અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભારતીય મૂળના મતદારોનો આટલો દબદબો કેમ છે

- લેેખક, રિતિકા ગુપ્તા
- પદ, નૉર્થ અમેરિકા બિઝનેસ સંવાદદાતા
ઑક્ટોબરની એક સાંજે ન્યૂયોર્ક સિટીના અપર ઇસ્ટ સાઇડમાં સેંકડો વગદાર ભારતીય અમેરિકનો એક છત નીચે એકઠા થયા હતા.
તેમાં બોલિવૂડના ઍક્ટરોથી લઈને ટૅકનૉલૉજી ક્ષેત્રના સીઈઓ સુધીના દરેકનો સમાવેશ થતો હતો. હિંદુઓના સૌથી મોટા તહેવાર દિવાળીની ઉજવણીનો આ પ્રસંગ હતો.
તમામ મહેમાનો ઉજવણી માટે તૈયાર થઈને એક લક્ઝરી હોટલ 'ધ પીયર' પહોંચ્યા. હકીકતમાં જ્યારે ભારતીય સમુદાયને દિવાળીની ઉજવણી માટે આમંત્રણ મળ્યું ત્યારે તેઓ ઉત્સાહથી છલકાઈ ગયા. તેનું એક કારણ એ પણ છે કે આ વખતે અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કમલા હૅરિસ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ઊભાં છે.
ભારતીય અમેરિકન સમુદાય માટે કમલા હૅરિસની ઉમેદવારી અમેરિકન રાજકારણમાં એક સીમાચિહ્નરૂપ ઘટના છે.
કારણ કે કમલા હૅરિસ એ અમેરિકામાં પ્રમુખપદનાં પ્રથમ ઉમેદવાર છે જેમને અમેરિકાના એક મોટા પક્ષે દક્ષિણ એશિયાના વારસાનું નેતૃત્વ કરવાની તક આપી છે.
હૅરિસની ઉમેદવારીથી ઉત્સાહમાં વધારો

દિવાળીની ઉજવણીમાં હાજર રહેલાં જેસલ ટાંકે બીબીસીને કહ્યું, "આ વખતનો પ્રસંગ અનોખો છે કારણ કે અમારી પાસે ખરેખર એવી કોઈ વ્યક્તિ છે જેની સાથે અમે જોડાયેલા હોવાનું અનુભવીએ છીએ. અમને વિશ્વાસ છે કે તેઓ અમારાં હિતોને ધ્યાનમાં રાખશે."
જેસલ પ્રથમ ભારતીય છે જેમણે બ્રાવોના રિયાલિટી શો 'ધ રિયલ હાઉસવાઇવ્સ ઑફ ન્યૂયૉર્ક સિટી'માં ભાગ લીધો હતો.

તેવી જ રીતે રેશ્મા સૌજાની 'ગર્લ્સ હુ કોડ'નાં સીઈઓ છે. 2010માં યુએસ કૉંગ્રેસ માટે ચૂંટણી લડનારાં તેઓ પ્રથમ ભારતીય અમેરિકન મહિલા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ કહે છે, "તમને જે દેખાતું ન હોય તે તમે નથી બની શકતાં." તેમણે ઉમેર્યું કે દક્ષિણ એશિયાની ઘણી છોકરીઓ હૅરિસમાં પોતાની છબિ જુએ છે.
હકીકતમાં હૅરિસ માટે મુખ્ય પડકાર ઇમિગ્રન્ટની વધતી સંખ્યા વચ્ચે ઉત્સાહને આગળ ધપાવવાનો છે. આ ઉત્સાહ હવે કૅલિફોર્નિયા અને ન્યૂયૉર્કથી લઈને દક્ષિણ એશિયન લોકોના ગઢ ગણાતા જ્યોર્જિયા, મિશિગન અને પૅન્સિલ્વેનિયા જેવાં મહત્ત્વનાં રાજ્યો સુધી ફેલાઈ ગયો છે.
બન્ને ઉમેદવારોનું ધ્યાન ભારતીય અમેરિકન મતદારો પર કેન્દ્રીત

ઇમેજ સ્રોત, Tasos Katopodis/Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અમેરિકામાં રાષ્ટ્રપતિ પદના બંને દાવેદારો - કમલા હૅરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય અમેરિકનોને પોતાના તરફ આકર્ષવા ઘણા પ્રયાસો કર્યા છે.
એશિયન અમેરિકન મતદારોનો આ સૌથી મોટો વર્ગ રાજકીય રીતે સૌથી વધારે સક્રિય છે. રસાકસીવાળી ચૂંટણીમાં આ સમુદાયનો ફાયદો કોઈપણ ઉમેદવારને મળી શકે છે.
વર્ષ 2020માં કમલા હૅરિસ જ્યારે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ બન્યાં, ત્યારે તેઓ આવી સિદ્ધિ મેળવનારાં ભારતીય મૂળનાં પ્રથમ મહિલા હતાં. આ સાથે તેઓ આ પદ પર પહોંચનારાં પ્રથમ મહિલા અને અશ્વેત ઉમેદવાર પણ હતાં.
પરંતુ 2024ની ચૂંટણીમાં રાષ્ટ્રપતિ પદ માટે તેમની ઉમેદવારીએ બધાને ચોંકાવી દીધા છે. તેથી ભારતીય અમેરિકન સમુદાયમાં છેલ્લા એક દાયકામાં સૌથી વધુ રાજકીય સક્રિયતા જોવા મળી છે.
આ રાષ્ટ્રપતિના કાર્યકાળ દરમિયાન હૅરિસની સાથે સાથે અન્ય ભારતીય અમેરિકનો પણ પ્રકાશમાં આવ્યા છે. તેમાંથી એક ઉષા વેન્સ પણ છે જેઓ ડોનાલ્ડ ટ્રમ્પના સહયોગી જેડી વેન્સનાં પત્ની છે. જેડી વેન્સ રિપબ્લિકન પાર્ટી તરફથી ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર છે.
આ ઉપરાંત રિપબ્લિકન પ્રાઇમરી દરમિયાન મતદારોને રિપબ્લિકન પાર્ટીના વિવેક રામાસ્વામી અને નિક્કી હેલી વિશે પણ જાણવાની તક મળી, જેમણે ટ્રમ્પને નૉમિનેશન માટે પડકાર ફેંક્યો હતો.
ભારતીય અમેરિકન હસ્તીઓ આગળ આવવાના કારણે અમેરિકન રાજકારણમાં ભારતીય અમેરિકનોનો પ્રભાવ પણ વ્યાપક બન્યો છે.
સર્વે શું કહે છે?

રિસર્ચ ફર્મ એએપીઆઈ ડેટા અનુસાર અમેરિકામાં છેલ્લી બે પ્રમુખપદની ચૂંટણી દરમિયાન એશિયન અમેરિકનોમાં ભારતીય અમેરિકન મતદારોએ શ્વેત મતદારોની સરખામણીમાં સૌથી વધુ મતદાન કર્યું હતું.
એએપીઆઈ ડેટા એક સંગઠન છે જે એશિયન અમેરિકન સમુદાય વિશેનો ડેટા એકત્ર કરે છે.
તે મુજબ વર્ષ 2020માં 71 ટકા ભારતીય અમેરિકનોએ મતદાન કર્યું હતું. વર્ષ 2016ની તુલનામાં નવ ટકા વધુ મતદાન થયું હતું.
એએપીઆઈ ડેટાના સહ-સ્થાપક કાર્તિક રામકૃષ્ણન માને છે કે આ જ ટ્ર્ર્રૅન્ડ આ વર્ષે નવેમ્બરમાં પણ જોવા મળશે.
તેમનું કહેવું છે કે કમલા હૅરિસની ઉમેદવારી દક્ષિણ એશિયાના મતદારોનો ઉત્સાહ વધારી શકે છે. જેના કારણે મતદાનનો આંકડો 75 ટકા સુધી પહોંચી શકે છે.
તેમણે કહ્યું કે, "દક્ષિણ એશિયાના મતદારો માટે દક્ષિણ એશિયન મૂળની વ્યક્તિ અમેરિકાના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ બન્યાં તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતું. તેમનામાંથી કોઈ વ્યક્તિ ટોચના પદ પર હોય તે તેમના માટે બહુ મોટી વાત હતી."
વર્ષ 2024ના એએપીઆઈ ડેટાના વોટર સર્વે મુજબ, અડધાથી વધુ ભારતીય અમેરિકન મતદારો એટલે કે 55 ટકા મતદાતાઓ ડેમૉક્રૅટ તરીકે ઓળખાય છે, જ્યારે 26 ટકા મતદારો રિપબ્લિકન તરીકે ઓળખાય છે.
જોકે, ભારતીય અમેરિકનો ડેમૉક્રૅટ્સ તરફ ઝુકાવ ધરાવતા હોવા છતાં, 2020થી તેમાં ઘટાડો જોવા મળ્યો છે.
રવિવારે એક સર્વે બહાર પાડવામાં આવ્યો હતો જેને કાર્નેગી એન્ડૉમેન્ટ ફોર ઇન્ટરનેશનલ પીસ અને યુગોવ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હતું.
આ સરવે મુજબ 61 ટકા જેટલા રજિસ્ટર્ડ ભારતીય અમેરિકન મતદારો હૅરિસને મત આપવાનું વિચારે છે, જ્યારે 32 ટકા મતદારો ટ્રમ્પને મત આપવા માગે છે.
જોકે, ડેમૉક્રૅટિક પાર્ટીને આ સમુદાયનું સમર્થન યથાવત્ છે. તાજેતરનાં સર્વેક્ષણો દર્શાવે છે કે ટ્રમ્પ અને રિપબ્લિકન તરફ પણ થોડો ઝોક છે.
સંશોધકો માને છે કે આ ઝુકાવ અમેરિકામાં જન્મેલા યુવાનોના ઇરાદાનું પ્રતિબિંબ પાડે છે.
આ સરવેમાં એ વાત પણ જાણવા મળી કે 60 ટકાથી વધારે ભારતીય અમેરિકન મહિલાઓ કમલા હૅરિસને મત આપવા માગે છે. જ્યારે 50 ટકા ભારતીય અમેરિકન પુરુષોનું કહેવું છે કે તેઓ ટ્રમ્પને વોટ આપશે.
કમલા હૅરિસનો દાવો કેમ મજબૂત છે?

ઇમેજ સ્રોત, Anju Sawni / BBC
અંજુ સોની મિશિગનના ફ્લિન્ટમાં ડૉક્ટર છે. તેઓ કહે છે કે તેઓ હૅરિસને સમર્થન આપે છે.
ડૉક્ટર અંજુ પોતાની પસંદગી વિશે કહે છે કે હૅરિસે ઉપરાષ્ટ્રપતિ તરીકે જે વારસો બનાવ્યો તેના કરતાં પ્રજનનના અધિકારો લાગુ કરવામાં તેમની પ્રતિબદ્ધતા અને તેઓ મહિલા છે તે વાત વધારે મહત્ત્વની છે.
તેઓ કહે છે, "મને મારા દર્દીઓની ઘણી ચિંતા છે. આ દેશમાં આરોગ્યના મામલે અમે પહેલેથી પાછળ રહી ગયાં છીએ. ખાસ કરીને ગર્ભધારણ કરવાની વાત આવે ત્યારે મહિલાઓના અધિકારો છીનવી લેવામાં આવે છે."
કીર્તન પટેલ એક ડેમૉક્રૅટ અને એટલાન્ટા, જ્યોર્જિયામાં એટર્ની છે. તેઓ કહે છે, "હૅરિસે આ આગને વધારે ભડકાવી છે. ભારતીય અમેરિકન સમુદાય નિર્ણાયક રાજ્યો અથવા સ્વિંગ સ્ટેટ્સમાં એક મહત્ત્વપૂર્ણ શક્તિ તરીકે આગળ વધી રહ્યો છે.
તેમણે કહ્યું કે તેઓ એવા ઘણા ભારતીય અમેરિકનોને ઓળખે છે, જેઓ પરંપરાગત રીતે રિપબ્લિકનને મત આપે છે.
પરંતુ હવે ડેમૉક્રૅટ્સને મત આપવાનું વિચારે છે. તેનું કારણ ટ્રમ્પ માટેની તેમની નાપસંદગી છે.
તેઓ કહે છે કે, "ચારિત્ર્યનું મહત્ત્વ હોય છે. મને લાગે છે કે ચારિત્ર્યના કારણે જ મતદારોના વલણમાં પરિવર્તન જોવા મળ્યું છે."
ભારતીય અમેરિકન સમુદાયમાં અલગ અલગ ધર્મ, ભાષા, જાતિ અને આર્થિક પૃષ્ઠભૂમિના લોકો છે. તેમાં હૅરિસની વંશીય ઓળખ ઉપરાંત ભારતીય અને જમૈકન માતાપિતાનાં સંતાન હૅરિસના ભારત સાથે મજબૂત જોડાણને લઈને સવાલો ઉઠાવવામાં આવે છે.
ટ્રમ્પને ફાયદો

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ટ્રમ્પે 2020માં ભારતનો પ્રવાસ કર્યો હતો. તે સમયે તેમણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પોતાનો ઘરોબો દેખાડ્યો હતો. તેનાથી મોદીના હિન્દુ રાષ્ટ્રવાદી સમર્થકો પણ પ્રભાવિત થયા હતા.
તેના કારણે એક ચિંતા એ પણ છે કે ટ્રમ્પની તુલનામાં કમલા હૅરિસ અમેરિકા અને ભારતના સંબંધોની મજબૂતીને પ્રાથમિકતા આપશે કે નહીં.
પ્રીતિ પટેલ પંડ્યા ન્યૂજર્સીમાં એક હેલ્થકૅર પ્રોફેશનલ છે. તેઓ દક્ષિણ એશિયન સંઘનાં અધ્યક્ષ પણ છે જે દક્ષિણ એશિયન સમુદાયને રિપબ્લિકનો સાથે જોડવા માટે રચવામાં આવ્યો છે.
તેઓ કહે છે કે, "કેટલાક લોકો ભારત અને અમેરિકાના સંબંધો વિશે વાત કરે છે. ટ્રમ્પે આ સંબંધને મજબૂત બનાવવા માટે ઘણા પ્રયત્ન કર્યા છે."
તેઓ કહે છે, "મને નથી લાગતું કે કમલા હૅરિસ જ્યારે ઉપરાષ્ટ્રપતિ હતાં, ત્યારે તેમણે ક્યારેય ભારતની મુલાકાત લીધી હોય."
રાષ્ટ્રપતિ જો બાઇડને તેમના કાર્યકાળ દરમિયાન ચીનને જવાબ આપવાના ઇરાદા સાથે ભારત સાથે ગાઢ સંબંધો જાળવવાનો પ્રયાસ કર્યો છે.
તેમણે જૂન 2023માં વડાપ્રધાન મોદી માટે સ્ટેટ ડિનરનું આયોજન કર્યું હતું. આ મુલાકાત દરમિયાન ઉપરાષ્ટ્રપતિ હૅરિસે વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન સાથે પીએમ મોદી માટે લંચનું પણ આયોજન કર્યું હતું.
ભારતીય અમેરિકન મતદારોને આકર્ષવા માટે હૅરિસે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. તેઓ ભારતીય અમેરિકન બિઝનેસ એક્ઝિક્યુટિવ્સને પણ મળ્યાં હતાં.
તેમણે ભારતીય અમેરિકનો વચ્ચે તેમની ભાષામાં પ્રચાર કર્યો. હૅરિસે દિવાળીની પાર્ટીમાં ઘણા બધા ભારતીય અમેરિકનો માટે પોતાના સત્તાવાર નિવાસસ્થાનને પણ ખોલ્યું હતું.
શલભ શાલી કુમાર એ રિપબ્લિકન નેશનલ કમિટીના હિન્દુ સંઘના અધ્યક્ષ છે. તેમનું કહેવું છે કે ટ્રમ્પની ચૂંટણી ઝુંબેશમાં ભારતીય અમેરિકન સમુદાય સુધી પહોંચવા માટે ડોર-ટુ-ડોર પ્રચારનો આશરો લેવામાં આવ્યો હતો. સાથે સાથે તેમણે ભારતીય આઉટલેટ્સમાં જાહેરાતો પણ આપી.
રિપબ્લિકન્સે તાજેતરનાં વર્ષોમાં દક્ષિણ એશિયન સમુદાય સાથે ગુનાખોરી, શિક્ષણ અને અર્થતંત્ર સંબંધિત મુદ્દાઓ પર અપીલ કરી છે. કેટલાક એશિયન અમેરિકનોમાં આ મુદ્દા છવાયેલા છે.
કુમારી પંડ્યા પટેલ કહે છે કે ગેરકાયદેસર ઇમિગ્રેશન તેમના માટે મુખ્ય ચિંતા છે. તેઓ કહે છે કે હું માનું છું કે ઉપરાષ્ટ્રપતિએ છેલ્લાં ચાર વર્ષમાં આ મુદ્દાને ઉકેલવાનો માર્ગ શોધી કાઢવો જોઈતો હતો.
ટ્રમ્પ અને તેમના ટેકેદારોએ આ મુદ્દે હેરિસ અને બાઇડન પ્રશાસન પર સતત પ્રહારો કર્યા છે.
તેઓ કહે છે, “હું 1970માં અહીં આવી હતી. મારા પિતા અહીં કાયદેસર રીતે આવ્યા હતા. આજે તેઓ જ્યાં છે, ત્યાં સુધી પહોંચવા માટે તેમણે ઘણી મહેનત કરી છે. મને લાગે છે કે જે લોકો 60 અને 70ના દાયકામાં અહીં કાયદેસર રીતે આવ્યા હતા અને પોતાનું સ્થાન બનાવ્યું હતું તેઓને સજા કરવામાં આવી રહી છે અથવા તેમને પુરસ્કૃત કરવામાં નથી આવતા."
પરંતુ દક્ષિણ એશિયન મત જીતવા એ બંને પાર્ટીના ઉમેદવારો માટે એટલું સરળ નથી.
રિપબ્લિકન નૅશનલ કમિટીના હિન્દુ સંઘના કુમાર કહે છે, "ટ્રમ્પે પોતાની ઝુંબેશમાં કાંટાની ટક્કરવાળા રાજ્યોમાં ભારતીય મતદારોને સંપૂર્ણપણે આકર્ષિત કર્યા નથી, જેવું તેમણે ચાર વર્ષ અગાઉ કર્યું હતું. જ્યારે ડેમૉક્રૅટ્સે છેલ્લાં ચાર વર્ષમાં આ કામ સારી રીતે કર્યું છે."
રામકૃષ્ણન આ વાત પર ભાર મૂકતા કહે છે, "દક્ષિણ એશિયન લોકો અને ભારતીય અમેરિકનોના પસંદગીનાં ઉમેદવાર કમલા હૅરિસ છે."
જ્યોર્જિયા અને નોર્થ કેરોલાઇના જેવાં બરાબરીની ટક્કર ધરાવતાં રાજ્યોમાં નવેમ્બરમાં યોજાનારી ચૂંટણીમાં આ સમુદાય મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.
તેમણે બીબીસીને જણાવ્યું કે, "હકીકત એ છે કે દક્ષિણ એશિયાનો સમુદાય મોટાભાગે હૅરિસ તરફ ઢળેલો છે, અને મતદાનની ટકાવારી પણ ઊંચી છે, તેથી તે કેટલી નજીક હશે તે કહેવું સરળ રહેશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












