You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાજકોટમાં DGFT અધિકારી બિશ્નોઈની લાંચ, આત્મહત્યા કેસમાં રૂપિયા ભરેલું પોટલું ફેંકવાના વાઇરલ વીડિયો મુદ્દે સીબીઆઈ ચૂપ કેમ છે?
- લેેખક, જય શુક્લ
- પદ, બીબીસી ગુજરાતી
રાજકોટમાં સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન એટલે કે સીબીઆઈ દ્વારા કથિત લાંચ કેસમાં ઝડપાયેલા જાવરીમલ બિશ્નોઈના મોતના કેસમાં અનેક સવાલો ઊઠ્યા છે.
મામલો હવે જ્યુડિશિયલ ઇન્ક્વાયરી સુધી પહોંચ્યો છે. પરંતુ જાવરીમલના પરિવારજનો આરોપ લગાવી રહ્યા છે કે આ એક આત્મહત્યાનો કેસ નથી પણ ખૂન કેસ છે.
આખા મામલામાં પોલીસ કસ્ટોડિયલ ડેથના આ કેસની તપાસ કરી રહી છે પરંતુ સીબીઆઈ મૌન છે.
સીબીઆઈ દ્વારા રાજકોટની ફોરેન ટ્રેડ કચેરીના જૉઇન્ટ ડાયરેક્ટર જનરલ જાવરીમલ બિશ્નોઈની કથિત લાંચ કેસમાં ધરપકડ કરી હતી.
ત્યારબાદ તેમણે તેમની કચેરીના ચોથા માળેથી પડતું મૂક્યું હતું જેને કારણે તેમનું મોત થયું હતું. આખા મામલાને લઈને પરિવારજનો સીબીઆઈ પર ગંભીર આરોપ લગાવી રહ્યા છે.
બીબીસી ગુજરાતી ન્યૂઝે જ્યારે જાવરીમલના ભાઈ સંજય બિશ્નોઈ સાથે વાત કરી તો તેમણે સીબીઆઈ પર તેમના ભાઈની હત્યા કરવાનો આરોપ લગાવ્યો.
સંજય બિશ્નોઈએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં આરોપ મૂક્યો કે “તમે તેનો સર્વિસ રેકર્ડ તપાસો, માણસ એક જ દિવસમાં ભ્રષ્ટ તો નહીં બની શકે. આ લોકોએ ગૅંગ બનાવીને સમજી વિચારીને પ્લાનિંગ સાથે આ બધું કર્યું છે. શા માટે કર્યું તે અમને ખબર નથી. બસ તેમણે અમને એ જ જાણકારી આપી કે હવે તેઓ આ દુનિયામાં નથી.”
સંજય બિશ્નોઈએ એ પણ આરોપ લગાવ્યો કે આ સમજી વિચારીને કરવામાં આવેલું ખૂન છે અને તેમને કાનૂન પર વિશ્વાસ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે માગ કરી કે જે દસ-બાર લોકોએ તેમના પર ત્રાસ ગુજાર્યો છે તેમના પર કલમ 302 અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવે.
હાલ જાવરીમલના રાજકોટસ્થિત પરિવારમાં પત્ની સુમન અને બે બાળકો છે. બાળકોમાં એક પુત્ર અને એક પુત્રી છે.
સીબીઆઈ કેમ મૌન છે?
જ્યારથી જાવરીમલનું મોત થયું છે ત્યારથી આ મામલામાં સીબીઆઈ તરફથી કોઈ બોલવા તૈયાર નથી.
અગાઉ 24-03-2023ના રોજ સીબીઆઈએ એક પ્રેસનોટ રિલીઝ કરી હતી તેમાં લખ્યા મુજબ, “જાવરીમલ પર એક ટ્રેડર પાસે 9 લાખની લાંચ માગવાનો આરોપ હતો. જાવરીમલે આ ટ્રેડરના માલની નિકાસ થાય તે માટે એનઓસી આપવાની થતી હતી. પરંતુ તેમણે આ એનઓસી આપવા માટે પહેલાં પાંચ લાખ અને ત્યારબાદ બાકીનો હપ્તો ચૂકવવાની માગ કરી. આ મામલે સીબીઆઈએ ટ્રેપ ગોઠવ્યું અને જાવરીમલ પાંચ લાખની લાંચ લેતા ઝડપાયા. સીબીઆઈએ આ મામલામાં તેમની વધુ પૂછપરછ માટે ધરપકડ કરી છે. તેમને સંદર્ભ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.”
જોકે તેઓ જાવરીમલને સીબીઆઈ કોર્ટમાં રજૂ કરે તે પહેલાં જ મોત થઈ ગયું.
બિશ્નોઈ સમાજ ગુસ્સામાં
જ્યારે જાવરીમલના પરિવારજનોને ખબર આપવામાં આવી કે જાવરીમલનું રાજકોટની સિવિલ હૉસ્પિટલમાં મોત થયું છે ત્યારે તેમનો પરિવારજનો ત્યાં દોડી આવ્યા હતા.
તેમને આ મામલો સંદિગ્ધ લાગ્યો હોવાથી તેમણે પહેલાં તો જાવરીમલનો મૃતદેહ સ્વીકારવાની ના પાડી. રાજકોટમાં કેટલાક બિશ્નોઈ સમાજના આગેવાનો પણ ત્યાં દોડી આવ્યા અને સિવિલ હૉસ્પિટલ પાસે ધરણા પર બેસી ગયા.
જોકે ત્યાર પછી રાજકોટ પોલીસે આ મામલાની જ્યૂડિશિયલ તપાસની ખાતરી આપી ત્યારે મામલો થાળે પડ્યો અને પરિવારજનોએ જાવરીમલના મૃતદેહને સ્વીકાર્યો.
બિશ્નોઈ સમાજના આગેવાન ઉમેશ બિશ્નોઈએ રાજકોટ ખાતેના બીબીસી ગુજરાતીના સહયોગી બિપિન ટંકારિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, “સનદી અધિકારી આ પ્રકારનું પગલું ન ઉઠાવી શકે. તેમની સાથે નક્કી કંઈ થયું હોવું જોઈએ. તેઓ અમારા સમાજના નીડર અને બાહોશ આઈએએસ અધિકારી હતા. તેઓ આવું કરી શકે તે માનવામાં નથી આવતું. જેઓ આ ઘટના માટે જવાબદાર છે તેની સામે તપાસ થવી જોઈએ. આ કોઈ મોટું ષડ્યંત્ર લાગે છે.”
બિશ્નોઈ સમાજના લોકોએ એ પણ આરોપ લગાવ્યો હતો કે જાવરીમલની કચેરી જ્યાં આવેલી છે તે બિલ્ડિંગમાં તમામ ઑફિસોમાં વિન્ડો એસી લાગેલાં હતાં અને ઘણી જગ્યાએ જાળી પણ હતી, તો પછી તેઓ ચોથા માળેથી કૂદી કેવી રીતે શકે?
જાવરીમલ બિશ્નોઈના ભાઈ સંજય બિશ્નોઈએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે જ્યારે તેમના ભાઈએ ચોથા માળેથી પડતું મૂક્યું ત્યારે સીબીઆઈના અધિકારીઓ ભાગી ગયા.
જોકે ઘટનાનું કવરેજ કરનારા બીબીસીના સહયોગી બિપિન ટંકારિયા કહે છે કે જ્યારે 108 એમ્બ્યુલન્સમાં જાવરીમલને સિવિલ હૉસ્પિટલ લાવવામાં આવ્યા ત્યારે તેમની સાથે એક સીબીઆઈ અધિકારી સાથે હતા. પણ જ્યારે મરણ જનાર અધિકારીના પરિવારજનોને ખબર પડી કે તેમની સાથે સીબીઆઈ અધિકારી છે તો તેઓ તેમને મારવા દોડ્યા. જોકે સમયસૂચકતા વાપરીને પોલીસે તેમને સિવિલ પોલીસચોકીની અંદર બેસાડી દીધા.
પોલીસનું શું કહેવું છે?
રાજકોટ પોલીસના નાયબ પોલીસ કમિશનર સુધીર દેસાઈએ જણાવ્યું હતું કે, “આ એક સફળ ટ્રેપ રેડ હતી. આ સંદર્ભમાં આરોપીની અટકાયત કરીને તેમની પૂછપરછ કરવામાં આવી રહી હતી. પૂછપરછની પ્રક્રિયા તેમની ચેમ્બરમાં જ ચાલુ હતી. આખી રાત આ પ્રક્રિયા ચાલુ હતી અને સવારે આરોપી જાવરીમલ બિશ્નોઈ તેમની ચેમ્બરની બારીમાંથી કૂદી ગયા હતા. તેઓ ઇજાગ્રસ્ત થતા તેમને રાજકોટની સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જ્યાં ડૉક્ટર દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. પોલીસે આ સંદર્ભે અકસ્માતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.”
જ્યારે ઘટના બની ત્યારે રાજકોટ પોલીસે આ મામલો અકસ્માતના ગુના તરીકે નોંધ્યો હતો, પરંતુ જ્યારે પરિવારજનોએ હોબાળો કર્યો અને તેમણે 36 કલાક સુધી મૃતદેહ સ્વીકારવાની ના પાડી ત્યારે મામલો જ્યૂડિશિયલ મૅજિસ્ટ્રેટને સોંપવામાં આવ્યો હતો.
સુધીર દેસાઈએ બીબીસી ગુજરાતી સાથેની ખાસ વાતચીતમાં કહ્યું કે અમે એનએચઆરસીની ગાઇડલાઇન મુજબ આ કસ્ટોડિયલ ડેથની તપાસ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટને સોંપી છે.
સુધીર દેસાઈએ વધુમાં જણાવ્યું કે અમે આ સંદર્ભે સંબંધિત લોકોનાં નિવેદન પણ લીધાં છે. ઘટનાનું પંચનામું પણ કર્યું છે તથા મૃતદેહનું પોસ્ટમૉર્ટમ પણ એફએસએલના અધિકારીઓની હાજરીમાં કરાવ્યું છે. પોલીસે આ ઘટનાક્રમનું વીડિયો રેકૉર્ડિંગ પણ કર્યું છે.
બીબીસી ગુજરાતીએ જ્યારે તેમને પૂછ્યું કે પોલીસ શું માને છે શા માટે જાવરીમલે આત્મહત્યા કરી હશે. તો આ સવાલના જવાબમાં સુધીર દેસાઈએ જણાવ્યું કે તપાસ ચાલુ છે અને પૂર્ણ થાય ત્યારે તેનાં કારણોને સાર્વજનિક કરવામાં આવશે.
જ્યારે બીબીસી ગુજરાતીએ સુધીર દેસાઈને પૂછ્યું કે શું સીબીઆઈ અધિકારીઓની પણ પૂછપરછ કરવામાં આવશે, ત્યારે તેમણે કહ્યું કે બનાવ સીબીઆઈ અધિકારીઓની હાજરીમાં બન્યો છે એટલે તેમનું શું કહેવું હતું તે પણ તપાસનો એક વિષય હશે.
લાંચ કેસનો વીડિયો કેમ વાઇરલ થયો?
બીબીસીના સહયોગી બિપિન ટંકારિયાએ જણાવ્યું કે આ ઘટના બાદ એક વીડિયો પણ વાઇરલ થયો. વીડિયોમાં કેટલીક રોકડ રકમ અને ચાંદીનું પોટલું હોવાનું કહેવાય છે. આ વીડિયોને સોશિયલ મીડિયામાં એ પ્રકારે ખપાવવામાં આવી રહ્યો છે કે તેમાં એક કરોડની રોકડ રકમ અને 900 ગ્રામ ચાંદી છે જે જાવરીમલ બિશ્નોઈના ઘરેથી મળી આવ્યા છે.
બિપિન ટંકારિયા જણાવે છે કે, “વાઇરલ થયેલા આ વીડિયોમાં એ પ્રકારનું નૅરેશન કરાઈ રહ્યું છે કે જાવરીમલનાં પત્ની સુમન આ રકમનું એક પોટલું તેમના રાજકોટ નિવાસ્થાનથી ફેંકી રહ્યાં છે અને નીચે તેમના કોઈ સંબંધી તેને ઝીલી રહ્યા છે અને બાદમાં તે સીબીઆઈના હાથે ચડી જાય છે.”
જોકે બીબીસી આ વીડિયોની પુષ્ટિ કરતું નથી. બીબીસીએ જ્યારે આ અંગે રાજકોટના નાયબ પોલીસ કમિશનર સુધીર દેસાઈને પૂછ્યું તો તેમણે અમને કહ્યું કે આ અમારી તપાસનો વિષય નથી. ભ્રષ્ટાચારનો કોઈ મામલો હોય તો તેની સીબીઆઈ તપાસ કરે છે.
જોકે આ મામલે જ્યારે અમે ગાંધીનગરસ્થિત સીબીઆઈના ડીઆઈજી સુપ્રિયા પાટીલની કચેરીનો ફોન પર સંપર્ક સાધ્યો તો અમને જવાબ મળ્યો કે હાલ કચેરીમાં કોઈ સિનિયર અધિકારી હાજર નથી. જ્યારે અમે પૂછ્યું કે સિનિયર અધિકારી ક્યારે આવશે તો અમને જવાબ મળ્યો કે હાલ સિનિયર અધિકારીઓ ક્યાં ગયા છે તેની તેમને ખબર નથી અને તમે બે દિવસ બાદ કચેરીનો સંપર્ક કરો.
બીજી તરફ મૃતક જાવરીમલના ભાઈ સંજયે બીબીસી ગુજરાતી સાથે આ મામલે વાતચીત કરતા ક્હયું કે, “આ વીડિયો ફેક છે. એવી કોઈ ચીજવસ્તુઓ અમારા ઘરમાંથી મળી નથી. જો આ પ્રકારની વસ્તુઓ સીબીઆઈને અમારા ઘરમાંથી મળી હોય તો તેની જાણ અધિકારીક રીતે કેમ કરવામાં આવતી નથી. કેમ આ પ્રકારના વીડિયો માત્ર મીડિયા અને સોશિયલ મીડિયામાં રિલીઝ કરવામાં આવી રહ્યા છે?”
જાવરમલના પરિવારજનોના વકીલ અભિજિત મિશ્રાએ બીબીસી સાથેની ખાસ વાતચીતમાં સવાલ કર્યો કે, “જો તેમના ક્લાયન્ટના ઘરેથી આટલી મોટી રકમ મળી હોય અને તેનો વીડિયો સીબીઆઈએ બનાવ્યો હોય તો તેઓ આ મામલાની તપાસ કરતા જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટ સમક્ષ કેમ રજૂ નથી કરતા અને સીધા મીડિયામાં કેમ રિલીઝ કરે છે?”
જોકે સાથે સવાલો એ પણ છે કે જે પ્રકારે આ વીડિયો વાઇરલ થઈ રહ્યો છે તો જો તેમાં જરા પણ સત્યતા હોય તો આટલા બધા રૂપિયા આવ્યા ક્યાંથી અને તેની આવકનો સ્રોત કયો?
સીબીઆઈ પર જાવરીમલના પરિવારજનોનો આરોપ
આખા મામલે સીબીઆઈ સામે અનેક સવાલો પણ ઊભા થાય છે. સીબીઆઈ કેમ મૌન છે?
સીબીઆઈ પર જાવરીમલના પરિવારજનોનો આરોપ છે કે તેમને અને તેમનાં પત્ની તથા બાળકોને સીબીઆઈના અધિકારીઓએ ટોર્ચર કર્યાં હતાં.
પરિવારજનોએ એ પણ આરોપ લગાવ્યો કે જો સીબીઆઈ એમ કહેતી હોય કે આ એક સફળ ટ્રેપ હતી તો પછી જાવરીમલની આખી રાત તેમની કચેરીમાં પૂછપરછ કેમ કરવામાં આવી?
સંજય બિશ્નોઈએ એ પણ આરોપ લગાવ્યો કે જ્યારે જાવરીમલની તેમની કચેરીમાં પૂછપરછ ચાલતી હતી ત્યારે કેટલાક અધિકારીઓ રાત્રે તેમના ઘરમાં ઘૂસી ગયા હતા અને તેમનાં પત્ની અને બાળકોને પરેશાન કરતા હતા.
હવે સંજય સવાલ કરતા કહે છે કે જો ઘરમાં તેમને સર્ચ કરવું હોય તો સીબીઆઈ તેમના ભાઈને લઈને ઘરે કેમ ન આવી. તેમની ગેરહાજરીમાં સીબીઆઈના અધિકારીઓ ઘરમાં કેમ ઘૂસ્યા?
જાવરીમલના પરિવારજનોના વકીલ અભિજિત મિશ્રા બીબીસી સાથે વાતમાં જણાવે છે કે એજન્સીએ હજુ અધિકારીક રીતે મામલા અંગેનો જે ગુનો નોંધ્યો તેની એફઆઈઆરની વિગતો કે પછી ચાર્જશીટ ફાઇલ કરી હોય તો તેની વિગતો અમને આપી નથી.
અભિજિત મિશ્રા સીબીઆઈ પર ગંભીર આરોપ લગાવતા કહે છે કે આ તેમના ક્લાયન્ટ સામેનું એક કૉર્પોરેટ તથા રાજકીય મિલીભગતનું ષડયંત્ર છે. અભિજિત મિશ્રા વધુમાં કહે છે કે સીબીઆઈ પોતાને બચાવવા માટે માત્ર મીડિયા ટ્રાયલ ચલાવી રહી છે.
હવે પરિવારજનો ન્યાય માટે ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરશે. જાવરીમલનો મૃતદેહ રાજસ્થાનના બિકાનેર લઈ જવાઈ રહ્યો છે જ્યાં તેમનું વતન છે. મંગળવારે જાવરીમલના અંતિમસંસ્કાર કરવામાં આવશે.