You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સરદાર પટેલ અને મોરારજી દેસાઈ વિશે રાજ ઠાકરેએ એવું શું કહ્યું કે ગુજરાતમાં હોબાળો થઈ ગયો?
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતા રાજ ઠાકરેએ તાજેતરમાં સરદાર પટેલ અને મોરારજી દેસાઈ ઉપર એક ટિપ્પણી કરી હતી.
મહારાષ્ટ્રના થાણેમાં તેમણે શુક્રવારે 18 જુલાઈના રોજ એક સભાને સંબોધતા કથિતપણે ગુજરાતીઓ પર પણ નિશાન સાધ્યું હતું.
તેમના આ નિવેદનોનો ગુજરાતમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. કૉંગ્રેસ, આમ આદમી પાર્ટી અને કેટલાક પાટીદાર નેતાઓએ તેમનો વિરોધ કર્યો છે.
એ પહેલાં પણ મુંબઈમાં ભાષા વિવાદને લઈને રાજ ઠાકરે તથા તેમનો પક્ષ સતત ચર્ચામાં રહ્યા છે.
રાજ ઠાકરેએ હકીકતમાં શું કહ્યું હતું? ગુજરાતમાં તેમના નિવેદનો પર કોણે પ્રતિક્રિયા આપી? તેમનો ગુજરાતમાં કેમ વિરોધ થઈ રહ્યો હતો?
રાજ ઠાકરેએ શું કહ્યું હતું?
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, રાજ ઠાકરેએ તેમના ભાષણમાં કહ્યું હતું કે, "બિહારના લોકોને ગુજરાતમાં માર મારવામાં આવે છે ત્યારે તેને મુદ્દો બનાવવામાં આવતો નથી, પરંતુ મહારાષ્ટ્રમાં જો નાનકડી ઘટના બને તો એ રાષ્ટ્રીય મુદ્દો બની જાય છે."
તેમણે તેમના ભાષણમાં સરદાર પટેલ અને મોરારજી દેસાઈ પર પણ તેમના કથિત મહારાષ્ટ્ર વિરોધી સ્ટૅન્ડ બદલ નિશાન સાધ્યું હતું.
રાજ ઠાકરેએ કહ્યું હતું કે, "મુંબઈને મહારાષ્ટ્રમાંથી અલગ કરવાનો દાવ કોનો હતો? આ દાવ અમુક ગુજરાતી વેપારીઓનો અને ગુજરાતી નેતાઓનો હતો. એકવાર હું આચાર્ય અત્રેનું પુસ્તક વાંચતો હતો ત્યારે મને આઘાત લાગ્યો હતો કે મુંબઈ મહારાષ્ટ્રને ન મળે તેના માટેનું પહેલું નિવેદન કોણે આપ્યું હતું?"
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું હતું કે, "વલ્લભભાઈ પટેલે કહ્યું હતું કે મુંબઈ મહારાષ્ટ્રને ન આપતા.વલ્લભભાઈ પટેલને તો અમે લોહપુરુષ માનતા હતા. તેઓ દેશના પ્રથમ ગૃહમંત્રી હતા અને અમે તેમની સામે આદરભાવથી જોતા હતા."
મોરારજી દેસાઈ વિશે રાજ ઠાકરેએ કહ્યું હતું કે, "જ્યારે-જ્યારે મહારાષ્ટ્રમાં આંદોલનો થયાં છે એ વખતે મોરારજી દેસાઈએ મરાઠી લોકોને મહારાષ્ટ્રમાં ઠાર માર્યા છે. અનેક વર્ષોથી આ લોકોની નજર મુંબઈ પર ટકેલી છે."
ગુજરાતમાંથી રાજ ઠાકરે વિરુદ્ધ પગલાં લેવાની માંગ
ગુજરાત કૉંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, "કેટલાક નેતાઓ પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવવા માટે આવી બયાનબાજી કરી રહ્યા છે. સરદાર સાહેબ સામે આવી નિવેદનબાજી કરવી એ સૂર્ય સામે ધૂળ ઉડાડવા સમાન છે."
આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવીએ પણ કહ્યું હતું કે, "પોતાની રાજનીતિ ચાલી નથી રહી માટે ગુજરાતીઓની સાથે સાથે હવે સમગ્ર ભારતના નેતા સરદાર પટેલનું અપમાન કરવામાં આવ્યું છે."
તેમણે કહ્યું હતું કે, "મહારાષ્ટ્રની ભાજપની સરકાર સરદાર પટેલના અપમાન પર ચૂપ છે. ગુજરાતના મુખ્ય મંત્રીને મારી અપીલ છે કે રાજ ઠાકરેને સાબરમતી જેલમાં મોકલવામાં આવે. હું અપીલ કરું છું કે રાજ ઠાકરે અને તેમની ટીમ પર એફઆઈઆર કરવામાં આવે."
ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ મુદ્દે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, "સરદાર પટેલ હોય કે ગાંધીજી, તેમણે દેશસેવા કરી છે. આવી વ્યક્તિઓ માટે કોઈ આ પ્રકારનાં નિવેદનો ન કરવાં જોઈએ."
પાટીદાર નેતાઓ અલ્પેશ કથીરિયા અને લાલજી પટેલે પણ આ વાતનો વિરોધ કર્યો હતો.
અલ્પેશ કથીરિયાએ કહ્યું હતું કે, "રાજ ઠાકરેને રાષ્ટ્રીય આદર્શોનું અપમાન કરવાનો કોઈ અધિકાર નથી."
લાલજી પટેલે કહ્યું હતું કે, "રાજ ઠાકરે કાયમથી ગુજરાતીઓના વિરોધમાં રહ્યા છીએ. જ્યાં સુધી તેઓ પોતાનું વલણ નહીં બદલે ત્યાં સુધી મોટા નેતા નહીં બની શકે."
અગાઉ ઉદ્ધવ ઠાકરેએ પણ 'ગુજરાત'નું નામ લઈને પ્રહાર કર્યા હતા
પહેલાં ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ મુંબઈમાં સંયુક્ત રેલી કરી હતી. તેમાં પણ ગુજરાત વિશે વાત કરી હતી.
તેમણે કહ્યું હતું કે, "છેલ્લાં 11 વર્ષમાં ભાજપની સરકારે મુંબઈના અગત્યના પ્રોજેક્ટ્સ ગુજરાતમાં ધકેલી દીધા છે. ગુજરાતમાં 2017માં એવું વાતાવરણ હતું કે ભાજપની હાર થાય. પણ ભાજપે પટેલોને ત્યાં ઉશ્કેર્યા, તેમને હાંસિયામાં ધકેલ્યા અને બાકીના બધાને એકજૂથ કરીને જીત મેળવી. એવી જ રીતે ભાજપ મહારાષ્ટ્રમાં મરાઠી લોકોને ઉશ્કેરવા ઇચ્છે છે."
અગાઉ મહારાષ્ટ્રની ચૂંટણીમાં પણ ઉદ્યોગોના ગુજરાતગમનનો મુદ્દો છવાયેલો રહ્યો હતો.
ખાસ કરીને, ઉદ્ધવ ઠાકરે અને તેમનો પક્ષ સતત ચૂંટણીમાં તેને મુદ્દો બનાવતા હતા.
કેટલાક જાણકારો ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેની આ રાજનીતિને આવનારી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી સાથે પણ જોડી રહ્યા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન