ગુજરાતની એ ફાર્મા કંપનીઓ જેમની દવાઓ ટેસ્ટમાં ફેલ ગઈ અને તેમણે કરોડોના ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદ્યા

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, GETTY IMAGES

    • લેેખક, રાઘવેન્દ્ર રાવ અને શાદાબ નઝ્મી
    • પદ, બીબીસી સંવાદદાતા

ભારતમાં દવા, ઇલાજ અને મેડિકલ સુવિધાઓની વધતી જતી કિંમતો કોઈનાથી છુપાયેલી નથી.

આ સ્થિતિમાં જો એવી ખબર પડે કે હાઇ બ્લડ પ્રેશર, ડાયાબિટીઝ, મલેરિયા, કોવિડ કે હૃદયરોગનો ઇલાજ કરનારી ઘણી પ્રચલિત દવાઓ ડ્રગ ટેસ્ટમાં ફેલ થઈ રહી છે તો આ વાત સામાન્ય લોકો માટે એક ચિંતાનો વિષય હોઈ શકે.

પરંતુ જો આની સાથે જ એ વાતની પણ ખબર પડે કે જે કંપનીઓની દવા ડ્રગ ટેસ્ટમાં ફેલ થતી રહી, તેમણે ઇલેક્ટોરલ બૉન્ડ મારફતે સેંકડો કરોડ રૂપિયા રાજકીય પક્ષોને આપી દીધા, તો વાતની ગંભીરતા હજુ અનેકગણી વધી જશે, તેમાં કોઈ બેમત ન હોઈ શકે.

કંઈક આવું જ જોવા મળી રહ્યું છે ઇલેક્ટોરલ બૉન્ડ સાથે સંકળાયેલા ડેટાના વિશ્લેષણથી. નોંધનીય છે કે સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાએ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આ ડેટા ચૂંટણીપંચને સોંપ્યો હતો જે બાદમાં તેમણે જાહેર કરેલો.

ડેટાના વિશ્લેષણ પરથી ખબર પડી છે કે 23 ફાર્મા કંપનીઓ અને એક સુપર સ્પેશિયાલિટી હૉસ્પિટલે ઇલેક્ટોરલ બૉન્ડ મારફતે 762 કરોડ રૂપિયા રાજકીય દળોને આપ્યા છે.

આવો એક નજર કરીએ એ ફાર્મા કંપનીઓ પર, જે ડ્રગ ટેસ્ટમાં ફેલ થઈ અને જેમણે ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદીને રાજકીય દળોને આપ્યાં. આ કંપનીઓમાં ગુજરાતમાં ટોચની ગણાતી ફાર્મા કંપનીઓ પણ છે.

1. ટૉરેન્ટ ફાર્મસ્યૂટિકલ લિમિટેડ

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, GETTY IMAGES

  • આ કંપનીની રજિસ્ટર્ડ ઑફિસ ગુજરાતના અમદાવાદમાં છે.
  • વર્ષ 2018થી વર્ષ 2023 વચ્ચે આ કંપનીએ બનાવેલી ત્રણ દવા ડ્રગ ટેસ્ટમાં ફેલ થઈ.
  • આ દવાઓનાં નામ હતાં – ડેપ્લેટ એ 150, નિકોરન આઈવી 2 અને લોપામાઇડ.
  • ડેપ્લેટ એ 150 હૃદયરોગના હુમલાથી બચાવે છે અને નિકોરન આઈવી 2 હૃદયના કાર્યભારને ઘટાડે છે. લોપામાઇડનો ઉપયોગ ઝાડાના ઇલાજ માટે થાય છે.
  • આ કંપનીએ 7 મે 2019 અને 10 જાન્યુઆરી 2024 વચ્ચે 77.5 કરોડ રૂપિયાનાં ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદ્યાં.
  • આ 77.5 કરોડ રૂપિયામાંથી કંપનીએ 61 કરોડ રૂપિયા ભાજપને આપ્યા.
  • જ્યારે સિક્કિમ ક્રાંતિકારી મોરચા અને કૉંગ્રેસને કંપનીએ અનુક્રમે સાત અને પાંચ કરોડ રૂપિયા આપ્યા.

2. સિપ્લા લિમિટેડ

  • સિપ્લા લિમિટેડની રજિસ્ટર્ડ ઑફિસ મુંબઈમાં છે.
  • વર્ષ 2018થી 2023 વચ્ચે આ કંપનીની બનાવેલી દવાઓ સાત વખત ડ્રગ ટેસ્ટમાં ફેલ થઈ.
  • ડ્રગ ટેસ્ટમાં ફેલ થનારી દવાઓમાં આરસી કફ સિરપ, લિપવાસ ટૅબ્લેટ, ઓન્ડેનસેટ્રૉન અને સિપરેમી ઇન્જેક્શન સામેલ હતાં.
  • સિપરેમી ઇન્જેક્શનમાં રેમડેસિવિર દવા હોય છે, જેનો ઉપયોગ કોવિડના ઇલાજ માટે કરાય છે.
  • લિપવાસનો ઉપયોગ કૉલેસ્ટ્રોલ ઘટાડવા અને હૃદયરોગના ખતરાને ઘટાડવા કરાય છે.
  • ઓન્ડેનસેટ્રૉનનો ઉપયોગ કૅન્સર કીમોથૅરપી, રેડિએશન થૅરપી અને સર્જરીના કારણે થનારી ઊલટી રોકવા માટે કરાય છે.
  • આ કંપનીએ 10 જુલાઈ 2019 અને 10 નવેમ્બર 2022 વચ્ચે 39.2 કરોડ રૂપિયાના ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદ્યાં.
  • આ પૈકી 37 કરોડનાં બૉન્ડ ભાજપને આપ્યાં અને 2.2 કરોડ કૉંગ્રેસને.

3. સન ફાર્મા લૅબોરેટરીઝ લિમિટેડ

  • સન ફાર્મા લૅબોરેટરીઝનું મુખ્યાલય મુંબઈમાં છે.
  • વર્ષ 2020 અને 2023 વચ્ચે આ કંપનીએ બનાવેલી દવાઓ છ વખત ડ્રગ ટેસ્ટમાં નિષ્ફળ ગઈ.
  • ટેસ્ટમાં ફેલ થનારી દવાઓમાં કાર્ડીવાસ, લેટોપ્રોસ્ટ આઈ ડ્રૉપ્સ અને ફ્લેક્સુરા ડી સામેલ હતી.
  • કાર્ડીવાસનો ઉપયોગ ઉચ્ચ રક્તચાપ, હૃદય સંબંધિત છાતીમાં દુખાવો (એનાજાઇના) અને હાર્ટ ફેલ્યોરના ઇલાજ માટે કરાય છે
  • 15 એપ્રિલ 2019 અને 8 મે 2019ના રોજ કંપનીએ કુલ 31.5 કરોડ રૂપિયાનાં બૉન્ડ ખરીદ્યાં.
  • આ તમામ બૉન્ડ કંપનીએ ભાજપને આપ્યાં.

4. ઝાયડસ હેલ્થકેર લિમિટેડ

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, GETTY IMAGES

  • ઝાયડસ હેલ્થકેર લિમિટેડની હેડ ઓફિસ મુંબઈમાં છે.
  • વર્ષ 2021માં બિહાર ડ્રગ રેગ્યુલેટરે આ કંપનીએ બનાવેલી રેમડેસિવિર દવાની એક બૅચમાં ગુણવત્તાની કમી હોવાની વાત કહી હતી.
  • રેમડેસિવિરનો ઉપયોગ કોવિડના ઇલાજમાં કરાય છે.
  • 10 ઑક્ટોબર 2022 અને 10 જુલાઈ 2023ના રોજ આ કંપનીએ 29 કરોડ રૂપિયાના બૉન્ડ ખરીદ્યાં.
  • તે પૈકી 18 કરોડ રૂપિયા ભાજપને, આઠ કરોડ રૂપિયા સિક્કિમ ક્રાંતિકારી મોરચા અને ત્રણ કરોડ રૂપિયા કૉંગ્રેસને અપાયા છે.

5. હેટેરો ડ્રગ્સ લિમિટેડ અને હેટેરો લૅબ્સ લિમિટેડ

  • આ કંપનીઓનું મુખ્યાલય તેલંગાણાના હૈદરાબાદમાં છે.
  • વર્ષ 2018 અને 2021 વચ્ચે આ કંપની દ્વારા બનાવાયેલ દવાઓ સાત વખત ડ્રગ ટેસ્ટમાં ફેલ થઈ.
  • ડ્રગ ટેસ્ટમાં ફેલ થયેલી દવાઓમાં રેમડેસિવિર ઇન્જેક્શન, મેટફૉર્મિન અને કોવિફોર સામેલ હતી.
  • રેમડેસિવિર અને કોવિફોરનો ઉપયોગ કોવિડના ઇલાજમાં કરાય છે, જ્યારે મેટફૉર્મિનનો ઉપયોગ ડાયાબિટીઝ માટે થાય છે.
  • હેટેરો ડ્રગ્સ લિમિટેડે 7 એપ્રિલ 2022 અને 11 જુલાઈ 2023ના રોજ 30 કરોડ રૂપિયાનાં ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદ્યાં.
  • આ તમામ બૉન્ડ તેલંગાણાની ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ) પાર્ટીને અપાયાં.
  • હેટેરો લૅબ્સ લિમિટેડે 7 એપ્રિલ 2022 અને 12 ઑક્ટોબર 2023ના રોજ 25 કરોડ રૂપિયાનાં બૉન્ડ ખરીદ્યાં.
  • તેમાંથી 20 કરોડ રૂપિયાનાં બૉન્ડ બીઆરએસને અને પાંચ કરોડનાં બૉન્ડ ભાજપને અપાયાં.

6. ઇન્ટાસ ફાર્મસ્યૂટિકલ્સ લિમિટેડ

  • ઇન્ટાસ ફાર્મસ્યૂટિકલ્સ લિમિટેડની હેડ ઓફિસ ગુજરાતના અમદાવાદમાં છે.
  • જુલાઈ 2020માં આ કંપનીએ બનાવેલી દવા એનાપ્રિલ ડ્રગ ટેસ્ટમાં ફેલ થઈ હતી.
  • એનાપ્રિલનો ઉપયોગ ઉચ્ચ રક્તચાપ અને હાર્ટ ફેલ્યોરના ઇલાજ માટે કરાય છે. આ દવા હૃદયરોગના હુમલા બાદ પણ અપાય છે.
  • આ કંપનીએ 10 ઑક્ટોબર 2022ના રોજ 20 કરોડ રૂપિયાનાં ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદ્યાં.
  • આ તમામ બૉન્ડ ભારતીય જનતા પાર્ટીને અપાયાં.

7. આઈપીસીએ (ઇપ્કા) લૅબોરેટરીઝ લિમિટેડ

  • આઈપીસીએ લૅબોરેટરીઝ લિમિટેડની હેડ ઓફિસ મુંબઈમાં છે.
  • ઑક્ટોબર 2018માં આ કંપનીએ બનાવેલી દવા લારિયાગો ટૅબ્લેટ ડ્રગ ટેસ્ટમાં ફેલ થઈ.
  • લારિયાગોનો ઉપયોગ મલેરિયાથી બચવા અને તેના ઉપચાર માટે કરાય છે.
  • 10 નવેમ્બર 2022 અને 5 ઑક્ટોબર વચ્ચે આ કંપનીએ 13.5 કરોડ રૂપિયાનાં બૉન્ડ ખરીદ્યાં.
  • તેમાંથી દસ કરોડ રૂપિયાનાં બૉન્ડ ભાજપને અપાયાં અને 3.5 કરોડનાં બૉન્ડ સિક્કિમ ક્રાંતિકારી મોરચા પાર્ટીને મળ્યાં.

8. ગ્લેનમાર્ક ફાર્મસ્યૂટિકલ્સ લિમિટેડ

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, GETTY IMAGES

  • આ કંપનીનું મુખ્યાલય મુંબઈમાં સ્થિત છે.
  • વર્ષ 2022 અને 2023 વચ્ચે આ કંપનીઓએ બનાવેલી દવા છ ડ્રગ ટેસ્ટમાં ફેલ થઈ.
  • જે દવાઓ ડ્રગ ટેસ્ટમાં ફેલ થઈ તેમાં ટેલ્મા એએમ, ટેલ્મા એચ અને ઝિટેન ટૅબ્લેટ સામેલ હતી.
  • ટેલ્મા એએમ અને ટેલ્મા એચનો ઉપયોગ ઉચ્ચ રક્તચાપના ઇલાજમાં કરાય છે. ઝિટેન ટૅબ્લેટનો ઉપયોગ ડાયાબિટીઝના ઇલાજ માટે કરાય છે.
  • આ કંપનીએ 11 નવેમ્બર 2022ના રોજ 9.75 કરોડ રૂપિયાનાં બૉન્ડ ખરીદ્યાં.
  • આ તમામ બૉન્ડ ભાજપને અપાયાં.

‘ફાર્મા કંપનીઓની ગુણવત્તા સાથે સંકળાયેલા મુદ્દા’

કે. સુજાતા રાવ ભારત સરકારનાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનાં સચિવ તરીકે કામ કરી ચૂક્યાં છે.

એક આઈએએસ અધિકારી તરીકે સ્વરૂપે પોતાની 36 વર્ષની કારકિર્દીમાં તેમણે વિભિન્ન પદોમાં સ્વાસ્થ્યક્ષેત્રમાં 20 વર્ષ પસાર કર્યાં.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તેઓ કહે છે કે, “કોઈ પણ જાતના વળતરની આશા વગર કોઈ પણ કોઈ રાજકીય દળને શું કામ પૈસા આપશે? ફાર્મા કંપનીઓને કોણ નિયંત્રિત કરે છે? નિયંત્રણ સરકારનું હોય છે. જો કોઈ કંપનીએ સત્તામાં રહેલા કોઈ પક્ષને પૈસા આપ્યા હોય તો સ્પષ્ટ છે કે આવું તેમની પાસેથી વળતરની આશાએ જ કરાયું હશે. એ અલગ વાત છે કે શું સરકારે આ રીતે પૈસા આપનારી કંપનીઓને કોઈ લાભ આપ્યો કે નહીં.”

સુજાતા રાવ કહે છે કે ભારતમાં ફાર્મા કંપનીઓ સાથે આવી સમસ્યાઓ રહે જ છે. તેમના પ્રમાણે આ કંપનીઓમાં ગુણવત્તા સંબંધી મુદ્દા અને સમસ્યાઓ હોય છે.

તેઓ કહે છે કે, “એ જોવાની જરૂર છે કે શું સરકારે ઇલેક્ટોરલ બૉન્ડ મારફતે ફંડ મેળવ્યા બાદ આ પૈકી કોઈ પણ કંપની વિરુદ્ધ કાર્યવાહી કરવાનું બંધ કરી દીધું કે કેમ? જો આવું ન હોય તો એ કહેવું મુશ્કેલ હશે કે આ પૈકી કેટલો ભાગ સરકાર સાથે સારા સંબંધ કેળવવા માટે ખાનગી ક્ષેત્રનું રોકાણ છે. ફાર્મા કંપનીઓ નિશ્ચિતપણે અસુરક્ષિત છે.”

વિશેષજ્ઞોનું કહેવું છે કે એ વાતની તપાસ થવી જોઈએ કે આ ફાર્મા કંપનીઓની દવાઓનું પરીક્ષણમાં ફેલ થયા બાદ શું થયું? તેમની વિરુદ્ધ કોઈ કાર્યવાહી શરૂ કરાઈ?

શું તેમના પર ચાર્જશીટ દાખલ કરાઈ? જો હા, તો શું બૉન્ડના માધ્યમથી પૈસા ચૂકવ્યા બાદ આ કાર્યવાહી રોકી દેવાઈ?

તેઓ એવું પણ કહે છે કે સરકાર ફાર્મા કંપનીઓની રેગ્યુલેટર કે નિયામક છે, તેથી એ ગુણવત્તા તપાસ અને અને મંજૂરી આપવાના મામલામાં તેમના વ્યવસાય પર વધુ અસર કરે છે.

કોઈ બાબતની મંજૂરી આપવામાં થોડો પણ વિલંબ થાય તો એ આ કંપનીઓને મોંઘું પડી શકે છે અને એવું મનાય છે કે કદાચ આ બધી વાતોથી બચવા જ આ કંપનીઓ રાજકીય દળોને પૈસા આપે છે.

દરોડા બાદ ફાર્મા કંપનીઓએ કઈ પાર્ટીને પૈસા આપ્યા?

