You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આકાશતત્ત્વઃ આધુનિક વિજ્ઞાન કરતાં પ્રાચીન વિજ્ઞાનને બહેતર કરવાનો પ્રયાસ?
- લેેખક, ઇમરાન કુરેશી
- પદ, બીબીસી ગુજરાતી માટે
- કૉન્ફરન્સની પત્રિકામાં આકાશ, અગ્નિ, વાયુ, જળ અને પૃથ્વીને પંચમહાભૂતનાં મૂળ તત્વો ગણાવવામાં આવ્યાં છે
- વિશ્વમાંના દરેક જીવ સામે ટકી રહેવાનો અને અસ્તિત્વનો અભૂતપૂર્વ પડકાર છે
- ડૉ. સૌમિત્ર બેનરજીએ કહ્યું હતું કે "ભારતે અગાઉ કરેલી પ્રગતિ પ્રશંસાપાત્ર છે."
- એમ એ અલ્વારે સુશ્રુતનું ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે નાજુક સર્જરી અને ગ્રાફટિંગ કરી શકાય તેવા નવા ઉપકરણોની શોધ વૈદ્ય સુશ્રુતે કરી હતી
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઈઝેશન (ઈસરો) સહિતના વિજ્ઞાન સાથે સંકળાયેલા અનેક સરકારી વિભાગોએ 4થી 6 નવેમ્બર સુધી દહેરાદનમાં આકાશતત્ત્વ કૉન્ફરન્સના આયોજનની માહિતી આપી છે.
ઇન્ડિયન માર્ચ ફોર સાયન્સ (આઈએમએફએસ) સંગઠને આ પહેલની ટીકા કરી છે અને જણાવ્યું છે કે તેનાથી "નુકસાન" થશે.
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ ઍજ્યુકેશન ઍન્ડ રિસર્ચ, કોલકાતાના ફિઝિક્સ વિભાગના ડૉ. સૌમિત્ર બેનરજીએ કહ્યું હતું કે "અમને વાંધો છે. તેનું કારણ એ છે કે આ પહેલમાં વર્ષો પુરાણા પંચમહાભૂતના કન્સેપ્ટને એવી રીતે દર્શાવવામાં આવી રહ્યો છે કે તેમાંથી આધુનિક વિજ્ઞાને કશુંક શીખવું જોઈએ. હકીકતમાં આધુનિક વિજ્ઞાન ઘણી ભાવિ બાબતો વિશે સમજ ધરાવે છે."
પહેલી કૉન્ફરન્સની પરિચયપત્રિકામાં આકાશ, અગ્નિ, વાયુ, જળ અને પૃથ્વીને પંચમહાભૂતનાં મૂળતત્ત્વો ગણાવવામાં આવ્યાં છે. આઈએમએફએસનું કહેવું છે કે, આ ધારણા ગ્રીક સંસ્કૃતિમાં પણ હતી.
સરકારનો દાવો
ડૉ. સૌમિત્ર બેનરજીના કહેવા મુજબ, "આધુનિક વિજ્ઞાનમાં 92 તત્ત્વોની ઓળખ કરવામાં આવી છે અને એ બધાં મૂળતત્ત્વો નથી."
આકાશતત્ત્વ લોકો સુધી પહોંચાડવા માટેનો કાર્યક્રમ સુમંગલમ અભિયાન હેઠળ ચલાવવામાં આવી રહ્યો છે. આ અભિયાનનો હેતુ "લોકોના આઝાદીના સુપર પાવર અને ટકાઉ જીવનશૈલીથી પરિચિત કરાવવાનો છે."
વિશ્વમાંના દરેક જીવ સામે ટકી રહેવાનો અને અસ્તિત્વનો અભૂતપૂર્વ પડકાર છે. આ પડકાર પ્રકૃતિનું શોષણ અને તેના પર કબ્જો કરીને આધુનિક તથા પશ્ચિમી ધારણાને લીધે સર્જાયો છે, જે માણસોને પ્રકૃતિના ભોગે પોતાના આરામ તથા લાલચને સંતોષવા પ્રેરિત કરે છે.
પરિચય પત્રિકામાં જણાવવામાં આવ્યું છે કે "આપણી પુરાતન ભારતીય સંસ્કૃતિ પ્રકૃતિના પાંચેય તત્ત્વો વચ્ચે સંતુલન જાળવવા પર કેન્દ્રીત હતી. તે સંતુલન અનેક રીતે જાળવવામાં આવતું હતું અને તે વિજ્ઞાન પર તથા પોતાના સમયથી ઘણું આગળ હતું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લોકોને વાંધો શું છે?
આઈએમએફએસના કર્ણાટક ચેપ્ટરના સંયોજક આર એલ મૌર્યને કહ્યું હતું કે, "પંચમહાભૂત એ બહુ પુરાતન વિચાર છે. કેટલાંક વર્ષો જૂનાં પુસ્તકોમાં તેનો ઉલ્લેખ નથી."
"તેની વૈજ્ઞાનિક સાબિતી એ છે કે વાયુ એક મિશ્રણ છે, પાણી એક સંયોજન છે. પૃથ્વીમાં હજારો ખનીજ પદાર્થો છે અને આકાશમાં અનેક ગૅસ ઉપલબ્ધ છે. અમારો વાંધો એ છે કે તેને મહાભૂત શા માટે કહેવામાં આવે છે. આ તો પહેલી અને બીજી સદીના વાત છે. ગ્રીક સંસ્કૃતિમાં પણ આવું જ હતું."
ડૉ. સૌમિત્ર બેનરજીએ કહ્યું હતું કે, "ભારતે અગાઉ કરેલી પ્રગતિ પ્રશંસાપાત્ર છે, પરંતુ તેની આધુનિક વિજ્ઞાન સાથે ભેળસેળ કરીને ભ્રમિત ન થવું જોઈએ, કારણ કે આપણ નિરંતર જ્ઞાન મેળવતા હોઈએ છીએ."
"આધુનિક વિજ્ઞાનને વેગ આપવો જોઈએ અને પુરાતન વિજ્ઞાનનું શિક્ષણ ઇતિહાસની માફક આપવું જોઈએ, પણ પરિષદની પરિચય પત્રિકામાં લખવામાં આવ્યું છે એ તો અવૈજ્ઞાનિક વિચાર છે, જે પ્રાચીન હિન્દુ વિજ્ઞાનને બહેતર સાબિત કરવાનો પ્રયાસ કરે છે."
અલબત, સંસ્કૃતના વિદ્વાન અને પારંપરિક વિજ્ઞાનના સ્વતંત્ર સંશોધક એમ એ અલ્વાર માને છે કે, આવી પરિષદોનું આયોજન જરૂરી છે.
તેમણે કહ્યું હતું કે, "પંચમહાભૂતની વાત કરીએ તો વિશ્વના વિશ્લેષણનો અભિગમ પશ્ચિમી તથા ભારતીય વિજ્ઞાનની દૃષ્ટિએ અલગ-અલગ છે."
"પશ્ચિમી વિજ્ઞાન તેને મોલિક્યૂલના સ્તર સુધી લઈ જાય છે, જ્યારે ભારતીય વિજ્ઞાન તેને મોલિક્યૂલની સાથે-સાથે વ્યાપક સંદર્ભમાં વિચારે છે. એટમિક સ્તરે જે થાય છે, તે મોટા સ્તરે જે થાય છે તેનાથી અલગ હોય છે."
તેમણે ઉમેર્યું હતું કે, "આપણે પ્રકૃતિને બરાબર સમજવી પડશે. સુનામી તથા ગ્લોબલ વોર્મિંગ સંબંધી પરિવર્તનોને વિજ્ઞાનીઓનાં બે જૂથ અલગ-અલગ રીતે મૂલવે છે."
"એમાંનું એક જૂથ ભારતીય સંસ્કૃતિ બાબતે ખુલ્લા વિચાર ધરાવે છે, ભારતીય શિક્ષણ તથા વિજ્ઞાનની વ્યવસ્થાને સમજે છે. બીજું જૂથ તેનો વિરોધ કરે છે. મુખ્ય વાત એ છે કે, સંસ્કૃતમાં હિન્દુત્વ છે એવું ઘણા લોકો માને છે. હું એવો દાવો કરી શકું કે, હું અંગ્રેજીમાં વાત કરું છું એટલે ખ્રિસ્તી છું?"
"ઘણા લોકો મને કહે છે કે, યુનાની દવાથી શરદી મટી જાય છે. એ સંપૂર્ણપણે હર્બલ છે. મારે તેને મુસલમાનોની માની લેવી જોઈએ? મૂળ મુદ્દો એ છે કે આપણા વિચારો સંતુલિત હોવા જોઈએ."
સમર્થકો શું કહે છે?
એમ એ અલ્વાર આ સંદર્ભે કુતુબ મિનારના લોહ સ્તંભનું ઉદાહરણ આપે છે. એ સ્તંભને ક્યારેય કાટ લાગ્યો નથી. તેમનો દાવો છે કે, આવું કઈ રીતે થયું તે વિજ્ઞાનીઓ આજ સુધી જાણી શક્યા નથી.
જોકે, ડૉ. સૌમિત્ર બેનરજીના જણાવ્યા મુજબ, લોહ સ્તંભને કાટ શા માટે નથી લાગ્યો એ વિજ્ઞાનીઓ જાણે છે, પરંતુ તેવી આયર્ન ઓરમાં મોટા પ્રમાણમાં ફોસ્ફરસ હોય છે. ફોસ્ફરસની આટલી મોટી માત્રા લોખંડને નબળું પડતું અટકાવે છે.
ધાતુ શાસ્ત્રનો પ્રાદુર્ભાવ પ્રાચીન ભારતમાં થયો હોવાની વાત સાથે તેઓ સહમત નથી. તેમના જણાવ્યા મુજબ, મધ્ય યુગમાં ધાતુ શાસ્ત્ર વિકસ્યું હતું.
એમ એ અલ્વારે સુશ્રુતનું ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે, નાજુક સર્જરી અને ગ્રાફટિંગ કરી શકાય તેવા નવા ઉપકરણોની શોધ વૈદ્ય સુશ્રુતે કરી હતી.
તેમણે કહ્યું હતું કે, "ઘાતુના ઉપકરણોનો ઉપયોગ ગ્રાફટિંગ માટે કઈ રીતે કરવામાં આવતો હતો તે સુશ્રુત પરના ઈતિહાસમાં જણાવવામાં આવ્યું છે. એ ઉપકરણોની શોધ ભારતમાં કરવામાં આવી હતી અને અમેરિકનોએ તેને વૈજ્ઞાનિક રીતે સ્વીકાર્યું છે. તેઓ ભારતીય જનતા પાર્ટી કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ)થી પ્રભાવિત ન હતા."
જોકે, આર એલ મૌર્યને એવું કહ્યું હતું કે, "વિજ્ઞાન ભારતી આરએસએસનો હિસ્સો છે. આરએસએસના લોકો વિજ્ઞાનીઓને વિજ્ઞાન વિશે ભાષણ આપી રહ્યા છે."
તેમણે ઉમેર્યું હતું કે, "પંચમહાભૂતનું અસ્તિત્વ નકારી શકાય નહીં. હવા વિના શ્વાસ લેવાનુ શક્ય નથી. માણસ શ્વાસ ન લે તો થોડા સમયમાં જ મૃત્યુ પામે. તેનાથી મોટો પુરાવો શું હોય? વેદાંત અનુસાર, આપણું શરીર પાંચ તત્ત્વોનું બનેલું છે. તમે પાણી વિના જીવતા રહી શકો? ભોજન પૃથ્વીની પ્રોડક્ટ છે. આનાથી વધારે કેટલા પુરાવા જોઈએ છે તમારે?"
ડૉ. સૌમિત્ર બેનરજીએ કહ્યું હતું કે, "આધુનિક વિજ્ઞાન કરતાં પુરાતન વિજ્ઞાન બહેતર છે એવું તમે માનતા હો તો તેનો અર્થ એ થાય કે વિજ્ઞાનમાંથી આપણે કંઈ નવું શીખતા નથી."
ઈસરોના પ્રવક્તા સુધીરકુમાર એને કહ્યું હતું કે, "આ સરકારનો નિર્ણય છે. અમારો વિભાગ તેનો અમલ કરી રહ્યો છે. આકાશ તત્ત્વ કાર્યક્રમ માટે ઈસરો એક એજન્સી છે. આ જાગૃતિ લાવવા માટેનો કાર્યક્રમ છે. તેનો અમલ કરવા સરકારે જણાવ્યું છે."
અગ્નિ, વાયુ, જળ અને પૃથ્વી જેવા વિવિધ વિષય પર ચાર શહેરોમાં અલગ-અલગ વિભાગો કાર્યક્રમો યોજવાના છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો