મહેસાણા જિલ્લાના ખેડૂત જે અળસિયાં વેચી વર્ષે કમાય છે લાખો રૂપિયા

    • લેેખક, સંજય દવે
    • પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે

“પહેલાં હું મારા બાપુજી પર ઘણો ગુસ્સે થતો. તેઓ ખેતીમાં જે નવી રીતો અજમાવી રહ્યા હતા તેના કારણે બે વર્ષથી અમારા ખેતરમાં ઘઉંનું ઉત્પાદન ઘટ્યું હતું. પરંતુ પાછલાં પાચ વર્ષથી આ રીતોને કારણે જ અમને બમ્પર લાભ મળવાનું શરૂ થયું છે. હવે અમને માત્ર પોણા વીઘામાં 30-35 મણ ઘઉંનું ઉત્પાદન મળે છે.”

મહેસાણાના વડગામ તાલુકાના નવાપુરા (સુંઢીયા) ગામના ખેડૂત જેણાજી ઠાકોરના પુત્ર જિતુજી તેમના પિતાના ખેતીક્ષેત્રે આદરેલા નવીન પ્રયાસોને કારણે આવકમાં થયેલા વધારા અને બમ્પર ઉત્પાદનને બિરદાવતાં હર્ષભેર ઉપરોક્ત વાત જણાવે છે.

નિશાળનો ઉંબરોય ન ચઢી શકેલા 60 વર્ષીય જેણાજી ઠાકોર પણ વર્ષ 2014 પહેલાં પરંપરાગત ઢબે જ ખેતી કરતા. પરંતુ એક દિવસ તેમના એક વિચારને કારણે તેમણે ખેતીમાં એવો બદલાવ લાવ્યો કે હવે તેઓ પોતાની અઢી વીઘા જમીનમાંથી બમ્પર ઉત્પાદન મેળવી તેમજ અન્ય પેદાશો થકી લાખો રૂપિયા કમાઈ રહ્યા છે.

નાનકડી જમીનમાં ખેતપેદાશ થકી આવક વધારવા ખર્ચમાં ઘટાડો કરવાના હેતુસર જેણાજી ઠાકોરે અળસિયા ખાતરનું ઉત્પાદન કરી તેનું વેચાણ કરી કમાણી કરવાનો અલગ માર્ગ પણ અપનાવ્યો.

જે તેમના માટે એક જીવન બદલી નાખનાર નિર્ણય સાબિત થયો. હવે નાનકડા ખેતરના માલિક જેણાજી ખેતી માટે ઉપયોગી અળસિયાં વેચીને જ દર વર્ષે લાખો રૂપિયા કમાઈ લે છે.

આટલું જ નહીં 13 સભ્યોનો બહોળો પરિવાર ધરાવતા આ ખેડૂતે અળસિયાં વેચાણ અને પ્રાકૃતિક ખેતી થકી ઓછા ખર્ચે વધુ લાભ આપતી પેદાશો મેળવીને પોતાનું પાકું ઘર અને દુકાન પણ બાંધી લીધી છે.

ઉપરાંત અળસિયાંની કમાણી વડે તેમણે એક લાખ રૂપિયાના મસમોટા દેવાથી પણ છુટકારો મેળવ્યો છે.

જાણો, અળસિયાં વેચાણ અને પ્રાકૃતિક ખેતી જેવી નવી પહેલને કારણે જેણાજીએ પોતાનું અને પરિવારનું જીવન કઈ રીતે બદલી નાખ્યું?

અળસિયા ખાતરનું ઉત્પાદન કરી વેચાણ શરૂ કર્યું

જેણાજી ખેતીમાં કંઈક નવું કરવાની પ્રેરણા અંગે વાત કરતા કહે છે કે, “એક વખત ટીવી પર એક કાર્યક્રમમાં મેં રાસાયણિક ખેતીના નુકસાન અને પ્રાકૃતિક ખેતીનાં લાભો અને તેની અસરો વિશે જાણ્યું, ત્યારથી મને આ વાત અમલમાં મૂકવાની ધૂન ચઢી અને મેં નિશ્ચય કર્યો કે હું ક્યારેય કોઈ પણ પ્રકારનાં રસાયણો નહીં વાપરું.”

જેણાજીએ ખેતઉત્પાદન વધારવાના ઉપાયો કરવાના ભાગરૂપે જ વર્ષ 2015-16માં અળસિયા ખાતર બનાવીને તેનો ઉપયોગ કરવાનું પણ ચાલુ કર્યું હતું.

અળસિયા ખાતરનાં સારાં પરિણામો લોકો સુધી પહોંચે એ હેતુથી તેમણે અળસિયા ખાતરનું વધુ ઉત્પાદન કરવાનું ઠરાવ્યું.

તેમના આ ખાતરની આસપાસનાં ગામોમાં ભારે માગ પેદા થવા લાગી.

તેનાથી થતી આવકની વાત કરીએ તો જેણાજીએ છેલ્લા છ મહિનામાં જ છ રૂપિયે કિલોના ભાવે 13 હજાર 300 કિલો અળસિયા ખાતર (વર્મી કમ્પોસ્ટ) વેચીને કુલ 79 હજાર 800 રૂપિયાની આવક રળી છે તે ખરેખર નોંધનીય છે.

તેમને દર વર્ષે અળસિયા ખાતરની ઓછામાં ઓછી એક લાખ 35 હજાર રૂપિયાની આવક થાય છે.

અળસિયાંના વેચાણમાંથી તેમને વર્ષે કુલ 10 હજાર રૂપિયાની આવક થાય છે. આમ તેઓ અળસિયા ઉછેરથી જ તેમને વર્ષે એક લાખ 45 હજાર રૂપિયાની આવક થઈ જાય છે.

અળસિયા ખાતર અને તેની અન્ય પેદાશો બનાવીને વેચવાની સફળતાને કારણે તેમને આજે ગામના લોકો ‘વર્મી ખાતરવાળા ખેડૂત’ તરીકે આદરથી બોલાવે છે.

જેણાજી કહે છે, “પહેલાં મારા ઘરમાંથી કોઈ મારી સાથે કામ કરવા તૈયાર નહોતું. અન્ય ખેડૂતો પણ મને હતોત્સાહિત કરતા. મને પણ મૂંઝવણ તો હતી, પરંતુ ડેવલપમૅન્ટ સપૉર્ટ સેન્ટર નામની સંસ્થાએ સજીવ ખેતીને લગતાં તાલીમ-માર્ગદર્શન આપ્યાં તેથી સજીવ ખેતીમાં ટકી રહેવાની મારી હિમ્મત વધી.”

નવાપુરા (સુંઢિયા) ગામના અન્ય એક ખેડૂત રમેશજી જશવંતજી ઠાકોર કહે છે, “જેણાજી ખૂબ મહેનતુ છે. હું તેમની પાસેથી કાયમ અળસિયા ખાતર અને જીવામૃત લાવું છું. તેમનું જોઈને જ હું મારા ખેતરમાં એ બધું નાખતો થયો છું. મેં પણ હવે મારી પાંચ વીઘા જમીનમાં રાસાયણિક ખાતર-દવાનો વપરાશ ઓછો કર્યો છે.”

અળસિયા ખાતરના વેચાણ, પ્રાકૃતિક ખેતીના કારણે ઉત્પાદનમાં થયેલ વધારા થકી તેઓ હાલ વિવિધ પાક અને પેદાશો વેચીને સારી એવી કમાણી કરી રહ્યા છે.

સૌપ્રથમ તો અગાઉ પાકમાં નાખવા પડતાં મોંઘાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના ખર્ચથી તેમને છુટકારો મળ્યો.

પોતાની જમીનના અમુક ભાગ પર કપાસનું વાવેતર કરીને પાક લેવા માટે અગાઉ તેમને લગભગ પાંચ હજાર રૂપિયા રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓમાં ખર્ચાઈ જતા.

હવે તેમની જમીનમાં પોણા વીઘામાં વાવેલા કપાસથી તેમને 15 હજાર રૂપિયાની ચોખ્ખી આવક થઈ હતી. જેમાંથી અગાઉ ખાતરનો ખર્ચ બાદ કરવો પડતો. પરંતુ આ હવે તેની બચત થાય છે.

આ સિવાય તેમણે વર્ષ 2021માં પોણા વીઘા જમીનમાં દસ મણ ઉનાળુ મગનો પાક મેળવ્યો હતો. નોંધનીય છે કે અગાઉ કરતાં આ ઉત્પાદન બમણું થયું છે.

આ સિવાય ચોમાસુ કપાસમાંથી 12 હજાર અને એરંડો વાવીને 15 હજાર રૂપિયાની આવક મેળવી.

જો વર્ષ 2022ની વાત કરીએ તો તેમણે 20 મણ કપાસ 1,500ના ભાવે વેચીને 30 હજાર રૂપિયાની આવક રળી હતી.

તેમજ નવ ગુંઠા જમીન પર 15 મણ ઘઉંનો પાક લીધો હતો.

તેમજ દસ ગુંઠા જમીનમાં પાછલાં કેટલાંક વર્ષોથી તેઓ બીટ, રિંગણ, ફુલેવર, ડુંગળીનું કુલ 30 મણ ઉત્પાદન કરીને સાત હજાર રૂપિયા અને ખેતરમાં થતા પપૈયાના ઉત્પાદન થકી આઠ હજાર રૂપિયાની આવક મેળવી હતી.

શાકભાજીનાં બિયારણની સાથોસાથ તેઓ તૈયાર ધરુ વેચીને પણ આવક રળે છે.

આ સિવાય જેણાજીએ પોતાને ત્યાં બાયૉગૅસ પ્લાન્ટ પણ બનાવ્યો છે. જેના વડે તેમના ઘરનું રસોડું ચાલે છે. આ સિવાય તેઓ બાયોગૅસ પ્લાન્ટમાંથી નીકળતી ગોબરની સ્લરી વેચીને પણ પૈસા કમાય છે.

માત્ર આવક રળવા સિવાય જેણાજી જાગૃતિ ફેલાવવાનું પણ કામ કરી રહ્યા છે.

અત્યાર સુધી તેમના આ પ્રયત્નો અને સફળતાનાં ઉદાહરણો જોવા માટે લગભગ 1,200 ખેડૂતો મુલાકાત લઈ ચૂક્યા છે.

ઉપર જણાવ્યા મુજબના અલગ અલગ પાકો અને અલગ અલગ પેદાશોના ઉત્પાદન થકી જેણાજી પોતાની માત્ર અઢી વીઘાની જમીનમાં પ્રાકૃતિક ખેતીના બળે વર્ષે કુલ 2.60 લાખ રૂપિયાથી વધુ આવક મેળવતા થયા છે.

“નુકસાનવાળી આવી ગાંડી ખેતી ન કરાય, આ બંધ કરો”

પરંતુ પ્રાકૃતિક ખેતી કરવાનો આ બદલાવ લાગુ કરવાની સાથે જ તેમને બમ્પર ઉત્પાદન મળવાનું અને લાખો રૂપિયાની કમાણી થવાનું શરૂ નહોતું થયું.

ઉપરથી શરૂઆતમાં તો ઉત્પાદન ઘટી ગયું. પરંતુ દૃઢ નિર્ધાર કરીને બેઠેલા જેણાજીએ પોતાનો નિર્ણય ન બદલ્યો અને ઓછી જમીનમાં ઓછા ખર્ચે વધુ પાક અને પરિણામે વધુ આવક મેળવવાના પોતાના ધ્યેયને પ્રાપ્ત કરવાના માર્ગ પર ચાલતા રહ્યા.

ઉપર વાત કરી એમ જેણાજીએ સજીવ ખેતી અપનાવવાની શરૂઆત કરી તે અગાઉ તેમની જમીન પર 30-35 મણ ઘઉં થતા. જે ઉત્પાદન શરૂઆતમાં સજીવ ખેતી અપનાવ્યા બાદ દસ મણ જેટલું થઈ ગયું. આવું બે વર્ષ સુધી ચાલ્યું.

જેણાજીના દીકરા જિતુજી પણ તેમની સાથે જ ખેતી કરતાં. તેઓ કહે છે કે તેઓ તેમના બાપુજી દ્વારા ખેતીની આ નવીન રીત અપનાવવાને લઈને થઈ રહેલા નુકસાનથી ખૂબ ગુસ્સે થઈ જતા.

જિતુજી કહે છે કે, “મને પહેલાં આ બધું નહોતું ગમતું, ઓછું ઉત્પાદન જોઈને મેં તો તેમને કહેલું પણ ખરું કે આવી ગાંડી ખેતી ન કરાય, આ બધું બંધ કરો.”

2015થી ખેતીમાં કર્યો આ બદલાવ

ખેડૂતો આર્થિક રીતે પગભર થાય અને તેમનું જીવનધોરણ ઊંચું આવે તે માટે, તેમની મર્યાદિત જમીનમાંથી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવું જરૂરી છે. આવી સ્થિતિમાં કુદરતી કે જૈવિક ખાતર એક મજબૂત વિકલ્પ બની રહે છે.

આ વાતને ગુજરાતના કેટલાક ખેડૂતોએ બહુ સારી રીતે પચાવી જાણી છે. જેણાજી આ પૈકી એક છે.

જેણાજી ન માત્ર રાસાયણિક ખાતરને જાકારો આપ્યો પરંતુ તેમણે અળસિયા અને છાણિયા ખાતર જેવા વિકલ્પો થકી પોતાની આવકમાં મસમોટો વધારો કરી બતાવ્યો.

2015ની ખરીફ (ચોમાસુ) સિઝનથી તેમણે રસાયણો વાપર્યાં વગર જ ખેતી કરવાનું નક્કી કર્યું અને તે સિઝનથી જ આગળ પણ તેનો અમલ કરવાની પણ શરૂઆત કરી.

પ્રાકૃતિક ખેતી અને અન્ય નવીન રીતો દ્વારા જેણાજીની આવકમાં થયેલા વધારા અને જીવનના હકારાત્મક બદલાવોને કારણે બીજા અનેક ખેડૂતો પણ જેણાજીની પહેલ પરથી પ્રેરણા મેળવીને પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે.

નવાપુરા (સુંઢિયા)ના ખેડૂત જયેશજી પ્રેમાજી કહે છે, “હું જેણાજી પાસેથી વર્મી કમ્પોસ્ટ અને શાકભાજીનાં બિયારણ ખરીદીને લાવું છું. તેના ઉપયોગથી ખેતીમાં મને પણ ફાયદો થશે એવો મને વિશ્વાસ છે.”

પ્રેરણાદાયી ખેડૂત જેણાજી ઠાકોર હવે પોતાના ઘરના ધાબે ખેતી કરવાનું આયોજન કરી રહ્યા છે.

મહેસાણા જિલ્લાના વડનગર તાલુકામાં અળસિયા ખાતરનું વેચાણ કરનારા તેઓ એક નોંધપાત્ર ખેડૂત બન્યા છે.

રાજ્ય સરકારની ઍગ્રિકલ્ચરલ ટેકનૉલૉજી મૅનેજમૅન્ટ એજન્સી (આત્મા)દ્વારા જેણાજીને પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે નવો માર્ગ કંડારવાની કદરરૂપે વર્ષ 2019-20ના વડનગર તાલુકાના બેસ્ટ ફાર્મર ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

રૂ. 10,000 નો આ પુરસ્કાર તેમને વર્મી કમ્પોસ્ટ અને પ્રાકૃતિક ખેતીની સરાહનીય કામગીરી માટે એનાયત થયો છે.

આત્માના આસિસ્ટન્ટ ટેકનૉલૉજી મેનેજર પ્રવીણસિંહ આર.ચાવડા કહે છે કે, “તેમનું ખેતર એક મૉડલ ફાર્મ તરીકે સામે આવ્યું છે. અમે ખેડૂતોને તેમને ત્યાં શીખવા લઈ જઈએ છીએ. બીજા ખેડૂતો જ્યારે પ્રાકૃતિક ખેતી અપનાવતા વિચારે છે ત્યારે જેણાજીએ પ્રાકૃતિક ખેતી વર્ષો પહેલાં શરૂ કરીને છોડી નથી.”

હવે વધુને વધુ ખેડૂતો સજીવ ખેતી કરીને ખેતીનો ખર્ચ ઘટાડે તથા રાસાયણિક દવા-ખાતરથી થતા નુકસાનથી બચે એવી જેણાજીની ભાવના છે.

સંપૂર્ણપણે સજીવ ખેતી અપનાવીને પણ સમૃદ્ધિના પંથે આગળ વધી શકાય એ તેમણે તેમના પરિશ્રમથી સાબિત કરી બતાવ્યું છે.

રાસાયણિક ખાતરના ઉપયોગ સાથે જોડાયેલાં ભયસ્થાનો

ખેતીમાં જીવજંતુઓને કારણે થતા નુકસાનના એક અભ્યાસ અનુસાર ખેતીમાં હાનિકારક જીવજંતુ અને જીવાતના ઉપદ્રવને કારણે કુલ વાર્ષિક ખાદ્ય ઉત્પાદનના આશરે 42 ટકા ઉત્પાદનને નુકસાન થાય છે એવો એક અંદાજ છે.

તેથી, જીવાતોનો સામનો કરવા અને પાકનું ઉત્પાદન વધારવા માટે જંતુનાશકોનો ઉપયોગ કરીને અસરકારક જીવાત-નિયંત્રણ કરવું ખેડૂતો માટે અત્યંત જરૂરી બની જતું હોય છે.

જોકે, પાછલા પાંચ દાયકામાં, રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનાં ઉત્પાદન અને ઉપયોગમાં નોંધપાત્ર વધારો થયો છે, જે ઘણીવાર માનવ-આરોગ્ય અને પર્યાવરણ પર ગંભીર અસરો કરે છે.

જો કૃષિ વૈજ્ઞાનિકોની સલાહ અંગે વાત કરાવામાં આવે તો રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના બેફામ ઉપયોગને કારણે લાંબા ગાળે જમીનની ફળદ્રુપતા પર પણ અસર થતી જોવા મળે છે.

હાલમાં, સમગ્ર વિશ્વમાં આશરે 20 લાખ ટન જંતુનાશકોનો ઉપયોગ થાય છે.

વિશ્વના ટોચના દસ જંતુનાશકોનો વપરાશ કરતા દેશોમાં ચીન, યુએસએ, આર્જેન્ટિના, થાઇલૅન્ડ, બ્રાઝિલ, ઇટાલી, ફ્રાન્સ, કૅનેડા, જાપાન અને ભારતનો સમાવેશ થાય છે.

એક અંદાજએવો છે કે, આગામી વર્ષોમાં વૈશ્વિક જંતુનાશકોનો વપરાશ વધીને આશરે 35 લાખ ટન થઈ જશે.

‘વિશ્વ આરોગ્ય સંગઠન’ અને ‘યુએન ઍન્વાયર્નમૅન્ટ પ્રોગ્રામ’ના એક અંદાજ મુજબ, વિકાસશીલ દેશોમાં 30 લાખ ખેતમજૂરો દર વર્ષે જંતુનાશકોના ગંભીર ઝેરનો અનુભવ કરે છે, જેના પરિણામે વિકાસશીલ દેશોમાં 18,000 લોકોનાં મૃત્યુ થાય છે.

‘બીએમસી (બાયો મેડ સેન્ટ્રલ) પબ્લિક હેલ્થ’ દ્વારા પ્રકાશિતએક વૈશ્વિક અભ્યાસમુજબ, ભારતમાં દર વર્ષે લગભગ 6,600 લોકો જંતુનાશકોની ઝેરી અસરના કારણે મૃત્યુ પામે છે.

એક અભ્યાસ મુજબ વિવિધ જંતુનાશકો સીધી કે આડકતરી રીતે હવા, પાણી, માટી અને એકંદર ઇકૉસિસ્ટમને પ્રદૂષિત કરે છે, જે જીવસૃષ્ટિ માટે ગંભીર જોખમનું કારણ બને છે. દેશના 75 ટકા નાના ખેડૂતોને રાસાયણિક ખાતર ખરીદવાનું પરવડતું નથી.

કૃષિ-વિજ્ઞાનીઓના મતે, જમીનમાં અપાતા યુરિયામાંથી છોડ 28-૩૦ ટકા નાઇટ્રોજન અને 15-16 ટકા ફોસ્ફરસ જ વાપરી શકે છે.

બાકીના ભાગના રાસાયણિક ખાતરનું ધોવાણ થાય છે. વળી, આપણા દેશના 75 ટકા ખેડૂતો નાના અને સીમાંત ખેડૂતો છે.

આ ખેડૂતોને, ભલામણ કરેલી માત્રામાં રાસાયણિક ખાતર ખરીદવાનું પોસાય તેમ જ નથી.

તેથી આવા ખેડૂતોને પોતાના પાકનું મહત્તમ ઉત્પાદન મેળવવા માટે રાસાયણિક ખાતરને બદલે વૈકલ્પિક ખાતર વાપર્યા વગર છૂટકો નથી.