લોકસભાની ચૂંટણીમાં ભાજપના જે દિગ્ગજોની ટિકિટ કપાવાની વાતો થતી, તેમને ફરી તક કેમ અપાઈ?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સ્નેહા
- પદ, બીબીસી સંવાદદાતા
નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળ દરમિયાન જ્યારે રાજનાથસિંહને ગૃહમંત્રીને સ્થાને સંરક્ષણમંત્રી બનાવાયા ત્યારે તેમના રાજકીય ભવિષ્ય વિશે અટકળો લાગવાની શરૂઆત થઈ ગઈ હતી.
એ જ રીતે નીતિન ગડકરીને ભાજપના સંસદીય બોર્ડ અને કેન્દ્રીય ચૂંટણી સમિતિમાં સામેલ કરાતાં તેમના રાજકીય ભવિષ્યને લઈને અનેક પ્રકારની અફવાઓ ચાલી રહી હતી.
શિવરાજસિંહ ચૌહાણ મધ્યપ્રદેશના ‘લોકપ્રિય’ મુખ્ય મંત્રી હતા અને ચૂંટણી જીત્યા પછી તેમને ફરીથી મુખ્ય મંત્રી ન બનાવાતા આ અંગે પણ અનેક સવાલો ઊઠ્યા હતા.
જોકે, ભાજપે 2024ની લોકસભાની ચૂંટણીમાં આ ત્રણેય નેતાઓને ટિકિટ આપી છે. આ ત્રણેય દિગ્ગજ નેતાઓને ભાજપે ભલે લોકસભાની ટિકિટ આપીને ચૂંટણીમાં ઉતાર્યા, પરંતુ આવનારા દિવસોમાં સરકાર અને પાર્ટીમાં તેમની સ્થિતિ કેવી હશે એ મહત્ત્વનો પ્રશ્ન છે.
ભાજપ છેલ્લાં દસ વર્ષમાં સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. પાર્ટીનું નેતૃત્વ નરેન્દ્ર મોદી અને અમિત શાહના હાથમાં છે. આ કારણે સંગઠન અને સરકારમાં તેમની ટીમનો દબદબો છે.
રાજનાથસિંહ, નીતિન ગડકરી, અને શિવરાજસિંહ ચૌહાણ અટલ-અડવાણીના નેતૃત્વવાળા ભાજપના નેતાઓ છે. રાજનાથસિંહ અને નીતિન ગડકરી બંને ભાજપના અધ્યક્ષ રહી ચૂક્યા છે. અટલ-અડવાણી સમયના ભાજપના મહત્ત્વના નેતા નિવૃત્ત થઈ ગયા છે અથવા તો કોઈ નિર્ણાયક ભૂમિકામાં નથી.
શિવરાજસિંહ ચૌહાણને મધ્યપ્રદેશના વિદિશાથી, નીતિન ગડકરીને નાગપુરથી અને રાજનાથસિંહને લખનૌથી લોકસભા ચૂંટણીની ટિકિટ આપવામા આવી છે.
ભાજપે અત્યાર સુધી લોકસભાના ઉમેદવારોની બે યાદી જાહેર કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પહેલી યાદીમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું નામ ન આવતા કહેવાઈ રહ્યું હતું કે તેમની ટિકિટ કપાઈ શકે છે. જોકે, ભાજપે તેમને નાગપુરથી ફરી એક વાર ચૂંટણીમેદાને ઉતાર્યા છે.
શિવરાજસિંહ ચૌહાણને મધ્યપ્રદેશના મુખ્ય મંત્રી ન બનાવા તે બાદ તેમને કેન્દ્રની રાજકારણમાં મોકલવામાં આવશે એવી વાતો થવા લાગી હતી.
2019માં સરકાર બન્યા બાદ પછી જૂન મહિનામાં રાજનાથસિંહને કેટલીક સમિતિઓમાંથી હઠાવવામા આવ્યા હતા. જોકે, આ નિર્ણય 24 કલાકની અંદર ફરી બદલી નખાયા. આ વિશે જાણકારોનું કહેવું કે 24 કલાકની અંદર નિર્ણય બદલવો એ મોટી વાત હતી.
‘ભાજપ મોટા બદલાવ કરવાના મૂડમાં નથી’

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભાજપે લાંબા સમય સુધી પક્ષના લોકપ્રિય નેતા રહેલા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીની ટિકિટ 2019માં કપાઈ ગઈ હતી.
2014માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુરલી મનોહર જોશીની બેઠક વારાણસી પરથી ચૂંટણી લડી હતી. મુરલી મનોહર જોશીને 2014માં કાનપુરથી ટિકિટ અપાઈ આવી હતી. જોકે, 2019માં તેમને કાનપુરથી પણ રિપીટ કરાયા નહોતા.
2019માં લાલકૃષ્ણ અડવાણીને સ્થાને અમિત શાહને ગાંધીનગરથી ટિકિટ અપાઈ હતી, ભાજપમાં આ મોટો ફેરફાર હતો.
નીતિન ગડકરી અને રાજનાથસિંહ વિશે પણ કહેવાઈ રહ્યું હતું કે તેમની ટિકિટ કપાઈ શકે છે. જોકે, ભાજપની લોકસભા ઉમેદવારોની યાદીએ સ્પષ્ટ કરી દીધું કે પાર્ટી હજુ પણ આ નેતાઓ પર દાવ રમે છે.
ભાજપના આ નિર્ણય વિશે વરિષ્ઠ પત્રકાર નીરજા ચૌધરીએ કહ્યું, “ભાજપ આ ચૂંટણીમાં કોઈ ફેરબદલ કરવાના મૂડમાં નથી. પક્ષ ગમે એ રીતે રીતે વિજય સુનિશ્ચિત કરવા માગે છે. નીતિન ગડકરી વિશે ઘણી અટકળો હતી કે તેમને આ વખત ટિકિટ નહીં મળે. જોકે, ભાજપ આ વખતે કોઈ પણ બેઠક પર કોઈ જોખમ લેવા નથી માંગતો. ભાજપ માત્ર ચૂંટણી જીતવા માંગે છે.”
ચૌધરીએ ઉમેર્યું, “શિવરાજસિંહ ચૌહાણને મધ્યપ્રદેશના મુખ્ય મંત્રી ન બનાવાયા, પરંતુ રાજ્યની મહિલાઓએ કહ્યું કે તેમણે તો વોટ શિવરાજસિંહ ચૌહાણના નામ પર આપ્યો હતો. તેમને મુખ્ય મંત્રી તો ન બનાવાયા, પરંતુ નેતૃત્વ તેમને નારાજ કરવા નથી માંગતા, કારણ કે તેની ખરાબ અસર પડશે. આ જ રીતે ગડકરી અને રાજનાથસિંહનો પણ સમાવેશ કરવામાં આવ્યો.”
વરિષ્ઠ પત્રકાર નીરજા ચૌધરીએ કહ્યું કે આ નેતાઓને ટિકિટ મળવી એ એ વાતનો સંકેત હોઈ શકે કે પાર્ટીમાં બધું ઠીક છે.
ચૂંટણીમાં મતભેદ કે વફાદારી કોઈ પરિબળ નથી

ઇમેજ સ્રોત, ANI
ભાજપના કેટલાક નેતા લોકસભાની ચૂંટણી પહેલાં “અબકી બાર 400 પાર”નો નારો લગાવી રહ્યા છે. ગૃહમંત્રી અમિત શાહે પણ પોતાની સભાઓમાં આનો ઉલ્લેખ કર્યો હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફેબ્રુઆરીમા “વિકસિત ભારત, વિકસિત મધ્યપ્રદેશ” કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે “અબકી બાર 400 પાર”નો નારો સત્તાધારી ભાજપે નહીં, પરંતુ જનતાએ આપ્યો છે.
વરિષ્ઠ પત્રકાર નીરજા ચૌધરીએ કહ્યું કે ભાજપ આ જ આંકડાને ધ્યાનમાં રાખીને આગળ વધી રહ્યો છે. ભાજપે ટિકિટ આપવા માટે કોઈ એક ફૉર્મ્યુલા નક્કી નથી કરી.
તેમણે કહ્યું, “ભાજપે આ વખતે 75 વર્ષની ઉંમરથી વધુ કે ઓછા, મુખ્ય મંત્રી, વરિષ્ઠ નેતાઓ બહાર કે યુવાન નેતાઓ અંદર એવી કોઈ પણ ફૉર્મ્યુલા લાગુ કરી નથી. ભાજપ ખૂબ જ સાવચેતીથી આયોજન કરી રહ્યો છે, જેથી વધુમાં વધુ બેઠકો જીતી શકાય. એ સ્પષ્ટપણે જોઈ શકાય છે.”
“સંપૂર્ણપણે નિષ્ઠા હોય કે મતભેદ કે પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતાની ટીમને આગળ લાવવા માંગતા હોય. આ વાતોનું આ ચૂંટણીમાં કોઈ મહત્ત્વ નથી. જોકે, એક વાત સ્પષ્ટ છે કે નરેન્દ્ર મોદી ભવિષ્ય માટે પોતાની ટીમને લાવવા માંગે છે. કૅબિનેટમાં થયેલા ફેરફારોમાં આ જોઈ શકાય છે. જયશંકર, હરદીપસિંહ પુરી, અશ્વિની વૈષ્ણવને કૅબિનેટમાં સ્થાન મળ્યું.”
જોકે, વરિષ્ઠ પત્રકાર વિજય ત્રિવેદીએ કહ્યું કે રાજકારણ વિશે લોકોમાં એક ધારણા છે કે મજબૂત નેતા એક સાથે કામ નથી કરી શકતા. જોકે અટલ-અડવાણીની જોડી સાથે રહી, એ એક સારું ઉદાહરણ છે.
'રાજકારણમાં શક્તિશાળી પણ એક સાથે રહી શકે છે'

ઇમેજ સ્રોત, ANI
2013માં જ્યારે રાજનાથસિંહ પાર્ટી અધ્યક્ષ હતા, ત્યારે તેમણે નરેન્દ્ર મોદીના નામની જાહેરાત વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે કરી હતી.
રાજનાથસિંહે ત્યારે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, “એવું જરૂરી નથી કે પાર્ટી અધ્યક્ષ લોકોને પોતાની તરફ આકર્ષે અને વડા પ્રધાનપદના ઉમેદવાર પણ હોય. મને પાર્ટીએ એક કાર્ય આપ્યું છે, જે મારે પૂર્ણ કરવાનું છે. આ કામ છે 2014ની ચૂંટણીમાં વિજય મેળવવાનું.”
રાજકીય વિશ્લેષકો ગડકરીની જેમ જ રાજનાથસિંહને પણ મોદી કૅમ્પની બહારના માને છે.
આ વિશે લાંબા સમયથી ભાજપને કવર કરતા પત્રકાર વિજય ત્રિવેદીએ કહ્યું, “વડા પ્રધાન મોદી સાથે રાજનાથસિંહના સારા સંબંધ રહ્યા છે. એ વાત સાચી છે કે અટલ-અડવાણીવાળી જે પેઢી હતી તે હવે ખતમ થઈ ગઈ છે. તેઓ એકમાત્ર જ બચ્યા છે. જોકે, તેમને મોદી કૅમ્પની બહારના માનવામા આવે છે, આ વાત વારંવાર ખારિજ થઈ છે. આ વખતે પણ ચૂંટણી જીત્યા પછી તેમને મોટી જવાબદારી મળી શકે છે.”
મોદી અને રાજનાથસિંહ વચ્ચેના મતભેદો વિશે તેમણે કહ્યું કે પહેલાં અટલ-અડવાણીની જોડી વિશે પણ આ પ્રકારની વાતો કરવામાં આવતી હતી કે તેમની વચ્ચે મતભેદ છે અને આ જોડી નહીં ચાલે, પણ એ જોડી ખૂબ ચાલી.
તેમણે કહ્યું, “લોકો એમ સમજે છે કે રાજકારણમાં શક્તિશાળી લોકો એક સાથે નથી રહી શકતા, પરંતુ ભાજપે આ વાતને ખોટી સાબિત કરી છે. તમે એ વિશે વિચારો કે પાર્ટીના ચાર અધ્યક્ષ નીતિન ગડકરી, રાજનાથસિંહ, અમિત શાહ અને જે પી નડ્ડા, આ દરેકનો વડા પ્રધાન સાથે સારો તાલમેલ છે. આવું સામાન્ય રીતે નથી હોતું. જોકે, એક વાત છે કે ભાજપમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સૌથી શક્તિશાળી છે. તેની પાછળનું કારણ એ છે કે જનતા તેમના નામ પર વોટ આપે છે.”
મહારાષ્ટ્રનું જટિલ રાજકારણ

ઇમેજ સ્રોત, Getty Images
કેટલીક વખત વિપક્ષ નીતિન ગડકરીને ભાજપના એક એવા નેતા તરીકે ગણાવે છે, જેના નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાથે સારા સંબંધ નથી. કૉંગ્રેસના નેતા ગડકરીને એવી રીતે દર્શાવે છે કે જાણે તેમની સાથે પાર્ટીમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ અન્યાય કરી રહ્યા છે.
13 માર્ચના રોજ ભાજપે 72 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. મહારાષ્ટ્રમાં લોકસભાની 48 બેઠકો છે અને ભાજપે 20 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી છે.
નાગપુરથી ઉમેદવાર બનાવાયા પછી નીતિન ગડકરીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના અધ્યક્ષ જે પી નડ્ડાનો આભાર માન્યો હતો.
મહારાષ્ટ્રની રાજકારણ પર નજર રાખનાર બીબીસીના પત્રકાર આશીષ દીક્ષિતે કહ્યું, “નીતિન ગડકરી અને વડા પ્રધાન મોદીનો સંબંધ શરૂઆતથી જ થોડોક અસહજ રહ્યો છે. આ પાછળ કેટલાંક કારણો જવાબદાર છે. એક કારણ એ છે કે ગડકરી રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચૂક્યા છે. જોકે, પૂર્તિ ગોટાળામાં ગડકરીનું નામ આવવા લાગ્યું. ગડકરી પછી રાજનાથસિંહ અધ્યક્ષ બન્યા. એક રીતે ગડકરીના પતન સાથે વડા પ્રધાન મોદીનો ઉદય થયો.”
તેમણે કહ્યું કે રાજકીય વિશ્લેષકો ગડકરીને પણ મોદીના કૅમ્પના નથી માનતા.
“વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2014માં પહેલા કાર્યકાળમાં ઘણા સિનિયર લોકોને સ્થાન આપ્યું હતું. અરુણ જેટલી, સુષ્મા સ્વરાજ, ઉમા ભારતી વગેરે. જોકે, બીજા કાર્યકાળમાં માત્ર ગડકરી અને રાજનાથસિંહને જ જગ્યા મળી. અન્ય વરિષ્ઠ નેતાઓની સંખ્યા ઓછી થતી ગઈ અને આ કારણે જ આ લોકોની પણ ટિકિટ કપાશે તેવી અટકળો હતી.”
આશીષ દીક્ષિતે કહ્યું કે જે રીતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની એક પ્રકારની છબિ બનાવી છે, ગડકરી પણ રાજનેતા છે અને તેમણે પણ એવા જ પ્રયાસો કર્યા છે. ગડકરીની છબિ ઓછા સમયમાં મોટા પ્રોજેક્ટ પૂરા કરનાર અને એક પ્રભાવી નેતાની છે. જો આ પ્રકારની છબિ ધરાવતા નેતાની ટિકિટ કાપવામા આવે તો નુકસાન પણ થઈ શકે છે.
પત્રકાર દીક્ષિતે કહ્યું, “છેલ્લા કેટલાક સમયથી મહારાષ્ટ્રનું રાજકારણ જટિલ થઈ ગયું છે. અહીં બે શિવસેના અને બે એનસીપી છે. આ ઉપરાંત અન્ય નાની પાર્ટીઓ છે. ભાજપ મહારાષ્ટ્રમાં કોઈ જોખમ લેવા નથી માંગતો. આ કારણે જ પાર્ટીએ મહારાષ્ટ્રની બેઠકોમાં કોઈ મોટો ફેરફાર નથી કર્યો. આ યાદીમાં વર્તમાન સાંસદોમાથી માત્ર ચાર સાંસદોની ટિકિટ કાપવામાં આવી છે.”












