જીડીપીનો દર કેવી રીતે નક્કી થાય? જીડીપી વિશે આટલું જાણો

    • લેેખક, દિનેશ ઉપ્રેતી
    • પદ, બીબીસી સંવાદદાતા

ભારતનો બીજા ત્રિમાસિક ગાળાનો જીડીપીનો દર જાહેર થયો છે. જુલાઇથી સપ્ટેમ્બર સુધીનો ત્રણ મહિનાનો જીડીપીનો દર 6.3 ટકા રહ્યો.

જીએસટી લાગૂ કર્યા બાદ જાહેર થયેલો આ દર કેન્દ્ર સરકાર માટે રાહત પહોંચાડનારો છે.

પહેલા ત્રિમાસિક ગાળાનો જીડીપીનો દર 5.7 ટકા જેટલો નીચે પહોંચી ગયો હતો.

જે છેલ્લા 13 ત્રિમાસિક ગાળાનો સૌથી નીચો દર હતો.

આ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) એટલે કે કુલ ઘરેલુ ઉત્પાદન શું ચીજ છે?

તમને આ પણ વાંચવું ગમશે

જીડીપી કોઈ પણ દેશના આર્થિક આરોગ્યનો માપદંડ હોય છે.

જીડીપી કોઈ ખાસ સમયગાળા દરમ્યાન વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદનની કુલ કિંમત હોય છે.

નોંધપાત્ર બાબત એ છે કે સંબંધિત ઉત્પાદન અને સેવાઓ દેશમાંના જ હોવાં જોઈએ.

આ રીતે થાય છે ગણતરી

ભારતમાં જીડીપીની ગણતરી દરેક ત્રણ મહિને કરવામાં આવે છે. ભારતમાં ત્રણ પ્રમુખ ઘટક છેઃ કૃષિ, ઉદ્યોગ અને સર્વિસીસ.

આ ત્રણેયમાં વધારા કે ઘટાડાની સરેરાશને આધારે જીડીપીનો દર નક્કી થાય છે. જીડીપીના આંકડા દેશની પ્રગતિનો સંકેત આપતા હોય છે.

સરળ શબ્દોમાં સમજીએ તો જીડીપીનો દર વધ્યો હોય તો આર્થિક વિકાસ દર વધ્યો ગણાય.

પાછલા ત્રિમાસિક ગાળાની સરખામણીએ જીડીપીનો દર ઓછો હોય તો દેશની આર્થિક હાલત મંદ ગણાય.જીડીપીને બે રીતે પ્રસ્તુત કરવામાં આવે છે.

તેનું કારણ એ છે કે ઉત્પાદનનો ખર્ચ મોંઘવારી સાથે વધતો-ઘટતો રહેતો હોય છે.

આ માપદંડને કોન્સ્ટન્ટ પ્રાઈસ કહે છે.

આ માપદંડને આધારે જીડીપીનો દર અને ઉત્પાદનનું મૂલ્ય એક આધાર વર્ષમાં ઉત્પાદનની કિંમતના આધારે નક્કી થાય છે.

દાખલા તરીકે, આધાર વર્ષ 2010 હોય તો તેના સંદર્ભમાં જ ઉત્પાદનના મૂલ્યમાં વધારા કે ઘટાડાની ગણતરી કરવામાં આવે છે.

બીજો માપદંડ છે કરન્ટ પ્રાઈસ. તેમાં ઉત્પાદન મૂલ્યમાં મોંઘવારીનો દર પણ સામેલ હોય છે.

સેન્ટ્રલ સ્ટેટેસ્ટિકલ ઓર્ગેનાઈઝેશન (સીએસઓ) ઉત્પાદન અને સેવાઓના મૂલ્યાંકન માટે એક આધાર વર્ષ એટલે કે બેઝ યર નક્કી કરે છે.

એ બેઝ યરમાંની કિંમતને આધાર બનાવીને ઉત્પાદન તથા સેવાઓની કિંમત નક્કી કરવામાં આવે છે.

એ હિસાબે તુલનાત્મક વૃદ્ધિ કે ઘટાડો નક્કી કરવામાં આવે છે.

જીડીપીના આંકડાની ગણતરી મોંઘવારીમાં વધારા-ઘટાડાથી અલગ રીતે કરી શકાય એટલા માટે કોન્સ્ટન્ટ પ્રાઈસને આધારે જીડીપીની ગણતરી કરવામાં આવે છે.

બેઝ યરની ફોર્મ્યૂલા

ભારતમાં કોન્સ્ટન્ટ પ્રાઈસની ગણતરીનું આધાર વર્ષ હાલ 2011-12નું છે.

દાખલા તરીકે, 2011ના વર્ષમાં દેશમાં 100 રૂપિયાની ત્રણ વસ્તુનું જ ઉત્પાદન થયું હોય તો કુલ જીડીપી 300 રૂપિયા થયું ગણાય.

2017ના વર્ષ સુધીમાં એ વસ્તુનું ઉત્પાદન ઘટીને માત્ર બે થઈ જાય, પણ તેની કિંમત 150 રૂપિયા થઈ જાય તો નોમિનલ જીડીપી 300 રૂપિયા ગણાય.

વાસ્તવમાં દેશની આર્થિક પ્રગતિ થઈ કે નહીં? બેઝ યરની ફોર્મ્યૂલા અહીં ઉપયોગમાં આવે છે.

2011ની કોન્સ્ટન્ટ કિંમત(100 રૂપિયા)ના હિસાબે વાસ્તવિક જીડીપી 200 રૂપિયા થઈ છે.

તે જીડીપીમાં ઘટાડો થયાનું સ્પષ્ટપણે દર્શાવે છે.

સીએસઓની કામગીરી

સીએસઓ દેશભરમાંથી ઉત્પાદન અને સેવાઓના આંકડા એકત્ર કરે છે.

તેમાં અનેક સૂચકાંકો સામેલ હોય છે. તેમાં મુખ્ય હોય છે ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક (આઈઆઈપી) અને ગ્રાહક મૂલ્ય સૂચકાંક (સીપીઆઈ).

સીએસઓ કેન્દ્ર અને રાજ્યોની વિવિધ એજન્સીઓ સાથે મળીને આંકડા એકઠા કરે છે.

જથ્થાબંધ ભાવાંક (ડબલ્યૂપીઆઈ) અને સીપીઆઈની ગણતરી માટે મેન્યુફેક્ચરિંગ તથા કૃષિ ઉત્પાદનના આંકડાઓ ગ્રાહક બાબતોનું મંત્રાલય એકત્ર કરે છે.

એવી જ રીતે આઈઆઈપીના આંકડા વેપાર અને ઉદ્યોગ મંત્રાલય હેઠળના વિભાગો એકત્ર કરે છે.

કૃષિ, ખનન, મેન્યુફેક્ચરિંગ, વીજળી, કન્સ્ટ્રક્શન, વેપાર, સંરક્ષણ અને અન્ય સેવાઓ એમ આઠ ઔદ્યોગિક ક્ષેત્રના આંકડાઓ મુખ્યત્વે એકત્ર કરવામાં આવે છે.

સીએસઓ એ બધા આંકડાને આધારે ગણતરી કરીને જીડીપીનો આંકડો બહાર પાડે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો