You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમેરિકામાં સરકારી કામકાજ ઠપ, ટ્રમ્પ કેટલા જવાબદાર?
- લેેખક, સલીમ રિઝવી
- પદ, બીબીસી પત્રકાર, ન્યૂ યોર્ક થી
અમેરિકામાં સરકારે જાહેર કરેલી કામબંધી કે શટડાઉનના પહેલા દિવસે એટલે કે શનિવારે લાખો સરકારી કર્મચારીઓને હાલમાં તેમના રોજિંદા કામ પર આવવાની ના પાડવામાં આવી હતી.
અમેરિકાના સેનેટમાં સત્તા અને વિરોધ પક્ષ વચ્ચે ગેરકાયદેસર ઘૂસણખોરી કરી રહેલા ઇમિગ્રન્ટ્સ મુદ્દે મામલો ગરમી પકડી ગયો હતો.
જેના કારણે સરકારી ખર્ચનું બિલ પસાર થઈ શક્યું ન હતું અને આ પરિસ્થતિ ઊભી થઈ છે.
સરકારી ખર્ચાનું બિલ અમેરિકન સંસદમાં પસાર ન થતા સરકારી કામકાજ મહદંશે ઠપ થઈ ગઈ હોવાના અહેવાલ છે.
સરકારી કામકાજ પર લાગેલી પાબંદી જલ્દી ખતમ થવાના અણસાર એટલે નથી દેખાઈ રહ્યા, કારણ કે રિપબ્લિકન અને ડેમોક્રેટ સાંસદો તેમના એકબીજા પ્રત્યેના વિરોધાભાસી વલણ પર અડગ છે.
તમને આ પણ વાંચવું ગમશે
ઘણા સરકારી વિભાગો બંધ
અમેરિકામાં કામ બંધ અથવા શટડાઉન બાદની પરિસ્થિતિ એ છે કે અંદાજે સાત લાખ કર્મચારીઓ હાલ નોકરી પર ન આવવા કહેવામાં આવ્યું છે.
કામ પર ન આવનારા સરકારી કર્મચારીઓની સંખ્યા કુલ સરકારી કર્મચારીઓના 40 ટકા જેટલો આંકડો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સરકારી કચેરીઓમાં કાર્ય બંધ થવાથી ઘણા સરકારી વિભાગો બંધ કરી દેવામાં આવ્યા છે.
જેમાં પાસપોર્ટ ઑફિસ, સેન્ટર ફૉર ડિસીઝ કન્ટ્રોલ અથવા આરોગ્ય વિભાગ મોટાભાગની સેવાઓ અને આવકવેરા વિભાગનો પણ સમાવેશ થાય છે.
લશ્કર સાથે સંકળાયેલા સિવિલિયન કર્મચારીઓને પણ કામ પર ન આવવા માટે કહેવામાં આવ્યું છે.
શટડાઉન દરમ્યાન કઈ સેવાઓ કાર્યરાત રહેશે
ટપાલ સેવાઓ ચાલુ રાખશે અને અદાલતો થોડા સમય સુધી ખુલી રહેશે.
અદાલતોમાં પણ એવી શક્યતા જોવાય રહી છે કે કેટલાક કર્મચારીઓને હાલમાં કામ પર ન આવવા માટે કહેવામાં આવશે.
દેશભરમાં 400 થી વધુ રાષ્ટ્રીય પાર્ક ખુલ્લા તો રહેશે, પરંતુ ત્યાં સફાઈ કર્મચારીઓ નહિ આવે.
રાષ્ટ્રીય સલામતી અને મહત્ત્વની સેવાઓ સાથે જોડાયેલા તમામ વિભાગોમાં કાર્યરત રહેશે.
તમને આ પણ વાંચવું ગમશે
ઉપરોક્ત સેવાઓમાં સૈન્ય અને સીમા સુરક્ષા બળ, પોલીસ અને અગ્નિશમન સેવાઓ, એરપોર્ટ પર સલામતી કર્મીઓ અને એર ટ્રાફિક કન્ટ્રોલ સાથે જોડાયેલા કર્મચારીઓનો સમાવેશ થાય છે.
સમગ્ર દેશમાં સરકારી તબીબી સેવાઓ પણ ચાલુ રહેશે.મહત્ત્વની સેવાઓ પર આવતા કર્મચારીઓને શટડાઉન સમાપ્ત થશે ત્યાર પછી જ પગાર મળશે.
અમેરિકન સેનેટમાં ખેંચતાણ યથાવત
શુક્રવારની મધ્યરાત્રિની સમય-મર્યાદામાં યુ.એસ. સેનેટમાં સત્તાધીશ રિપબ્લિકન પાર્ટી અને વિરોધ પક્ષ ડેમોક્રેટિક પાર્ટી વચ્ચે ઊભી થયેલી મડાગાંઠનો કોઈ ઉકેલ આવ્યો ન હતો.
અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરી રહેલા વિદેશી પ્રવાસીઓ અને નાગરિકો મુદ્દે કોઈ સંમતિ સાધી શકાઈ ન હોવાને કારણે સરકારી ખર્ચાઓ સંબંધિત બિલને મંજૂરી મળી ન હતી.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ શટડાઉન માટે વિપક્ષ બેઠેલા ડેમોક્રેટિક પક્ષને જવાબદાર ઠેરવ્યો છે.
વાઇટ હાઉસના કહેવા પ્રમાણે, "તે લોકો (ડેમોક્રેટિક પક્ષ) અનિધકૃત માંગણીઓ દ્વારા દેશના નાગરિકો માટે મુશ્કેલીઓ ઊભી કરી રહ્યા છે."
ડેમોક્રેટિક પાર્ટીના સેનેટરોની માગણી છે કે બાળપણમાં માતા-પિતા સાથે અમેરિકા આવેલા આઠ લાખ લોકોને અહીં રહેવા અને કામ કરવા માટે અપાયેલી છૂટ ચાલુ રાખવી જોઈએ.
ઉપરોક્ત માંગણી સંબંધી જોગવાઈઓને પણ આ કાયદામાં સમાવિષ્ટ કરવી જોઈએ, તેવો સૂર વિરોધ પક્ષ ઉચ્ચારી રહ્યો છે.
ગત વર્ષે સપ્ટેમ્બરમાં ટ્રમ્પે અજાણ્યા અને અપ્રવાસી લોકોને છૂટ આપતી જોગવાઈ સમાપ્ત કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે આ કાર્યક્રમનો વિકલ્પ શોધવા માટે કોંગ્રેસ (સંસદ) પાસે માર્ચ સુધી સમય છે.
રિપબ્લિકન સેનેટરોનું કહેવું છે કે આ મુદ્દે સરકારી ખર્ચના બિલમાં ન જોડવામાં આવે. તેઓનું માનવું છે કે આ મુદ્દે સેનેટમાં અલગ ચર્ચા થવી જોઈએ.
આ સત્રમાં પ્રતિનિધિઓની સભામાં એક બિલ પસાર થયું છે.
જે બિલની જોગવાઈઓ મુજબ, સરકારી ખર્ચા માટે 16 ફેબ્રુઆરી સુધી મંજૂરી અપાઈ છે.
પરંતુ સેનેટમાં ડેમોક્રેટિક પાર્ટીના મોટા ભાગના સદસ્યોએ ઉપરોક્ત બિલને મંજૂર કરવાનો ઇન્કાર કર્યો છે.
રિપબ્લિકન પાર્ટીના મિચ મૅકોનલે આ પરિસ્થિતિને કારણે સામાન્ય લોકો અને સૈનિકોને પડી રહેલી પારાવર મુશ્કેલીઓ માટે ડેમોક્રેટિક પક્ષના નેતાઓને જવાબદાર ઠેરવ્યા હતા.
મિચ મેકોનલે કહ્યું, "આ શટડાઉનનો પ્રથમ દિવસ છે અને આપણા ઘણા પૂર્વ-સૈનિકો માટે મુશ્કેલીઓ શરૂ થઈ ગઈ છે."
મેકોનલે ઉમેર્યું કે જે બિલ મોટા ભાગના સેનેટરોએ સેનેટમાં પસાર કરી દીધું હતું, પણ ડેમોક્રેટિક પાર્ટીના નેતાઓ એ દલીલ કરીને એ બિલ ને મંજૂર થતા અટકાવ્યું હતું.
ઉપરોક્ત સંદર્ભે ડેમોક્રેટીક નેતા ચક શૂમર કહે છે કે આ બિલમાં ટ્રમ્પએ બે દ્વિપક્ષીય સમજૂતીને નકારી કાઢવા છતાં કોંગ્રેસે તેમની પાર્ટી પર આ મુદ્દે કોઈ દબાણ ઊભું નહોતું કર્યું.
સેનેટર ચક શૂમર કહે છે, "આ સત્તા અને વાઇટ હાઉસની જવાબદારી છે કે તે બધા સાથે સાથે લઈને મહત્વના મુદ્દાઓ આગળ વધે છે અને સરકારના કાર્યો ને આગળ ધપાવે."
શુમરે ઉમેર્યું કે, ઘણા લોકો હવે આ વાત માનતા થઈ ગયા હતા કે વાઇટ હાઉસ (એટલે કે પ્રમુખ) દેશનું નેતૃત્વ કરવામાં નિષ્ફળ રહ્યા છે.
સેનેટર શૂમરએ પણ માંગણી કરી છે કે પ્રમુખ ટ્રમ્પ રિપબ્લિકન અને ડેમોક્રેટિક નેતાઓ સાથે મળીને અને આ મુદ્દે ઉકેલ લઈ આવે.
આરોપ-પ્રતિઆરોપની રાજનીતિ
આ મુદ્દે પહેલી વખત બંન્ને પક્ષોના સભ્યોએ રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે મળીને સમાધાન કરવાનો પ્રયત્ન કર્યો હતો.
આ મુદ્દે કોઈ યોગ્ય સમાધાન ન નીકળ્યું અને હવે આ મુદ્દે બંને પક્ષોએ એકબીજા પર આરોપ-પ્રતિઆરોપ મૂકી રહ્યા છે.
આ પ્રથમવાર બન્યું છે કે રિપબ્લિકન પાર્ટી સેનેટમાં બહુમતીમાં છે અને સત્તાધારી પ્રમુખ પણ એજ પક્ષના છે, છતાંય સરકારી કામગીરી ઠપ થઈ છે.
સેનેટમાં રિપબ્લિકન પાર્ટી 51 સભ્યો સાથે બહુમતીમાં છે, પરંતુ સરકારી ખર્ચાઓના બિલને પસાર કરવા અને ચર્ચા સમાપ્ત કરવા માટે 60 મતોની જરૂર હોય છે.
અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરી રહેલા ઇમિગ્રન્ટ્સનો મુદ્દો એ અમેરિકાની રાજનીતિમાં કોઈ નવી વાત નથી.
ડેમોક્રેટિક પાર્ટીના સેનેટર આ મુદ્દે પોતાના સમર્થકોને પ્રોત્સાહન આપવા માટે સરકારી ખર્ચના બિલને રોકીને ટ્રમ્પ સરકાર અને રિપબ્લિકન પાર્ટી પર એક પ્રકારે દબાણ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
શનિવારે 20 જાન્યુઆરીના દિવસે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પના કાર્યકાળને એક વર્ષ પૂર્ણ થયું, ત્યારે જ શટડાઉન શરૂ થયું હતું.
શટડાઉનને કારણે કાર્યકાળની પ્રથમ વર્ષગાંઠ નિમિતે ફ્લોરિડામાં આયોજિત સમારંભમાં જવાનું પણ ટ્રમ્પે સ્થગિત કર્યું હતું.
શટડાઉનને કારણે અમેરિકનના લાખો સૈનિકોના પરિવારજનોને સરકારી ખજાનાથી મળતી આર્થિક મદદ બંધ કરી દેવામાં આવી છે.
તો બીજી તરફ સેનેટ અને પ્રતિનિધિઓની સભામાં સભ્યોનો પગાર રોકવામાં નથી આવ્યો.
અમેરિકાના સંવિધાનમાં એવી જોગવાઈઓ છે કે સાંસદોને કોઈપણ પરિસ્થિતિમાં પગાર અપાવવો જ જોઈએ.
આ શટડાઉન દરમ્યાન સૈન્યના પરિવારોને સરકારી ખજાનાને બદલે સ્વયંસેવી સંસ્થાઓ દ્વારા આર્થિક મદદ આપવામાં આવી રહી છે.
જે શટડાઉન સમાપ્ત થયે સરકાર તરફથી આ ખર્ચની ભરપાઈ લઈ શકશે.
અમેરિકામાં 1976થી લઈને આજ દિવસ સુધીમાં સમયાંતરે 18 વાર સરકારી કામબંઘી અથવા શટડાઉનની અમલવારી કરવામાં આવી છે.
છેલ્લા બાર વર્ષમાં 2013માં પ્રમુખ બરાક ઓબામાના કાર્યકાળ દરમ્યાન રિપબ્લિકન પક્ષના સભ્યો સાથે આરોગ્ય બિલ મુદ્દે મડાગાંઠ ઊભી થઈ હતી.
ત્યારે 16 દિવસ સુધી સરકારી કામબંધી રહી હતી.
આ વખતે કામબંધી અથવા તો શટડાઉન જલ્દી સમાપ્ત થવાના કોઈ અણસાર દેખાતા નથી, કારણ કે બંન્ને પક્ષો પોતાના વલણ પર અડીખમ જણાય રહ્યા છે.
જ્યારે મોટાભાગની સામાન્ય અમેરિકન પ્રજામાં આ બાબત અંગે ગુસ્સો જોવા મળી રહ્યો છે.
અમેરિકન પ્રજા માને છે કે સાંસદો કામ કરવાને બદલે કામબંધી અથવા શટડાઉન માટે વોટ આપી રહ્યા છે.
સાથેસાથે એવા પણ લોકો છે કે જે અપ્રવાસીઓ મુદ્દે ટ્રમ્પ સરકાર પર દબાણ લાવવાની હિમાયત કરી રહ્યા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો