કોશિશોએ વધારી દીધું છે.
ઉત્તર પ્રદેશની 80 બેઠકો અચાનક અત્યંત મહત્ત્વપૂર્ણ થઈ ગઈ છે, પરંતુ માત્ર બે લોકસભા બેઠકો પર મળેલી હારને તેમની હતાશા પણ ન માનવી જોઈએ.
આથી વિરુદ્ધ એ વિપક્ષોના એકજૂથ થવાના પડકારને પહોંચી વળવા માટે તૈયારી કરવામાં લાગી ગયા છે.
મહત્ત્તવપૂર્ણ લક્ષ્ય
કૂટનીતિક સ્તર પર એમણે મુંબઇમાં તેમનાં બે ભાષણો થકી એના સંકેત પણ આપ્યા છે.
પહેલી વાત તો એમણે ભાર દઈને કહ્યું કે ભાજપ ક્યારેય અનામત હટાવવાના પક્ષમાં નથી અને એવું ક્યારેય નહી કરે.
જ્યારે કે બીજી તરફ એમણે એમ પણ કહ્યું કે આવનારી 14મી એપ્રિલે ભીમરાવ આંબેડકરના જન્મદિવસના દિવસે પાર્ટીના 20 હજાર કાર્યકર્તા દલિતો સાથે સમય વિતાવશે.
જોકે, જેમ જેમ ચૂંટણી નજીક આવે છે એવું લાગી રહ્યું છે કે અમિત શાહ તરફથી આવા બીજા માસ્ટર સ્ટ્રોક જોવા મળશે.
ગયા ત્રણ વર્ષમાં એ ઘણી વાર સાબિત પણ કરી ચૂક્યા છે કે એમની પાર્ટીને જીતાડવા સિવાય બીજું મહત્ત્તવપૂર્ણ ધ્યેય એમની પાસે કંઈ જ નથી.
પરંતુ સાર્વજનિક સ્ટેજ પર તેમને થોડો સંયમ જાળવવાની જરૂર છે . સાથે જ તેઓ વિપક્ષને સન્માન આપશે તો એમનું કદ રાજકારણમાં ઓછું તો નહીં જ થાય.
લક્ષ્યની સામે પોતાના કદની ચિંતા એમને કદાચ ના હોય તો એમણે એ ના ભૂલવું જોઇએ કે તેઓ એક 'મહાન' અને 'રાષ્ટ્રવાદી' પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો