પંચમહાલ : યુવતીનો અશ્લીલ વીડિયો બનાવીને વરરાજાને બતાવ્યો, જાન લીલા તોરણે પાછી વળી

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે
  • પંચમહાલમાં યુવતીનો કથિતપણે અશ્લીલ વીડિયો બનાવી, તેમના ભાવિ દુલ્હાને બતાવી નિકાહ તોડાવ્યાનો મામલો સામે આવ્યો
  • આ મામલામાં મહમદ નામના યુવક પર ‘ગરીબ ઘરની દીકરી’ પર કથિતપણે બળાત્કાર ગુજારી, તેના નિકાહના દિવસે જ વીડિયો ભાવિ દુલ્હા સુધી પહોંચાડવાના આરોપ લાગ્યો છે
  • આખરે કેવી રીતે આરોપીએ કથિતપણે રુખસાનાને પોતાનો શિકાર બનાવ્યાં?
  • સમગ્ર મામલો કેવી રીતે સામે આવ્યો અને કઈ રીતે આરોપીની ધરપકડ કરાઈ, વાંચો થ્રિલિંગ અહેવાલમાં

ગુજરાતના પંચમહાલ જિલ્લામાં એક મકાનમાં પાછલા 15 દિવસથી નિકાહનો સામાન વિખેરાયેલો પડ્યો છે.

આ ઘરનું વાતાવરણ જોઈને ભાગ્યે જ કોઈ કહી શકે કે અહીં અમુક સમય પહેલાં નિકાહ પઢાવાના હતા.

ઘરમાં બધાનાં મોઢાં પડેલાં જોવા મળી રહ્યાં હતાં, ઘરમાં જાણે ચારેકોર ગમગીની છવાયેલી હતી. ઘરમાં આ ગમગીન માહોલનું કારણ હતો એક વીડિયો.

ઘરની દીકરી રુખસાના (નામ બદલેલ છે)નો કથિતપણે અશ્લીલ વીડિયો તેમના ભાવિ દુલ્હાને બતાવી એક યુવકે જાન પાછી જાય એ સુનિશ્ચિત કરવાનું કાવતરું ઘડ્યું હતું, જે અંતે સફળ પણ થયું હતું. અને રુખસાનાના નિકાહ પઢાવાના હતાં એ જ દિવસે તેમના ભાવિ દુલ્હાએ નિકાહ માટે ના પાડી દીધી અને જાન પાછી ગઈ.

આ બનાવ બાદથી જ ભરતગૂંથણ કામમાં પાવરધાં એવાં રુખસાના અને ચાની લારી ચલાવતા તેમના પિતા સહિત સમગ્ર પરિવાર જાણે આઘાતમાં છે. આ સમગ્ર ઘટના અંગે માહિતી મળ્યા બાદ પોલીસને મહામહેનતે આ આરોપી મહમદ મિસ્ત્રીની પકડવામાં સફળતા મળી છે.

આખરે કેવી રીતે સમગ્ર મામલો સામે આવ્યો અને આરોપી સુધી કેવી રીતે પહોંચી પોલીસ?

અચાનક રુખસાનાએ કામ પર જવાનું બંધ કરી દીધું

આગળ જણાવ્યું એમ ભરતગૂંથણ કામમાં માહેર રુખસાના ગોધરામાં જ તેમના જ સમાજની એક મોભાદાર વ્યક્તિને ત્યાં કામે જતાં હતાં. રુખસાનાના પિતા ફરહાનભાઈ મિસ્ત્રી (નામ બદલેલ છે)એ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં પોતાના ઘરની આર્થિક સ્થિતિ અત્યંત નબળી હોવાની વાત જણાવી હતી.

બે દીકરી અને એક પુત્રના પિતા ફરહાનભાઈ કહે છે કે, “ઘરની આર્થિક સ્થિતિ નબળી હોઈ દીકરી રુખસાના પણ ટેકો થાય એ માટે કામે જતી. અમે તેનો નિકાહ વડોદરામાં અમારી જ જ્ઞાતિના એક યુવક સાથે નક્કી કર્યો હતો. ઘરમાં ખુશીનો માહોલ હતો પરંતુ બધું ખરાબ થઈ ગયું.”

તેઓ આગળ વાત કરતાં જણાવે છે કે, “નિકાહ અગાઉ અચાનક જ રુખસાનાએ કામે જવાનું બંધ કરી દીધું. તે ખૂબ ઉદાસ લાગતી. જ્યારે કારણ પૂછતા ત્યારે તે તબિયત ખરાબ હોવાનું કહેતી. આ નિકાહ માટે અમે માંડમાંડ બચત કરી હતી, પરંતુ નિકાહ થઈ જ ન શક્યો.”

જાન પાછી ગઈ

રુખસાનાના બનેવી સૈફુદ્દીન મિસ્ત્રીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં સમગ્ર ઘટના અંગે વિગતવાર વાત કરી હતી.

તેમણે કહ્યું હતું કે, “નિકાહ માટે બધી તૈયારી થઈ ગઈ હતી. બધી ખરીદી પણ થઈ ગઈ હતી. પરંતુ અચાનક રુખસાના ઉદાસ રહેવા લાગી અને એક રૂમમાં પુરાઈને રહેવા લાગી.”

“આખરે નિકાહનો દિવસ આવ્યો. અમારાં બધાં સગાં પણ પ્રસંગમાં હાજરી આપવા આવી ગયેલાં. રંગચંગે બરાત પણ છેક ઘર સુધી આવી ગઈ હતી. અમે બરાતનું સ્વાગત કરવા આગળ ગયા, ત્યાં તો દુલ્હાએ આરોપ મૂક્યો કે અમે દગો કર્યો છે તેથી તે નિકાહ નહીં કરે.”

ઘરઆંગણે બરાત સાથે ઘરે પહોંચેલા દુલ્હાએ જ્યારે આ વાત કરી ત્યારે બધા આશ્ચર્યચકિત થઈ ગયા.

રુખસાનાના બનેવી અને અન્ય લોકોએ જ્યારે કારણે પૂછ્યું તો તેમને દુલ્હાએ પોતાના વીડિયોમાં રુખસાનાનો કથિત અશ્લીલ વીડિયો બતાવ્યો અને આખરે બરાત પાછી ફરી.

‘ઓળખીતી વ્યક્તિએ જ બળજબરી કરી વીડિયો બનાવી લીધો’

રુખસાનાના બનેવીએ એ દિવસે બનેલી ઘટનાઓ અંગે વધુ જણાવતાં કહ્યું કે, “અમે રુખસાનાને જ્યારે આ વીડિયો અને તેની હકીકત બાબતે પૂછપરછ કરી ત્યારે સત્ય બહાર આવ્યું.”

સૈફુદીન ઉમેરે છે, “રુખસાના જ્યાં કામ કરતી ત્યાં વેપારીનો દીકરો મહમદ મિસ્ત્રી તેને વધુ પૈસા આપી ઓવરટાઇમ કરાવતો. શરૂઆતમાં તેની સાથે અન્ય વ્યક્તિઓ પણ કામ કરતી. પરંતુ પાછળથી તેને એકલીને જ ઓવરટાઇમ કરાવતો. રુખસાનાને આ બાબતે શંકા ન ગઈ કારણ કે તે વ્યક્તિ અમારી જ જ્ઞાતિની હતી. તેને તેનો ઇરાદો સારો હોવાનું લાગ્યું હતું.”

“એક દિવસ આવી જ રીતે તકનો લાભ લઈ વેપારીના દીકરાએ તેના પર બળાત્કાર ગુજાર્યો અને તેનો વીડિયો બનાવી લીધો.”

રુખસાનાના બનેવી આગળ જણાવે છે કે, “તે અવારનવાર રુખસાનાને વીડિયો વાઇરલ કરવાની ધમકી આપતો પરંતુ રુખસાના જ્યારે તેના તાબે ન થઈ ત્યારે તેણે વીડિયો વાઇરલ કરીને નિકાહ તોડાવવાની ધમકી આપી. રુખસાનાએ આ અંગે ઘરે કોઈને વાત નહોતી કરી. અંતે ધમકીઓ સાચી ઠરી અને મહમદે વીડિયો દુલ્હાને મોકલી આપ્યો.”

આ બાબતે ગોધરા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવાઈ છે.

‘મહમદને પૈસા લેવા બોલાવ્યો અને પકડી લીધો’

ગોધરા બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એમ. સંગાડાના જણાવ્યા અનુસાર એ ‘ગરીબ પરિવારની દીકરી’ના નિકાહ તોડાવવા માટે કથિતપણે અશ્લીલ વીડિયો વાઇરલ કરાયાની ઘટના સામે આવતાં પોલીસ પણ હરકતમાં આવી હતી.

ઇન્સ્પેક્ટર આર. એમ. સંગાડાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં આરોપીને ઝડપવા માટે કરેલા પ્રયાસોની વાત કરી હતી.

તેમણે કહ્યું, “અમને જ્યારે ફરિયાદ મળી ત્યારે છોકરી ટ્રોમામાં હતી. ફરિયાદના આધારે અમે જ્યારે આરોપીના ઘરે ગયા તો તે પણ નાસી છૂટ્યો હતો. તેથી તેની શોધ માટે પોલીસે ખૂબ મહેનત કરવી પડી.”

પોલીસ ઇન્સ્પેક્ટર આર. એમ. સંગાડાએ આરોપી મહમદની ધરપકડ માટે અપનાવેલી વ્યૂહરચના અંગે વાત કરતાં કહ્યું :

“મહમદનો પરિવાર તપાસમાં સહયોગ આપી રહ્યો હતો પરંતુ તે ક્યાં તેની ખબર ન હોવાની વાત કરી રહ્યો હતો. અને તેનો મોબાઇલ પણ બંધ હતો. તેનો ગયા અઠવાડિયા સુધી કોઈ પત્તો નહોતો મળ્યો. જોકે અમે એના નજીકના માણસો પર વૉચ ગોઠવેલી હતી. જેમાં ખબર પડી કે તે તેનાં સગાંના સંપર્કમાં છે, પરંતુ પોતાનાં સીમકાર્ડ અવારનવાર બદલી રહ્યો છે. જેથી તેને પકડવું મુશ્કેલ બની ગયું હતું.”

પોલીસ ઇન્સ્પેક્ટર સંગાડા તપાસની વિગતો આપતાં આગળ જણાવે છે કે, “અમને તપાસમાં જણાયું કે આરોપીના એક સગાએ ચાર જુદાજુદા નંબર પર પૈસા મોકલ્યા હતા. તપાસ પરથી ખબર પડી કે એ તમામ નંબરો મહમદના નામે હતા અને તમામનું લોકેશન પણ સમાન જ હતું.”

“અમે આ સગા પર નજર રાખી અને જ્યારે પાંચમી વખત પૈસા મોકલાવવા માટેનું કહેવા મહમદનો ફોન આવ્યો તો અમે તેને ગોધરા હાઇવે બોલાવી લીધો. જ્યાંથી અમે તેની ધરપકડ કરી.”

પોલીસ અધિકારીએ આપેલી માહિતી અનુસાર આરોપી પાસેથી રુખસાના સિવાય અન્ય બે છોકરીઓના પણ અશ્લીલ વીડિયો મળી આવ્યા છે.

રુખસાના સાથે બનેલ ઘટના બાદ તેઓ સરકારી ડૉક્ટર પાસે કાઉન્સેલિંગ મેળવી રહ્યાં છે.