You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વડાપ્રધાન મોદીને દાવોસ જવાનો વિચાર કેમ આવ્યો?
- લેેખક, મોહમ્મદ શાહિદ
- પદ, બીબીસી સંવાદદાતા
વડાપ્રધાન મોદીનો વર્ષનો પહેલો વિદેશ પ્રવાસ વિશ્વ આર્થિક મંચ એટલે કે વર્લ્ડ ઇકોનૉમિક ફૉરમની 48મી બેઠકથી શરૂ થઈ રહ્યો છે.
સ્વિત્ઝરલૅન્ડના દાવોસમાં સોમવારથી શરૂ થઈ રહેલા ફૉરમમાં વડાપ્રધાન મોદી હાજરી આપશે. મંગળવારે તેઓ સત્રને સંબોધિત કરશે.
બે દાયકા બાદ ભારતીય વડાપ્રધાન પહેલી વખત વર્લ્ડ ઇકોનૉમિક ફૉરમમાં ભાગ લેશે.
છેલ્લી વખત 1997માં તત્કાલીન વડાપ્રધાન એચ.ડી. દેવેગૌડા ઇકોનૉમિક ફૉરમમાં ગયા હતા.
તમને આ પણ વાંચવું ગમશે
થોડા સમય પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક ટીવી ચેનલના ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું હતું કે તેઓ બે દાયકા બાદ ઇકોનૉમિક ફૉરમમાં ભાગ લેનારા વડાપ્રધાન છે.
ત્યારે તેમણે કહ્યું હતું કે દુનિયા સારી રીતે જાણે છે કે દાવોસ આર્થિકજગતની પંચાયત બની ગયું છે.
તેમણે આગળ જણાવ્યું કે અર્થજગતની હસ્તીઓ ત્યાં એકત્રિત થાય છે અને ભાવિ આર્થિક સ્થિતિઓ કેવી રહેશે, તેની દિશા ત્યાં નક્કી થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મોદી કેમ જઈ રહ્યા છે દાવોસ?
તો શું વડાપ્રધાન આર્થિકજગતની દશા-દિશા જોવા માટે દાવોસ ગયા છે? આ પહેલાં દર વર્ષે નાણાં મંત્રી અથવા તો બીજા કોઈ અધિકારી ત્યાં કેમ જતા હતા?
તેનું કારણ વરિષ્ઠ આર્થિક પત્રકાર એમ.કે.વેણુ ભારતીય અર્થવ્યવસ્થાની સુસ્તીને બતાવે છે.
તેઓ જણાવે છે, "મે મહિનામાં મોદી સરકારને ચાર વર્ષ પૂર્ણ થઈ જશે. પરંતુ અત્યારસુધી વડાપ્રધાન ત્યાં ગયા નથી કેમ કે દુનિયા ગત વર્ષ સુધી ભારતને ઊભરતી અર્થવ્યવસ્થા માનતી હતી."
"તેલ અને વસ્તુઓના ભાવ ઓછા થવાના કારણે ભારતની અર્થવ્યવસ્થાને ફાયદો થયો, પરંતુ 2015-16માં ભારતનો GDP 7.9 ટકા હતો."
તેઓ ઉમેરે છે, "2016-17માં GDP 7.1 ટકા થયો અને હવે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ નાણાકીય વર્ષમાં GDP 6.52 ટકા થઈ શકે છે."
"આર્થિક ક્ષેત્રે ભારત પાછળ રહી ગયું છે અને દુનિયાના 75 ટકા દેશોમાં GDPમાં વધારો નોંધાયો છે."
વર્ષ 1971માં સ્વિત્ઝરલેન્ડમાં વર્લ્ડ ઇકોનૉમિક ફૉરમની એક બિન-લાભકારી સંસ્થા રૂપે રચના થઈ હતી. તેનું મુખ્યાલય જીનિવામાં છે.
તેને પબ્લિક- પ્રાઇવેટ પાર્ટનરશીપ માટે એક આંતરરાષ્ટ્રીય સંસ્થારૂપે માન્યતા મળેલી છે.
તેનો ઉદ્દેશ દુનિયાના વ્યવસાય, રાજકીય, શૈક્ષણિક અને અન્ય ક્ષેત્રો સાથે જોડાયેલા પ્રસિદ્ધ લોકોને એકસાથે લાવીને વૈશ્વિક, ક્ષેત્રીય અને ઔદ્યોગિક જગતની દિશા નક્કી કરવાનો છે.
અર્થવ્યવસ્થાની ચિંતા
વેણુ પણ જણાવે છે કે આ દરમિયાન દુનિયાની મોટી કંપનીઓના ઉચ્ચ હોદ્દેદારો હાજરી આપે છે અને અહીં વ્યવસાય તેમજ નેટવર્કીંગનું કામ થાય છે.
ભારત તેમાં એક થીમના રૂપમાં રજૂ થશે જેમાં મોટા-મોટા લોકો સામેલ થશે.
આ પ્રકારના ઘણા આર્થિક મંચ આયોજિત થાય છે. પરંતુ આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમાં સામેલ થયા છે તેનાથી તે વધુ ખાસ બની જાય છે.
PTIના આધારે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ પ્રવાસનો ઉદ્દેશ ભારતને એક નવા, યુવા અને ઉન્નત થઈને વિકાસ પામી રહેલા દેશ તરીકે પ્રસ્તુત કરવાનો હશે.
આ તરફ વેણુ જણાવે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાવોસ એ માટે જઈ રહ્યા છે કેમ કે તેમને અર્થવ્યવસ્થાની ચિંતા છે અને ત્યાંથી વ્યવસાયના ઘણા અવસર છે.
સમાચાર એજન્સી PTIના જણાવ્યા અનુસાર આ વર્ષે વાર્ષિક કાર્યક્રમમાં વેપાર, રાજકારણ, કળા, શિક્ષા અને સિવિલ સોસાયટીના લગભગ 3 હજાર લોકો ભાગ લેશે.
પાંચ દિવસ સુધી ચાલનારા આ કાર્યક્રમમાં સૌથી વધુ ભાગીદાર ભારતથી હશે. તેમાં 130 ભારતીય સહભાગી સામેલ થશે.
કાળા નાણાં અંગે ચર્ચાની શક્યતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ પ્રવાસને ખૂબ નાનો પણ ફોકસ વાળો ગણાવવામાં આવી રહ્યો છે.
આ દરમિયાન તેઓ દુનિયાની 60 કંપનીઓના CEO સાથે ડિનરનું આયોજન પણ કરશે.
વિશેષજ્ઞોનું માનવું છે કે ભારતીય વડાપ્રધાન દ્વારા કાળા નાણાં વિરુદ્ધ ઉઠાવવામાં આવેલા પગલાં અંગે પણ ત્યાં ચર્ચા થઈ શકે છે.
તેના પર વેણુ કહે છે, "વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધીના વિચારને વિદેશી કંપનીઓને વેચવાનો પ્રયાસ કર્યો છે કેમ કે તેઓ એવું બતાવે છે કે તેનાથી અર્થવ્યવસ્થાનું ડિજિટાઇઝેશન થઈ રહ્યું છે."
ફૉરમમાં રઘુરામ રાજન અને શાહરૂખ ખાન
સ્વિત્ઝરલેન્ડમાં વડાપ્રધાન મોદી સ્વિત્ઝરલેન્ડના રાષ્ટ્રપતિ આલે બેખસિટ સાથે દ્વીપક્ષીય બેઠક પણ કરશે.
PTIના આધારે, વડાપ્રધાન મોદીના પ્રતિનિધિમંડળમાં નાણાંમંત્રી અરૂણ જેટલી સિવાય મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, અઝીમ પ્રેમજી જેવા બિઝનેસમેન પણ સામેલ થશે.
વર્લ્ડ ઇકોનૉમિક ફૉરમમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહિદ ખાકાન અબ્બાસી પણ ભાગ લેશે.
જોકે, વડાપ્રધાન મોદી અને પાકિસ્તાની વડાપ્રધાન વચ્ચે બેઠક થવાની કોઈ યોજના નથી.
વર્લ્ડ ઇકોનૉમિક ફૉરમમાં વડાપ્રધાન મોદી સિવાય ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાન પણ કાર્યક્રમને સંબોધિત કરશે.
આ સિવાય ફૉરમમાં સૌથી મોટું આકર્ષણ પૂર્વ RBI ગવર્નર રઘુરામ રાજન પણ હશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો