You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બિલકીસબાનો કેસ : દોષિતોની સજામાફી મામલે સુપ્રીમની ગુજરાત અને કેન્દ્ર સરકારને નોટિસ
બિલકીસબાનો સામૂહિક દુષ્કર્મ કેસના 11 દોષિતોની સજામાફીને પડકારતી અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને નોટિસ પાઠવી છે.
બે જજોની ખંડપીઠે નોંધ્યું છે કે દોષિતોએ આચરેલ ગુનો જઘન્ય છે અને તેમાં લાગણીઓથી અભિભૂત થઈ શકાય નહીં.
સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ કે. એમ. જોસેફ અને જસ્ટિસ બી. વી. નાગરત્નાની બૅન્ચે આ મામલે સુનાવણી હાથ ધરી હતી.
સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે દોષિતોએ આચરેલું કૃત્યુ જઘન્ય છે અને આ મામલે લાગણીવશ થઈને નિર્ણય લઈ શકાય નહીં.
આ સાથે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને સજામાફીની નીતિ અંગેની ફાઇલો સાથે 18 એપ્રિલે તૈયાર રહેવાનું કહ્યું છે.
વર્ષ 2002માં ગોધરામાં રમખાણો દરમિયાન બિલકિસબાનો પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને તેમના ગર્ભમાં રહેલા બાળક સહિત પરિવારના સભ્યોની પણ હત્યા કરવામાં આવી હતી.
બિલકીસબાનો કેસ મામલે સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
બીબીસીના સહયોગી સુચિત્ર મોહંતીના જણાવ્યા અનુસાર, સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકાર પાસે એવા કેસોની પણ વિગતો માગી છે, જેમાં આ સજામાફીની નીતિનો ઉપયોગ કરવામાં આવ્યો હોય.
સુપ્રીમ કોર્ટે કહ્યું, "એમાં કોઈ શંકા નથી કે આ એક જઘન્ય કૃત્ય છે. શું રાજ્ય પાસે પૉલિસી છે? કારણ કે એવા ઘણા લોકો જેલોમાં છે જે હત્યા માટે સજા ભોગવી રહ્યા છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અરજદારો પૈકીના એક માટે હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું, "અમે કહીએ છીએ કે માફી આપવાનું જે કારણ છે એ સ્પષ્ટ નથી. કોર્ટે માફી આપવા માટે એક વ્યાપક રૂપરેખા નક્કી કરવી પડશે."
તેમણે આગળ દલીલ કરી કે "આ કોઈ સામાન્ય કિસ્સો નથી. ગુજરાતમાં ભરોસો ન હોવાથી કેસ મહારાષ્ટ્રમાં ટ્રાન્સફર થયો હતો અને ગુજરાતે દોષિતોને માફી આપવાનો નિર્ણય લીધો છે. આ શું છે?"
જ્યારે દોષિતો પૈકીના એક તરફથી હાજર રહેલાં વકીલ ઋષિ મલ્હોત્રાએ અરજદારોની દલીલનો વિરોધ કર્યો અને કહ્યું કે સરકાર પાસે વિગતવાર સલાહકાર બોર્ડ છે અને તેમની પાસે સામાજિક કાર્યકરોથી લઈને નિષ્ણાતો સુધીના સભ્યો છે.
તેમણે આગળ કહ્યું, "બોર્ડે નોંધ્યું હતું કે તેમની વર્તણૂક સારી હતી. તેમને સાડા પંદર વર્ષની વાસ્તવિક સજા કરવામાં આવી હતી અને માફી માટેની આવશ્યક્તા 14 વર્ષ છે. આ નિયમિત અરજી કરતાં વધુ ભાવનાત્મક અરજી છે."
દોષિતોની સજામાફી અંગે ગુજરાત સરકારે શું કહ્યું હતું?
એફિડેવિટમાં, ગુજરાત સરકારે જણાવ્યું હતું કે તેણે 11 દોષિતોને મુક્ત કરવાનો નિર્ણય લીધો હતો કારણ કે તેઓએ "14 વર્ષ કરતાં વધુ વખત જેલમાં વિતાવ્યા હતા...(અને) તેમની વર્તણૂક સારી હોવાનું જણાયું હતું."
આ પહેલાં ગુજરાત સરકારે સોગંદનામામાં કહ્યું હતું કે બળાત્કારના દોષિતોની મુક્તિને કેન્દ્ર સરકારે પણ મંજૂરી આપી હતી. રાજ્ય સરકારે પોતાની ક્ષમાનીતિ અંતર્ગત જ સમયપૂર્ણ દોષિતોની મુક્તિને મંજૂરી આપી હતી.
