અમેરિકામાં ફરી શરૂ થશે કામકામ, ફંડિગનું બિલ પાસ

અમેરિકામાં ત્રણ દિવસથી ઠપ થઈ ગયેલું સરકારી કામકાજ હવે ફરી શરૂ થઈ શકશે. રિપબ્લિકન અને ડેમોક્રેટ પક્ષો વચ્ચે થયેલી સમજૂતીને પગલે આ કટોકટીનો હાલ કામચલાઉ રીતે અંત આવ્યો છે.

અમેરિકન સંસદનાં બન્ને ગૃહો સેનેટ અને પ્રતિનિધિ સભાએ સંઘીય સરકારને ફંડ ઉપલબ્ધ કરાવવા સંબંધી કામચલાઉ ખરડાને મંજૂરી આપી દીધી છે.

સેનેટમાં આ ખરડાની તરફેણમાં 81 સભ્યોએ અને તેના વિરોધમાં 18 લોકોએ મતદાન કર્યું હતું.

જોકે, આ સમજૂતી માત્ર અઢી સપ્તાહ માટેની જ છે.

અમેરિકન પ્રમુખની ઔપચારિક મંજૂરી બાદ આઠમી ફેબ્રુઆરી સુધી સંઘ સરકારનું કામકાજ કોઈ જ આર્થિક તકલીફ વિના ચાલી શકશે. ત્યાર બાદ શું થશે એ સ્પષ્ટ નથી.

ડેમોક્રેટ પાર્ટીને સેનેટર ચક સુમરે કહ્યું હતું, "યુવા ઇમિગ્રન્ટ્સને દેશમાંથી હાંકી કાઢવામાંથી બચાવી શકાય એ માટે રિપબ્લિક પાર્ટીના સેનેટર્સ કોઈ ખરડો રજૂ કરશે તો ડેમોક્રેટ્સ તેને ટેકો આપશે."

યુવા ઇમિગ્રન્ટ્સને અમેરિકામાંથી હાંકી કાઢવામાંથી બચાવી શકાય તેવો કાયદો બનાવવાની ભલામણ ડેમોક્રેટ્સ કરી રહ્યા છે.

ચક સુમરના જણાવ્યા અનુસાર, ત્રણ દિવસથી ચાલી રહેલી બંધીનો થોડા સમયમાં અંત આવશે.

રિપબ્લિકન પાર્ટીના સેનેટ નેતા મિચ મેક્કોનેલે કહ્યું હતું, "આપણે આગળ વધવાની જરૂર છે. બંધીનો અંત લાવવા માટે પગલાં લેવાની જરૂર છે."

ડેમોક્રેટો શું ઈચ્છે છે?

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ બન્યા પછી ઇમિગ્રન્ટ્સ સામે આકરું વલણ દાખવી રહ્યા છે.

બજેટ પસાર કરાવવાના બદલામાં ડેમોક્રેટ્સ ઇમિગ્રન્ટ્સના મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સોદો કરવા ઈચ્છે છે પણ રિપબ્લિકન સેનેટર્સ એ માટે તૈયાર નથી.

બાળપણમાં અમેરિકા આવેલા સાત લાખ ઇમિગ્રન્ટ્સને દેશમાંથી કાઢી મૂકાતા બચાવવાની જોગવાઈ બજેટ દરખાસ્તોમાં કરવામાં આવે એવો આગ્રહ ડેમોક્રેટસ રાખી રહ્યા છે.

ડેમોક્રેટ પાર્ટીના સેનેટર ડિક ડર્બિને શનિવારે એક ઇન્ટર્વ્યૂમાં કહ્યું હતું, "આ વિવાદ કેટલાક કલાકો કે દિવસોનો હોય એવું મને લાગે છે, પણ આપણે તેનો નક્કર જવાબ આપવો જોઈએ."

"ડોનાલ્ડ ટ્રમ્પ એક જ એવી વ્યક્તિ છે જે આપણને આ પરિસ્થિતિમાંથી ઉગારી શકે છે. સરકારનું કામકાજ એમને કારણે અટકી પડ્યું છે."

રિપબ્લિકન પાર્ટીને સેનેટર સરહદી સલામતીના નામે ભંડોળ મેળવવા ઈચ્છે છે.

તેમાં મેક્સિકો સાથેની સરહદે દિવાલ બનાવવા અને સંરક્ષણ બજેટમાં વધારાના મુદ્દોઓનો પણ સમાવેશ થાય છે.

સમજૂતી નહીં થવાનો અર્થ એ છે કે વિવાદ ઉકેલાશે નહીં ત્યાં સુધી સંઘ સરકારના કર્મચારીઓ તેમને પગાર ન મળવાનો હોવાથી ઓફિસમાં ગેરહાજર રહેશે.

સેનેટના નિયમ અનુસાર, 100 સભ્યોવાળા ગૃહમાં ખરડો પસાર કરાવવા માટે 60 મતની જરૂર હોય છે.

સેનેટમાં રિપબ્લિકન પાર્ટીના હાલ 51 સભ્યો છે અને ખરડો પસાર કરાવવા માટે તેમને ડેમોક્રેટ પાર્ટીના કેટલાક સેનેટરોના ટેકાની જરૂર છે.

સરકારનું કામકાજ ઠપ થવાનો અર્થ

અમેરિકાનું બજેટ પહેલી ઓક્ટોબર પહેલાં પસાર થઈ જવું જોઈએ કારણ કે પહેલી ઓક્ટોબરથી સંઘ સરકારનાં નાણાકીય વર્ષની શરૂઆત થતી હોય છે.

અમેરિકન સંસદ નિર્ધારિત સમયમર્યાદામાં બજેટ પસાર કરી શકી ન હોય એવું ભૂતકાળમાં ઘણી વખત બન્યું છે. બજેટ સંબંધે નવા વર્ષમાં પણ સોદાબાજી ચાલતી રહી છે.

જોકે, સંઘ સરકારની એજન્સીઓ માટે ભંડોળની કામચલાઉ વ્યવસ્થા કરવામાં આવતી રહી છે.

આ વખતે અમેરિકન સંસદ ફડિંગ ચાલુ રાખવાના મુદ્દે સહમતી સાધવામાં નિષ્ફળ રહી છે અને અનેક સરકારી એજન્સીઓએ શનિવારથી કામકાજ બંધ કરી દીધું છે.

2013માં પણ આવાં કેટલાંક કારણોસર સરકારનું કામકાજ 16 દિવસ સુધી બંધ રહ્યું હતું.

16 દિવસ કામકાજ બંધ રહેવાથી સરકારને બે અબજ ડોલરનું નુકસાન થયું હોવાનું કહેવાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો