You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત : સિનિયર અધિકારીએ કથિત 30 લાખની લાંચ માગી અને પુરાવો શોધવા CBIને સાબરમતીમાં ઊતરવું પડ્યું
- લેેખક, દિપલકુમાર શાહ
- પદ, બીબીસી સંવાદાદતા
“તેઓ નદીમાં શોધખોળ કરી રહ્યા હતા. તેમને ટીમની જરૂર હતી. એટલે અમે બૉટ અને ડાઇવરોની ટીમ મોકલી. સાબરમતી નદીમાં શોધતપાસ માટે અમારી ટીમે મદદ કરી હતી. એમાં મોબાઇલ મળ્યા હતા.”
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના ચીફ ફાયર ઑફિસર જયેશ ખાડિયા બીબીસી સાથેની વાતચીતમાં આ શબ્દો ઉચ્ચારે છે.
આ સમગ્ર પ્રકરણની શરૂઆત થાય છે ગયા વર્ષના ઑક્ટોબર મહિનાથી. વાત એમ છે કે અમદાવાદના એક બિઝનેસમૅનની ફરિયાદના આધારે ઍન્ટિ-કરપ્શન બ્યૂરોએ રેડ કરી હતી.
આ રેડ અમદાવાદમાં એડિશનલ ઇન્કમટૅક્સ કમિશનર સંતોષ કરનાનીને ત્યાં થઈ હતી. સીબીઆઈએ નોંધેલી એફઆઈઆર અનુસાર તા. 04/10/2023ના રોજ અમદાવાદના સફલ કન્સ્ટ્રક્શન કંપનીના રૂપેશ બ્રહ્મભટ્ટે ઍન્ટિ કરપ્શન બ્યૂરોમાં ઇન્કમટૅક્સ અધિકારી સામે કથિત લાંચની માગણી સંદર્ભે ફરિયાદ નોંધાવી હતી.
‘મારી પાસે 30 લાખ રૂપિયાની લાંચ માગી’
ફરિયાદમાં રૂપેશ બ્રહ્મભટ્ટને ટાંકીને કહેવાયું હતું કે,“મારા નિવાસે અને ઑફિસે ઇન્કમટૅક્સનું સર્ચ થયું હતું. એ દરમિયાન કેટલાક દસ્તાવેજો જપ્ત કરાયા હતા અને પૂછપરછ માટે ઇન્કમટૅક્સ કચેરીએ બોલાવવામાં આવતો હતો. વર્ષ 2021ના અંત ભાગમાં આ કાર્યવાહી થઈ હતી.”
“અમદાવાદ વિંગના ડેપ્યૂટી ડાયરેક્ટર યુનિટ-2 (ઇન્વે) દ્વારા સર્ચ હાથ ધરાયું હતું અને સાત દિવસ એ સર્ચની કામગીરી ચાલી હતી. સર્ચ વેળા કબજે કરેલા કાગળો-દસ્તાવેજોનો એપ્રેઝલ રિપોર્ટ બનાવીને તેને અમદાવાદના સેન્ટ્રલ સર્કલ રૅન્જ-1 વિભાગને સોંપી દીધેલ. આ વિભાગ ડિમાન્ટ નોટિસ કાઢવાની પ્રક્રિયા કરતો હોય છે.”
“જૂન-2022 બાદ ઉપરોક્ત કચેરી ખાતે અમારે ત્યાં એડિશનલ ઇન્કમટૅક્સ કમિશનર સંતોષ કરનાનીને કેસ બાબતે કેટલીક વાર મળવા જવાનું થતું હતું. તેમણે માગેલા તમામ કાગળો-દસ્તાવેજો અમે પૂરા પાડ્યા હતા.”
“તા. 29/09/2022ના રોજ ઇન્કમટૅક્સ વિભાગ અમદાવાદના સેન્ટ્રલ સર્કલ રૅન્જ-1ના એડિશનલ ઇન્કમટૅક્સ કમિશનર સંતોષ કરનાનીએ મોબાઇલ ફોનથી મને વૉટ્સઍપ કરેલ અને મને સોમવારે ઑફિસે મળવા જણાવેલ. તા. 03/10/2022ના રોજની મુલાકાતમાં સંતોષ કરનાનીએ મારા કેસનાં સંલગ્ન કામ માટે મને મદદ કરવાનાં ભાગરૂપે રૂપિયા 30 લાખની લાંચની માગણી કરેલ. જે વાતચીતનું ઑડિયો રૅકર્ડિંગ મેં કરી દીધેલ. તેમણે મને એક આંગડિયા પેઢીમાં એક ખાતામાં એ નાણાં જમા કરાવવા કહેલું. મારે એ લાંચ ન આપવી હોઈ હું અહીં (એસીબી)માં તેમની વિરુદ્ધ ફરિયાદ કરવા આવેલ છું.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
‘રેડ વખતે ભાગવામાં મદદ કરનાર અધિકારીની પણ ધરપકડ’
આ ફરિયાદને પગલે એસીબીએ ટ્રૅપ ગોઠવીને અમદાવાદમાં એડિશનલ કમિશનર સંતોષ કરનાનીને ત્યાં રેડ કરી હતી. જોકે સીબીઆઈ અનુસાર રેડ સમયે સંતોષ કરનાની હંગામો કરીને ભાગી છૂટ્યા હતા.
સીબીઆઈએ તેની પ્રેસ રિલીઝમાં જણાવ્યું કે, “સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશને અમદાવાદના ઇન્કમટૅક્સ વિભાગના તત્કાલીન કમિશનરની એક ચાલુ તપાસ દરમિયાન ધરપકડ કરી છે.”
“સીબીઆઈએ 12/10/2022ના રોજ અમદાવાદ ઇન્ટકમટૅક્સના એડિશનલ કમિશનર સામે ગુજરાત સરકાર અને ભારત સરકારના નોટિફિકેશનને પગલે 30 લાખ રૂપિયાની લાંચનો કેસ દાખલ કર્યો હતો.”
એવો આરોપ છે કે આસિસ્ટન કમિશનર (વિવેક જોહરી)એ એડિશનલ કમિશનર (સંતોષ કરનાની)ને એસીબીની રેડ વખતે ભાગવામાં મદદ કરી હતી.
એવો પણ આરોપ છે કે ભાગતા પહેલાં (કરનાની)એ (જોહરી)ને બે મોબાઇલ ફોન આપ્યા હતા અને કરનાનીના કહેવા પર એ બે મોબાઇલ ફોનને સાબરમતી નદીમાં ફેંકી દેવા કહ્યું હતું જેથી જોહરીએ બંને ફોન નદીમાં નાખી દીધા હતા.
અત્રે ઉલ્લખનીય છે કે, તત્કાલીન એડિશનલ કમિશનર સંતોષ કરનાનીએ આગોતરા જામીનની અરજી કરતા ગુજરાત હાઈકોર્ટે 19 ડિસેમ્બર, 2022ના હુકમથી જામીન મંજૂર કર્યાં હતા.
પરંતુ સીબીઆઈએ તેને સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી. સીબીઆઈનું કહેવું છે કે 5 વખત હાજર થવાની નોટિસ છતાં સંતોષ કરનાની હાજર નથી થયા.
'સંતોષ કરનાનીએ જામીન અરજીમાં આરોપ ફગાવ્યા'
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઈકોર્ટે સંતોષ કરનાનીના આગોતરા જામીન મંજૂર કરતા મૌખિક આદેશમાં સંતોષ કરનાનીએ કરેલી જામીન અરજીનો ઉલ્લેખ છે. જેમાં સંતોષ કરનાનીએ પોતે નિર્દોષ હોવાનું અને આ આખાય કેસમાં તેમની ભૂમિકા નહીં હોવાનું તેમણે કહ્યું હતું.
તેમાં તેમણે અરજ કરી હતી કે તેમની સામે લાગેલા તમામ આરોપો ખોટા છે. તેમણે લાંચ નહીં લીધી હોવાની વાત અરજીમાં કરી હતી.
બીજી તરફ ગુજરાત હાઈકોર્ટે મંજૂર કરેલા આગોતરા જામીન સામે સીબીઆઈ સુપ્રીમ કોર્ટમાં જે વાંધા અરજી કરી છે.
એમાં સીબીઆઈની દલીલ છે કે, સંતોષ કરનાની તપાસ એજન્સી સાથે તપાસમાં સહકાર નથી આપી રહ્યા. ઉપરાંત કાયદાની પ્રક્રિયાથી બચવા ભાગી જઈને રાજસ્થાનની હૉસ્પિટલમાં દાખલ થઈ ગયા હતા. સીબીઆઈએ દલીલ કરી કે આરોપી કરનાની આગોતરા જામીન મળ્યા પછી સીબીઆઈ સમક્ષ હાજર થયા હતા અને મોબાઇલ હૅન્ડસેટ પણ નહોતા પૂરા પડ્યા, જે મહત્ત્વના પુરાવા છે.
હવે સંતોષ કરનાનીના આગોતરા જામીનનો મામલો સુપ્રીમ કોર્ટમાં છે.
CBIએ નદીમાંથી મોબાઇલ શોધી લીધા
વધુમાં સીબીઆઈએ પ્રેસ રિલીઝમાં જણાવ્યું કે,“સીબીઆઈ ડાઇવરો અને અન્ય એજન્સીની મદદથી સોનાર ટૅકનૉલૉજી અને અન્ય ઉપકરણો વાપરીને સાબરમતી નદીમાંથી બે મોબાઇલ ફોન કાઢી લીધા છે. જેમાં એક ફોન રિયલ મી કંપનીનો છે.”
“ધરપકડ કરાયેલ આરોપી અધિકારીને સીબીઆઈની વિશેષ અદાલત સમક્ષ હાજર કરવામાં આવ્યા બાદ તેની પોલીસ કસ્ટડી મળી હતી.”
CBIએ મોબાઇલ કઈ રીતે શોધ્યા?
અત્રે ઉલ્લેખનીય છે કે, તત્કાલીન એડિશનલ કમિશનર કરનાનીને ભગાડવામાં કથિત મદદ બદલ તત્કાલીન આસિસ્ટન્ટ કમિશનર જોહરીની ધરપકડ થઈ છે.
સાબરમતી નદીમાં જોહરીએ કથિતરૂપે જે મોબાઇલ ફોન ફેંકી દીધા હતા, તેને શોધવામાં સીબીઆઈએ સ્થાનિક વહીવટી તંત્રની મદદ લીધી હતી.
નદીમાંથી મોબાઇલ કરી રીતે શોધ્યા એ વિશે પૂછતા અમદાવાદ ફાયર વિભાગના અધિકારી જયેશ ખડિયા બીબીસીને જણાવે છે, “અમને સરકારી નિર્દેશ પ્રાપ્ત થયો હતો. એટલે અમે અમારી એક બૉટ અને કેટલાક ડાઇવર તથા ઉપકરણો પૂરાં પાડ્યાં. સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમ પણ તેમાં જોતરાયેલી હતી.”
“એરિયામાં જવાની પરવાનગી નહોતી અને કોઈ જાણકારી અમારી સાથે શૅર નથી કરવામાં આવી. માત્ર એટલું ખબર છે કે મોબાઇલ શોધી રહ્યા હતા એ બે મોબાઇલ મળ્યા છે.”
“કેસ વિશે વધુ માહિતી નથી, કેમ કે અમારી પાસે માત્ર ટીમ માગવામાં આવી હતી. ઉપરાંત ડિઝાસ્ટર મૅનેજમૅન્ટની ટીમ પણ એમાં સામેલ હતી.”
આ સમગ્ર મામલે વધુ વિગતો માટે બીબીસીએ ગાંધીનગર સીબીઆઈનો સંપર્ક કર્યો હતો. જેમાં તપાસ અધિકારી એડિશનલ એસપી એનઆર મીણા સાથે વાતચીત કરવાની કોશિશ કરી હતી.
પરંતુ તેમની સાથે વાતચીત નથી થઈ શકી. તેમની પ્રતિક્રિયા મળ્યા બાદ અહેવાલમાં સામેલ કરી લેવામાં આવશે.
CBIની એક અન્ય રેડ અને અધિકારીની આત્મહત્યાનો વિવાદ
ગત મહિને સીબીઆઈ દ્વારા રાજકોટની ફોરેન ટ્રેડ કચેરીના જૉઇન્ટ ડાયરેક્ટર જનરલ જાવરીમલ બિશ્નોઈની કથિત લાંચ કેસમાં ધરપકડ કરી હતી.
જોકે, જાવરીમલે તેમની કચેરીના ચોથા માળેથી પડતું મૂક્યું હતું જેને કારણે તેમનું મોત થયું હતું. આખા મામલાને લઈને પરિવારજનો સીબીઆઈ પર ગંભીર આરોપ લગાવ્યો હતો.
અગાઉ 24-03-2023ના રોજ સીબીઆઈએ એક પ્રેસનોટ રિલીઝ કરી હતી તેમાં લખ્યા મુજબ, “જાવરીમલ પર એક ટ્રેડર પાસે 9 લાખની લાંચ માગવાનો આરોપ હતો. જાવરીમલે આ ટ્રેડરના માલની નિકાસ થાય તે માટે એનઓસી આપવાની થતી હતી. પરંતુ તેમણે આ એનઓસી આપવા માટે પહેલાં પાંચ લાખ અને ત્યારબાદ બાકીનો હપ્તો ચૂકવવાની માગ કરી. આ મામલે સીબીઆઈએ ટ્રેપ ગોઠવ્યું અને જાવરીમલ પાંચ લાખની લાંચ લેતા ઝડપાયા. સીબીઆઈએ આ મામલામાં તેમની વધુ પૂછપરછ માટે ધરપકડ કરી છે. તેમને સંદર્ભ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.”
જોકે તેઓ જાવરીમલને સીબીઆઈ કોર્ટમાં રજૂ કરે તે પહેલાં જ મોત થઈ ગયું.