દૃષ્ટિકોણ: નરેન્દ્ર મોદીનું દાવોસનું ભાષણ કેટલું ઐતિહાસિક?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વિત્ઝરલૅન્ડના દાવોસમાં વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમના ઉદઘાટન સત્રને મંગળવારે સંબોધિત કર્યું હતું.

તેમણે જળવાયુ પરિવર્તન અને આતંકવાદને તેમણે વિશ્વ માટે સૌથી મોટી ચિંતા ગણાવ્યા હતા.

નરેન્દ્ર મોદીના આ ભાષણને કેટલું સફળ ગણી શકાય, તેનું આકલન કરવા બીબીસીના સંવાદદાતા મોહમ્મદ શાહિદે ન્ડિયા ટુડે (હિન્દી)ના તંત્રી અંશુમાન તિવારી સાથે વાત કરી હતી.

અંશુમાન તિવારીનો દૃષ્ટિકોણ જાણો.

તમને આ પણ વાંચવું ગમશે

વડાપ્રધાન પાસેથી શું આશા હતી?

નરેન્દ્ર મોદીના ભાષણનું આકલન અનેક રીતે કરી શકાય.

વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમ 1991માં ગ્લોબલાઇઝેશન બાદ બનેલો સૌથી મોટો મંચ છે. તેથી વડાપ્રધાન ત્યાં ક્યા વિષય પર બોલશે એવી આશા હતી?

વડાપ્રધાનનું ભાષણ, સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય મંચો પર કરવામાં આવતા ભાષણ જેવું જ હતું. તેમણે ઘણા વિષયોને સ્પર્શવાના પ્રયાસ કર્યા હતા.

તેમના ભાષણનો મુખ્ય સૂર એ હતો કે ભારત સૌની સાથે જોડાયેલા રહીને આગળ વધતો દેશ છે અને ભારતીય સંસ્કૃતિ આખી દુનિયા સાથે જોડાયેલી છે.

જલવાયુ પરિવર્તન નરેન્દ્ર મોદીની પસંદગીની થીમ છે.

વિશ્વ વ્યાપાર અને ગ્લોબલાઇઝેશનનો થોડો સંદર્ભ તેમના ભાષણમાં હતો. એ બાબતે તેઓ વધુ કહેશે એવી અપેક્ષા હતી.

ડેટા મેનેજમેન્ટ અને પોતાની સરકાર વિશે પણ તેમણે વાત કરી હતી.

વડાપ્રધાનના ભાષણને વિશ્લેષણની દૃષ્ટિથી સમજવાનો પ્રયાસ કરીએ તો તેમની પાસે નક્કર રીતે સંકેત આપવાની તક હતી.

2008ની મંદીને દસ વર્ષ થઈ ગયાં છે, પણ વિશ્વના અર્થતંત્રમાં વૃદ્ધિના સંકેત ગયા વર્ષથી જ જોવા મળી રહ્યા છે.

આ તબક્કે વિશ્વના મોટાભાગના દેશો ભારત સાથે જોડાવાના પ્રયાસ કરી રહ્યા છે.

ભારત સાથે અમેરિકા, કેનેડા, યુરોપિયન યુનિયન, ઇઝરાયલ અને બ્રિટન મુક્ત વ્યાપાર કરાર (એફટીએ) કરવાના છે.

એ સંદર્ભમાં વડાપ્રધાન પાસેથી આશા હતી કે તેઓ આ મંચનો ઉપયોગ ભારતની ઉદાર તથા ગ્લોબલાઇઝેશનની ઇમેજને વધારે મજબૂત કરવાના સંકેત આપશે.

એ સાંભળવા મળ્યું નહીં, પણ તેમણે વ્યાપક બાબતોને સ્પષ્ટ કરી હતી.

જોકે, ભારત ગ્લોબલાઇઝેશન અને ઉદારીકરણના નવા દૌરની જાહેરાત કરશે એવી આશા સાથે વડાપ્રધાનનું ભાષણ સાંભળી રહેલા ઘણા લોકો નિરાશ થયા હશે.

વ્યાપાર સંબંધે શું કહ્યું?

ભારતને વ્યાપાર માટે રજૂ કરવાની વડાપ્રધાનને કોઈ ચિંતા નથી.

ભારત વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમમાં 1991-92થી સક્રિય છે.

દુનિયામાં આર્થિક ઉદારીકરણ અને ગ્લોબલાઇઝેશન સાથે જોડાવાની વાત થાય, ત્યારે ભારતને અલગ રાખીને વિચારી ન શકાય.

ભારત ગ્લોબલાઇઝેશન અને ઉદારીકરણના આગામી દૌરમાં ક્યારે છલાંક મારવાનું છે એ જાણવાની દુનિયા હવે જાણવા ઇચ્છે છે.

દુનિયામાં જે રીતે આર્થિક ધ્રુવિકરણ થઈ રહ્યું છે, તેમાં ભારત અમેરિકા સાથે છે કે ચીનની સાથે એ બધા જાણવા ઇચ્છે છે.

ભારત સરકાર આ બાબતે સ્પષ્ટ સંકેતો આપશે તેવી ચર્ચા હતી, પણ મંચ પરથી એવા કોઈ સંકેત મળ્યા નહીં.

WEF ઐતિહાસિક સાબિત થશે?

કોઈ પણ ફોરમમાં કંપનીઓ રોકાણના મોટા નિર્ણય નથી કરતી કે સરકારો એફટીએની યોજનાઓ ઘડે છે.

આ પ્રકારની ફોરમમાં મહત્તમ લોકોને એક સ્થળે એકઠા કરે છે અને દુનિયામાં ચાલતા ટ્રેન્ડને સમજવાનો પ્રયાસ કરે છે.

વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમને અલગ દૃષ્ટિકોણથી નિહાળવાની જરૂર છે.

દુનિયાના અમીર ઉદ્યોગપતિઓએ આ ફોરમની રચના કરી હતી અને 2008ની મંદી પહેલાં તે ચેમ્પિયન સંગઠન હતી.

જોકે, 2008 બાદ તેણે સંવાદની તેની પ્રક્રિયામાં પરિવર્તન કરવું પડ્યું હતું.

હવે તેમાં સંયુક્ત રાષ્ટ્ર કે કોઈ સમાજવાદી અર્થતંત્રના મોડેલની વાતો થાય છે. આ સંગઠન 2008 પહેલાં જેવું હતું એવું હવે નથી.

આ ફોરમ મારફત કોઈ ઇન્વેસ્ટમેન્ટ આવશે એવું માનવું તે ભૂલ ગણાશે.

વડાપ્રધાને વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમના મંચ પર જઈને ભારત વિશેની વિશ્વની ઉત્સુકતા વધારવાના પ્રયાસ કર્યા છે.

અત્યારે આપણે આર્થિક ઉદારીકરણના બીજા તબક્કામાં છીએ એ આપણે સમજવું પડશે.

વિશ્વનાં અર્થતંત્રો 2018માં મંદીમાંથી બહાર નીકળશે ત્યારે તેઓ વૈશ્વિક આર્થિક સંબંધોનું આલેખન નવી રીતે કરશે અને તેમાં કરારો નવીન પ્રકારે થશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો