ટ્રમ્પનો ગઢ ગણાતાં રાજ્યોના ગ્રામીણ વિસ્તારમાં કમલા હૅરિસની પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે, કેવી છે તૈયારી

ઇમેજ સ્રોત, BBC/Brandon Drenon
- લેેખક, બ્રાન્ડોન ડ્રેનોન
- પદ, બીબીસી ન્યૂઝ
સપ્ટેમ્બરમાં એક રવિવારની સવારે ઐતિહાસિક માઉન્ટ લેબનોન એએમઈ ઝિયોન ચર્ચની અંદર ધાર્મિક સંગીત, પ્રાર્થના અને રાજકારણની ચર્ચાનો માહોલ છવાયો હતો.
રેવરેન્ડ જેવેન લીચે કહ્યું, "આ અત્યંત મહત્ત્વપૂર્ણ... અત્યંત ખતરનાક તક છે."
"હું આને ખતરનાક એટલા માટે કહું છું કારણ કે જો આપણે આપણા અવાજ અને શરીરથી ભાગ નહીં લઈએ, તો તે સામેવાળા પક્ષને વોટ આપવા સમાન ગણાશે."
જૂથમાં હાજર રહેલા લોકોએ બૂમ પાડી "આમીન."
આ ચર્ચ પાસ્કોટેન્ક કાઉન્ટીમાં સ્થિત છે જ્યાં ત્રીજા ભાગની વસતી અશ્વેત છે. નૉર્થ કૅરોલાઇનાના ઉત્તર-પૂર્વ કિનારે આ ચર્ચ બહુ દુર્લભ ડેમૉક્રેટિક પાર્ટીના ગઢ જેવી જગ્યામાં આવેલ છે.
માઉન્ટ લેબનોન ચર્ચની જેમ ગ્રામીણ વિસ્તારના અશ્વેત મતદારોના કારણે જ 2008માં બરાક ઓબામાને આ રાજ્ય જીતવામાં મદદ મળી હતી. 1970ના દાયકા પછી પહેલી વખત એવું બન્યું જ્યારે કોઈ ડેમૉક્રેટ્સે નૉર્થ કૅરોલાઇનામાં જીત મેળવી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે 2016 અને 2020માં આ રાજ્યમાં વિજય મેળવ્યો હતો.
પરંતુ હવે પાસ્કોટેન્કમાં ડેમૉક્રેટ્સ માટે ટેકો ઘટી રહ્યો છે, જેવી રીતે છેલ્લાં કેટલાંક વર્ષોમાં અમેરિકાના બીજા ગ્રામીણ વિસ્તારોમાં પણ થયું છે. 2020માં ડેમૉક્રેટ ઉમેદવાર જો બાઇડને આ કાઉન્ટીમાં માત્ર 62 વોટથી જીત મેળવી હતી. તેમની પાર્ટી માટે અત્યાર સુધીનું આ સૌથી સાંકડું માર્જિન હતું. તેના કરતાં તો રવિવારે ચર્ચમાં વધારે લોકો એકઠા થતા હોય છે.

ઇમેજ સ્રોત, BBC/Brandon Drenon
ટ્રમ્પે 2020માં આ સ્ટેટમાં બાઇડનને 1.3 ટકા મતથી હરાવ્યા હતા. પરંતુ ચૂંટણીના સરવે હવે તેને ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચે 'ટૉસ અપ' તરીકે ગણાવે છે. એટલે કે બંને વચ્ચે રસાકસી છે. તેના કારણે ડેમોક્રેટ્સ માટે નવી આશા પેદા થઈ છે જ્યાં તેઓ હંમેશાં હારતા હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
માત્ર નૉર્થ કૅરોલાઇના જ નહીં, પરંતુ પેન્સિલ્વેનિયા, વિસ્કૉન્સિન અને મિશિગન જેવાં મહત્ત્વનાં રાજ્યોમાં અત્યંત પાતળું માર્જિન હોવાના કારણે કમલા હેરિસના ચૂંટણીપ્રચારમાં રાજ્યના તમામ ખૂણે ડેમોક્રેટિક મતદારોને ઉત્સાહિત કરવા પડશે. માત્ર વાદળી (ડેમૉક્રેટ) શહેરી વિસ્તારો જ નહીં, પરંતુ લાલ (રિપબ્લિકન) ગ્રામીણ વિસ્તારોમાં પણ મહેનત કરવી પડશે.
આવું કરવા માટે તેમણે એવી દરેક જગ્યાએ પ્રચાર કરવો પડશે જ્યાં ડેમૉક્રેટ્સ સામાન્ય રીતે ચૂંટણીપ્રચાર નથી કરતા, પરંતુ જ્યાં રણનીતિ ઘડનારાઓને નવી સંભાવના દેખાય છે. ઓછામાં ઓછી શક્યતા ધરાવતા વિસ્તારમાં શક્ય એટલા વધારે વોટ મેળવવાનો લક્ષ્ય છે, ભલે તેના માટે રાજકીય રીતે ટેકો ન હોય તેવી જગ્યાએ જવું પડે.
રાજ્યના દક્ષિણ-પૂર્વ કિનારે ગ્રામીણ વિસ્તારમાં આવેલ ઑન્સ્લો કાઉન્ટી આવી જગ્યાઓ પૈકી એક છે.
ગયા મહિને અમુક ડઝન ડેમૉક્રેટ્સ ત્યાં એકઠા થયા હતા. જ્યાં તેમણે પોર્કનો નાસ્તો કર્યો હતો અને પાર્ટીની વ્યૂહરચના પર ચર્ચા કરી હતી.
પ્રચાર માટે કઈ રણનીતિ બનાવી છે?

ઇમેજ સ્રોત, BBC/Brandon Drenon
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
નૉર્થ કૅરોલાઇનામાં ડેમૉક્રેટિક પાર્ટીનાં અધ્યક્ષ ઍન્ડરસન ક્લેટને લોકોની નાનકડી ભીડને જણાવ્યું કે, "આપણે ગ્રામીણ સમુદાયોમાં ડેમોક્રેટ હોવા બદલ ડરવાની જરૂર નથી."
"આપણને તેના પર ગર્વ હોવો જોઈએ અને આ વર્ષે જ્યારે આપણે વોટ આપવા જઈએ ત્યારે તેનું ખુલ્લેઆમ પ્રદર્શન કરવું જોઈએ."
તેઓ આ વાત કરતાં હતા ત્યારે તેમણે ડેમૉક્રેટિક સામગ્રીથી સજાવેલા પિકનિક ટેબલ તરત ઇશારો કર્યો જ્યાં વાદળી રંગના ટેબલક્લૉથ, વાદળી ફૂગ્ગા, વાદળી સ્ટીકરના રોલ હતા જેના પર લખ્યું હતું, "હું ડેમૉક્રેટ્સને મત આપું છું." નજીકમાં જ કમલા હેરિસનું આદમ કદનું કટઆઉટ હતું.
ઑન્સ્લો જેવી જગ્યા પર આ એક પડકારજનક પ્રદર્શન હતું.
આ રાજ્યમાં ટ્રમ્પે 2020માં મેળવેલી જીત એકંદરે સામાન્ય હતી, પરંતુ ઑન્સ્લો કાઉન્ટીમાં તેઓ 30 ટકાના વિરાટ માર્જિનથી જીત્યા હતા.
ક્લેટને કહ્યું, "બહાર નીકળવું અને દરવાજા ખટખટાવવા ખરેખર ડરામણું છે. હું તે સમજું છું."
તેઓ જ્યારે બોલતાં હતાં ત્યારે ત્યાંથી એક મોટો ટ્રક ધમધમાટ કરતો પસાર થયો, જેના પાછલા ભાગે ટ્રમ્પનો ઝંડો લહેરાતો હતો.
તેમનો આશાવાદ જરાય ડગ્યો નહીં.
ક્લેટને પોતાનો અવાજ બુલંદ કરતા કહ્યું, "સમગ્ર નૉર્થ કૅરોલાઇનાના ગ્રામીણ સમુદાયોમાં એક રાજકીય પુનર્ગઠન થઈ રહ્યું છે."

"લોકો તેને સમજવા તૈયાર હોય કે ન હોય, પરંતુ તેઓ તેને જોશે."
પાર્ટીએ રાજ્યમાં ભારે રોકાણ કર્યું છે જેમાં 32,000 સ્વયંસેવકોને સામેલ કરવા, 340થી વધુ સ્ટાફ મેમ્બરને નિયુક્ત કરવા અને 28 ઑફિસ ખોલવાનો સમાવેશ થાય છે. તેમાંથી ઑન્સ્લો જેવી રિપબ્લિકનોનો ટેકો ધરાવતી ગ્રામીણ કાઉન્ટી પણ સામેલ છે.
રિપબ્લિકનોએ પણ આ વાતની નોંધ લેવાની શરૂઆત કરી છે.
આ મહિનાની શરૂઆતમાં સેનેટર થોમ ટિલિસે મીડિયા જૂથ સેમાફોરને જણાવ્યું કે, "અમે નૉર્થ કૅરોલાઈનામાં જે જોઈ રહ્યા છીએ અને થોડા સમયથી જે જોયું છે, તે હકીકતમાં ડેમૉક્રેટ્સ દ્વારા સારી રીતે આયોજિત એક ગ્રાઉન્ડ ગેમ છે."
જોકે, કમલા હેરિસ દેશના આ ઘેરા લાલ (રિપબ્લિકન) વિસ્તારોમાં બહુમતી વોટ જીતે તેવી શક્યતા નહીંવત્ છે, છતાં આ ચૂંટણી માર્જિન પર જીતવામાં આવશે. તેથી ડેમોક્રેટ એ બાબત પર દાવ લગાવી રહ્યા છે કે અનપેક્ષિત વિસ્તારોમાં કેટલાક વધારાના વોટથી અત્યંત નિકટની હરીફાઈમાં ફાયદો થઈ શકે છે.
ઑન્સ્લો કાઉન્ટીમાં ચૂંટણીપ્રચાર કાર્યક્રમના અંતે સૂરજ ઝાડની પાછળ ડૂબ્યો કે તરત લોકોની ઊર્જા ખતમ થવા લાગી.
કેટલાક લોકો ત્યાં રોકાઈ ગયા. તેમાં 14 વર્ષનો એક છોકરો પણ સામેલ હતો જે પોતાનો પરિચય આપવા માટે ક્લેટન પાસે ગયો.
ગેવન રોહવેડરે કહ્યું, "તમારી વાતો સાંભળ્યા પછી મેં નિર્ણય લીધો છે કે હું શનિવારે દરવાજા ખટખટાવવા જવાનો છું."
ક્લેટને સ્મિત આપ્યું. ઑન્સ્લોમાં તેમના સ્વયંસેવકમાં એકનો ઉમેરો થયો.

ઇમેજ સ્રોત, BBC/Brandon Drenon
તેમણે બીબીસીને જણાવ્યું, "ધીમે ધીમે આગળ વધીએ છીએ. કોઈકે આવીને શરૂઆત કરવાની હોય છે."
પરંતુ સપ્ટેમ્બરના અંતમાં હેલેન વાવાઝોડું આવ્યું ત્યારે ડેમૉક્રેટ્સની યોજનાઓ નિષ્ફળ ગઈ.
આ વાવાઝોડાએ નૉર્થ કૅરોલાઇનામાં વિનાશ ફેલાવ્યો હતો જેમાં ઓછામાં ઓછા 95 લોકોનાં મોત થયાં અને 100 લોકો હજુ પણ લાપતા છે.
લોકો પુનર્વસવાટની લાંબી પ્રક્રિયા કરે છે ત્યારે બંને પક્ષોએ પોતાના જમીની કામકાજનું પણ પુનઃમૂલ્યાંકન કરવું જોઈએ.
કાઉન્ટીનાં પાર્ટી અધ્યક્ષ કૅથી ક્લાઈને કહ્યું કે ડેમૉક્રેટિક ગઢ એશવિલે જ્યાં આવેલ છે તે બનકોમ્બે કાઉન્ટીમાં હજુ પણ કેટલાક લોકો ઇન્ટરનેટ કનેક્શન, મોબાઇલ ફોન સેવા અથવા ચોખ્ખા પાણી વગર રહે છે.
તેમણે બીબીસીને જણાવ્યું, "ચૂંટણી જીતવી હોય તો દરેક ઘરનો દરવાજો ખટખટાવીને લોકો સાથે આમને-સામને વાત કરવાની હોય છે. બેશક, અમારે તેને રોકવું પડ્યું."
નૉર્થ કૅરોલાઇનાના નિવાસીઓએ ગુરુવારે વહેલું મતદાન શરૂ કર્યું ત્યારે ક્લાઈને કહ્યું કે કેટલાક લોકો વોટ આપવા માટે મતદાન કેન્દ્રો પર લાઇનમાં રાહ જોઈ રહ્યા હતા. જ્યારે કેટલાક લોકો નહાવા માટે સરકારે ઉપલબ્ધ કરાવેલા ટ્રેલરો પર લાઇનમાં ઊભા હતા.
અહીં પરિસ્થિતિઓના કારણે અરાજકતા પ્રવર્તે છે અને ક્લાઈન સ્વીકારે છે કે તેનાથી ડેમૉક્રેટિક પાર્ટીને નવેમ્બરમાં વોટિંગ વખતે નુકસાન થઈ શકે છે. "મને તે જોરથી કહેવું પસંદ નથી, પરંતુ વાત સાચી છે."
રિપબ્લિકનો લડત આપ્યા વગર નૉર્થ કૅરોલાઇનાને પોતાના હાથમાંથી જવા નહીં દે.
રણનીતિ ઘડનારાઓ કહે છે કે રાષ્ટ્રપતિનું પદ પાછું મેળવવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ માટે આ રાજ્ય જીતવું જરૂરી છે. 2020માં તે તેમના દ્વારા જિતાયેલા સાત યુદ્ધક્ષેત્ર જેવાં રાજ્યોમાંથી તે એકમાત્ર હતું.
ગયા મહિને એક અભિયાન દરમિયાન ટ્રમ્પના સાથી જેડી વેન્સે કહ્યું હતું, "જ્યાં સુધી અમે નૉર્થ કૅરોલાઇનામાં જીતી ન જઈએ ત્યાં સુધી અમારા માટે જીતવું બહુ મુશ્કેલ છે."
ચૂંટણીમાં આ રાજ્યની નિર્ણાયક ભૂમિકાને જમીની સ્તર પર રિપબ્લિકનો પણ અનુભવે છે.
મુદ્દાઓ શું છે?

ઇમેજ સ્રોત, BBC/Brandon Drenon
નૉર્થ કૅરોલાઇનામાં ઍડેલ વૉકર સેલ્મા ખાતે એક પ્રાચીન ચીજવસ્તુઓની દુકાનનાં માલિક છે. તેઓ આજીવન રિપબ્લિકનને ટેકો આપતા આવ્યાં છે, પરંતુ સ્વેચ્છાએ પ્રચાર કરવાનું તેમનું આ પ્રથમ વર્ષ છે.
વૉકરે ગર્ભપાતના વિરોધ અને ગેરકાયદે ઇમિગ્રેશન વિશે આશંકાઓને ધ્યાનમાં રાખતા કહ્યું, "આ એક મહત્ત્વપૂર્ણ ચૂંટણી છે."
પગપાળા પ્રચાર કરતી વખતે વૉકર પોતાના ઘરના આંગણામાં બેસેલી એક મહિલા પાસેથી પસાર થયા અને તેમની સાથે વાત કરવા ઊભા રહ્યા.
પોતાને હિસ્પેનિક ગણાવતા વોકરે કહ્યું, "હોલા" . તેમણે સ્પેનિશ ભાષામાં વાતચીત ચાલુ રાખી.
મહિલાએ વૉકરને જણાવ્યું કે તેઓ હોન્ડુરાસથી આવ્યાં છે. તેમને પૂછવામાં આવ્યું કે અગાઉ કોઈ રાજકીય જૂથે તમારો સંપર્ક કર્યો છે, ત્યારે તેમણે ના પાડી.
ત્યાર પછી વૉકરે પોતાના કાર્ડબોર્ડ બૉક્સમાં હાથ નાખ્યો અને અમેરિકાના બંધારણની સ્પેનિશ ભાષામાં અનુવાદિત એક ડઝન નકલમાંથી એક નકલ કાઢીને તે મહિલાને સોંપી.
તે મહિલા થોડા આશ્ચર્ય સાથે ત્યાંથી જતી રહી.
વૉકરે કહ્યું, "આ બહુ રસપ્રદ છે. કોઈકે કહ્યું હતું કે હજુ ગયા અઠવાડિયે જ ડેમૉક્રેટ્સ અહીંથી પસાર થયા છે."
"લાગે છે કે તેઓ આને ચૂકી ગયા હશે."

ઇમેજ સ્રોત, BBC/Brandon Drenon
માઉન્ટ લેબનોને ચર્ચ ખાતે રેવરેન્ડ લીચ બધાને સમજાવવાનો પ્રયાસ કરે છે કે આ વખતે વોટિંગ કરવું બહુ જરૂરી છે.
આ ચર્ચ 1800ના દાયકાના મધ્યમાં સ્થપાયું હતું. તેના મુખ્ય જૂથમાં આફ્રિકન-અમેરિકન ગુલામોનો સમાવેશ થતો હતો. ત્યારથી તે સામાજિક અને રાજકીય પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની ગયું છે.
હવે રેવરેન્ડે પોતાના જૂથને વિનંતી કરી, "કોઈ કહે છે મિશન સંભવ છે."
અશ્વેત અને ગ્રામીણ મતદારો વોટિંગ માટે આવે તો તે શક્ય છે.
રેવરેન્ડ લીચે હૅરિસનાં ભાષણોમાં ઘણી વખત ઉપયોગમાં લેવાતી એક લાઇનને દોહરાવતા કહ્યું, "તમારામાંથી કેટલાક લોકો માનતા હશે કે તમારો મત મહત્ત્વનો નથી... અમે તેમને આપણને 40, 50, 60 વર્ષ પાછળ લઈ જવા ન દઈ શકીએ."
તેમની ચેતવણીએ વિલિયમ ઓવરટનને વ્યક્તિગત રીતે પ્રભાવિત કર્યા જે ભીડમાં હાજર હતાં. 85 વર્ષના વિલિયમે બીબીસીને જણાવ્યું કે તેઓ હૅરિસને મત આપવાના છે અને તેમની પહેલી ચિંતા ગર્ભપાતના અધિકારોનું રક્ષણ કરવાની છે.
ઓવરટને કહ્યું, "1950ના દાયકા કરતાં પણ અત્યારે ખરાબ કાયદા છે."

ઇમેજ સ્રોત, BBC/Brandon Drenon
ગર્ભપાત એ તેમના માટે મહત્ત્વનો મુદ્દો છે. 1964માં તેમની પત્નીને સાઉથ કૅરોલાઇનામાં મિસકૅરેજ થઈ ગયું હતું. તેઓ મેડિકલ કૅર પર નિર્ભર હતાં જે હવે તે રાજ્યમાં ગેરકાયદે છે.
ઓવરટને કહ્યું, ગ્રામીણ ક્ષેત્રોમાં ડેમોક્રેટ્સનું રોકાણ અહીં અનુભવી શકાય છે. તેમણે કહ્યું કે તેમને દરરોજ કૅમ્પેન કૉલ અને ટેક્સ્ટ મૅસેજ મળે છે.
તેમણે કહ્યું, "2020ની તુલનામાં ઉત્સાહ વધ્યો છે."
અન્ય એક ડેમૉક્રેટિક મતદાર અને ચર્ચના સભ્ય માઇકલ સટન આ સાથે સહમત થયા.
સટને કહ્યું, "નૉર્થ કૅરોલાઇનાના એક નાનકડા ગામમાં જે રીતે ચીજો જોવા મળે છે, તેમાં બધા ઉત્સાહથી છલકાય છે. એવું લાગે છે કે અમારા માટે સારા ચાન્સ છે."
પરંતુ ઉત્સાહ હોવો એક વાત છે અને વોટમાં રૂપાંતરિત થવું એ અલગ વાત છે.
માઉન્ટ લેબનોન ચર્ચની બહાર 25 વર્ષના જસ્ટિન હરમન ઊભા હતા.
તેમણે બીબીસીને જણાવ્યું કે 2020માં તેમણે જો બાઇડનને મત આપ્યો હતો, પરંતુ આ વખતે તેમણે હજુ નિર્ણય નથી લીધો.
તેઓ કહે છે, "હું કમલા હૅરિસ વિશે ખાસ નથી જાણતો. ટ્રમ્પ ક્યારેક એવી વાતો કરે છે જે આદર્શ નથી હોતી. મને નથી લાગતું કે હું બેમાંથી કોઈ પણ ઉમેદવાર સાથે જોડાઈ શકીશ."
ત્યાર પછી હર્મને જે કહ્યું તેણે ડેમૉક્રેટ્સ સામે માત્ર આ રાજ્યમાં જ નહીં, પરંતુ રાષ્ટ્રીય સ્તરે જે પડકાર છે તેનો ચિતાર આપ્યો.
તેમણે કહ્યું, "મને નથી ખબર કે હું મતદાન કરવા જઈશ કે નહીં."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












