સ્વિત્ઝર્લેન્ડનું દાવોસ વિશ્વ માટે અત્યંત મહત્ત્વનું કેમ?

સ્વિત્ઝર્લેન્ડ બરફવર્ષા અને નયનરમ્ય ખીણો માટે જાણીતું છે. એ ખીણોમાં હીરો-હીરોઈન વચ્ચે પાંગરતો પ્રેમ આપણે અનેક હિન્દી ફિલ્મોમાં નિહાળ્યો છે.

જોકે, સ્વિત્ઝર્લેન્ડના એક નાનકડા શહેરમાં મોટા-મોટા રાજકીય અને આર્થિક નિર્ણયો પણ લેવામાં આવે છે.

એ શહેરનું નામ છે દાવોસ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ દાવોસની મુલાકાતે ગયા હોવાથી એ શહેર ચર્ચામાં છે.

દાવોસમાં યોજાયેલી વર્લ્ડ ઇકોનૉમિક ફૉરમમાં હાજરી આપવા માટે નરેન્દ્ર મોદી ગયા છે.

કોઈ ભારતીય વડાપ્રધાન 1997 પછી પહેલીવાર દાવોસની વર્લ્ડ ઇકોનૉમિક ફૉરમમાં હાજરી આપી રહ્યા છે.

તમને આ વાંચવું પણ ગમશે:

આ માટેનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું, "દાવોસ અર્થજગતની પંચાયત બની ગયું છે એ આખી દુનિયા સારી રીતે જાણે છે."

દુનિયા માટે દાવોસ આટલું બધું મહત્ત્વનું કેમ છે?

વર્લ્ડ ઇકોનૉમિક ફૉરમમાં લેવાતા નિર્ણયોની અસર સમગ્ર વિશ્વનાં અર્થકારણ પર શા માટે થાય છે?

ઓસ્ટ્રેલિયાથી માંડીને અમેરિકા સુધીના દેશોના દિગ્ગજ નેતાઓ ફૉરમમાં હાજરી આપવા શા માટે આવે છે?

આ સવાલોને જવાબ મેળવતા પહેલાં દાવોસ શહેરને જાણી લો.

ક્યાં છે દાવોસ?

પ્રાટિગાઉ જિલ્લામાં વાસર નદીના કિનારે વસેલું છે દાવોસ. એ સ્વિસ આલ્પ્સ પર્વતમાળાની પ્લેસૂર અને અલ્બૂબા શૃંખલા વચ્ચે આવેલું છે.

સમુદ્રની સપાટીથી 5120 ફૂટ ઉપર આવેલા દાવોસને યુરોપનું સૌથી ઊંચું શહેર ગણવામાં આવે છે.

પૂર્વ અલ્પાઈન રિઝોર્ટના બે હિસ્સા દાવોસ ડોર્ફ (ગામ) અને દાવોસ પ્લાટ્ઝ એમ બે હિસ્સાનું બનેલું છે દાવોસ.

દાવોસ વર્લ્ડ ઇકોનૉમિક ફૉરમનું યજમાન બને છે એટલા માટે ખાસ છે.

રાજકીય તથા બિઝનેસ જગતના દુનિયાભરના દિગજ્જો વર્ષમાં એકવાર દાવોસમાં એકઠા થાય છે. તેથી મહત્ત્વની આ ફૉરમને સરળ ભાષામાં 'દાવોસ' તરીકે જ ઓળખવામાં આવે છે.

આ ઉપરાંત દાવોસ સ્વિત્ઝર્લેન્ડનું સૌથી મોટું સ્કી રિસોર્ટ પણ છે.

દરેક વર્ષના અંતે દાવોસમાં વાર્ષિક સ્પેંગલર કપ આઈસ હોકી ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. એચસી દાવોસ લોકલ હોકી ટીમ તેની યજમાન હોય છે.

અત્યંત સુંદર દાવોસને વર્લ્ડ ઇકોનૉમિક ફૉરમ યોજાવાને કારણે વિશ્વના નકશા પર ખાસ ઓળખ મળી છે. તેથી હવે ફૉરમ વિશે જાણી લો.

શું છે વર્લ્ડ ઇકોનૉમિક ફૉરમ?

વર્લ્ડ ઇકોનૉમિક ફૉરમની વેબસાઈટના જણાવ્યા અનુસાર, દાવોસ-ક્લોર્સ્ટર્સની વાર્ષિક બેઠક માટે તે જાણીતી છે.

બિઝનેસ, સરકાર અને સિવિલ સોસાયટીના વડેરાઓ વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે છેલ્લાં ઘણાં વર્ષોથી ફૉરમમાં એકઠા થાય છે.

તેઓ વિશ્વ સામેના પડકારોના સામનાના ઉપાયોની ચર્ચા પણ કરે છે.

વર્લ્ડ ઇકોનૉમિક ફૉરમનો પાયો પ્રોફેસર ક્લોઝ શ્વોબે નાખ્યો હતો. એ વખતે તેને યુરોપિયન મેનેજમેન્ટ ફૉરમ તરીકે ઓળખવામાં આવતી હતી.

એ ફૉરમ સ્વિત્ઝર્લેન્ડના જિનીવા શહેરમાં નોન-પ્રૉફિટ ફાઊન્ડેશન હતી.

દર વર્ષે જાન્યુઆરીમાં તેની વાર્ષિક બેઠક યોજાતી હતી અને વિશ્વના વિખ્યાત લોકો તેમાં ભાગ લેવા માટે આવતા હતા.

યુરોપની કંપનીઓ અમેરિકન મેનેજમેન્ટ કંપનીઓની કાર્યપદ્ધતિને કઈ રીતે ટક્કર આપી શકે એ વિશે પ્રોફેસર શ્વાબ ફોરમની પ્રારંભિક બેઠકોમાં ચર્ચા કરતા હતા.

પ્રોફેસર શ્વાબનું વિઝન સમય જતાં વિસ્તર્યું હતું અને વર્લ્ડ ઇકોનૉમિક ફૉરમના સ્વરૂપમાં પરિવર્તિત થયું હતું.

1973માં બ્રેટન વૂડ્ઝ ફિક્સ્ડ એક્સચેન્જ રેટ મિકેનિઝમ ધરાશયી થવાની ઘટના હોય કે ઈઝરાયલનું યુદ્ધ હોય, આવી ઘટનાઓને આ વાર્ષિક બેઠકે આર્થિક તથા સામાજિક મુદ્દાઓ સુધી વિસ્તારી હતી.

નરેન્દ્ર મોદી દાવોસ ગયાની વાતને મોટી ઘટના ગણવામાં આવે છે, પણ ફૉરમની બેઠકમાં રાજકીય નેતાઓ 1974માં પહેલીવાર સામેલ થયા હતા.

વિશ્વની 1,000 અગ્રણી કંપનીઓને સભ્યપદ આપવાની શરૂઆત ફૉરમે 1976માં કરી હતી.

યુરોપિયન મેનેજમેન્ટ ફૉરમ પહેલી બિન-સરકારી સંસ્થા છે, જેણે ચીનના ઇકોનૉમિક ડેવલપમેન્ટ કમિશન સાથે ભાગીદારીની પહેલ કરી હતી.

એ જ વર્ષમાં ક્ષેત્રીય બેઠકોને પણ સ્થાન આપવામાં આવ્યું હતું અને 1979માં 'ગ્લોબલ કમ્પેટિટિવ રિપોર્ટ'ના પ્રકાશન સાથે ફૉરમ જ્ઞાન કેન્દ્ર પણ બની ગઈ હતી.

યુરોપિયન મેનેજમેન્ટ ફૉરમ 1987માં વર્લ્ડ ઇકોનૉમિક ફૉરમમાં પરિવર્તિત થઈ હતી અને વિઝન વિસ્તારીને ચર્ચા-વિચારણાનું મંચ બની હતી.

મહત્ત્વની ઘટનાઓ

વર્લ્ડ ઇકોનૉમિક ફૉરમની વાર્ષિક બેઠકની મહત્ત્વની ઘટનાઓમાં દાવોસ ઘોષણાપત્ર પર યુનાન અને તુર્કીએ 1988માં સહી કરી તેનો સમાવેશ થાય છે.

એ બન્ને દેશ ત્યારે યુદ્ધની તૈયારીમાં હતા.

એ પછીના વર્ષે દાવોસમાં ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચે પ્રધાનસ્તરની પહેલી બેઠક યોજાઈ હતી.

દાવોસમાં આ ઉપરાંતની પણ ઘણી મહત્ત્વની ઘટનાઓ આકાર પામી છે.

દાવોસની એક બેઠકમાં પૂર્વ જર્મનીના તત્કાલીન વડાપ્રધાન હાંસ મોડરો અને જર્મનીના ચાન્સેલર હેલમુત કોહલ બન્ને જર્મનીને એક કરવાની ચર્ચા માટે મળ્યા હતા.

1992માં દક્ષિણ આફ્રિકાના તત્કાલી રાષ્ટ્રપતિ ડે ક્લર્ક દાવોસની બેઠકમાં દિગ્ગજ આફ્રિકન નેતા નેલ્સન મંડેલા અને ચીફ મૈંગોસુથુ બુથલેઝીને મળ્યા હતા.

એ તેમની દક્ષિણ આફ્રિકા બહારની પહેલી બેઠક હતી અને દક્ષિણ આફ્રિકાના રાજકારણમાં આવેલા પરિવર્તન માટે એ બેઠકને સીમાચિન્હરૂપ ગણવામાં આવે છે.

વર્લ્ડ ઇકોનૉમિક ફૉરમને 2015માં ઔપચારિક રીતે આંતરરાષ્ટ્રીય સંસ્થાનો દરજ્જો મળ્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો