ઇલેક્ટોરલ બૉન્ડ : એ કંપનીઓ જેમણે કરોડોનું દાન કર્યું, પણ પોતે કોઈ ધંધો કે નફો નથી કરતી

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇલેક્ટોરલ બૉન્ડના મુદ્દે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે 15 માર્ચના રોજ કેન્દ્રીય ચૂંટણીપંચને ઇલેક્ટોરલ બૉન્ડના યુનિક (આલ્ફાન્યુમરિક) નંબરની જાણકારી આપવા કહ્યું છે.

કોર્ટે આ માટે 17 માર્ચ એટલે કે રવિવાર સુધીનો સમય આપ્યો છે. બીજી તરફ યુનિક નંબર છુપાવવાની વાતને ગંભીર બાબત ગણીને એસબીઆઇને નોટિસ આપી છે.

એસબીઆઈ તરફથી હાજર થયેલા વકીલ સંજય કપૂરે કોર્ટને કહેલું કે એસબીઆઈએ સોમવાર સુધીમાં નોટિસનો જવાબ દેવાનો છે.

મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડે કહ્યું કે એસબીઆઈએ બૉન્ડ નંબર જાહેર કર્યા નથી, એસબીઆઈએ બધી વિગતો જાહેર કરવાની હતી.

આ પહેલાં સામેના પક્ષના વકીલ કપિલ સિબ્બલ અને પ્રશાંત ભૂષણે કોર્ટને કહ્યું કે એસબીઆઈ તરફથી આપવામાં આવેલો ડેટા કે જેને 14 માર્ચના રોજ પ્રકાશિત કરવામાં આવ્યો છે, તેમાં ઇલેક્ટોરલ બૉન્ડના આલ્ફાન્યુમરિક નંબર નથી.

બંનેએ એવી દલીલ કરી હતી કે કોર્ટના આદેશ પ્રમાણે એસબીઆઈએ આ નંબર આપવાનો હતો.

બીબીસી ગુજરાતી

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ એસબીઆઈએ ઇલેક્ટોરલ બૉન્ડના ખરીદદારો અને તે મેળવનારા પક્ષો વિશે માહિતી આપી છે, પરંતુ યુનિક નંબર આપ્યા નથી. જેના કારણે એ ટ્રેસ કરવું અને મૅચ કરવું મુશ્કેલ છે કે કઈ કંપની કે વ્યક્તિએ કયા પક્ષને દાન આપ્યું છે.

વરિષ્ઠ પત્રકાર અને રિપોર્ટર્સ કલેક્ટિવના સભ્ય નીતિન સેઠી કહે છે, “શુક્રવારે યોજાયેલી સુનાવણીમાં એ વાત પર ચર્ચા થઈ હતી કે એસબીઆઈ અને ચૂંટણીપંચ દ્વારા આપવામાં આવેલી માહિતીમાં સિક્રેટ નંબરો ન હતા, જેનાથી ખબર પડી શકે કે કોણે કોને પૈસા આપ્યા હતા."

નોંધનીય છે કે એસબીઆઈએ અગાઉ યુનિક નંબરના મૅચિંગ સહિતની માહિતી આપવા 30 જૂનનો સમય માંગ્યો હતો, જેને કોર્ટે ફગાવી દીધો હતો.

નીતિન સેઠી કહે છે કે અત્યારે આપણે માત્ર અનુમાન જ લગાવી શકીએ છીએ કે કઈ કંપનીઓએ ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદ્યાં અને કઈ રાજકીય પાર્ટીઓને આપ્યાં. જો આ યુનિક નંબર ઉપલબ્ધ હોય તો કોઈ પણ જાણી શકે છે કે આ કંપનીઓએ કયા રાજકીય પક્ષને દાન આપ્યું છે.

દરોડા અને દાન વચ્ચેની કડી

ઇલેક્ટોરલ બૉન્ડ ભારત બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

એસબીઆઈ અને ચૂંટણીપંચે ઇલેક્ટોરલ બૉન્ડ વિશે જે જાણકારીઓ અત્યાર સુધીમાં ઉપલબ્ધ કરાવી છે, તેમાંથી અત્યાર સુધીમાં કેટલીક મોટી જાણકારીઓ સામે આવી છે.

પરંતુ આ ડેટાથી એ અંદાજ લગાવવો મુશ્કેલ છે, કે કોણે કયા પક્ષને દાન આપ્યું.

નીતિન સેઠી કહે છે, “આપણને પહેલેથી જ ખબર હતી કે સત્તાધારી ભાજપને સૌથી વધુ ફંડ મળ્યું છે. એ વાત સર્વવિદિત છે કે પહેલાં પણ જે પક્ષ સત્તામાં હોય તેને સૌથી વધુ દાન મળ્યું છે.”

“આ મામલામાં સત્તાધારી પક્ષને એ ખબર હોય છે કે કયા પક્ષને કેટલું દાન મળે છે. કારણ કે નાણામંત્રાલય પાસે આ મામલે સંપૂર્ણ માહિતી હોય છે કે, ઇલેક્ટોરલ બૉન્ડ ક્યાં અને કેટલાં વેચાઈ રહ્યાં છે અને તેમને નિયમિતપણે સ્ટેટ બૅન્ક પાસેથી આ અહેવાલો મળતા હતા.”

“એટલે એક પ્રકારનો ડર હતો કે સત્તાધારી પક્ષને નહીં આપીએ તો તકલીફ ઊભી થશે. એવા ઘણા અહેવાલો સામે આવ્યા છે કે એવી ઘણી કંપનીઓ છે જે ભાજપને દાન આપતી ન હતી, પરંતુ તેમના પર દરોડા પડાયા પછી એ દાન આપવા લાગી.”

“આ બધી બાબતોને સાથે જોડીને જુઓ તો એ વાતનો ખ્યાલ આવે છે કે કેમ સત્તાધારી પક્ષને જ સૌથી ઝાઝું ફંડ મળે છે, પછી એ કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર.”

“બીજી વાત એ છે કે ચૂંટણીપંચ અને આરબીઆઇએ પહેલેથી જ આશંકા વ્યક્ત કરી હતી, જેને કેન્દ્ર સરકારે નજરઅંદાજ કરી હતી. તેમણે કહ્યું હતું કે આ કંપનીઓ પોતાના હિસાબના ખાતામાંથી પૈસા આપતી નથી અને એ તેમની નાની નાની કંપનીઓના રસ્તે પૈસા આપે છે અને એ પૈસો હકીકતમાં કોનો છે, એ ખબર પડતી નથી. એટલે એ સફેદ નાણું છે કે કાળું નાણું તેનો ખ્યાલ આવતો નથી.”

અત્યાર સુધી શું શું સામે આવ્યું?

ઇલેક્ટોરલ બૉન્ડ ભારત બીબીસી ગુજરાતી

કલેક્ટિવ રિપોર્ટર્સે ચૂંટણીપંચે આપેલા ડેટાનું વિશ્લેષણ કર્યું છે.

નીતિન સેઠી કહે છે, “એવી અનેક કંપનીઓ છે જેમને ત્યાં દરોડા પડ્યા બાદ તેમણે પાર્ટી ફંડમાં પૈસા આપ્યા. એવી અનેક કંપનીઓ છે, જેમનો પોતાનો કોઈ ધંધો કે નફો નથી, પરંતુ એ રાજકીય પક્ષોને દાન આપી રહી છે. એવા અનેક લોકો છે જે મોટી કંપનીઓ સાથે જોડાયેલા છે પણ તેઓ વ્યક્તિગત રીતે કરોડો રૂપિયાનું દાન આપી રહ્યા છે. એવી કંપનીઓ પણ છે કે જે હાલમાં દાન તો આપી રહી છે, પરંતુ એવો કોઈ ડેટા ઉપલબ્ધ નથી કે તેમની પાસે કેટલા પૈસા છે. એટલે તેઓ ક્યાંક બીજેથી પૈસા લાવીને રાજકીય પક્ષોને છૂપી રીતે આપી રહ્યા છે.”

“એટલે હકીકતમાં આ તો કાયદો બનાવીને ભ્રષ્ટાચારને કાયદેસર બનાવવાની વાત છે.”

ઉદાહરણ આપતાં તેઓ કહે છે કે, બે કંપનીઓ એવી છે જેણે મોટા પાયે ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદ્યાં છે. એક છે ‘ફ્યૂચર ગેમિંગ ઍન્ડ હોટલ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ’ - જે લૉટરી કિંગ તરીકે જાણીતા સેન્ટિયાગો માર્ટિન દ્વારા ચલાવવામાં આવે છે. આ કંપનીનો કોઈ નફો નથી. તેની ઑફિસ પણ નથી. આ કંપનીએ એક હજાર કરોડ રૂપિયાથી વધુનું દાન કર્યું છે.

બીજી જાણીતી કંપની રિલાયન્સ છે, જેણે પોતે સીધું દાન આપ્યું ન હતું, પરંતુ એક નાની ખાનગી માલિકીની કંપની થકી રાજકીય પક્ષોને કરોડો રૂપિયાનું દાન આપ્યું હતું. તે કંપનીનું નામ પણ સામાન્ય રીતે જાણી શકાશે નહીં અને તેનો કોઈ નફો પણ નથી.

આ કંપની હજારો કરોડ રૂપિયાનો વેપાર કરે છે, પરંતુ તે કહે છે કે તે નફો કરતી નથી. પરંતુ તે રાજકીય પક્ષોને કરોડો રૂપિયાનું ફંડ આપે છે.

કૉંગ્રેસે શું કહ્યું?

ઇલેક્ટોરલ બૉન્ડ ભારત બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, INC/X

ઇલેક્ટોરલ બૉન્ડમાં પારદર્શિતાનો સવાલ લાંબા સમયથી ઊઠતો આવ્યો છે.

કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઇલેક્ટોરલ બૉન્ડને ગોટાળો ગણાવ્યો છે અને કહ્યું હતું કે ‘ઇલેક્ટોરલ બૉન્ડથી મોટો કોઈ ભ્રષ્ટાચાર નથી.’

તેમણે એ આરોપ લગાવ્યો છે કે “હવે એ પણ સામે આવી રહ્યું છે કે ભારતનાં મોટાં કૉર્પોરેટ પાસેથી પૈસા કઢાવવાનો એક રસ્તો હતો. આ એક એવો રસ્તો હતો કે જેમાં કંપનીઓ પાસેથી નાણાંની વસૂલી કરવામાં આવે, તેને ધમકી આપવામાં આવે અને ભાજપને દાન આપવા માટે મજબૂર કરવામાં આવે. આ દુનિયાનું સૌથી મોટું વસૂલી કરવાનું રૅકેટ છે અને તેને ભારતના વડા પ્રધાન ચલાવે છે.”

પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી અને કૉંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે બીબીસીને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે ચૂંટણી બૉન્ડે આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપને અન્યાયી લાભ આપવા માટે મેદાન તૈયાર કર્યું છે.

તેમણે કહ્યું, "પ્રશ્ન ચોક્કસપણે ઉદ્ભવશે કે તેમને કુલ બૉન્ડના 40 ટકાથી વધુ કેમ મળ્યાં અને જો અન્ય તમામ પક્ષોને ઉમેરવામાં આવે તો પણ એ પક્ષોનો સરવાળો ભાજપથી વધુ થતો નથી. બીજો પ્રશ્ન એ છે કે, 'શું કંઈક મેળવવાને બદલે કંઈક આપવામાં પણ આવ્યું હતું? જો તમે કેટલાક દાનની તારીખોને સરકારના નિર્ણયો સાથે જોડો છો તો એવું પણ દેખાય છે કે કંઈક લઈને કંઈક આપવામાં આવ્યું. આનાથી ભાજપને મોટો ફાયદો થયો હતો. આ અનુચિત લાભ છે. ભાજપ પોતાના ઉમેદવારોને પૈસા આપવામાં અન્ય પક્ષોથી આગળ છે."

ભાજપે શું કહ્યું?

જોકે, ભાજપના પ્રવક્તા ચારુ પ્રજ્ઞાએ જણાવ્યું હતું કે, “ચૂંટણી બૉન્ડ કાયદો બનાવીને જાહેર કરવામાં આવ્યાં હતાં અને જે લોકોએ તે ખરીદ્યાં હતાં, તેમણે કેવાયસી સાથે તેમના માન્ય ખાતામાંથી ચુકવણી કરી હતી. તેથી તેને કાળું નાણું કહી શકાય નહીં.”

તેમણે કહ્યું કે, “જો કૌભાંડ થયું હોય તો તમે પૈસા કેમ લીધા? એ શક્ય છે કે કોઈ પક્ષને વધુ મળ્યું હોય અને કોઈને ઓછું મળ્યું હોય. આ તો તમારી જરૂરિયાત અને શક્તિ મુજબ પણ હોઈ શકે છે. ભાજપ કેન્દ્રમાં અને 18 રાજ્યોમાં સત્તામાં છે, પરંતુ જો તૃણમૂલ કૉંગ્રેસ સાથે સરખામણી કરવામાં આવે કે જે તો તેણે એકલા હાથે રૂ. 3,000 કરોડનાં ચૂંટણી બૉન્ડ લીધાં છે. તૃણમૂલ કૉંગ્રેસ તો એક જ રાજ્યમાં સત્તામાં છે.”

એસબીઆઈએ ઇલેક્ટોરલ બૉન્ડનો જે ડેટા આપ્યો છે, તે પ્રમાણે 1 ઍપ્રિલ, 2019થી લઈને 15 ફેબ્રુઆરી, 2024 વચ્ચે કુલ 12,156 કરોડનું દાન આપવામાં આવ્યું છે.

ઇલેક્ટોરલ બૉન્ડ યોજના નરેન્દ્ર મોદી સરકાર દ્વારા 2018માં શરૂ કરવામાં આવી હતી અને એવું કહેવામાં આવ્યું હતું કે તે રાજકીય ફંડિંગમાં પારદર્શિતા લાવશે.

પરંતુ માત્ર બૉન્ડ ખરીદનારાઓ અને રાજકીય પક્ષોને મળેલાં નાણાંની વિગતો પરથી જ એ સ્પષ્ટ થતું નથી કે કોણે કોને પૈસા આપ્યા.

કોઈ ચોક્કસ પક્ષને ભંડોળ પૂરું પાડવા પાછળ દાતાનો હેતુ શું છે, તે જાણવું પણ શક્ય નથી.