જ્યારે ચંદ્ર પર જવા નીકળેલા ત્રણ અવકાશયાત્રી અવકાશમાં જ ફસાઈ ગયા, પછી શું થયું?

    • લેેખક, રુચિતા પુરબિયા
    • પદ, બીબીસી ગુજરાતી માટે

11 એપ્રિલ, 1970ના રોજ અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ ત્રણ અવકાશયાત્રીને ચંદ્ર પર મોકલ્યા હતા. જો આ મિશન સફળ થયું હોત તો આ નાસાનું ત્રીજું મિશન હોત જેણે ચંદ્ર પર સફળ માનવ લૅન્ડિંગ કર્યું હોત.

મે 1969માં નીલ આર્મસ્ટ્રૉંગ અને અન્યને લઈને ગયેલા અપોલો-11ના સફળ ચંદ્ર ઉતરાણ પછી આ ત્રીજું માનવયાન ચંદ્ર મિશન હતું. ઉલ્લેખનીય છે કે પાછલા એક વર્ષમાં નાસાએ એક પછી એક બે સફળ ક્રૂ લૅન્ડિંગ કર્યાં હતાં.

સફળ પ્રથમ માનવસહિત ચંદ્ર મિશન અપોલો-11 પછી લોકોમાં ચંદ્ર-મિશનનો ઉત્સાહ ઘટવા લાગ્યો હતો. ટીકાકારોએ સવાલો કરવાનું શરૂ કર્યું હતું કે શું દેશ અવકાશ સંશોધન માટેનાં નાણાં ગરીબી અને શિક્ષણ જેવી સામાજિક બીમારીઓ પર વધુ સારી રીતે ન ખર્ચી શકે.

જોકે, લોકોને જોવામાં કોઈ રસ નહોતો અને આથી અપોલો-13 મિશનનું લાઇવ પ્રસારણ નહોતું કરાયું.

જોકે, 13 એપ્રિલે આ બધું બદલાઈ ગયું.

તો એવું તો શું થયું કે વિશ્વ આખું આ મિશન જોવા પણ નહોતું માગતું એ ટીવી આગળ બેસી ગયું અને અપોલો-13 અવકાશયાત્રીઓના સુરક્ષિત પાછા ફરવા માટે પ્રાર્થના કરવા લાગ્યું?

ત્રણ લોકોને લઇ જતા અવકાશયાનમાં વિસ્ફોટ

આ અવકાશયાનમાં ત્રણ કમાન્ડર હતા. જેમ્સ લોવેલ, લુનાર મૉડ્યુલ પાઇલટ ફ્રેડ હાઇસ અને કમાન્ડ મૉડ્યુલ પાઇલટ જોન "જેક" સ્વિગર્ટ.

મિશનને ચંદ્ર પર પહોંચતાં ત્રણ દિવસ થવાના હતા. મિશનના ત્રીજા દિવસે, 13મી એપ્રિલે, અપોલો-13એ પૃથ્વીથી 3,21,869 કિમીની મુસાફરી કરી લીધી હતી અને તે ચંદ્રની ભ્રમણકક્ષાની નજીક આવી રહ્યું હતું.

આ અવકાશયાનમાં કૅમેરા હતા જેથી યાનનું લાઇવ પ્રસારણ થતું હતું. કમાન્ડર લોવેલનાં પત્ની આ પ્રસારણ જોવા માટે નાસાની ઑફિસે ગયાં હતાં.

ફ્રેડ હાઇસ આ મિશન વિશે પછીથી વાત કરતાં કહે છે, "તે દિવસનો અંત હતો. અમે પથારીમાં જવાનું નક્કી કરી રહ્યા હતા અને અમે એક વિસ્ફોટ સાંભળ્યો. એક મોટો વિસ્ફોટ."

યાનમાં 9:08 વાગ્યે લોવેલ ઓક્સિજન ટાંકીઓનું ચેકિંગ કરી રહ્યા હતા અને આ ચેકિંગ દરમ્યાન અચાનક જોરદાર વિસ્ફોટ થયો.

જેમ્સ લોવેલ કહે છે, "યાનમાં બે ઓક્સિજનની ટાંકી હતી. એક ટાંકી ફૂટી ગઈ હતી. મેં બારીની બહાર જોયું તો વિસ્ફોટ બાદ અવશેષો સ્પેસમાં પ્રચંડ વેગમાં વિખેરાઈ રહ્યા હતા. સાથે જ બીજી ટાંકીને પણ નુકસાન થયું હતું."

અવકાશયાનમાં બીજું શું નુકસાન થયું હતું તે ચોક્કસ જાણી શકાયું નહોતું.

હવે ફક્ત એક ઓક્સિજનની ટાંકી બચી હતી, જેમાંથી હવા લીક થઈ રહી હતી અને નુકસાનયુક્ત યાનથી ચંદ્ર પર પહોચવું અશક્ય હતું અને પૃથ્વી પર પરત આવવું પણ આસાન નહોતું.

દરેક સેકન્ડે આ યાન રસ્તો ભટકીને કેટલાય કિલોમીટર દૂર જઈ રહ્યું હતું. અમુક કલાકમાં આ યાન રસ્તો ભૂલીને ધરતીથી એટલું દૂર પહોચી ચૂક્યું હતું કે તેણે એક નવો રેકૉર્ડ બનાવ્યો.

અંદર અવકાશયાત્રીઓ પૃથ્વીથી એટલા દૂર હતા કે તે પૃથ્વીથી સૌથી વધુ દૂર જવાનો વિશ્વ રેકૉર્ડ બન્યો હતો અને આ રેકૉર્ડ હજુ સુધી કોઈ તોડી શક્યું નથી.

હવે, સમસ્યા એ હતી કે ઓક્સિજન ઓછું હતું અને તે ખતમ થાય એ પહેલાં આ ત્રણેય અવકાશયાત્રીને ધરતી પર પાછા લાવવાના હતા.

અવકાશયાનને પાછું પૃથ્વી તરફ કઈ રીતે લાવવું?

અપોલો-13 અવકાશયાનમાં કમાન્ડ મૉડ્યુલ અને સર્વિસ મૉડ્યુલનો સમાવેશ થાય છે જેને ‘ઓડીસી’ નામ અપાયું હતું અને ચંદ્ર મૉડ્યુલને ‘ઍક્વેરિયસ’ નામ અપાયું હતું.

હવે એક મહત્ત્વનો નિર્ણય લેવાનો હતો કે આ યાન સલામત રીતે પરત ફરશે કે નહીં અને પૃથ્વી પર પાછા ફરવા માટે કયો માર્ગ અપનાવવો?

પૃથ્વી પર પાછા ફરવાનો સૌથી ઝડપી રસ્તો અવકાશયાનને ફેરવવાનો હતો, પણ આ કરવા માટે ઓડીસીના સર્વિસ મૉડ્યુલનું મુખ્ય એન્જિન શરૂ કરવું પડે અને મુખ્ય એન્જિન વિસ્ફોટની નજીક આવેલું હતું. એન્જિનને નુકસાન થયું છે કે નહીં તેની કોઈને જાણ નહોતી.

ઓક્સિજનથી અવકાશયાનને બળતણ પૂરું પડાતું હતું, તેથી યાનનું બળતણ પણ ઓછું થઈ રહ્યું હતું.

પૃથ્વી પર પાછા ફરવાનો બીજો રસ્તો લાંબો હતો- પૃથ્વી પર પાછા ફરવા માટે ચંદ્રની ફરતે ચક્કર લગાવીને પરત ફરવું.

આ માટે એન્જિનની જરૂર નહોતી પણ જોખમ એ હતું કે તેનાથી પૃથ્વી પર પાછા ફરવામાં ચાર-પાંચ દિવસ લાગે. એ પણ ખરું કે અવકાશયાનમાં પૂરતાં ઓક્સિજન અને પાણી પણ બચ્યાં નહોતાં, જે ત્રણ લોકો માટે ચાલે.

નાસાની ઑફિસસ્થિત ફ્લાઇટ ડિરેક્ટરે બીજો વિકલ્પ પસંદ કર્યો અને એ હતો લાંબો માર્ગ.

આ નિર્ણય સલામત વિકલ્પ હોવા છતાં તેમાં ઘણી સમસ્યાઓ અને પડકારો હતાં. લુનાર મૉડ્યુલને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું હતું કે તેમાં ફક્ત બે અવકાશયાત્રી લગભગ 20 કલાક બેસી શકે. પરંતુ હવે એવી અપેક્ષા હતી કે આ ત્રણ લોકોએ ચાર-પાંચ દિવસ ચંદ્ર મૉડ્યુલમાં બેસવું પડશે. તેથી ક્રૂ એની અંદર ઠસોઠસ બેસી ગયા.

લુનાર મૉડ્યુલનાં એન્જિનો એવી રીતે ડિઝાઇન કરાયાં ન હતાં કે તેને વારંવાર ચાલુ કરી શકાય. એન્જિન ચાલુ કરવાથી ઈંધણ પણ વપરાય.

પુરવઠો અને ઊર્જા બચાવવા માટે અવકાશયાત્રીઓને સ્પેસક્રાફ્ટની તમામ બિનજરૂરી સિસ્ટમોને બંધ કરવા માટે કહેવામાં આવ્યું હતું, જેમાં ઇન્સ્ટૉલ કરેલા હીટરનો પણ સમાવેશ હતો. વીજળીની બચત કરવી ખૂબ જ જરૂરી હતું. પરંતુ લુનાર મૉડ્યુલને હીટ કવચ નહોતું તેથી તે પૃથ્વી પર ફરીથી પ્રવેશ કરી શકશે કે કેમ એ સવાલ હતો.

ગરમીના સ્રોત વિના કૅબિનનું તાપમાન ઝડપથી ઘટી રહ્યું હતું. અમુક ખોરાક બગડવા લાગ્યો હતો.

લુનાર મૉડ્યુલને ઠંડું થવા માટે પાણીની જરૂર પડે, તેથી લુનાર મૉડ્યુલને પાણી પૂરું પાડવા માટે ક્રૂએ પોતે પણ પાણી પીવાનું ઓછું કરી દીધું.

પૃથ્વી પર પરત આવવાના સમયે ક્રૂ પાછા સર્વિસ મૉડ્યુલમાં ગયા અને એન્જિન ચાલુ કર્યું.

જ્યારે એન્જિન શરૂ થાય છે ત્યારે તેને ‘બર્ન’ કહેવામાં આવે છે. તે નવા માર્ગે જવા માટે પ્રથમ વાર ચાલુ થયું.

આની મદદથી તેઓ ચંદ્રની બીજી બાજુએ પહોંચ્યા, એટલે કે ચંદ્રની દૂરની બાજુ. તેઓ પૃથ્વીથી એટલા દૂર જતા હતા કે વિશ્વના આ પ્રથમ માનવ બન્યા.

સૌથી દૂરના બિંદુએ તેઓ પૃથ્વીથી 400,000 કિમી દૂર હતા.

જો તેઓ આ માર્ગ પર રહે તો તેઓ પ્રક્ષેપણના લગભગ 153 કલાક પછી પૃથ્વી પર પહોંચી શકે. જો તેઓ આટલા લાંબા સમય પછી પૃથ્વી પર પહોંચે તો અવકાશયાત્રીઓ માટે માત્ર એક કલાકનો વધારાનો ખોરાક, પાણી અને ઓક્સિજન બચશે અને આ અંતર ખૂબ જોખમી હતું.

જમીન પર નાસાની ટીમનું માનવું હતું કે આ અંતર ખૂબ જ ઓછું છે, માટે અવકાશયાત્રીઓને બીજી વખત લુનાર મૉડ્યુલ એન્જિનને ચાલુ (બર્ન) કરવાનું કહેવામાં આવ્યું.

મિશન કંટ્રોલના એન્જિનિયરોએ ચંદ્ર મૉડ્યુલ એન્જિન બીજા બર્નને હેન્ડલ કરી શકશે કે નહીં તે જાણવા માટે ઘણી ગણતરીઓ કરી હતી. આ ગણતરીઓ સાચી સાબિત થઈ જ્યારે બીજું બર્ન કરવામાં આવ્યું, 153 કલાકનો ફ્લાઇટનો સમય ઘટાડીને 143 કલાક કરવામાં આવ્યો. 11-કલાકનો લાંબો સમય ગાળો પણ મળ્યો.

એક પછી એક અડચણો

જોકે અવકાશયાત્રીઓ હાશકારો લે તે પહેલાં એક બીજી સમસ્યા ઊભી થઈ. કાર્બન ડાયોક્સાઇડની ઉચ્ચ ઘનતા.

સ્પેસશિપમાં ઓક્સિજન ટાંકીઓ સહિત કાર્બન ડાયોક્સાઇડને દૂર કરવા માટે લિથિયમ હાઇડ્રોક્સાઇડના ડબ્બા હોય છે.

લિથિયમ હાઇડ્રોક્સાઇડના ડબ્બાનો ઉપયોગ એટલે કરવામાં આવે છે કે કાર્બન ડાયોક્સાઇડ તેની સાથે પ્રતિક્રિયા કરે છે અને પછી લિથિયમ કાર્બોનેટ બને છે.

પરંતુ અહીં સમસ્યા એ હતી કે લુનાર મૉડ્યુલમાં લિથિયમ હાઇડ્રોક્સાઇડના ડબ્બા માત્ર બે લોકો માટે બે દિવસ સુધી જીવિત રાખી શકે તેમ હતા.

જોકે, અહીં ત્રણ લોકો હતા અને તેમને ચાર દિવસ સુધી જીવિત રહેવાનું હતું.

અહીં સારી વાત એ હતી કે કમાન્ડ મૉડ્યુલમાં પણ કેટલાક ડબ્બા હતા પણ તેનું ફિલ્ટર ચોરસ હતું અને લુનાર મૉડ્યુલ ગોળાકાર આકારનું હતું.

હવે જમીન પરના નિષ્ણાતો પાસે આ સમસ્યાના ઉકેલ માટે 24 કલાકનો સમય હતો. અવકાશયાત્રીઓએ તેમની આસપાસની તમામ વસ્તુઓ વિશે જમીન પર બેઠેલા સ્ટાફને જણાવવા માટે વાતચીત કરી. જેમ કે, પ્લાસ્ટિકની થેલીઓ, જાડા કાગળ વગેરે.

એક પછી એક સૂચના આપ્યા પછી ત્યાં હાજર વસ્તુઓનું એક નવું ઉપકરણ બનાવાયું હતું, જેથી કાર્બન ડાયોક્સાઇડનું સ્તર ફરીથી ઘટે.

કમાન્ડર લોવેલ તેમના પુસ્તક લોસ્ટ મૂનમાં જણાવે છે કે "તાત્કાલિક બનાવેલું મશીન ચોક્કસ નહોતું, પણ તેણે કામ કર્યું."

શું પેશાબની માત્રા સ્પેસશીપની દિશા બદલી શકે?

અવકાશયાત્રીઓને એક દિવસમાં 200 મિલીલિટરથી વધુ પાણી ન પીવાની સૂચના આપવામાં આવી હતી, કારણ કે જો તેઓ વધુ પાણી પીએ તો તેમને પેશાબ લાગશે અને આ રીતે તેમના પેશાબની માત્રા સ્પેસશિપની દિશા બદલી શકે એમ હતું.

આથી તેમને પાણી ઓછું પીવાનું હતું. આ ત્રણેય અવકાશયાત્રીનું કુલ 14 કિલો વજન ઘટી ગયું હતું. હાઈસને પેશાબની નળીઓનો ચેપ પણ લાગ્યો હતો.

ચાર દિવસ પછી જ્યારે અપોલો 13નું અવકાશયાન પૃથ્વીની નજીક પહોંચ્યું ત્યારે અવકાશયાત્રીઓને ખ્યાલ આવ્યો કે તેમને વધુ એક વખત એન્જિન ચાલુ કરવાની જરૂર પડશે.

થયું એવું કે તેમણે અવકાશયાનમાંથી નીકળતી વરાળને ધ્યાનમાં લીધી ન હતી, આથી અવકાશયાન દિશાથી ભટકી ગયું હતું.

કમાન્ડર લોવલે લુનાર મૉડ્યુલને ત્રીજી વાર ચાલુ કર્યું અને અવકાશયાને ફરી દિશા પકડી.

આમ તો લુનાર મૉડ્યુલને એ રીતે ડિઝાઇન કરાયું હતું કે માત્ર એક જ બર્નનો સામનો કરી શકે, પણ સદ્ભાગ્યે ત્રીજા બર્નનો પ્રયોગ પણ સફળ રહ્યો.

હવે અવકાશયાન પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશવાનું હતું.

છેલ્લી ઘડીઓ

હવે આખી દુનિયા આતુરતા સાથે ન્યૂઝ ચેનલોને જોઈ રહી હતી.

આ અવકાશયાન પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરશે ત્યારે શું ગરમી સામે ટકી રાખી શકશે, શું અંદરના અવકાશયાત્રીઓ બચી શકશે વગેરે સવાલો લોકોનાં મનમાં હતા.

થયું એવું કે કમાન્ડ મૉડ્યુલનો પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતાંની સાથે જ સંપર્ક તૂટી ગયો.

સંપર્કનું તૂટવું સામાન્ય હતું, કારણ કે હવાના આયન (વીજભારવાળા પરમાણુ)ને કારણે રેડિયો તરંગો અવરોધાય છે અને જમીન પર હાજર નાસાના કર્મચારીઓ અને અવકાશયાનમાં અવકાશયાત્રીઓ વચ્ચે વાતચીત થઈ શકતી નથી.

સામાન્ય રીતે આ સંપર્ક બેથી ત્રણ મિનિટ માટે તૂટતો હોય છે.

ત્રણ મિનિટ થઈ હતી પણ બીજી બાજુથી કોઈ જવાબ નહોતો. બધાના મનમાં ફાળ પડતી હતી.

દસ સેકન્ડ થઈ ગઈ, 30 સેકન્ડ, 60 સેકન્ડ.

ચાર મિનિટ બાદ પણ અવકાશયાનથી કોઈ સંપર્ક થઈ શક્યો નહોતો. અવકાશયાત્રીઓનું શું થયું છે તેની કોઈને જાણ નહોતી.

અને છેવટે ચાર મિનિટ અને 27 સેકન્ડ બાદ તાળીઓના ગડગડાટથી વાતાવરણ ગૂંજી ઊઠ્યું. ટીવી પર અપોલો-13 મુખ્ય પેરાશૂટ પર સ્પષ્ટ રીતે દેખાયું.

અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ રિચાર્ડ નિકસને અવકાશયાત્રીઓના સુરક્ષિત પરત ફરવા પર કહ્યું, "હું આથી જાહેર કરું છું કે આ એક સફળ મિશન હતું. શરૂઆતથી જ અવકાશની શોધ જોખમી સાહસ બની રહ્યું."

ટીવી પર જોનારા લોકોએ આખરે રાહતનો શ્વાસ લીધો.

ત્રણેય અવકાશયાત્રીઓ બચી ગયા.

હવે પૅરાશૂટ ધીમે ધીમે પેસિફિક મહાસાગરમાં પડી.

ચંદ્ર પર પગ મૂકવાનું સ્વપ્ન

1961માં અમેરિકન પ્રમુખ જૉન એફ. કૅનેડીએ વિશ્વને વચન આપ્યું હતું કે દાયકાના અંત પહેલાં તેઓ ચંદ્ર પર માણસો મોકલશે.

કૅનેડીના ભાષણથી નાસાના માનવ અવકાશ ઉડાનના પ્રયાસોને માર્ગદર્શન મળ્યું અને 20 જુલાઈ, 1969ના રોજ અપોલો-11ના કમાન્ડર નીલ આર્મસ્ટ્રોંગે લુનાર મૉડ્યુલની સીડી પરથી ઊતરીને ચંદ્રની સપાટી પર ઊતર્યા ત્યારે તેમનું ધ્યેય સિદ્ધ થયું હતું.

અપોલો-13ના મિશનનો પ્રાથમિક ઉદ્દેશ માત્ર ચંદ્રની જમીનનું નિરીક્ષણ અને સર્વેક્ષણ કરવાનો જ નહોતો પણ ચંદ્રના વાતાવરણમાં કામ કરવાની માનવક્ષમતા વિકસાવવાનો પણ હતો.

અપોલો-13નો ઉદ્દેશ ફ્રા મૌરો વિસ્તારમાં ઊતરવાનો હતો.

યાન પર એક વિસ્ફોટને લીધે અપોલો-13ને ઊતર્યા વિના ચંદ્રની પરિક્રમા કરવાની ફરજ પડી. અને ફ્રા મૌરો સાઇટ અપોલો-14ને ફરીથી સોંપવામાં આવી હતી.