અમેરિકાના છ-છ રાષ્ટ્રપતિની જીતની સચોટ આગાહી કરનાર વ્યક્તિએ આ વખત કોનું નામ આપ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
ઇતિહાસકાર ઍલન લિટમૅન અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પોતાની આગાહીના કારણે મોટા ગુરુ બની ગયા છે.
ઍલન લિટમૅન છેક 1984થી અમેરિકાના રાષ્ટ્રપતિ કોણ બનશે તેની સચોટ આગાહી કરતા આવ્યા છે. તેઓ જે આગાહી કરે તે જ ઉમેદવાર જીતે છે. માત્ર 2000માં તેમની આગાહી ખોટી પડી હતી.
એ સમયે રિપબ્લિકન પાર્ટીના જ્યૉર્જ ડબલ્યુ બુશે ડેમૉક્રેટ ઉમેદવાર અલ ગોરને હરાવ્યા હતા. કુલ વોટમાં અલ ગોર આગળ હોવા છતાં તેઓ હારી ગયા હતા.
એ પછી લિટમૅન હંમેશાં સાચા સાબિત થયા છે. 2016માં ભાગ્યે જ કોઈએ ડોનાલ્ડ ટ્રમ્પ જીતશે તેવી આગાહી કરી હતી, ત્યારે લિટમૅને ટ્રમ્પ જીતશે તેવું કહ્યું હતું અને સાચા સાબિત થયા હતા.
તે વખતે મોટા ભાગના પોલમાં હિલેરી ક્લિન્ટન ચૂંટણી જીતશે તેવી આગાહી કરવામાં આવી હતી.
ઍલન લિટમૅન 13 ચાવીનું એક મૉડલ ધરાવે છે અને તેનો ઉપયોગ કરીને અત્યંત રસાકસીની ચૂંટણીમાં પણ સચોટ આગાહી કરી શકે છે. તેના કારણે તેઓ ચૂંટણીના અગ્રણી નિષ્ણાત ગણાય છે અને દર ચાર વર્ષે મીડિયા તેમની આગાહીઓ જાણવા માટે તેમની પાસે પહોંચી જાય છે.
હવે 2024ની ચૂંટણીને એક મહિના કરતાં પણ ઓછો સમય બાકી છે. ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એક વખત એક મહિલા ઉમેદવાર કમલા હૅરિસ સામે ટક્કર લઈ રહ્યા છે, ત્યારે બીબીસીએ લિટમૅનનો સંપર્ક કર્યો અને તેમની આગાહી જાણી છે.
આ વખતની આગાહી શું કહે છે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સૌથી પહેલા તો આપણે તેમનું મૉડલ સમજવું જોઈએ જેને “13-ચાવીની મૅથડ” કહેવામાં આવે છે.
તેની શરૂઆત કઈ રીતે થઈ?

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વર્ષ 1981માં કૅલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજીમાં લિટમૅનની મુલાકાત એક રશિયન ભૂકંપશાસ્ત્રી સાથે થઈ. જેમણે લિટમૅન સમક્ષ એક અસામાન્ય દરખાસ્ત કરી હતી.
વ્લાદિમીર કેલિસ બોરોક નામના ભૂકંપશાસ્ત્રીએ સોવિયેત યુનિયનમાં પોતાની આખી કારકિર્દી દરમિયાન ભૂકંપનો અભ્યાસ કર્યો હતો. તેમણે ભૂકંપ ક્યારે આવશે તેની આગાહી કરતું મૉડલ વિકસાવવા માટે વર્ષો સુધી કામ કર્યું હતું.
હવે વ્લાદિમીર આ મૉડલ ચૂંટણીનાં પરિણામોની આગાહીમાં પણ સફળ સાબિત થઈ શકે તેવું પુરવાર કરવા માગતા હતા.
લિટમૅને બીબીસી મુંડો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "સોવિયેત યુનિયનમાં તો કોઈ ચૂંટણીઓ થતી ન હતી. હું અમેરિકન પ્રૅસિડન્સીના ઇતિહાસમાં નિષ્ણાત હતો, તેથી તેમણે સૂચન કર્યું કે આપણે સાથે મળીને કામ કરીએ."
1984માં રોનાલ્ડ રિગન ફરીથી ચૂંટાયા ત્યારે પહેલી વખત આ મૉડલ સફળ સાબિત થયું હતું.
આ રીતે એક ઇતિહાસકાર અને એક ભૂકંપશાસ્ત્રીની જોડી બની. વ્લાદિમીર કેલિસ બોરોકે મૉસ્કો ભૂકંપ આગાહીના કેન્દ્રમાં જે ટેકનિક વિકસાવી હતી તેનો ઉપયોગ હવે વ્હાઇટ હાઉસમાં કોણ જીતશે તેની આગાહી કરવા માટે થવા લાગ્યો.
લિટમૅને 1860થી દરેક રાષ્ટ્રપતિની ચૂંટણીનાં પરિણામોનો અભ્યાસ કર્યો.
લિટમૅન કહે છે, "ભૂભૌતિક દૃષ્ટિથી ચૂંટણીની નવેસરથી કલ્પના કરીને બે સંભવિત પરિસ્થિતિની આગાહી કરવી, એ અમારા મૉડલનું રહસ્ય હતું."

ઇમેજ સ્રોત, Getty Images
લિટમૅન જણાવે છે કે, "સૌથી પહેલાંની સ્થિતિને અમે સ્થિરતા તરીકે જોઈએ છીએ. એટલે કે જે પક્ષ સત્તામાં હોય તે સત્તા જાળવી રાખે છે. બીજી સ્થિતિમાં ધરતીકંપ આવે છે, એટલે કે સત્તા પર રહેલી પાર્ટી ચૂંટણી હારી જાય છે."
કેઈલિસ-બોરોક અલ્ગૉરિધમ જાણતા હતા અને લિટમૅન પાસે અમેરિકાના ઇતિહાસનું જે જ્ઞાન હતું, તેનો ઉપયોગ કરીને તેમણે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે કેટલીક ચાવીરૂપ બાબતો શોધી કાઢી.
તેમણે ચૂંટણી પરિણામોની પૅટર્ન પર સંશોધન કર્યું અને ચાવીઓની સંખ્યા 30થી ઘટાડીને 13 કરી જેના આધારે વિશ્વસનીય આગાહી કરી શકાતી હતી.
આ રીતે તેમણે 13 પરિસ્થિતિની કલ્પના કરી. દરેક ચાવી માટે એક પરિસ્થિતિ.
લિટમૅન કહે છે કે 13માંથી 6 અથવા વધુ ચાવી નિષ્ફળ જાય, ત્યારે રાજકીય ભૂકંપ આવે છે, એટલે કે સત્તાધારી પક્ષ ચૂંટણી હારી જાય છે.
અને હવે પ્રશ્નનો જવાબ આપવાનો સમય આવી ગયો છે.
હૅરિસ કે ટ્રમ્પ? અમેરિકામાં આ વખતની રાષ્ટ્રપતિની ચૂંટણી કોણ જીતશે?
13 ચાવી આ મુજબ આગાહી કરે છે.
1. 2022ની મધ્યસત્ર ચૂંટણીમાં સત્તાધારી પક્ષે કેટલી બેઠકો જીતી
ડેમૉક્રેટ્સે 2022ની મધ્યસત્ર ચૂંટણીમાં કૉંગ્રેસની સીટો ગુમાવી હતી. તેથી પહેલી ચાવી ખોટી પડી.
હૅરિસ: 0
ટ્રમ્પ: 1
2. પ્રાઈમરીમાં સત્તાધારી પક્ષના ઉમેદવારને કોઈ હરીફ પડકારતા નથી
પ્રૅસિડન્ટ જો બાઇડન રાષ્ટ્રપતિની ચૂંટણીની રેસમાંથી ખસી ગયા તેનાથી પ્રચારને આંચકો લાગ્યો હતો, પરંતુ કમલા હૅરિસે ડેમૉક્રેટ્સને પોતાના નેતૃત્વ માટે મનાવી લીધા અને બીજા કોઈ વૈકલ્પિક ઉમેદવાર વગર તેમનું નામાંકન થયું, એટલે કે ટાઈ થઈ અને હૅરિસને પૉઇન્ટ મળ્યો.
હૅરિસ: 1
ટ્રમ્પ: 1
3. રાષ્ટ્રપતિ ફરી ચૂંટાવા માટે લડી રહ્યા છે
હૅરિસ અત્યારે રાષ્ટ્રપતિ નથી. તેઓ ઉપરાષ્ટ્રપતિ છે. તેથી તેઓ સત્તાધારી પક્ષમાં હોવા છતાં આ ચાવી ખોટી પડે છે. તેથી ટ્રમ્પને પૉઇન્ટ મળશે.
હૅરિસ: 1
ટ્રમ્પ: 2
4. થર્ડ પાર્ટીના કોઈ ઉમેદવાર નથી

ઇમેજ સ્રોત, Getty Images
રૉબર્ટ એફ કૅનેડીએ પોતાની ઉમેદવારી ચાલુ રાખવા પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ ક્યારેય મતદાનના ઇરાદાના 10 ટકા સુધી પણ પહોંચી શક્યા ન હતા. તેઓ અંતે રેસમાંથી ખસી ગયા અને ડોનાલ્ડ ટ્રમ્પને પોતાનો ટેકો જાહેર કર્યો.
કોઈને લાગે કે આનાથી રિપબ્લિકનના ઉમેદવારને મત મળશે, પરંતુ લિટમૅન અને તેમનું મૉડલ કહે છે કે ચોથી ચાવી સાચી છે. તેથી ટ્રમ્પના બદલે હૅરિસને પૉઇન્ટ મળશે.
હૅરિસ: 2
ટ્રમ્પ: 2
5. અર્થતંત્રમાં મંદી નથી અને ચૂંટણીના વર્ષમાં મંદી નહીં હોય
અમેરિકન અર્થતંત્રમાં મંદી નથી અને ચૂંટણીને ત્રણ અઠવાડિયાં બાકી છે ત્યાં સુધીમાં મંદી આવી જવાની શક્યતા નથી. આ ચાવી સાચી છે, તેથી હૅરિસને પૉઇન્ટ મળશે.
હૅરિસ: 3
ટ્રમ્પ: 2
6. અગાઉની બે ટર્મ વખતે અર્થતંત્રની જેટલી વૃદ્ધિ થઈ હતી તેટલી જ વૃદ્ધિ આ વખતના રાષ્ટ્રપતિના કાર્યકાળમાં પણ થઈ છે
લિટમૅનની ગણતરી પ્રમાણે, ટ્રમ્પના કાર્યકાળ વખતે તથા બરાક ઓબામાના બીજા કાર્યકાળ વખતે અમેરિકાના અર્થતંત્રનો જે વૃદ્ધિદર હતો, એટલો જ જીડીપી ગ્રોથ રેટ જો બાઇડનના કાર્યકાળમાં પણ જોવા મળ્યો છે. આ ચાવી સાચી પડી અને હૅરિસને પૉઇન્ટ મળશે.
હૅરિસ: 4
ટ્રમ્પ: 2
7. રાષ્ટ્રપતિએ દેશની રાષ્ટ્રીય નીતિમાં મોટા ફેરફાર કર્યા છે

ઇમેજ સ્રોત, Reuters
લિટમૅન માને છે કે બાઇડને ઘરેલુ નીતિમાં મોટા ફેરફારો કર્યા છે, જેમ કે ફુગાવો ઘટાડવાના ધારામાં અમુક ચીજોનો સમાવેશ કરવો, પેરિસ ક્લાઇમૅટ ઍગ્રિમૅન્ટમાં ફરી સામેલ થવું વગેરે.
ટ્રમ્પ આ કરારમાંથી નીકળી ગયા હતા. તેથી આ ચાવી સાચી છે. હૅરિસને પૉઇન્ટ મળશે.
હૅરિસ: 5
ટ્રમ્પ: 2
8. રાષ્ટ્રપતિના શાસન દરમિયાન સામાજિક સ્થિરતાને જોખમમાં મૂકે તેવા કોઈ સંઘર્ષ થયા નથી
1960 ના દાયકાના સામાજિક અને વંશીય સંઘર્ષ જેવું અત્યારે કંઈ નથી. લિટમૅન માને છે કે છેલ્લા ચાર વર્ષોમાં સ્થિરતા પ્રવર્તી રહી છે. આ ચાવી વાસ્તવિક છે અને હૅરિસને પૉઇન્ટ મળે છે.
હૅરિસ: 6
ટ્રમ્પ: 2
9. વ્હાઇટ હાઉસને અસર થાય તેવાં કોઈ કૌભાંડ નથી થયાં
બાઇડનના પુત્ર હન્ટરને દોષિત ઠેરવવામાં આવ્યા છે અને તેઓ અન્ય આરોપો અને કૌભાંડોનો સામનો કરી રહ્યા છે. છતાં લિટમૅન જણાવે છે કે આ કૌભાંડોની સીધી અસર રાષ્ટ્રપતિ પર નથી થઈ.
તેથી આ ચાવી સાચી સાબિત થાય છે. હેરિસને પૉઇન્ટ મળશે.
હૅરિસ: 7
ટ્રમ્પ: 2
10. અમેરિકાને વિદેશમાં મોટી રાજદ્વારી કે લશ્કરી નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો નથી
ગાઝામાં યુદ્ધને રોકવામાં અમેરિકા નિષ્ફળ રહ્યું છે. આ યુદ્ધ હવે એક મોટા પ્રાદેશિક સંઘર્ષમાં ફેરવાઈ જાય તેવો ખતરો છે. અહીં પહેલેથી જ એક માનવતાવાદી આફતની સ્થિતિ છે.
અમેરિકા આ ક્ષેત્રમાં મોટા પાયે સક્રિય છે અને ઇઝરાયલને ટેકો આપે છે. તેથી લિટમૅન મુજબ આ વિદેશ નીતિની નિષ્ફળતા છે. આ ચાવી ખોટી પડી. તેથી ટ્રમ્પને પૉઇન્ટ મળશે.
હૅરિસ: 7
ટ્રમ્પ: 3
11. રાષ્ટ્રપતિએ વિદેશમાં બહુ મોટી સૈન્ય અથવા રાજદ્વારી સફળતા મેળવી છે
લિટમૅન માને છે કે બાઇડન તેમાં સફળ રહ્યા છે. નાટોના ટેકાથી તેમણે યુક્રેન રશિયાના આક્રમણ સામે લડત આપી શકે તેટલું સક્ષમ બનાવ્યું છે.
રિપબ્લિકન પાર્ટીના ખચકાટ છતાં બાઇડને યુક્રેનને મોટા પ્રમાણમાં નાણાં, હથિયારો અને ઉપકરણો પૂરાં પાડ્યાં છે જેના કારણે યુક્રેન તેના કરતાં ઘણા મોટા અને શક્તિશાળી દેશ રશિયા સામે લડાઈમાં હજુ ટકી રહ્યું છે. નાટોના બીજા દેશો પણ તેના ઉદાહરણને અનુસરે છે.
લિટમૅનના મૉડલ અનુસાર આ ચાવી ખરી છે અને હૅરિસને પૉઇન્ટ મળે છે.
હૅરિસ: 8
ટ્રમ્પ: 3
12. સત્તાધારી પક્ષના ઉમેદવારનો કોઈ કરિશ્મા નથી
લિટમૅન કહે છે કે આ બહુ મુશ્કેલ ચાવી છે. તેમના મતે ફ્રૅન્ક્લિન ડી. રુઝવેલ્ટ અથવા બરાક ઓબામા જેવા નેતાઓ જ ખરા અર્થમાં કરિશ્મા ધરાવતા હતા. આ ચાવી ખોટી છે. તેથી ટ્રમ્પને પૉઇન્ટ મળશે.
હૅરિસ: 8
ટ્રમ્પ : 4
13. રાષ્ટ્રપતિને પડકાર ફેંકનાર ઉમેદવારનો કોઈ કરિશ્મા નથી
ટ્રમ્પના ઘણા ટેકેદારો ટ્રમ્પને બહુ બિરદાવે છે, પરંતુ લિટમૅન કહે છે કે એક આકર્ષક નેતા એને કહેવાય જે માત્ર પોતાના વફાદાર લોકોમાં જ નહીં, પરંતુ દરેક વર્ગના મતદારોમાં લોકપ્રિયતા ધરાવતા હોય.
આ ચાવીના આધારે જોવામાં આવે તો તેમાં હૅરિસ આગળ નીકળી જાય છે.
હૅરિસ: 9
ટ્રમ્પ: 4
લિટમૅને 13 ચાવી વિશે વાત કરી છે અને તેમની આગાહી સ્પષ્ટ છેઃ આ મૉડલ પ્રમાણે કમલા હૅરિસ અમેરિકાનાં આગામી રાષ્ટ્રપતિ બનશે.
લિટમૅન અને તેમની 13 ચાવીઓ વધુ એક વખત સાચી પડે છે કે કેમ તે 5 નવેમ્બરે મતદાન થશે ત્યારે ખબર પડી જશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












