You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાજકોટ : ગટરનું ઢાંકણું ખોલતાં સફાઈકર્મી અંદર પડ્યો, બચાવવા કૉન્ટ્રેક્ટર કૂદ્યો, બંનેનાં મૃત્યુ
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી ગુજરાતી માટે
"મારા પતિ પંઢરપુરમાં સફાઈ કામદાર તરીકે કામ કરતા હતા અને કૅન્સરમાં મૃત્યુ પામ્યા હતા. તેમની જગ્યાએ મારા દીકરાને નોકરી મળવાની હતી પણ એની ઉંમર નાની હોવાથી તેમાં વિલંબ થયો. આ ગુરુવારે જ તે ડૉક્યુમેન્ટ લઈને નોકરી માટે પંઢરપુર જવાનો હતો પણ એ પહેલાં જ મંગળવારે તેના મૃત્યુના સમાચાર આવ્યા."
રાજકોટમાં ગટરમાં ગૂંગળાઈને મૃત્યુ પામેલા 20 વર્ષીય મેહુલ કાલિદાસ મહેડાનાં માતા તનુજાબહેન ચોધાર આંસુએ રડતાં-રડતાં આ વાત કહે છે.
21 માર્ચના દિવસે રાજકોટ શહેરમાં મેહુલ મહેડા અને તેના કૉન્ટ્રેક્ટર અફઝલ પૂપરનાં ગટરમાં ગૂંગળાઈ જવાથી મૃત્યુ થયાં હતાં.
માતાની સંભાળ રાખનારા એક માત્ર પુત્રનું આ રીતે ગટરમાં પડવાથી મૃત્યુ થતાં તનુજાબહેન સફાઈ કામદારોને ગટરમાં ઉતારવાની પ્રવૃત્તિ બંધ કરાવવાની અને કૉન્ટ્રેક્ટ પ્રથા બંધ કરાવવાની માગણી કરી રહ્યાં છે.
સત્તાધીશોનું કહેવું છે કે તેમણે કામ કરવા માટે ગટરમાં ઊતરવાનું નહોતું પણ ઢાંકણું ખોલતી વખતે પગ લપસતાં પહેલાં મેહુલ અને બાદમાં અફઝલભાઈ અંદર પડ્યા હતા અને ગૂંગળાઈ જતાં મૃત્યુ થયાં હતાં.
'બાધાઓ રાખી અને દીકરો થયો, હવે નિરાધાર'
મૃતક મેહુલનાં માતા તનુજાબહેન કહે છે, "અમે મૂળ ગુજરાતી છીએ પણ વર્ષો પહેલાં અમારા વડીલો મહારાષ્ટ્રના પંઢરપુરમાં સ્થાયી થયા હતા. અમારા પરિવારમાં હું, મારા પતિ અને ત્રણ સંતાનો હતાં."
"શરૂઆતમાં મારી બે દીકરીઓ જ હતી. પછી મેં ઘણી બાધાઓ રાખી અને સાત વર્ષની રાહ જોયા બાદ અંતે અમારે ત્યાં પુત્રનો જન્મ થયો. તેના જન્મ બાદ અમે ખુબ ખુશ થયાં, પર્યાપ્ત સંસાધનો વચ્ચે દુખ વેઠીને તેને મોટો કર્યો. જોકે, એ સરખી રીતે પગભર થાય તે પહેલાં જ તેના પિતાનું કૅન્સરના કારણે નિધન થયું હતું."
"તેમના નિધન બાદથી મેહુલ મારો એકમાત્ર આસરો હતો. તેને યોગ્ય કામ મળતું ન હોવાથી તે રાજકોટમાં રહેતી મારી દીકરીને ત્યાં આવી ગયો હતો. સમય જતાં તેણે અમારી જ જ્ઞાતિની યુવતી સાથે ભાગીને પ્રેમલગ્ન કર્યાં. બાદમાં હું પણ રાજકોટ આવી ગઈ અને અમે લોકો અહીં જ રહેતાં હતાં અને છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અન્ય મૃતક અફઝલ પૂપરના સસરા સલીમભાઈ કહે છે, "મારી દીકરીનાં લગ્ન જામનગર ખાતે રહેતાં મારી બહેનના દીકરા સાથે કરાવ્યાં હતાં. તેમના પરિવારમાં બે બાળકો હતાં અને તેઓ રાજકોટમાં ઘર ભાડે રાખીને રહેતાં હતાં.
તેમણે આગળ કહ્યું, "મારા જમાઈ રીક્ષા ચલાવતા હતા અને છેલ્લાં ચાર વર્ષથી તેમણે શ્રમિકો સપ્લાય કરવાનો કૉન્ટ્રેક્ટ લીધો હતો. આમ કરીને તેઓ મહિને સરેરાશ 25 હજાર રૂપિયા કમાતા હતા."
