ઇલેક્ટોરલ બૉન્ડ : ભાજપને મળ્યા 60 અબજ, કઈ પાર્ટીને કેટલો ફાળો મળ્યો?

ચૂંટણીપંચ

ઇમેજ સ્રોત, ANI

ચૂંટણીપંચે એસબીઆઈ પાસેથી મળેલી ઇલેક્ટોરલ બૉન્ડની માહિતી પોતાની વેબસાઈટ પર જાહેર કરી દીધી છે.

આ ડેટાનું વિશ્લેષણ થઈ રહ્યું છે. પણ અત્યાર સુધીમાં મળેલી માહિતી મુજબ, ભાજપ સૌથી વધુ ફાળો મેળવનાર પાર્ટી બની છે.

એસબીઆઈ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલી માહિતીને ચૂંટણીપંચે બે ભાગમાં જાહેર કરી છે.

પહેલા ભાગમાં 336 પાનાંમાં એ કંપનીઓનાં નામ છે જેણે ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદ્યા અને તે રકમની માહિતી આપવામાં આવી છે.

જ્યારે બીજા ભાગમાં 426 પાનાંમાં રાજકીય દળો અને તેમને ક્યારે કેટલી રકમના ઇલેક્ટોરલ બૉન્ડને કૅશ કરાવી તે વિશે વિસ્તારથી માહિતી આપી છે.

એસબીઆઈએ ચાર માર્ચે સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરી અને 30 જૂન સુધીનો સમય માગ્યો હતો. જોકે, અદાલતે આ અરજી ફગાવી દીઘી.

સુપ્રીમ કોર્ટે એસબીઆઈને 12 માર્ચ સુધી ઇલેક્ટોરલ બૉન્ડની ખરીદીને લગતી માહિતી ઉપલબ્ધ કરાવવાનો આદેશ આપ્યો હતો.

આ માહિતી 12 એપ્રિલ 2019થી 11 જાન્યુઆરી 2024 સુધીના સમયગાળાની છે.

આ માહિતી અનુસાર, ભાજપે આ સમયગાળા દરમિયાન કુલ 60 અબજથી વધુ રૂપિયાના ઇલેક્ટોરલ બૉન્ડ વટાવ્યા છે. તો આ મામલે બીજા નંબરે તૃણમૂલ કૉંગ્રેસે છે, જેણે 16 અબજ રૂપિયાથી વધુ ઇલેક્ટોરલ બૉન્ડને ઇનકૅશ કર્યા છે.

તો સૌથી વધુ ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદનાર કંપની ફ્યૂચર ગેમિંગ ઍન્ડ હોટલ સર્વિસિઝ છે. આ કંપનીએ કુલ 1368 બૉન્ડ ખરીદ્યા છે, જેની કિંમત 13.6 અબજ રૂપિયાથી વધુ છે.

ફાળો લેવામાં કોણ સૌથી આગળ છે?

ભારતીય જનતા પાર્ટી

ઇમેજ સ્રોત, Getty Images

  • ભારતીય જનતા પાર્ટી- 60,605,111,000.00
  • ઑલ ઇન્ડિયા તૃણમૂલ કૉંગ્રેસ- 16,095,314,000.00
  • અધ્યક્ષ, અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિ- 14,218,655,000.00
  • ભારત રાષ્ટ્ર સમિતિ- 12,147,099,000.00
  • આમ આદમી પાર્ટી- 654,500,000.00
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ચૂંટણીપંચ તરફથી જાહેર ચૂંટણી બૉન્ડ ઇનકૅશ કરનારના લિસ્ટમાં ભાજપ પહેલા અને ઑલ ઇન્ડિયા તૃણમૂલ કૉંગ્રેસ બીજા નંબરે છે.

આ મામલે ત્રીજા નંબરે અધ્યક્ષ, અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિ છે, જેણે 14 અબજ રૂપિયાથી વધુના ઇલેક્ટોરલ બૉન્ડ ઇનકૅશ કર્યા છે. બાદમાં ભારત રાષ્ટ્ર સમિતિએ 12 અબજ રૂપિયા અને બીજુ જનતાદળે સાત અબજ રૂપિયાથી વધુ બૉન્ડ ઇનકૅશ કર્યા છે.

આ મામલે પાંચમા અને છઠા નંબરે દક્ષિણ ભારતની પાર્ટીઓ ડીએમકે અને વાયએસઆર કૉંગ્રેસ (યુવાસેના) રહી છે.

સૂચિમાં આ પાર્ટીઓ બાદ તેલુગુ દેશમ પાર્ટી, શિવસેના (પૉલિટિકલ પાર્ટી), રાષ્ટ્રીય જનતા દળ, આમ આદમી પાર્ટી, જનતા દળ (સેક્યુલર), સિક્કિમ ક્રાંતિકારી મોરચો, નેશનલિસ્ટ કૉંગ્રેસ પાર્ટી, જનસેના પાર્ટી, અધ્યક્ષ સમાજવાદી પાર્ટી, બિહાર પ્રદેશ જનતા દળ (યુનાઇટેડ), ઝારખંડ મુક્તિ મોરચો, શિરોમણિ અકાલી દળ, ઑલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુન્નેત્ર કઝગમ, શિવસેના, મહારાષ્ટ્રવાદી ગોમન્તક પાર્ટી, જમ્મુ અને કાશ્મીર નેશનલ કૉંગ્રેસ પાર્ટી છે.

તો સૌથી વધુ કિંમતના ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદનારી કંપનીઓમાં ફ્યુચર ગેમિંગ ઍન્ડ હોટલ સર્વિસિઝ બાદ મેઘા એન્જિનિયરિંગ ઍૅન્ડ ઇન્ફ્રાસ્ટ્રચર્સ લિમિટેડ બીજા નંબરે છે.

ફ્યુચર ગેમિંગે કુલ 1368 બૉન્ડ ખરીદ્યા છે, જેની કિંમત 1368 કરોડ રૂપિયા હતી. તો મેઘા એન્જિનિયરિંગે 966 કરોડ રૂપિયાના કુલ 966 બૉન્ડ ખરીદ્યા છે.

ત્યાર બાદ જે કંપનીઓએ સૌથી વધુ બૉન્ડ ખરીદ્યા છે તેમાં ક્વિકસપ્લાયર્સ ચેન પ્રાઇવેટ લિમિટેડ, હલ્દિયા ઍનર્જી લિમિટેડ, વેદાંતા લિમિટેડ, અસેલ માઇનિંગ ઍન્ડ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, વેસ્ટર્ન યુપી પાવર ટ્રાન્સમિશન કંપની લિમિટેડ, કેવેન્ટર ફૂડપાર્ક ઇન્ફ્રા લિમિટેડ, મદનલાલ લિમિટેડ, ભારતી એરટેલ લિમિટેડ, યશોદા સુપર સ્પેશિયાલિટી હૉસ્પિટલ, ઉત્કલ એલ્યુમિના ઇન્ટરનેશનલ લિમિટેડ, ડીએલએફ કૉમર્શિયલ ડેવલપર્સ લિમિટેડ, જિંદલ સ્ટીલ, આઈએફબી ઍગ્રો લિમિટેડ, ડૉ. રેડ્ડીઝ લૅબોરેટરીઝ વગેરે સામેલ છે.

ગુજરાતની કઈ કંપનીઓએ ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદ્યા?

ચૂંટણીપંચે જાહેર કરેલા લિસ્ટમાં જે કંપનીઓનાં નામ સામે આવ્યાં છે, તેમાં ગુજરાતની કંપનીઓ પણ સામેલ હોવાનું જાણવા મળ્યું છે.

ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર, ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદનાર કંપનીઓમાં વેપસ્પન ગ્રૂપ, વડોદરાસ્થિત સન ફાર્મા, ટોરેન્ટ ગ્રૂપ પણ છે.

જાહેર કરેલા ડેટા અનુસાર, ગુજરાતના ટોરેન્ટ ગ્રૂપે સૌથી વધુ 185 કરોડના બૉન્ડ ખરીદ્યા હતા.

તેમજ ગુજરાતની નિરમા કંપનીનો પણ ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદવામાં સમાવેશ થાય છે.

ઇલેક્ટોરલ બૉન્ડ પર સવાલ ઊઠવાના શરૂ

પ્રશાંત ભૂષણનું ટ્વીટ

ઇમેજ સ્રોત, TWITTER

ચૂંટણીપંચે માહિતી આપ્યા બાદ વરિષ્ઠ ઍડવૉકેટ પ્રશાંત ભૂષણે ચૂંટણી બૉન્ડ ખરીદનાર બીજા નંબરની કંપની મેધા એન્જિનિયરિંગ ઍન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડને લઈને પ્રશ્નો કર્યા છે.

પ્રશાંત ભૂષણે લખ્યું છે કે, "11 એપ્રિલ 2023એ મેઘા એન્જિનિયરિંગે 100 કરોડના ઇલેક્ટોરલ બૉન્ડ કોને આપ્યા? પરંતુ એક મહિનાની અંદર જ તેમણે ભાજપની મહારાષ્ટ્ર સરકારે 14,400 કરોડ રૂપિયાનો કૉન્ટ્રાક્ટ મળી જાય છે. જોકે, એસબીઆઈએ આ માહિતીમાં બૉન્ડના નંબર છુપાવી લીધા છે પરંતુ તો પણ કેટલાક દાતા અને પાર્ટીઓને મિલાવવા પર એક અનુમાન લગાવી શકાય છે. મોટા ભાગે ડોનેશન ‘એક હાથ લે, એક હાથ દે’ જેવું લાગી રહ્યું છે."

મેઘા એન્જિનિયરિંગને લઈને અન્ય સોશિયલ મીડિયા યૂઝર્સે પણ સવાલ ઉઠાવ્યા છે. એક ઍક્સ યૂઝરે કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીના સંસદમાં આપેલું એક નિવેદન શેર કર્યું છે. તેમાં તેઓ મેઘા એન્જિનિયરિંગનાં વખાણ કરી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે મેઘા એન્જિનિયરિંગ હૈદરાબાદની કંપની છે.

એક અન્ય યૂઝરે લખ્યું છે કે, "11 એપ્રિલ મેઘા એન્જિનિયરિંગે કૉર્પોરેટ્સ બૉન્ડ્સ મારફતે ભાજપને કરોડોનું દાન આપ્યું, 12 મેના મેઘા એન્જિનિયરિંગને 14,400 કરોડનો કૉન્ટ્રાક્ટ મળ્યો હતો."

2019થી 2024 સુધી એસબીઆઈ પાસેથી કેટલા ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદવામાં આવ્યા?

એસબીઆઈ

ઇમેજ સ્રોત, Getty Images

ભારતીય સ્ટેટ બૅન્કે સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર ઇલેકટોરલ બૉન્ડની માહિતી ચૂંટણીપંચને આપી હતી.

આમાં આપવામાં આવેલી માહિતી અનુસાર એક એપ્રિલ 2019થી 11 એપ્રિલ 2019 વચ્ચે કુલ 3346 ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદવામાં આવ્યા અને તેમાંથી 1609 બૉન્ડ કૅશ કરાવાયા. ત્યારે 12 એપ્રિલ 2019 અને 14 એપ્રિલ 2024 વચ્ચે 18871 ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદવામાં આવ્યા પરંતુ આ સમયગાળામાં 20,421 બૉન્ડને કૅશ કરાવાયા હતા.

એપ્રિલ 2019એ આ વર્ષે 15 ફેબ્રુઆરી વચ્ચે કુલ 22217 ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદવામાં આવ્યા અને 22030 બૉન્ડ્સને રાજનીતિક દળોએ કૅશ કરાવ્યા.

12 માર્ચે કેન્દ્રીય ચૂંટણીપંચે સોશિયલ મીડિયા વેબસાઇટ એક્સ પર ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ઇલેક્ટોરલ બૉન્ડ પર સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાએ (એસબીઆઈ) તેને ડેટા સોંપી દીધો છે.

આ પહેલાં સોમવારે સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેન્ચે ઇલેક્ટોરલ બૉન્ડ સંબંધિત માહિતી જાહેર કરવાની સમયમર્યાદા વધારવા માટેની એસબીઆઈની અરજી ફગાવી દીધી હતી.

આ આદેશ આપનાર સુપ્રીમ કોર્ટની બેન્ચનું અધ્યક્ષપદ ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડ સંભાળી રહ્યા હતા. તેમની સાથે આ બેન્ચમાં જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રા સામેલ હતા.

નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે આ પહેલાં એસબીઆઈને નામ જાહેર કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ એસબીઆઈએ વધુ સમય માગ્યો હતો.

બૅન્કે તેની હાલની અરજીમાં કોર્ટ પાસે 30 જૂન સુધીનો સમય માગ્યો હતો. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં એવું પણ કહ્યું હતું કે જો એસબીઆઈ આપેલા સમયગાળામાં માહિતી જાહેર નહીં કરે તો તેના પર કોર્ટની અવમાનનાનો કેસ થશે.

ગેરબંધારણીય ઠેરવાયા છે ઇલેક્ટોરલ બૉન્ડ

સુપ્રીમ કોર્ટે આ પહેલાં ચૂંટણી બૉન્ડ સ્કીમને ગેરબંધારણીય ગણાવી હતી અને એ સમયે એક વિસ્તૃત આદેશ આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, "ચૂંટણી બૉન્ડની જાણકારી ગુપ્ત રાખવી માહિતીના અધિકારનું ઉલ્લંઘન છે."

આ મામલો સુપ્રીમ કોર્ટમાં આઠ વર્ષથી વધુ સમયથી ચાલતો હતો અને તેના પર સૌની નજરો મંડાયેલી હતી. કારણ એ છે કે આ ચુકાદાની મોટી અસર આગામી 2024ની લોકસભા ચૂંટણી પર પડી શકે છે.

આ મામલા પર સુનાવણી શરૂ થાય તેના એક દિવસ અગાઉ જ 30 ઑક્ટોબરે ભારતના ઍટર્ની જનરલ આર. વેંકટરમણીએ આ યોજનાનું સમર્થન કરતા સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે આ યોજના રાજકીય પાર્ટીઓને આપવામાં આવતા દાનમાં ‘સ્વચ્છ ધન’ ના ઉપયોગને પ્રોત્સાહિત કરે છે.

આ સાથે જ ઍટર્ની જનરલે સુપ્રીમ કોર્ટ સામે એવો તર્ક પણ રજૂ કર્યો હતો કે યોગ્ય પ્રતિબંધોને આધીન થયા વિના નાગરિકોને બધી ચીજો જાણવાનો અધિકાર નથી.

ગુમનામ વચનપત્ર એટલે શું?

ઇલેક્ટોરલ બૉન્ડ

ઇમેજ સ્રોત, Getty Images

ઇલેક્ટોરલ બૉન્ડ રાજકીય પક્ષોને દાન આપવાનો એક રસ્તો છે. આ એક વચનપત્ર જેવું રહેતું, જેને કોઈ પણ ભારતીય નાગરિક કે કંપની ભારતીય સ્ટેટ બૅન્કની અમુક શાખાઓ પાસેથી ખરીદી શકાતું હતું અને તેના હેઠળ લોકો પોતાની પસંદની રાજકીય પાર્ટીઓને ગુપચુપ રીતે દાન કરી શકતા હતા.

ભારત સરકારે ઇલેક્ટોરલ બૉન્ડ યોજનાની જાહેરાત 2017માં કરી હતી. આ યોજનાને સરકારે 29 જાન્યુઆરી, 2018થી લાગુ કરી દીધી હતી.

આ યોજના હેઠળ ભારતીય સ્ટેટ બૅન્ક રાજકીય પક્ષોને ધન આપવા માટે બૉન્ડ જાહેર કરી શકતી હતી.

જે વ્યક્તિ પાસે એવું બૅન્ક ખાતું હોય કે જેમાં કેવાયસી જાણકારી વેરિફાય થયેલી હોય તે આ બૉન્ડ ખરીદી શકતી હતી. ઇલેક્ટોરલ બૉન્ડમાં પૈસા આપનારનું નામ હોતું નથી.

આ યોજના હેઠળ ભારતીય સ્ટેટ બૅન્કની અમુક શાખાઓ પાસેથી એક હજાર, દસ હજાર, એક લાખ, દસ લાખ અને એક કરોડમાંથી કોઈ પણ મૂલ્યનાં ઇલેક્ટોરલ બૉન્ડની ખરીદી કરી શકાતી હતી.

ચૂંટણી બૉન્ડને વાપરવાનો સમયગાળો માત્ર 15 દિવસનો રહેતો. એ દરમિયાન તેનો ઉપયોગ માત્ર જન પ્રતિનિધિત્વ અધિનિયમ અંતર્ગત રજિસ્ટર થયેલા રાજકીય પક્ષોને દાન આપવા માટે કરી શકાતો હતો.

છેલ્લી લોકસભા કે વિધાનસભા ચૂંટણીમાં જે રાજકીય પક્ષોને એક ટકાથી વધુ મત મળ્યા હોય તેને જ ઇલેક્ટોરલ બૉન્ડથી દાન આપી શકાતું હતું.

આ યોજના હેઠળ ચૂંટણી બૉન્ડ જાન્યુઆરી, એપ્રિલ, જુલાઈ અને ઑક્ટોબર મહિનાઓમાં દસ દિવસ માટે ઉપલબ્ધ કરાવવામાં આવતાં હતાં.

તેમને લોકસભા ચૂંટણીના વર્ષમાં કેન્દ્ર સરકાર દ્વારા અધિસૂચિત 30 દિવસના વધારાના સમયગાળા માટે પણ જાહેર કરી શકાતાં હતાં.