'બ્રહ્માંડમાં આપણે એકલા નથી', નવા શોધાયેલા સૌરમંડળમાં પૃથ્વીની માફક જીવન ધબકે છે?

    • લેેખક, પલબ ઘોષ
    • પદ, વિજ્ઞાન સંવાદદાતા

સંશોધકોએ એક નવું "સંપૂર્ણ સૌરમંડળ" શોધી કાઢ્યું છે. આ સૌરમંડળ કોઈ પણ જાતના આંતર-અવકાશીય અથડામણો વિના બન્યું છે.

આ સૌરમંડળ, 100 પ્રકાશ વર્ષ દૂર છે અને તેમાં છ ગ્રહો છે. આ બધા ગ્રહો લગભગ સમાન કદના છે. 12 અબજ વર્ષ પહેલાં તેની રચના થઇ હતી અને ત્યારથી તેનું કદ બદલાયું નથી.

આવી વર્ષો સુધી એક સમાન રહેલી પરિસ્થિતિના લીધે એ સમજવું સરળ બનેશે કે વિશ્વની રચના કેવી રીતે થઈ અને ગ્રહો પર જીવન કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું.

આ સંશોધન વિજ્ઞાન જર્નલ 'નેચર'માં પ્રકાશિત કરવામાં આવ્યું છે.

અહીં એ પણ નોંધવું ઘટે કે આપણા સૌરમંડળની રચના એક અતિહિંસક પ્રક્રિયા હતી. જેમજેમ ગ્રહો બની રહ્યા હતા, એમએમ અમુક ગ્રહો એકબીજા સાથે અથડાઈ રહ્યા હતા અને ભ્રમણકક્ષામાં ખલેલ પહોંચાડી રહ્યા હતા. આપણા સૌરમંડળમાં ગુરુ અને શનિ જેવા વિશાળ ગ્રહોની બાજુમાં પૃથ્વી જેવા નાના ગ્રહો હોવાનું પણ આ જ કારણ છે.

આ નવું સૌર મંડળ આપણા સૌર મંડળથી કેવી રીતે અલગ છે?

ખગોળશાસ્ત્રીઓએ આ નવા સૌરમંડળને 'એચડી110067' નામ આપ્યું છે.

આ ગ્રહો સમાન કદના તો છે જ, પરંતુ તેઓની ભ્રમણકક્ષા ઉપર પરિભ્રમણનો સમય પણ એક જ પૅટર્ન અનુસરે છે.

ધારી લઈએ કે સૌથી અંદરનો ગ્રહ તારાની આસપાસ ત્રણ ભ્રમણકક્ષા પૂર્ણ કરે છે, તે જ સમયમાં સિસ્ટમમાં બીજા નંબરનો ગ્રહ બે ભ્રમણકક્ષા પૂર્ણ કરે છે, અને આવું ચોથા ગ્રહ સુધી ચાલે. તે પછી અંતિમ બે ગ્રહોનો સંબંધિત ભ્રમણવેગ 4:3 પૅટર્નને અનુસરે છે.

શિકાગો યુનિવર્સિટીના ડૉ. રાફેલ લુક, જેમણે આ સંશોધનનું નેતૃત્વ કર્યું હતું, તેમણે એચડી110067ને 'સંપૂર્ણ સૌરમંડળ' ગણાવ્યું હતું.

"ગ્રહોની રચના કેવી રીતે થાય છે તેનો અભ્યાસ કરવા માટે આ સિસ્ટમ આદર્શ છે, કારણ કે આ સૌરમંડળની માફક એની શરૂઆત અસ્તવ્યસ્ત નહોતી અને એના અસ્તિત્વથી લઈને અત્યાર સુધી એની સ્થિતિમાં ખાસ પરિવર્તન આવ્યું નથી."

વૉરવિક યુનિવર્સિટીના ડૉ. મરિના લાફારગા-મેગ્રોએ જણાવ્યું હતું કે, આ સિસ્ટમ 'સુંદર અને અનોખી' છે.

બીબીસી સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું, "કંઈક એવું જોવું જે પહેલા કોઈએ જોયું નથી, તે ખરેખર રોમાંચક છે."

છેલ્લાં ત્રીસ વર્ષોમાં, ખગોળશાસ્ત્રીઓએ હજારો સૌરમંડળની શોધ કરી છે. પરંતુ તેમાંથી કોઈ પણ ગ્રહોની રચના એવી નથી કે એ ગ્રહોની રચના કેવી રીતે થઈ તેનો અભ્યાસ કરવા માટે યોગ્ય હોય.

ખગોળશાસ્ત્રીઓ ગ્રહોના લગભગ સમાન કદ અને સિસ્ટમની એક સમ્માન સ્થિતિને ખૂબ મૂલ્યવાન સમજે છે, જે બીજા ગ્રહો સાથેની સરખામણી અને વિરોધાભાસને સમજવામાં સરળ બનાવે છે. તે ગ્રહોની પ્રારંભિક રચના અને ઉત્ક્રાંતિ ઇતિહાસનું ચિત્ર બનાવવામાં ફાળો આપશે.

આ સિસ્ટમ પાસે સૂર્ય કરતાં પણ વધારે તેજસ્વી તારો છે, જે ગ્રહોના વાતાવરણમાં જીવનચિહ્નો શોધવાનું સરળ બનાવી શકે એવું મનાઈ રહ્યું છે.

સબ-નેપ્ચ્યુન્સ શું છે અને ખગોળશાસ્ત્રીઓ આ શોધને શા માટે મહત્વપૂર્ણ જણાવે છે?

આ તમામ છ નવા ગ્રહો એવા છે જેને ખગોળશાસ્ત્રીઓ "સબ-નેપચ્યુન્સ " કહે છે, જે પૃથ્વી કરતાં મોટા અને નેપ્ચ્યુન ગ્રહ કરતાં નાના છે. નોંધનીય છે કે નેપચ્યુન જે પૃથ્વી કરતાં ચાર ગણો મોટો છે. જ્યારે આ નવા શોધાયેલા ગ્રહો પૃથ્વી કરતાં બેથી ત્રણ ગણા કદના છે.

સપ્ટેમ્બરમાં કે2-18બી નામના સબ-નેપચ્યુન ગ્રહની શોધ થઈ ત્યારથી ખગોળશાહસ્ત્રીઓનો નવાં તારણોમાં શોધવામાં રસ વધી ગયો છે. કેમ કે એ ગ્રહમાં પૃથ્વી જેવા જીવંત સજીવો દ્વારા ઉત્પન્ન થતાં ગૅસનાં સંકેતો સાથેનું વાતાવરણ જોવા મળ્યું છે. ખગોળશાસ્ત્રીઓ આને બાયૉસિગ્નેચર કહે છે.

જોકે, આપણા પોતાના સૌરમંડળમાં કોઈ સબ-નેપ્ચ્યુન્સ નથી, તેમ છતાં તે આકાશગંગામાં સૌથી સામાન્ય પ્રકારનો ગ્રહ માનવામાં આવે છે. છતાં ખગોળશાસ્ત્રીઓ આ ગ્રહો વિશે આશ્ચર્યજનક રીતે ઓછું જાણે છે.

ખગોળશાસ્ત્રીઓ અન્ય ગ્રહો પર જીવન શોધવામાં કેટલા દૂર છે?

ડૉ. લુકના જણાવ્યા અનુસાર આ વિગતો શોધવી એ "ક્ષેત્રમાં સૌથી ચર્ચાસ્પદ વિષયો પૈકી એક છે."

તેમણે ઉમેર્યું કે એચડી 110067ની શોધ તેમની ટીમને તે પ્રશ્નનો પ્રમાણમાં ઝડપથી જવાબ આપવાની સંપૂર્ણ તક આપે છે.

તેમણે બીબીસી ન્યૂઝને કહ્યું કે, "હવે તે દસ વર્ષથી ઓછા સમયની વાત હોઈ શકે છે કે આપણે નવા ગ્રહોને જાણી શકીશું. આપણે જાણી શકીશું કે આવા ગ્રહો ક્યાં છે? આપણને થોડોક વધુ સમય જોઈએ, પરંતુ તે ટૂંક સમયમાં સાકાર થશે."

જો ટીમનાં અવલોકનોના આગામી રાઉન્ડમાં સૂચવે છે કે સબ-નેપ્ચ્યુન્સ પણ જીવનને ટેકો આપી શકે તો તે સંભવિત વસવાટ કરી શકાય તેવા ગ્રહોની સંખ્યામાં ઘણો વધારો કરી શકે એમ છે અને તેથી જ અન્ય કોઈ વિશ્વ પર જીવનનાં ચિહ્નો શોધવાની તકો પણ વધી જાય એમ છે.