અગાઉ એપ્રિલ 2019માં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને બિલકીસબાનોને વળતર પેઠે રૂ. 50 લાખ ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપક ગુપ્તાની ખંડપીઠે આ વચગાળાનો નિર્દેશ આપ્યો હતો
કોર્ટે બિલકીસબાનોને સરકારી નોકરી અને નિયમાનુસાર તેમના માટે રહેઠાણની વ્યવસ્થા કરવા પણ સૂચન કર્યું હતું.
બિલકીસે કહ્યું કે આ ચુકાદાથી મહિલા અને નાગરિક તરીકેની તેમની ગરિમા પુનઃસ્થાપિત થઈ.
ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટને સૂચિત કર્યું હતું કે દોષિત અધિકારીઓ કે જેમણે 'બિલકીસ સામૂહિક બળાત્કાર મામલે' પુરાવા સાથે ચેડાં કરવાનો પ્રયાસ કર્યો હતો, એમાંથી ઘણાના પેન્શનના લાભ પરત લઈ લેવાયા છે.
બિલકીસબાનોનો મામલો શું હતો?
ગુજરાતમાં વર્ષ 2002માં થયેલાં રમખાણો દરમિયાન બિલકીસબાનોના પરિવારના 14 લોકોની હત્યા કરી દેવાઈ હતી અને તેમના પર સામૂહિક બળાત્કાર પણ ગુજારાયો હતો.
એ વખતે બિલકીસની ઉંમર લગભગ 20 વર્ષની હતી. હત્યા કરી દેવાયેલા લોકોમાં બિલકીસની પુત્રીનો પણ સમાવેશ થતો હતો. બિલકીસ તે સમયે ગર્ભવતી હતાં.
અધમરી હાલતમાં છોડી દેવાયેલાં બિલકીસ જેમતેમ કરીને નજીકની ટેકરી પર પહોંચ્યાં હતાં અને પોતાનો જીવ બચાવ્યો હતો.
આ ઘટના બાદ કેટલાક પોલીસકર્મીઓ દ્વારા બિલકીસને ડરાવવા તેમજ પુરાવાને નષ્ટ કરવાના પણ પ્રયાસ કરાયા હતા. તેમના પરિવારજનોના મૃતદેહોને પોસ્ટમૉર્ટમ કરાયા વગર દફનાવી દેવાયા હતા.
બિલકીસની તપાસ કરનારા તબીબે તેમનો બળાત્કાર ન થયો હોવાનું જણાવ્યું હતું અને આ મામલે બિલકીસને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી હતી.
આમ છતાં બિલકીસની લડાઈ ચાલુ રહી હતી અને તેમણે હુમલાખોરોને ઓળખી કાઢ્યા હતા. સુપ્રીમ કોર્ટે આ મામલો સીબીઆઈને સોંપ્યા બાદ 2004માં પ્રથમ ધરપકડ હાથ ધરાઈ હતી.
રાષ્ટ્રીય માનવાધિકાર આયોગની મદદથી બિલકીસનો કેસ મહારાષ્ટ્રમાં ટ્રાન્સફર કરાયો હતો અને આરોપીઓને સજા સંભળાવાઈ હતી.
ગુજરાતની અદાલતો ન્યાય આપી શકશે નહીં એવી બિલકીસની અરજી એ વખતે સુપ્રીમ કોર્ટે માન્ય રાખી હતી.
ન્યાય માટેની 17 વર્ષની લડાઈમાં બિલકીસ અને તેમના પતિ યાકુબ રસૂલને પાંચ સંતાનો સાથે દસ ઘર બદલવાં પડ્યાં હતાં.
અગાઉ એપ્રિલ 2019માં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને બિલકીસબાનોને વળતર પેઠે 50 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
બીબીસીનાં ગીતા પાંડે સાથેની વાતચીતમાં બિલકીસે કહ્યું હતું કે, "પોલીસ અને તંત્રે હુમલાખોરોનો સાથ આપ્યો છે. ગુજરાતમાં પણ અમે અમારું મોં ઢાંકીને રહીએ છીએ. અમે કોઈને પણ અમારું સરનામું આપતા નથી."
2002માં બિલકીસ પર જ્યારે સામૂહિક બળાત્કાર ગુજારાયો હતો ત્યારે તેઓ ગર્ભવતી હતાં. એ વખતે તેમની ત્રણ વર્ષની પુત્રી સાલેહાની પણ નિર્મમતાથી હત્યા કરી દેવાઈ હતી.
આજે બિલકીસનાં બાળકોમાં મોટી પુત્રી હાજરા, બીજી પુત્રી ફાતિમા અને પુત્ર યાસીન તેમજ નાની પુત્રી સાલેહાનો સમાવેશ થાય છે.
આંખોની સામે હત્યા કરી દેવાયેલી પોતાની પુત્રીના નામ પરથી બિલકીસે સૌથી નાની પુત્રીનું નામ સાલેહા રાખ્યું છે.