નેપાળ ભૂકંપ: થાળી-વાટકાથી ખોદીને કાટમાળમાં દબાયેલા લોકોને બચાવી રહ્યા છે લોકો

નેપાળ ભૂકંપ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, શરદ કે.સી.
    • પદ, બીબીસી નેપાળી સેવા

નેપાળના પશ્ચિમી વિસ્તારમાં આવેલા ભયાનક ભૂકંપમાં અત્યાર સુધીમાં 150થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે અને 350થી વધુ લોકો ઘાયલ થયા છે.

હજારો લોકો બેઘર થઈ ગયા છે અને ખુલ્લા આકાશ નીચે તેમને ઠંડીમાં રાત પસાર કરવી પડી રહી છે.

રાજધાની કાઠમંડુથી 300 કિલોમિટર પશ્ચિમમાં જાજરકોટ અને પશ્ચિમી રુકુમ જિલ્લામાં ભૂકંપથી સૌથી વધુ લોકો પ્રભાવિત થયા છે.

શુક્રવારથી અત્યાર સુધીમાં અહીં ઘણા આંચકાઓ અનુભવાયા છે. બીબીસીએ આ પ્રભાવિત વિસ્તારોમાં ઘણા દૂર આવેલાં ગામડાંની મુલાકાત લીધી હતી.

આ ગામડાંમાં જાનમાલનું ભારે નુકસાન થયું છે અને લોકોને મદદની સખત જરૂર છે.

સામૂહિક ચિતાઓ

નેપાળ ભૂકંપ

ઇમેજ સ્રોત, Getty Images

થુલી ભેરી નદી એ જાજરકોટમાં નાલગઢ નગરપાલિકા હેઠળ આવેલા ચિઉરી ગામની તળેટીમાં વહે છે.

પાણીના વહેણની સાથે અહીં લોકોના રડવાનો અવાજ પણ ગુંજી રહ્યો છે.

નદીકિનારે રાખવામાં આવેલા 13 મૃતદેહોની આસપાસ લોકો ઊભા છે. પોતાના પ્રિયજનોને ગુમાવવાના દુઃખને કારણે કેટલીક મહિલાઓ બેભાન થઈ ગઈ હતી અને તેમને ઍમ્બ્યુલન્સ દ્વારા હૉસ્પિટલ લઈ જવી પડી હતી.

ચીખરી ગામના 13 લોકોએ એકસાથે અંતિમસંસ્કાર કર્યા હતા. એક જ ચિતા પર છ મૃતદેહો મૂકવામાં આવ્યા હતા, બાકીના અલગ-અલગ ચિતા પર હતા.

ચીખરીમાં કુલ 186 મકાનો છે. શુક્રવારે આવેલા ભૂકંપથી અહીં એવી તબાહી મચી ગઈ હતી કે એક ડઝનથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા.

મૃત્યુ પામેલાઓમાં દલિત કૉલોનીમાં રહેતા હીરે કામી, તેમનાં પત્ની અને બે બાળકોનો સમાવેશ થાય છે.

તેમના પાડોશીઓ અને સંબંધીઓને લાગે છે કે જો મદદ વહેલા પહોંચી ગઈ હોત તો હીરે કામીને બચાવી શકાયા હોત.

હરિ બહાદુર ચુનારા એ રાતને યાદ કરતાં કહે છે, “મધરાતે આખા ગામમાં કોલાહલ અને રડવાનો અવાજ સંભળાતો હતો. અમે જોયું તો હીરે કામી કાટમાળમાં દબાયેલો હતો અને વાત કરી શકતા હતા.”

નેપાળ ભૂકંપ

હત્તીરામ મહર નામના એક યુવકે જણાવ્યું કે તેમણે પણ હીરે કામીને બચાવવાની કોશિશ કરી હતી.

તેમણે કહ્યું હતું કે, “ગામલોકોએ વાટકાઓ, થાળીઓ અને ઘરની બીજી વસ્તુઓથી ખોદકામ કરીને કાટમાળ હઠાવવાનો પ્રયત્ન કર્યો હતો જેથી કરીને દબાયેલા લોકોને બચાવી શકાય.”

જે જગ્યાએ કામી દબાયેલા હતા તે તરફ ઇશારો કરતા હત્તીરામ જણાવે છે કે, “હીરેએ અવાજ કર્યો હતો કે હું અહીં છું. એ સાંભળીને અમે એ તરફ ગયા. પરંતુ એ જ અવસ્થામાં તેમણે દમ તોડી દીધો.”

હત્તીરામે જણાવ્યું કે તેમની જેમ હીરે કામી પણ ભારતમાં કામ કરતા હતા અને થોડા દિવસ પહેલાં જ ઘરે આવ્યા હતા. નેપાળના સૌથી મોટા તહેવાર તિહારની ઉજવણી કરીને તેઓ ભારત પરત ફરવાના હતા.

હીરે કામીની સૌથી મોટી દીકરી બચી ગઈ છે. એક બહેન સિવાય અન્ય તમામ સભ્યો મૃત્યુ પામ્યા હોવાની જાણ થતાં જ તેઓ બેભાન થઈ ગયા હતા. તેમને ઍમ્બ્યુલન્સમાં હૉસ્પિટલ લઈ જવા પડ્યાં હતાં.

ચિતાની જ્વાળાઓ ઓલવાવા લાગી અને તરત જ ભૂકંપમાં નાશ પામેલા ટેકરી પરના લોકો શોકમાં ગરકાવ થઈને પોતાના ઘર તરફ જવા લાગ્યા. એ ઘર પણ મોટે ભાગે તબાહ થઈ ગયાં હતાં.

મદદની રાહ

નેપાળ ભૂકંપ

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

હરિ બહાદુર ચુનારા મદદ આવે તેની રાહ જોઈ રહ્યા છે. તેઓ કહે છે કે તેમની પાસે આશરો લેવા માટે કંઈ નથી. તેમને ખબર નથી કે મદદ ક્યારે આવશે.

જાજરકોટના નલગાડમાં ભૂકંપને કારણે ભારે નુકસાન થયું છે. નગરપાલિકાના માહિતી અધિકારી જૂના શાહી અનુસાર અહીં 52 લોકોનાં મૃત્યુ થયાં છે.

પરંતુ હવે સૌથી મોટો સવાલ એ છે કે બચી ગયેલા લોકોની મદદ કેવી રીતે કરાશે.

હત્તીરામ ચિંતાતુર છે કે તેઓ તેમનાં નાનાં બાળકોને ઠંડીથી કેવી રીતે બચાવશે. તેઓ કહે છે કે, “તેમને ખુલ્લામાં રાત વિતાવવી પડશે. એકાદ તંબુ મળી જાય તો પણ સારું.”

થુલી ભેરી નદીના બીજા કિનારે આઠબિસકોટ નગરપાલિકામાં રહેતા ગણેશ મલ્લ હૉસ્પિટલમાં દાખલ છે. તેમને બચાવીને હેલિકૉપ્ટર દ્વારા અહીં લાવવામાં આવ્યા હતા.

રડતાં રડતાં તેઓ કહે છે, “મારી બે દીકરી મરી ગઈ. મારી પત્ની અને પુત્ર પણ ઘાયલ છે. મને ખબર નથી કે તેમની ક્યાં સારવાર થઈ રહી છે.

ભૂકંપ બાદ વહેલી સવારે ઘાયલોને હૉસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યારે તેમની ઓળખ થઈ શકી ન હતી.

હૉસ્પિટલના ઑર્થૉપેડિક સર્જન પદમગિરિએ કહ્યું, “અમે કેસ 1 અને કેસ 2 જેવા નંબર આપીને સારવાર શરૂ કરી. કેટલાક લોકો પાસે કપડાં પણ ન હતાં. અમે તેમને કપડાં આપ્યાં."

તેમના જણાવ્યા અનુસાર 30 જેટલા ઘાયલોની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

ગરીબો પર આફત

નેપાળ ભૂકંપ

ભૂકંપનું કેન્દ્ર બારેકોટમાં હતું પણ એવું કહેવાઈ રહ્યું છે કે ત્યાં વધુ નુકસાન નથી થયું.

ગણેશ જી.સી. અધ્યાપક છે. તેમણે બીબીસીને જણાવ્યું હતું કે લગભગ તમામ પ્રભાવિત વિસ્તારોમાં કાચાં મકાનો પડી ગયાં છે.

તેમાંથી ઘણાં મકાનો તો તણખલાની જેમ વિખેરાઈ ગયાં છે. કેટલીક દીવાલો પડી ગઈ છે તો કેટલાકમાં મોટી તિરાડો છે.

જોકે, કૉંક્રિટ અને સિમેન્ટનાં મકાનોમાં એટલું નુકસાન જોવા નથી મળ્યું.

ગણેશે જણાવ્યું કે, “જ્યારે પણ પૂર કે ભૂસ્ખલન આવે છે તો તે ગરીબો માટે આફત લઈને આવે છે. આ ભૂકંપે પણ ગરીબોને નુકસાન પહોંચાડ્યું છે.”