થોડા દિવસ પહેલાં એક અન્ય રિપોર્ટમાં અમે આપને જણાવેલું કે એસબીઆઈએ જે ડેટા પ્રથમ બેચમાં ચૂંટણપંચને આપ્યો હતો, તેનું વિશ્લેષણ કરતા આવાં જ કેટલાંક ઉદાહરણ જોવા મળ્યાં, જ્યાં અમુક વર્ષે અમુક પ્રાઇવેટ કંપનીઓ પર ઍન્ફોર્સમૅન્ટ ડાયરેક્ટરેટ (ઈડી) કે આવકવેરા વિભાગની રેડ થઈ અને તેના અમુક દિવસ બાદ એ કંપનીએ ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદ્યા.

એવાં પણ ઉદાહરણ છે, જેમાં કોઈ કંપનીએ ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદ્યા અને અમુક દિવસ બાદ તેના પર રેડ થઈ અને એ બાદ કંપનીએ ફરી એક વાર બૉન્ડ ખરીદ્યા.

આ કંપનીઓમાં પણ કેટલીક ફાર્મા કંપનીઓ અને એક હૉસ્પિટલ સામેલ છે. આવો નજર કરીએ એ કંપનીઓ પર જેમના પર ઍન્ફોર્સમૅન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી) કે આવકવેરા વિભાગની રેડ થઈ અને બાદ તેમણે ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદીને રાજકીય પક્ષોને આપ્યા.

યશોદા સુપર સ્પેશિયાલિટી હૉસ્પિટલ

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, GETTY IMAGES

  • યશોદા સુપર સ્પેશિયાલિટીનું મુખ્યાલય તેલંગાણામાં છે.
  • આ કંપનીએ 4 ઑક્ટોબર 2021 અને 11 ઑક્ટોબર 2023 વચ્ચે 162 કરોડ રૂપિયાનાં ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદ્યાં.
  • કંપની પર 22 ડિસેમ્બર 2020ના રોજ આવકવેરા વિભાગની રેડ પડી.
  • 4 ઑક્ટોબર 2021થી આ કંપનીએ ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદવાની શરૂઆત કરી.
  • આ કંપનીએ 94 કરોડ રૂપિયાનાં બૉન્ડ ભારત રાષ્ટ્ર સમિતિ પાર્ટીને આપ્યાં. સાથે જ કંપનીએ 64 કરોડ રૂપિયાનાં બૉન્ડ કૉંગ્રેસને અને બે કરોડ રૂપિયા બૉન્ડ ભાજપને આપ્યાં.

ડૉ. રેડ્ડી’ઝ લૅબ

  • ડૉ. રેડ્ડી’ઝ લૅબનું મુખ્યાલય તેલંગાણાના હૈદરાબાદમાં છે.
  • 8 મે 2019 અને 4 જાન્યુઆરી 2024 વચ્ચે 84 કરોડ રૂપિયાનાં ઇલેક્ટરોલ બૉન્ડ કંપનીએ ખરીદ્યા.
  • 12 નવેમ્બર 2023ના રોજ આવકવેરા વિભાગે આ કંપની સાથે જોડાયેલા લોકો અને તેમના સહયોગી પર ગેરકાયદેસર રોકડની લેવડદેવડના મામલામાં રેડ કરી.
  • 17 નવેમ્બર 2023ના રોજ આ કંપનીએ 21 કરોડ રૂપિયાનાં બૉન્ડ ખરીદ્યા.
  • 4 જાન્યુઆરી 2024ના રોજ કંપનીએ દસ કરોડ રૂપિયાનાં બૉન્ડ ખરીદ્યા.
  • આ કંપનીએ 32 કરોડ રૂપિયાના બૉન્ડ ભારત રાષ્ટ્ર સમિતિ પાર્ટીને આપ્યા. સાથે 25 કરોડ રૂપિયાના બૉન્ડ ભાજપ, 14 કરોડના કૉંગ્રેસ અને 13 કરોડ રૂપિયાના બૉન્ડ તેલુગુ દેસમ પાર્ટીને આપ્યા.

ઑરોબિન્દો ફાર્મા

ઑરબિન્દો ફાર્માનું મુખ્યાલય તેલંગણાના હૈદરાબાદ ખાતે સ્થિત છે.

આ કંપનીએ 3 એપ્રિલ 2021 અને 8 નવેમ્બર 2023ના વચ્ચે 52 કરોડ રૂપિયાના બૉન્ડ ખરીદ્યા.

10 નવેમ્બર 2022ના રોજ કંપનીના ડાયરેક્ટર પી. સરથચંદ્ર રેડ્ડીની ઈડીએ મની લૉન્ડ્રિંગ મામલામાં ધરપકડ કરી.

15 નવેમ્બર 2022ના રોજ કંપનીએ પાંચ કરોડ રૂપિયાના બૉન્ડ ખરીદ્યા. આ તમામ બૉન્ડ ભારતીય જનતા પાર્ટીને અપાયા હતા.

બીજી કઈ ફાર્મા કંપનીઓએ આપ્યું ચૂંટણી ફંડ?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, GETTY IMAGES

અત્યાર સુધી અમે ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદીને રાજકીય દળોને કરોડો રૂપિયા આપનારી જે કંપનીઓ અંગે વાત કરી એ એ હતી જેની બનાવેલી દવાઓ કાં તો ડ્રગ ટેસ્ટમાં ફેલ થઈ હતી કાં તો જેમના પર ઈડી કે આવકવેરા વિભાગની રેડ પડી હતી.

પરંતુ આ કંપનીઓ સિવાય પણ એવી કેટલીક કંપનીઓ છે, જેમણે રાજકીય દળોને ઇલેક્ટોરલ બૉન્ડ મારફતે કરોડો રૂપિયાનું ફંડ આપ્યું.

નેટકો ફાર્મા

  • નેટકો ફાર્માનું મુખ્યાલય હૈદરાબાદમાં છે.
  • આ કંપનીએ 5 ઑક્ટોબર 2019 અને 10 જાન્યુઆરી 2024 વચ્ચે 69.25 કરોડ રૂપિયાના બૉન્ડ ખરીદ્યા.
  • એ પૈકી 20 કરોડ રૂપિયા બીઆરએસ પાર્ટીને, 15 કરોડ રૂપિયા ભાજપને અને 12.25 કરોડ કૉંગ્રેસને અપાયા.

એમએસએન ફાર્માકેમ લિમિટેડ

  • આ કંપનીનું મુખ્યાલય હૈદરાબાદમાં છે.
  • કંપનીએ 8 એપ્રિલ 2022 અને 16 નવેમ્બર 2023ના રોજ કુલ 26 કરોડ રૂપિયાના ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદ્યા.
  • તેમાંથી 20 કરોડ રૂપિયા બીઆરએસ પાર્ટી અને છ કરોડ રૂપિયા ભાજપને આપ્યા.

યૂજિયા ફાર્મા સ્પેશિયાલિટીઝ

  • યૂજિયા ફાર્મા સ્પેશિયાલિટીઝનું મુખ્યાલય હૈદરાબાદમાં છે.
  • આ કંપનીએ 8 નવેમ્બર 2023ના રોજ 15 કરોડ રૂપિયાના બૉન્ડ ખરીદ્યા.
  • આ તમામ બૉન્ડ ભાજપને અપાયા.

ઍલેમ્બિક ફાર્મસ્યૂટિકલ્સ

  • ઍલેમ્બિક ફાર્માસ્યૂટિકલ્સનું મુખ્યાલય ગુજરાતના વડોદરામાં છે.
  • આ કંપનીએ 14 નવેમ્બર 2022 અને 5 જુલાઈ 2023ના દરમિયાન 10.2 કરોડ રૂપિયાના બૉન્ડ ખરીદ્યા.
  • આ તમામ બૉન્ડ ભાજપને અપાયા.

એપીએલ હેલ્થકેર લિમિટેડ

  • એપીએલ હેલ્થકેર લિમિટેડનું મુખ્યાલય હૈદરાબાદમાં છે.
  • આ કંપનીએ 8 નવેમ્બર 2023ના રોજ દસ કરોડ રૂપિયાના બૉન્ડ ખરીદ્યા.
  • આ તમામ બૉન્ડ ભાજપને ખરીદ્યા.
રેડ લાઇન
રેડ લાઇન