બાંગ્લાદેશમાં વિમાન દુર્ઘટનાથી 27નાં મોત, શાળા પર પ્લેન કેવી રીતે તૂટી પડ્યું?

બાંગ્લાદેશના વાયુદળનું એફ-7 બીજેઆઈ ટ્રેઇનર વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈને સોમવારે બપોરે દેશની રાજધાની ઢાકાના દિયાબારી વિસ્તારમાં એક શાળા ઉપર પડ્યું હતું.

માઇલસ્ટોન શાળાના મુખ્ય સલાહકારના વિશેષ સહાયક પ્રોફેસર સઈદુર રહમાનના કહેવા પ્રમાણે, વિમાન અકસ્માતને કારણે 27 લોકોનાં મૃત્યુ થયાં છે અને ઓછામાં ઓછા 70થી વધુ લોકો ઘાયલ થયા છે.

તમામ ઘાયલોને ઢાકાસ્થિત નૅશનલ બર્ન ઍન્ડ પ્લાસ્ટિક સર્જરી ઇન્સ્ટિટ્યૂટ, કુર્મીટોલા હૉસ્પિટલ, ઢાકા મેડિકલ કૉલેજ હૉસ્પિટલ, કમ્બાઇન્ડ મિલિટરી હૉસ્પિટલ તથા ઉતરા મૉર્ડન હૉસ્પિટલ સહિતનાં સ્થળોએ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

માઇલસ્ટોન કૉલેજના લેક્ચરર રેજાઉલ ઇસ્લામે બીબીસી બાંગ્લાને જણાવ્યું કે છૂટવાના સમયે આ દુર્ઘટના થઈ હતી.

તેમણે કહ્યું, "એક ફાઇટર જેટ સીધું જ બિલ્ડિંગ સાથે ટકરાયું હતું. તેમાં નર્સરી અને જુનિયર વિભાગના અનેક વર્ગો ઝપેટમાં આવી ગયા હતા. શાળાનો ગેટ સંપૂર્ણપણે નાશ પામ્યો તથા તેમાં આગ લાગી ગઈ."

સરકારી કાનૂની સલાહકાર પ્રોફેસર આસિફ નજરુલે જણાવ્યું હતું કે, "આ ઘટનાથી અમને ખૂબ જ દુઃખ થયું છે. સરકારે મંગળવારને પહેલાથી જ શોક દિવસ જાહેર કર્યો છે. આ સાથે, અમે વિમાન દુર્ઘટના કેવી રીતે બની તેની પણ તપાસ કરીશું."

'મને ફક્ત આગ અને ધુમાડો જ દેખાયો'

આ ઘટના અંગે શિક્ષક, મસૂદ તારીકે, સમાચાર સંસ્થા રૉઇટર્સને જણાવ્યું કે તેમણે વિસ્ફોટનો અવાજ સાંભળ્યો. "જ્યારે મેં પાછળ ફરીને જોયું, ત્યારે મને ફક્ત આગ અને ધુમાડો જ દેખાયો હતો. અહીં ઘણાં વાલીઓ અને બાળકો હતાં."

એક વિદ્યાર્થીએ પોતાની નજર સામે વિમાનને ઇમારત સાથે અથડાતું જોયાની વાત જણાવી હતી.

બાંગ્લાદેશ ફાયર બ્રિગેડ સર્વિસે સોશિયલ મીડિયા પર જાહેર કર્યું હતું કે ઘટનાસ્થળે નવ યુનિટ અને છ ઍમ્બ્યુલન્સ હાજર છે.

ઘટનાસ્થળની તસવીરોમાં કાર્યકરો કાટમાળમાંથી બચી ગયેલા લોકોને શોધી રહ્યા છે.

એક તસવીરમાં, ફાયર ફાઇટરો ઇમારતમાંથી એક મૃતદેહ બહાર કાઢતા જોવા મળે છે.

ઘણા અન્ય લોકો પણ નજીકની ઇમારતોની છત પર ઊભા રહીને ઘટના જોઈ રહ્યા હતા.

ઉડાન ભર્યા બાદ વિમાનમાં તકનીકી ખામી સર્જાઈ: ISPR

અકસ્માતના થોડા કલાકો પછી, ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR) એ પોતાનું સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે.

આ નિવેદન અનુસાર, "ઉડાન ભર્યાના થોડા સમય પછી જ ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. તપાસ પૂર્ણ થયા પછી વિગતવાર માહિતી શેર કરવામાં આવશે."

ISPR અનુસાર, પાઇલટ ફ્લાઇટ લેફ્ટનન્ટ મોહમ્મદ તૌકીર ઇસ્લામે અકસ્માત અને મોટા નુકસાનને ટાળવા માટે વિમાનને ગીચ વસ્તીવાળા વિસ્તારમાંથી ઓછી વસ્તીવાળા વિસ્તારમાં વાળવાનો પ્રયાસ કર્યો. પરંતુ કમનસીબે વિમાન ઢાકાના દિયાબારી વિસ્તારમાં સ્થિત માઇલસ્ટોન સ્કૂલ અને કૉલેજની બે માળની ઇમારત સાથે અથડાયું હતું.

આ અકસ્માતમાં પાઇલટે પણ જીવ ગુમાવ્યો હતો.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બાંગ્લાદેશ વાયુસેના આ દુર્ઘટનાથી ખૂબ જ દુઃખી છે અને પીડિતોને યોગ્ય તબીબી સારવાર અને શક્ય તમામ સહાય પૂરી પાડવામાં સક્રિય કામગીરી બજાવી રહી છે.

મહત્ત્વનું છે કે હાલમાં, સેના, વાયુસેના, પોલીસ, આરએબી અને ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે રાહત અને રેસ્ક્યુ કામગીરીમાં રોકાયેલી છે અને પરિસ્થિતિને થાળે પાડવા માટે શક્ય તમામ પ્રયાસો કરી રહી છે.

ઍરફોર્સે આ અકસ્માતની તપાસ માટે એક ઉચ્ચ કમિટીની રચના કરી છે, જે અકસ્માતના કારણોની વિગતવાર ચકાસણી કરશે.

બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે જણાવ્યું હતું કે, ''ઘટનાના કારણની તપાસ માટે "જરૂરી પગલાં" લેવામાં આવશે અને "તમામ શક્ય સહાય પૂરી પાડવામાં આવશે".

તેમણે કહ્યું, "આ રાષ્ટ્ર માટે ભારે આઘાતની પળો છે. હું ઈજાગ્રસ્તોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું અને સંબંધિત હોસ્પિટલો સહિત તમામ અધિકારીઓને આ પરિસ્થિતિને અગ્રિમતા આપીને સંભાળવાનો નિર્દેશ આપું છું."

ઉલ્લેનીય છે કે, બાંગ્લાદેશ સરકારે મંગળવારને રાષ્ટ્રીય શોક દિવસ તરીકે જાહેર કર્યો છે, આ દિવસે સમગ્ર બાંગ્લાદેશમાં રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકશે.

દુર્ઘટનાગ્રસ્ત વિમાન અંગે શું માહિતી છે?

બાંગ્લાદેશ વાયુસેનાના ભૂતપૂર્વ અધિકારી, નિવૃત્ત ઍર કમોડોર ઇશફાક ઇલાહી ચૌધરીએ બીબીસી બાંગલાને જણાવ્યું હતું કે ક્રૅશ થયેલ વિમાન એફ-7 ફાઇટર જેટનું ટ્રેનિંગ વર્ઝન હોઈ શકે છે.

તેમણે કહ્યું કે, "આ વિમાન ચીનમાં બનાવવામાં આવ્યું છે અને બાંગ્લાદેશ વાયુસેના લગભગ ત્રણ દાયકાથી F-7ના વિવિધ વર્ઝનનો ઉપયોગ કરી રહી છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન