દૃષ્ટિકોણ: એશિયામાં ભારતની અત્યાર સુધી ઉપેક્ષિત કેમ?

    • લેેખક, પુષ્પેશ પંત
    • પદ, બીબીસી ગુજરાતી માટે

આસિયાનનો જન્મ આજથી લગભગ 40 વર્ષ પહેલા થયો હતો. ત્યારે વિયેતનામ યુદ્ધમાં હાર બાદ અમેરિકી સેના દક્ષિણ પૂર્વ એશિયાઇ મોરચે ઘરવાપસી માટે મજબૂર થઈ ચૂકી હતી.

1954માં વિભાજિત વિયેતનામનું એકીકરણ થઈ રહ્યું હતું. એવું લાગતું હતું કે નજીકના ભવિષ્યમાં 'વિયેતનામ લાલ સલામ'નું સૂત્ર બોલનારા લોકો આ સમગ્ર ભૂભાગમાં પોતાનો ક્રાંતિકારી ઝંડો ફરકાવવા લાગશે.

આસિયાન સંગઠનનો એક હેતુ ચીનના વધતા પ્રભાવને રોકવાનો પણ હતો.

નિષ્ણાતોનું માનવું છે કે આસિયાનની રચના મલયવંશી, સામ્યવાદ વિરોધી દેશોને ચીની અને સામ્યવાદી ખતરાથી બચવાવવા માટે એક ક્ષેત્રીય સંગઠનના રૂપમાં કરવામાં આવી હતી.

તમને આ પણ વાંચવું ગમશે

તે સમયે યૂરોપીય સમુદાયની પણ સ્થિતિ ખરાબ ન હતી. એવી પણ સલાહ આપવાવાળા લોકો પણ ઓછા ન હતા કે જેઓ એ જ મૉડલ બીજી જગ્યાએ અપનાવીને જ નાના રાષ્ટ્રો પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી રહ્યા હતા.

ત્યારથી અત્યાર સુધી દુનિયા અને આસિયાનમાં ખૂબ ફેરફાર નોંધાયા છે.

આપણી સમજમાં આ બદલાયેલા પરિપ્રેક્ષ્યમાં જ ભારત અને આસિયાનના સંબંધોની, ભવિષ્યમાં તેની સંભાવનાઓ ચકાસવી જોઈએ.

આસિયાનની નજીક જવાના ભારતના પ્રયાસ નિષ્ફળ

શરૂઆતી સમયથી જ ભારત આસિયાનની નજીક જવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેમાં ઇચ્છાનુસાર સફળતા મળી શકી નથી.

આસિયાન+3માં ચીન, જાપાન અને કોરિયાનો પણ સમાવેશ થાય છે, પરંતુ લાંબો સમય પસાર થવા છતાં આપણે માત્ર 'વાતચીત' વાળા સાથી બની શક્યા છીએ.

વધુ એક વાત પર ધ્યાન આપવું જરૂરી છે કે આજે આસિયાનમાં માત્ર મલયવંશી- મલેશિયા, ઇન્ડોનેશિયા, ફિલિપીન્ઝ, બ્રુનાઈ જ નહીં, વિયેતનામ, કમ્બોડિયા, લાઓસ અને થાઇલેન્ડ પણ સામેલ છે.

મ્યાન્માર ઉર્ફે બર્માને પણ ન ભૂલીએ.

આ સભ્યોનું વર્ગીકરણ ઇસ્લામના અનુયાયીઓ, બૌદ્ધો અને ખ્રિસ્તીઓ સિવાય ઉપનિવેશિક સામ્રાજ્યવાદના જમાનામાં યુરોપીય માલિકોના સાંસ્કૃતિક પ્રભાવના અનુસાર પણ કરી શકાય, પરંતુ, એવું વર્ગીકરણ કરવું અનિવાર્ય નથી.

કેટલાક દેશ છે કે જેમની સાથે ભારતના વર્ષો જૂનાં આર્થિક- સાંસ્કૃતિક સંબંધ રહ્યા છે.

રાષ્ટ્રકુળની જમાતનો સંબંધ પણ છે, પરંતુ અન્ય દેશો સાથે ભાષા અને રાજકીય વિચારધારાના મતભેદ જૂના છે.

એક સમયે મલેશિયા, સિંગાપુર અને મ્યાનમાર પણ ભારતની જેમ જ બ્રિટનને આધિન હતા. આજે એ બાબત ગૌણ છે.

આ રાષ્ટ્રોના વિકાસમાં ભારતીય મૂળના નાગરિકોની કેવી ભૂમિકા હતી કે બજાર તરીકે આ રાષ્ટ્રોનું શું મહત્ત્વ છે?

કડવું સત્ય એ છે કે આપણે 'પૂર્વ તરફ જોવા'નું અભિયાન શરૂ કરીએ કે 'પૂર્વમાં કંઈક કરવા' માટે મહેનત કરીએ.

જ્યાં સુધી આસિયાનનો બીજો પક્ષ પણ એટલી જ ઉત્સુક્તા ન બતાવે ત્યાં સુધી પ્રગતિ ન થઈ શકે.

સમસ્યા એ છે કે ભારતને અત્યારે ચીનના આક્રમક વિસ્તારવાદી વલણના કારણે વિયેતનામ વ્યૂહાત્મક ભાગીદાર જેવું જોવા મળી રહ્યું છે.

કેમ કે, વિયેતનામ આજે હો-ચિ-મિન્હ અને જિયાપનું વિયેતનામ નથી.

મલેશિયા- ભારત વચ્ચે મતભેદ વધ્યા

વિયેતનામ અમેરિકનોની નજીક છે. કંઈક એવી જ રીતે જેમ 1965ના ગેસ્ટાપુ બળવા બાદ ઇન્ડોનેશિયાની કાયાપલટ થઈ ગઈ હતી.

જ્યારે પણ ભારતે આ ઉભયપક્ષી સંબંધને વ્યૂહાત્મક રૂપ આપવાનો પ્રયાસ કર્યો, તો તેણે ચીનની ચીમકી સાંભળવી પડી હતી.

દક્ષિણી ચીની સાગરમાં સમુદ્રના ગર્ભમાં છૂપાયેલા તેલ ભંડારની શોધ હોય કે પછી ટેકનિકલ સહકાર, વાત વધારે આગળ વધી શકતી જ નથી.

મલેશિયામાં હાલના વર્ષોમાં કટ્ટરપંથી ઇસ્લામનો પ્રભાવ વધ્યો છે. તેના પગલે ભારત સાથે સંબંધોમાં ક્યારેક ક્યારેક બન્ને દેશો વચ્ચે મતભેદ પણ જોવા મળે છે.

ક્યારે ક્યારે આવે છે ભારતને અન્ય દેશોની યાદ?

આર્થિક અને શૈક્ષણિક ક્ષેત્રે પણ મલેશિયા, ઓસ્ટ્રેલિયાને ભારત સામે વિકલ્પ તરીકે પસંદગી આપે છે.

સિંગાપોર એક નાનું રાજ્ય છે- કોઈ ભારતીય મહાનગર જેટલું. પણ સુશાસનના મામલે ભારતને સલાહ આપવામાં તે પણ પાછળ નથી રહેતું.

થાઇલેન્ડ મોટાભાગના ભારતીયો માટે સસ્તું પર્યટન સ્વર્ગ છે તેનાંથી વધારે કંઈ જ નહીં.

ફિલિપીન્ઝની ગતિવિધિઓ અંગે જાણકારી અડધી અધૂરી જ મળે છે.

કમ્બોડિયામાં ગૃહયુદ્ધમાં ક્ષતિગ્રસ્ત અંગકોર વાટના સમારકામમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગે મુશ્કેલ પરિસ્થિતિઓમાં મદદ માટે હાથ લંબાવ્યો હતો.

પરંતુ આજે આ હિંદુ-બૌદ્ધ સંસ્કૃતિ વાળા ક્યારેક બૃહત્તર ભારત તરીકે ઓળખાતા દેશોનું મહત્ત્વ આપણે ભૂલી જઈએ છીએ.

મ્યાનમારની યાદ પણ આપણને ત્યારે જ આવે છે જ્યારે રોહિંગ્યા શરણાર્થીઓનું સંકટ માથે આવે છે. લાઓસ અને બ્રુનાઈ તો યાદ અપાવવા પર જ યાદ આવે છે.

આ વાતોનો વિસ્તારથી ઉલ્લેખ એ માટે જરૂરી છે કેમ કે, તેનાથી એ સમજી શકાય કે જે દેશો સાથે આપણા ઉભયપક્ષીય સંબંધો ખૂબ ઓછા છે.

જેમની સાથે પરસ્પર સંબંધોમાં પણ તણાવ રહે છે, તેમને એક સમૂહમાં મૂકી દેવાથી આપણા રાષ્ટ્ર હિતને પ્રાથમિકતા આપનારા દેશોની યાદીમાં તેઓ ઉપર પહોંચી શકતા નથી.

ચીનના પ્રસ્તાવિત નવા રેશમ રાજમાર્ગને સંતુલિત કરવા માટે જૂના રાજપથને પુનર્જીવિત કરવાના પ્રયાસ આપણને રસ્તા પરથી ભટકાવી શકે છે.

આસિયાન સાથે ભારતનો વેપાર ઘણાં પ્રયાસ છતાં આપણા કુલ આંતરરાષ્ટ્રીય વેપારનો માત્ર 10 ટકા છે.

આ ક્ષેત્રીય સંગઠનના તેલ ઉત્પાદક દેશો- જેમ કે, ઇન્ડોનેશિયાને જોઈને થોડું આશ્ચર્ય થાય છે.

તેમના ભાગીદારોમાં ચીન, જાપાન, કોરિયા, ઑસ્ટ્રેલિયાની સરખામણીએ ભારત નગણ્ય છે.

રસપ્રદ વાત એ છે કે જ્યારે કોઈ મહેમાન ભારત પહોંચે છે, તો તેમનું સ્વાગત અતિરંજિત રીતે થવા લાગે છે.

અત્યારે પણ કંઈક એવું જ લાગી રહ્યું છે. નહીં તો બ્રિક્સ, શાંઘાઈ સહકાર સંગઠન, G-20 બાદ હિંદ- પ્રશાંત ધરીની ચર્ચા સંગત લાગતી નથી.

કટ્ટરપંથી જેહાદી હિંસા વિરુદ્ધ જે સંયુક્ત મોરચાના ગઠન માટે ભારત પ્રયાસ કરી રહ્યું છે, તેમાં આસિયાનના તમામ સભ્યોની સામાન્ય સહમતી શક્ય નથી. ભલે ઇન્ડોનેશિયા પણ તેના નિશાન પર હોય.

ભારતની ઉદાર શક્તિના ઉદાહરણ સ્વરૂપે આ દેશોની ગણતરી કરી શકાય છે.

પરંતુ એ કલ્પના કરવી મુશ્કેલ છે કે નજીકના ભવિષ્યમાં આસિઆનના શિખર સંમેલનની ઘોષણાઓ એવા કાર્યક્રમોને લાગુ કરવામાં સફળ રહેશે કે જે ભારતના રાષ્ટ્રહિત માટે યોગ્ય હશે.

જો ભારતે દક્ષિણ પૂર્વ એશિયામાં પ્રભાવશાળી ઉપસ્થિતિ દાખવવી હોય તો આ કામ આ ક્ષેત્રીય સંગઠનના સભ્ય દેશો સાથે ઉભયપક્ષી સંબંધોને ગાઢ કરીને જ કરી શકાય છે.

છેલ્લા ચાર દાયકાનો અનુભવ તો એવું જ કંઈક જણાવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો