‘ટ્રમ્પને શાસન કરવા ભગવાને મોકલ્યા છે’ એવું માનતા અમેરિકાના આ લોકો કોણ છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સિસિલિયા બર્રિયા
- પદ, બીબીસી ન્યૂઝ મુંડો, ઑક્લાહૉમાથી
અમેરિકાના દક્ષિણ પ્રાંત ઑક્લાહૉમાના ઍલ્ગિન શહેરમાં ગ્રેસ રિફૉર્મ્ડ બૅપ્ટિસ્ટ ચર્ચની રવિવારની સેવા પહેલાં ત્યાંના પાદરી આવી પહોંચે છે. માંડ બે હજાર લોકોની વસ્તી ધરાવતા આ નાનકડા શહેરમાં 36 વર્ષના પૅસ્ટર ડ્યુટી ડીવર્સ પાદરી છે, તેઓ ચર્ચની સર્વિસમાં મોઢા પર સ્મિત સાથે દાખલ થાય છે.
તેઓ ત્યાં એકઠા થયેલા અંદાજે 100 જેટલા લોકોનું અભિવાદન કરે છે. તેમાંથી મોટાભાગના શ્વેત પરિવારો હતા અને તેમની સાથે તેમનાં બાળકો પણ હતાં.
ચર્ચની લૉબીમાં કેટલીક બુકલૅટ્સ પથરાયેલી પડી હતી જેમાં એક મૃત બાળકને દર્શાવાયું હતું.
તેમાં એવું લખવામાં આવ્યું છે કે, "જ્યારે તમે આ વાંચી રહ્યા છો ત્યારે જ અમેરિકામાં ત્રણ બાળકોને તેમની માતાના ગર્ભમાં જ અન્યાયપૂર્ણ રીતે મારી નાખવામાં આવ્યાં હતાં." તેમાં ગર્ભપાતને નરસંહાર પણ ગણાવાયો છે.
આગામી 5 નવેમ્બરે યોજાનારી અમેરિકાની ચૂંટણીમાં અર્થવ્યવસ્થા અને ઇમિગ્રેશનની સાથે ગર્ભપાત પણ મહત્ત્વનો મુદ્દો છે.
આ બુકલૅટ્સ એ વાતની નિશાની છે કે કઈ રીતે રાજકારણ અને ધર્મ એ અમેરિકાના અત્યંત રૂઢિવાદી દક્ષિણપંથી પ્રોટેસ્ટન્ટ મતદારોમાં કેવી રીતે વણાયેલા છે.

ગરમીઓના દિવસોમાં જ્યારે ભારે વરસાદ ઓછો થઈ જાય છે ત્યારે 10:45 એ આ સેવા શરૂ થાય છે. તેમાં પાદરી ગિટાર વગાડે છે અને સફેદ સાદી દીવાલોથી બનેલા ચર્ચમાં સાદગીભર્યા માહોલમાં સૌ શ્વેત લોકો પણ તેમની સાથે ગાય છે.
ઍલ્ગિનમાં જન્મેલા સેનેટર ડીવર્સને છ બાળકો છે. તેમણે રિલિજિયસ સ્ટડીઝમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી છે અને તેમને એક પ્રૉપર્ટી બિઝનેસ પણ છે. તેઓ રવિવારના દિવસે ચર્ચમાં ઉપદેશ આપવાનું કામ કરે છે જ્યારે તેઓ સોમવારના દિવસે ઑક્લાહોમા કૅપિટલમાં કાયદા પ્રસ્તાવો રાખતા જોવા મળે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઑક્લાહોમામાં રાજનેતાઓનું સ્થાનિક ચર્ચમાં પદ પર હોવું કે ચર્ચ સાથે મજબૂત સંબંધો રાખવા એ સામાન્ય વાત છે.
રાજકારણ અને ધર્મમાં આ પ્રકારનું બેવડું નેતૃત્ત્વ સામાન્ય રીતે અમેરિકાના કથિત ‘બાઇબલ બૅલ્ટ’ માં જોવા મળે છે. તેમાં ઍલ્ગિન વિસ્તાર પણ આવે છે.
બાઇબલ બૅલ્ટ તરીકે ઓળખાતાં રાજ્યોમાં ઓછાંમાં ઓછાં નવ રાજ્યોનો સમાવેશ થાય છે. તેમાં પ્રોટેસ્ટન્ટ અને રિપબ્લિકન રાજ્યો આવે છે. આ રાજ્યોમાં પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પે ચૂંટણી જીતી હતી. (અપવાદ તરીકે માત્ર એક જ જ્યૉર્જિયા રાજ્ય હતું.)
આ બેલ્ટમાં મુખ્યત્વે ઑક્લાહોમા રાજ્ય આવે છે જે અત્યંત ધાર્મિક રાજ્ય છે. ત્યાંથી ચૂંટાતા 80 ટકા કૅપિટલના સદસ્યો રિપબ્લિકન પાર્ટીના છે.
ભગવાન અને દેશ એ ઑક્લાહોમાના રાજકારણમાં ખૂબ પ્રભાવી છે કારણ કે રૂઢિવાદી ખ્રિસ્તીઓ માને છે કે તેમનો જીવન જીવવાનો પરંપરાગત રસ્તો ઉદારવાદી ડાબેરીઓને કારણે ખતરામાં છે.
ધર્મ અને રાજકારણનું કનેક્શન

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ડીવર્સે મારી ધાર્મિક માન્યતાઓ વિશે આછેરો ખ્યાલ મેળવવા માટે મને પૂછ્યું કે, "તમે આ સેવા અંગે શું વિચારો છો?"
લાંબી વાતચીત પછી તેમણે મને જણાવ્યું કે બહુ ટૂંકાગાળામાં તેમનો રાજકીય એજન્ડા ગર્ભપાતને સમાપ્ત કરવાનો, પોર્નોગ્રાફીને રોકવાનો અને આવક તથા સંપત્તિ કરની વસૂલીને રોકવાનો છે.
પરંતુ ડીવર્સનું લાંબાગાળાનું લક્ષ્ય વધુ પ્રભાવશાળી છે. તેમનું લક્ષ્ય અમેરિકાને એક ખ્રિસ્તી રાષ્ટ્રમાં બદલવાનું છે.
અને એ મિશનને પૂરું કરવા માટે તેમણે બનાવેલી રણનીતિનો એક મહત્ત્વપૂર્ણ ભાગ ઉચ્ચ રાજકીય પદો પર કબ્જો કરવાનો છે.
મેં તેમને એ સવાલ પૂછ્યો હતો કે, "શું તમે વ્હાઇટ હાઉસને ઈશ્વરના દેશમાં બદલવા માગો છો?" તો તેમણે જવાબ આપ્યો હતો કે, "પૃથ્વી પર હાજર તમામ ચીજો એ ઈશ્વરનો દેશ જ છે, તેનો જ ભાગ છે."
રિપબ્લિકન સેનેટર ડીવર્સનું કહેવું છે કે આપણે આ સંરચનાને બદલવી પડશે.
જોકે, ડીવર્સને એમ પણ લાગતું નથી કે ટ્રમ્પ તેમનું સંપૂર્ણપણે પ્રતિનિધિત્વ કરી રહ્યા હોય. આવું જ બાઇબલ બેલ્ટના અન્ય પાદરીઓને પણ લાગી રહ્યું છે.
તેમનું કહેવું છે કે ટ્રમ્પ રિપબ્લિકન પાર્ટીને ડાબેરી ઝુકાવ આપી રહ્યા છે.
37 વર્ષીય ઍરોન હૉફમૅન પણ ડીવર્સ સાથે કામ કરે છે અને તેઓ પાંચ બાળકીઓના પિતા છે. તેઓ વર્તમાનમાં ઑક્લાહોમામાં નવા બૅપ્ટિસ્ટ ચર્ચના પાદરી બનવાની તૈયારી કરી રહ્યા છે. તેમનું માનવું છે કે ચર્ચ અને રાજ્ય વચ્ચેની રેખાને ધૂંધળી ન કરવી જોઈએ.
તેમણે આંખોમાં આંસુ સાથે મને કહ્યું કે, "ખ્રિસ્તી ધર્મને રાજકારણથી અલગ કરવાનો કોઈ રસ્તો નથી. અમેરિકાના લોકો ઇસા મસીહને ભૂલી ગયા છે."
ધાર્મિક નિર્ણયો

પરંતુ શું આ સંસ્કૃતિનું યુદ્ધ સામાન્ય લોકોના જીવનને પ્રભાવિત કરે છે? તો આ સવાલનો જવાબ હા છે.
માત્ર આ વર્ષની જ વાત કરીએ તો બાઇબલ બેલ્ટનાં ઓછાંમાં ઓછાં ત્રણ રાજ્યોમાં ધાર્મિક ઝુકાવવાળા રાજકીય નિર્ણયો લેવામાં આવ્યા છે.
લુઇસિયાનામાં શાળાઓના તમામ વર્ગખંડોની દીવાલો પર દસ આજ્ઞાઓ લખવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જ્યારે અલાબામા રાજ્યમાં સુપ્રીમ કોર્ટે એવો ચુકાદો આપ્યો હતો ફ્રોઝન અવસ્થામાં રહેલાં ભ્રૂણ એ શિશુ છે. તેના કારણે વિટ્રો ફર્ટિલાઇઝેશન ક્લિનિક્સને અસ્થાયીપણે બંધ કરવામાં આવ્યાં હતાં.
એ જ રીતે ઑક્લાહોમામાં જ ટોચના શિક્ષણ અધિકારી રયાન વૉલ્ટર્સે લીધેલા નિર્ણયની ખૂબ ચર્ચા થઈ હતી. તેમણે જૂન મહિનામાં એક આદેશ જાહેર કરીને રાજ્યની પબ્લિક સ્કૂલોમાં બાઇબલ ભણાવવું અનિવાર્ય કરી દીધું હતું જેના કારણે વિવાદ થયો હતો.
જોકે, ઑક્લાહોમા એવો વિસ્તાર છે જ્યાં શિક્ષકોની સૌથી વધુ ઘટ છે. અનેક શિક્ષકોનું કહેવું હતું કે આ નિર્ણય ધાર્મિક સ્વતંત્રતાના વિરોધમાં છે.
44 વર્ષીય પ્રોટેસ્ટન્ટ અને ભૂતકાળમાં પ્રાથમિક શાળામાં શિક્ષિકા રહી ચૂકેલાં સૂજી સ્ટીફનસન કહે છે કે, "આપણે ચર્ચને સ્ટેટથી અલગ રાખવો પડશે."
ગત વર્ષે જ વૉલ્ટર્સ નામના એક ખ્રિસ્તી રિપબ્લિકને મે મહિનામાં ઑક્લાહોમા શિક્ષક સંઘને આતંકી સંગઠન કહ્યું હતું. તેમની પણ સૂજીએ ટીકા કરી હતી.
બીબીસી સાથે વાત કરવાની વૉલ્ટર્સે ના પાડી દીધી હતી.
ઘણા વાલીઓ પણ શાળાના આ નિર્ણયથી સહમત ન હતા.
ઍરિકા રાઇટ એ ઑક્લાહોમા રુરલ સ્કૂલ કૉએલિશનનાં સ્થાપક છે અને તેઓ પણ ખ્રિસ્તી રિપબ્લિકન છે. તેમણે કહ્યું હતું કે રાજ્યની શાળાઓ પાસે ફંડ નથી અને ઘણા વિદ્યાર્થીઓને ગરીબ હોવાથી ઘરે તેમને પૂરતું ખાવાનું મળતું નથી.
તેઓ કહે છે, "તેમની પાસે બાઇબલ ખરીદવાના પૈસા પણ નથી. ઑક્લાહોમાની 15 ટકા વસ્તી ગરીબ છે. પરંતુ અનેક વિસ્તારોમાં તેના કરતાં પણ વધુ ગરીબી છે."
યુનિવર્સિટી ઑફ ઑક્લાહોમાના પ્રોફેસર સેમ્યુઅલ પેરીએ રાજકારણ અને ધર્મ અંગે વિવિધ પુસ્તકો પ્રકાશિત કર્યાં છે. તેમનું માનવું છે કે આવા નિર્ણયો એક વ્યાપક એજન્ડા હેઠળ લેવામાં આવે છે.
તેઓ માને છે કે આ એજન્ડા અતિશય કટ્ટર નેતાઓ અને ખ્રિસ્તી રાષ્ટ્રવાદના સિદ્ધાંતોને ફેલાવતા લોકો ચલાવે છે. આ વિચારધારા એ અમેરિકાના નાગરિક જીવન અને રૂઢિવાદી ઍંગ્લો પ્રોટેસ્ટન્ટ ઍથનો સંસ્કૃતિને પ્રમોટ કરે છે.
તેઓ કહે છે, "ખ્રિસ્તી રાષ્ટ્રવાદ એ અમેરિકાની લોકશાહી માટે ખતરો ઊભો કરે છે."
‘ટ્રમ્પને ભગવાને મોકલ્યા છે’

ખૂબ ગરીબ સમુદાયોની વચ્ચે નાના ચર્ચની સ્થાપના કરીને બાઇબલ બેલ્ટનાં રાજ્યોમાં આવા પાદરીઓનો તેમના અનુયાયીઓમાં ખૂબ પ્રભાવ જોવા મળે છે. તેમાંના મોટાભાગના લોકો રિપબ્લિકન પાર્ટીના અતિરૂઢિવાદી ક્ષેત્રને બળ આપે છે.
અને ટ્રમ્પ તાજેતરનાં વર્ષોમાં પ્રગતિ કરવા માટે આ સમૂહ માટે જાણે કે શ્રેષ્ઠ વાહન બની ગયા છે.
ઑક્લાહોમાના પાદરી જૅક્સન લાહમેયર ટ્રમ્પના વફાદાર છે.
તેઓ કહે છે, "ટ્રમ્પને ભગવાન દ્વારા આ દેશ પર શાસન કરવા માટે મોકલવામાં આવ્યા હતા." તેઓ પૅસ્ટર્સ ફૉર ટ્રમ્પ માટેના ગ્રૂપના સ્થાપક છે.
તેમનો ઉદ્દેશ આગામી ચૂંટણીઓમાં ટ્રમ્પને ટેકો આપવા માટે ખ્રિસ્તી મતોને એકત્રિત કરવાનો છે.
લાહમેયર ટ્રમ્પ પર થયેલા હુમલામાં તેઓ બચી ગયા તેને ‘દૈવી ચમત્કાર’ કહે છે.
તુલસા, ઑક્લાહોમાથી ભૂતપૂર્વ સેનેટ ઉમેદવાર ફૉન પર વાતચીતમાં કહે છે, "અમે અમારા દેશમાં ગૃહ યુદ્ધથી એક પગલું દૂર હતા."
જોકે, પ્રોટેસ્ટન્ટ પાદરી અને રાજકીય કાર્યકર્તા પોતાને ખ્રિસ્તી રાષ્ટ્રવાદી તરીકે ઓળખાવવાનો ઇનકાર કરે છે.
તેઓ કહે છે, "એ માત્ર એક લેબલ છે જે મીડિયાએ અમને લોકશાહી માટે જોખમ તરીકે દર્શાવવા માટે અમારા પર લગાવ્યું છે. એ સાચું નથી."

ઇમેજ સ્રોત, jACKSON LAHMEYER
ઑક્લાહોમા સિટીના ઉપનગર ઍડમંડમાં ફેયરવ્યૂ બૅપ્ટિસ્ટ ચર્ચના નેતા પાદરી પૉલ બ્લૅયર પણ પોતાને આ રીતે ઓળખાવવાની વાતનો વિરોધ કરે છે.
"શું હું ખ્રિસ્તી છું? શું હું રાષ્ટ્રવાદી છું? હા."
"પણ એનો મતલબ એ નથી કે તેઓ જે પ્રકારનો ખ્રિસ્તી રાષ્ટ્રવાદી મને કહેવા માગે છે તેવો હું છું."
તેઓ કહે છે કે, "આ દેશમાં હવે ખ્રિસ્તી રાષ્ટ્રવાદી હોવું એ કલંક બનતું જાય છે."
તેમણે મને 1980ના દાયકામાં એક પ્રોફેશનલ ફૂટબૉલ ખેલાડી તરીકેની મારી તસવીરો પણ દેખાડી હતી.
આજે બ્લૅયર એ લિબર્ટી પાદરી પ્રશિક્ષણ કૅમ્પના પ્રભારી છે. ત્યાં પ્રોટેસ્ટન્ટ નેતાઓ રાજકારણમાં પોતાના ધાર્મિક એજન્ડાને કઈ રીતે આગળ વધારી શકાય એ શીખે છે.
"આ તાલીમ પાદરીઓને જીવનના તમામ ક્ષેત્રોમાં બાઇબલ મુજબ વિચારવામાં મદદ કરે છે. તે સમગ્ર અમેરિકામાં પ્રોટેસ્ટન્ટ સ્થાનિક નેતાઓના જૂથનો એક ભાગ છે જેઓ પોતાને ‘દેશભક્ત પાદરીઓ’ કહે છે.
તેમાંના ઘણા લોકોની જેમ, બ્લૅયર પણ માને છે કે અમેરિકાએ તેની સ્થાપના થઈ એ મૂલ્યો પર પાછા ફરવું જોઈએ. આ મૂલ્યો પર જ્યારે 1776માં સ્વતંત્રતાની જાહેરાત થઈ ત્યારે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
તેઓ કહે છે, "ઐતિહાસિક રીતે, ખ્રિસ્તીઓએ હંમેશાં સરકારને પ્રભાવિત કરી છે."
બ્લૅયર માને છે કે ટ્રમ્પ 2020ની ચૂંટણીના કાયદેસર વિજેતા હતા અને જાન્યુઆરી 2021માં કેપિટલ પરના હુમલામાં ભાગ લેવા બદલ જેલમાં ગયેલા લોકો ‘રાજકીય કેદીઓ’ છે.
તેઓ હવે અપેક્ષા રાખે છે કે પાંચમી નવેમ્બરના રોજ ઑક્લાહોમામાં છેલ્લી ચૂંટણીમાં 65 ટકા મત સાથે જીત મેળવનાર ટ્રમ્પ જ બીજી વખત યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ બનશે.
બાઇબલ બેલ્ટના રૂઢિચુસ્ત પ્રોટેસ્ટન્ટ રાજકીય નેતાઓને ટ્રમ્પના ફરી રાષ્ટ્રપતિ બનવાની આશા છે. જેમનું ‘દિવ્ય મિશન’ એ રાજકીય શક્તિનો ઉપયોગ કરીને તેમની માન્યતાઓ ફેલાવવાનું છે.
કોઈક રીતે વળી ટ્રમ્પ અને તેમના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જેડી વૅન્સ પણ આ રાજકીય યુદ્ધનું મૂર્ત સ્વરૂપ બની ગયા છે.
ટ્રમ્પ અને ગર્ભપાતનો મુદ્દો

ટ્રમ્પના સમર્થકો તેમના કાર્યકાળ દરમિયાન ત્રણ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની ઐતિહાસિક નિમણૂક માટે અને અન્ય નિર્ણયો માટે તેમનો આભાર માને છે. આ નિમણૂકને કારણે દેશની સર્વોચ્ચ ન્યાયિક સંસ્થામાં કેટલાક દાયકાઓ સુધી રૂઢિચુસ્તોની બહુમતી સુનિશ્ચિત થઈ છે.
તે રૂઢિચુસ્ત બહુમતીને કારણે જ સુપ્રીમ કોર્ટે 2022માં એ ચુકાદાને ઊથલાવી દીધો જેણે દેશમાં લગભગ છેલ્લી અડધી સદીથી ગર્ભપાતના અધિકારની ખાતરી આપી હતી. સુપ્રીમ કોર્ટે એ નિર્ણય દરેક રાજ્યના હાથમાં છોડી દીધો હતો.
ઑક્લાહોમા અને અરકાનસાસ જેવા બાઇબલ બેલ્ટ રાજ્યોમાં ગર્ભપાત પર ખૂબ જ પ્રતિબંધિત કાયદા છે. જો માતાના જીવને જોખમ હોય તો જ ત્યાં ગર્ભપાતને મંજૂરી આપવામાં આવી શકે છે.
જોકે, ટીકાકારો કહે છે કે ડૉક્ટરો માટે કાયદેસર રીતે તેને સાબિત કરવું એ ખૂબ મુશ્કેલ બને છે.
આ ચૂંટણીમાં ગર્ભપાત એ એક મોટો મુદ્દો છે. કારણ કે રિપબ્લિકન પાર્ટીની સૌથી વધુ રૂઢિચુસ્ત પાંખ કે જે બાઇબલ બૅલ્ટમાં સૌથી વધુ શક્તિશાળી છે તે ગર્ભપાત પર સંપૂર્ણ પ્રતિબંધ જોવા માંગે છે - જો ટ્રમ્પ સત્તા પર પાછા ફરે તો તે શક્ય બની શકે તેવું કંઈક તેમને લાગે છે. .
ભૂતપૂર્વ પ્રમુખ ટ્રમ્પ સાથે તેમના મતભેદો હોવા છતાં પણ ટ્રમ્પે તેમની સરકાર દરમિયાન જાણીતા રૂઢિચુસ્ત પ્રોટેસ્ટન્ટ નેતાઓ માટે વ્હાઇટ હાઉસના દરવાજા ખોલ્યા હતા અને તેમણે મોટા પ્રમાણમાં ખ્રિસ્તી પાદરીઓના કાર્યક્રમોમાં ભાગ લેવાનું ચાલુ રાખ્યું છે. આ પાદરીઓ તેમને ઊંડા ધાર્મિક મૂલ્યો વિનાના ઉદારવાદી નેતા ગણે છે.
વ્હાઇટ હાઉસમાં પાદરીઓ?

ઇમેજ સ્રોત, Getty Images
તેમના સત્તાકાળ દરમિયાન, ટ્રમ્પે ફેઇથ ઍન્ડ ઑપોર્ચ્યુનિટી ઇનિશિયેટિવ નામની નવી સરકારી ઑફિસ બનાવવા માટેના ઍક્ઝિક્યુટિવ ઑર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા.
તેમણે દસ્તાવેજ પર હસ્તાક્ષર કરતી વખતે કહ્યું હતું કે,
"શ્રદ્ધા એ સરકાર કરતાં વધુ શક્તિશાળી છે, અને ભગવાન કરતાં વધુ શક્તિશાળી કંઈ નથી."
પાછળથી, જ્યારે ટ્રમ્પ 2020માં ચૂંટણી હારી ગયા, ત્યારે કથિત ‘દેશભક્ત પાદરીઓ’ અથવા ‘માગા (મેક અમેરિકા ગ્રેટ અગેઇન) પાદરીઓ’ એ જાહેર કરવા માટે બહાર આવ્યા હતા કે તેમની પાસેથી રાષ્ટ્રપતિપદ છીનવી લેવામાં આવ્યું છે.
ઘણા લોકો ઑક્લાહોમાના ઉદ્યોગપતિ ક્લે ક્લાર્ક દ્વારા સહ-સ્થાપિત નવી રચાયેલી અતિ જમણેરી ‘રીઅવેકન અમેરિકા ટૂર’ ચળવળમાં જોડાયા હતા.
આજે આ ચળવળમાં પાદરીઓ, બંદૂકના વપરાશના હિમાયતીઓ, ઍન્ટિ-ઇમિગ્રન્ટ્સ,ઍન્ટિ-એલજીબીટીક્યૂ+ અને સામ્યવાદવિરોધી કાર્યકરો અને ટ્રમ્પ પોતાનું નેતૃત્વ કરી રહ્યા છે એવું અનુભવતા કોઈ પણ વ્યક્તિઓ આ કાર્યક્રમોમાં હાજરી આપતા રહે છે.
ઘણા લોકો કહે છે કે તેઓ ડાબેરીઓ સામે આધ્યાત્મિક યુદ્ધ લડતા ઈશ્વરના સૈનિકો છે. આમાંના કેટલાક વિચારો પ્રોજેક્ટ-25માં પણ સમાવવામાં આવેલ છે. આ પ્રોજેક્ટ ફેડરલ સરકાર અને અમેરિકન જીવનનાં મુખ્ય પાસાંને સુધારવા માટે ટ્રમ્પના ભૂતપૂર્વ સલાહકારો દ્વારા કરવામાં આવેલ વિવાદાસ્પદ પ્રસ્તાવ છે.
ટ્રમ્પે આ પ્રોજેક્ટથી પોતાને દૂર કર્યા હોવા છતાં, ઘણા માને છે કે જો રિપબ્લિકન્સ વ્હાઇટ હાઉસમાં પાછા ફરશે તો આ પહેલ પાછળનાં પ્રભાવશાળી રૂઢિચુસ્ત અને ધાર્મિક જૂથો તેમના પર તે એજન્ડા લાદવાનો પ્રયાસ કરશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












