અવકાશયાત્રી અંતરિક્ષમાં મૃત્યુ પામે તો તેના અંતિમસંસ્કાર કેવી રીતે થાય છે?

અમેરિકન સ્પેસ એજન્સી (નાસા) 2025માં ચંદ્ર પર અને એ પછીનાં 10 વર્ષમાં મંગળ પર અવકાશયાત્રીઓને મોકલવાના પ્રયાસ કરી રહી છે.

માનવીને અવકાશમાં મોકલવાનું કામ મુશ્કેલ હોવાની સાથે જોખમી પણ હોય છે.

છેલ્લાં 60 વર્ષમાં આવી ઘટનાઓમાં લગભગ 20 લોકો મૃત્યુ પામ્યા છે.

1986 અને 2003ની વચ્ચે નાસા સ્પેસ શટલ અકસ્માતોમાં 14 લોકો મૃત્યુ પામ્યા હતા.

1967માં એપોલો-1 લૉન્ચપેડ અકસ્માતની ઘટનામાં ત્રણનાં મોત થયાં હતાં. 1971માં સુએઝ-11 મિશનમાં વધુ ત્રણનાં મૃત્યુ થયાં હતાં.

અવકાશયાત્રા મુશ્કેલ અને ખર્ચાળ પણ હોય છે

હવે પેઇડ કૉમર્શિયલ સ્પેસ ટ્રાવેલ પણ શરૂ થઈ ગયું છે. અવકાશયાત્રા સામાન્ય બાબત બનતી જાય છે.

ઘણા લોકોના મનમાં સવાલ થતો હશે કે અવકાશયાત્રીઓ અંતરિક્ષમાં મૃત્યુ પામે પછી તેમના શરીરનું શું થાય છે? ત્યાં તેમના અંતિમસંસ્કાર કરવામાં આવે છે?

નાસાનો પ્રોટોકૉલ શું કહે છે?

અવકાશયાત્રી શક્ય તેટલો સ્વસ્થ અને તંદુરસ્ત હોય તેની ખાતરી નાસાની ટ્રાન્સલેશનલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફૉર સ્પેસ હેલ્થ કરે છે.

આ સંસ્થામાં કામ કરતા પ્રોફેસર ઈમેન્યુઅલ ઉર્કિએટા કહે છે, “અવકાશયાત્રી અવકાશમાં અથવા પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં મૃત્યુ પામે તો તેના શરીરને કલાકોમાં કેપ્સ્યૂલમાં પૃથ્વી પર પાછું લાવી શકાય છે.”

કોઈ વ્યક્તિનું ચંદ્ર પર મૃત્યુ થાય તો તેનો મૃતદેહ પૃથ્વી પર સમયસર લાવવાનું મુશ્કેલ હોય છે. તેમાં થોડા દિવસ લાગે છે. નાસાએ આવી ઘણી બાબતો માટે વિગતવાર પ્રોટોકૉલ તૈયાર કર્યો છે.

કોઈ મિશન પર જ મૃત્યુ પામે તો તેના મૃતદેહને પૃથ્વી પર ઉતાવળે પાછો લાવવામાં આવતો નથી. બાકીના અવકાશયાત્રીઓને સલામત રીતે પૃથ્વી પર પાછા લાવવાની બાબતને નાસા અગ્રતા આપે છે.

જોકે, મંગળ પર જતી વખતે માર્ગમાં (30 કરોડ માઇલના પ્રવાસમાં) કોઈ અવકાશયાત્રીનું મૃત્યુ થાય તો પરિસ્થિતિ અલગ હોય છે.

મંગળ પર મૃત્યુ પામે તેના અંતિમસંસ્કાર થાય?

અવકાશયાત્રીઓ ખૂબ દૂર જતા હોય ત્યારે મૃત્યુ પામે તો તેમના મૃતદેહને પાછો લાવવાનું કામ મુશ્કેલ છે. મિશનના અંતે મૃતદેહને પૃથ્વી પર પરત લાવવામાં આવે તેમાં વર્ષો લાગી શકે છે.

એવું ન થાય ત્યાં સુધીમાં મૃતદેહને ખાસ ચેમ્બર અથવા બોડી બેગમાં રાખવાની જવાબદારી અન્ય અવકાશયાત્રીઓની હોય છે.

અવકાશયાનમાંનું સ્થિર તાપમાન અને આદ્રતા શરીરને સલામત રાખવામાં મદદરૂપ થાય છે.

સ્પેસ સ્ટેશન અથવા અવકાશયાનમાં આ શક્ય છે, પરંતુ મંગળ જેવા ગ્રહ વાતાવરણ અલગ હોય છે. ત્યાં શું કરવાનું?

ધારો કે કોઈ અવકાશયાત્રીનું મંગળ પર પહોંચ્યા પછી મૃત્યુ થાય. તેના અંતિમસંસ્કાર માટે કોઈ વ્યવસ્થા ન હોવાથી સાથી અવકાશયાત્રીઓ માટે મુશ્કેલી સર્જાય છે.

એ માટે તેમણે ઘણી ઊર્જા ખર્ચવી પડે છે. તેની સાથે મિશનનું કામ કરવા માટે પણ ઘણી ઊર્જાની જરૂર હોય છે. એ ઉપરાંત મૃતદેહને ત્યાં જ દફનાવી દેવાનો વિચાર સારો નથી.

મૃતદેહમાંના બૅક્ટેરિયા અને અન્ય જીવ મંગળની સપાટીની દૂષિત કરી શકે છે. તેથી એ મૃતદેહને જમીન પર લાવવામાં ન આવે ત્યાં સુધી સ્પેશિયલ બોડી બેગમાં રાખવામાં આવે છે.

(ઈમેન્યુઅલ ઉર્કિએટા અમેરિકાના હ્યુસ્ટનમાં ટેક્સાસ મેડિકલ સેન્ટર ખાતે બેલર કૉલેજ ઑફ મેડિસિનમાં સ્પેસ મેડિસિન વિષયના પ્રાધ્યાપક છે)

(ધ કન્વર્જન્સમાં પ્રકાશિત થયેલો આ લેખ ક્રીએટિવ કૉમન્સ લાઈસન્સ હેઠળ અધિકૃત છે. મૂળ સંસ્કરણ વાંચવા માટે આ લિંક પર ક્લિક કરો)