ઘટના બની તે દિવસ વિશે સલીમભાઈ જણાવે છે, "મંગળવારે તેઓ શ્રમિકોને લઈને ગટર સફાઈ માટે ગયા હતા. શ્રમિકો પંપીંગનું કામ કરી રહ્યા હતા. ત્યારે એક શ્રમિકનો પગ લપસતાં તે ગટરમાં પડી ગયો હતો અને તેને બચાવવા માટે અફઝલ પણ કૂદ્યા. જેમાં ગૂંગળામણના કારણે બંનેનાં મૃત્યુ થયાં."
સલીમભાઈ અંતે જણાવે છે, "મારો પૌત્ર 19 વર્ષનો છે અને પૌત્રી આઠમા ધોરણમાં ભણી રહી છે. હવે મારી દીકરીનું શું? એ તો બિચારી નિરાધાર થઈ ગઈ છે."
શું હતી સમગ્ર ઘટના?
21 માર્ચે રાજકોટના વૉર્ડ નંબર-13ના સમ્રાટ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ભૂગર્ભ ગટરની કામગીરી ચાલી રહી હતી. આ કામગીરી અફઝલ પૂપર નામક કૉન્ટ્રેક્ટરને સોંપવામાં આવી હતી.
અફઝલભાઈએ આ કામ માટે રાખેલા શ્રમિકો પૈકી 20 વર્ષીય મેહુલ મહેડા ગટરનું ઢાંકણું ખોલવા જતાં ધૂળ અને પથ્થરના કારણે અંદર પડી ગયા હતા. અંદર ભયાનક દુર્ગંધ અને ગૅસથી ગૂંગળાઈને તે બેભાન થઈ ગયા હતા.
ઘટનાની જાણ જ્યારે ફાયરબ્રિગેડને કરાઈ અને સ્થળ પર પહોંચ્યા તો ગટરમાંથી અફઝલભાઈ અને મેહુલ બંનેને મૃત હાલતમાં બહાર કાઢવામાં આવ્યા હતા.
બંનેના મૃતદેહને સ્થળ પરથી રાજકોટ સિવિલ હૉસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં પોસ્ટમૉર્ટમ બાદ મેહુલના પરિવારજનોએ યોગ્ય વળતર ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાની ના પાડી દીધી હતી.
મેહુલનાં માતા તનુજાબહેનનું કહેવું છે, "મારો દીકરો એકમાત્ર મારો આસરો હતો અને હવે તે જતો રહ્યો છે. હું તો જીવતે જીવ મરી જઈશ. મારી એક જ માગણી છે કે આ કૉન્ટ્રેક્ટ પદ્ધતિ બંધ થવી જોઈએ. ગટરમાં શ્રમિકોને ઉતારવાનું બંધ થવું જોઈએ. ક્યાં સુધી સફાઈ કામદારો તેમના દીકરા ગુમાવશે? મારા દીકરાને ન્યાય મળવો જોઈએ."
મેહુલ ખરેખર ગટરમાં પડ્યા હતા કે ઊતર્યા હતા?
આ ઘટના બાદ શ્રમિકોને લગતા કાયદા અને તેમની સુરક્ષા અંગે ફરી ચર્ચા જાગી છે.
રાજકોટના મ્યુનિસિપલ કમીશનર અમિત અરોરાનું કહેવું છે કે "કૉન્ટ્રેક્ટર અને શ્રમિકો જેટિંગ મશીનથી ગટરની સફાઈ કરી રહ્યા હતા. ગટરનું ઢાંકણું ખોલ્યા બાદ અંદરથી ગૅસ નીકળ્યો અને પગ લપસતાં મેહુલ અંદર પડ્યો હતો. જેને બચાવવા માટે કૉન્ટ્રેક્ટર (અફઝલભાઈ) પણ અંદર કૂદ્યા અને બંનેનાં મૃત્યુ થયાં હતાં.
તનુજાબહેને કૉન્ટ્રેક્ટર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ઘટનાના તપાસ અધિકારી ડીવાયએસપી બી. જે. ચૌધરી કહે છે, "મૃતક મેહુલનાં માતા તનુજાબહેને ઍટ્રોસિટી ઍક્ટ અંતર્ગત કૉન્ટ્રેક્ટર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. અમે ઘટનાસ્થળનું પંચનામું કર્યું છે અને આસપાસના લોકોનાં નિવેદન લીધાં છે. ત્યાં નજીકમાં એક દુકાનના સીસીટીવી ફૂટેજ પણ ચકાસવાની કામગીરી હાથ ધરાઈ રહી છે."
તેમણે આગળ કહ્યું, "આ ફરિયાદમાં આરોપીનું પણ મૃત્યુ થઈ ગયું છે. જેથી તપાસ બાદ જો અન્ય નામ સામે આવશે તો એ પણ ઉમેરવામાં આવશે."
રાજકોટ ઝોન-2ના ડેપ્યુટી પોલીસ કમિશનર સુધીર દેસાઈ આ ઘટનાને ખુબ જ દુખદ ગણાવે છે. તેઓ કહે છે, "ઘટનાની જાણ થતા જ રાત્રે પોલીસ અને મ્યુનિસિપલ કૉર્પોરેશનની ટીમે ભેગા મળીને મૃતકના પરિવારજનોની રજૂઆતો સાંભળી હતી અને તેનું શક્ય નિરાકરણ લાવવાની બાંહેધરી આપી હતી."
તેઓ આગળ કહે છે, "કાયદો અને વ્યવસ્થા જાળવવા અમે હૉસ્પિટલ અને કૉર્પોરેશ કચેરી ખાતે પોલીસ બંદોબસ્ત ખડકી દીધો હતો. હાલ પરિવારજનો અને અધિકારીઓ વચ્ચે ચર્ચા ચાલી રહી છે."
મ્યુનિ. કમીશનર અમિત અરોરા કહે છે, "ગટરનું કામ એક ખાનગી એજન્સીને આપવામાં આવ્યું હતું. આ કેસમાં કૉન્ટ્રેક્ટરનું પણ મૃત્યુ થયું હતું. જેથી સુપ્રીમ કોર્ટની ગાઇડલાઈન મુજબ શ્રમિકના પરિવારને 10 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. મૃતક મેહુલના પરિવારે આવાસની માગણી કરી છે. જે અંગેના નિયમો ચકાસીને જે રીતે બંધબેસતું હશે, તે રીતે મદદ કરવામાં આવશે. જ્યારે નિયમ મુજબ કૉન્ટ્રેક્ટર સહાય મેળવવાપાત્ર નથી અને તેમના પરિવારમાંથી પણ કોઈ સહાયની માગ કરવામાં આવી નથી."
બે વર્ષમાં 11 શ્રમિકોનાં મૃત્યુ
ગુજરાત વિધાનસભાના બજેટસત્ર દરમિયાન 16 માર્ચ 2022ના રોજ અમદાવાદની જમાલપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પૂછેલા પ્રશ્નના લેખિત જવાબમાં મંત્રી ભાનુબહેન બાબરીયાએ જણાવ્યું હતું કે "રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 11 સફાઈ કામદારોનાં મૃત્યુ થયાં હતાં. પ્રત્યેક સફાઈ કામદારના મૃત્યુદીઠ 10 લાખ રૂપિયા તેમના પરિવારજનોને સહાયરૂપે આપવામાં આવ્યા છે."
તેમણે વધુમાં કહ્યું, "સફાઈ કામદારોને ગટરમાં ઊતરીને કામ ન કરવું પડે તે માટે રાજ્યની મહાનગર પાલિકા, નગરપાલિકા અને ગ્રામ પંચાયતોમાં જેટિંગ મશીન્સ, સક્શન મશીન્સ, હાઇડ્રૉલિક ટ્રૉલી, ડ્રેનેજ મશીન જેવાં સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યાં છે. સાથે જ સફાઈ કામદારોને સુરક્ષા માટે બ્રિથિંગ મશીન, હૅલ્મેટ, ગોગલ્સ, હૅન્ડ ગ્લોવ્ઝ જેવાં સાધનો પણ આપવામાં આવે છે."
જોકે, સરકારના આ દાવા સામે વાલ્મીકી સમાજના આગેવાન બટુકભાઈ વાઘેલાને વાંધો છે. તેઓ કહે છે, "સરકાર ખોટા દાવા કરે છે. આ દાવો કર્યો એના ચાર-પાંચ દિવસ પછી જ આ ઘટના બની છે. સુપ્રીમ કોર્ટની ગાઇડલાઈન અનુસાર મશીનથી જ ગટર સાફ કરાવવાની હોય છે પરંતુ તેનું પાલન થતું નથી. શ્રમિકોને સુરક્ષાનાં સાધનો પણ આપવામાં આવતાં નથી."
તેમની માગણી હતી કે મૃતક શ્રમિકના પરિવારમાં તે એકલો કમાનારો હતો. જેથી તેના પરિવારમાંથી એક વ્યક્તિને નોકરી આપવામાં આવે અને સાથે જ ઘર પણ આપવામાં આવે. જે પૈકી સહાયપેટે 10 લાખ રૂપિયા અને પરિવારજનોને મકાન આપવાની બાંહેધરી મળતાં મેહુલના મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો.
આ ઘટના બાદ રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગનાં ઉપાધ્યક્ષ અંજનાબહેન પવાર ગુરુવારે રાજકોટ આવી પહોંચ્યાં હતાં.
તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે આ ઘટના માટે કૉન્ટ્રેક્ટરની સાથેશાથે મૉનિટરિંગ ઑથોરિટી પણ જવાબદાર છે. તેમણે વહીવટી તંત્ર સાથે બેઠક યોજ્યા બાદ મૃતક મેહુલના પરિવારજનોને સહાયનો ચૅક આપ્યો હતો.