વર્લ્ડકપ: બુમરાહ સહિત ફાસ્ટ બૉલરો ત્રિપુટી ટીમ ઇન્ડિયાની અસલી તાકાત છે?

    • લેેખક, સુરેશ મેનન
    • પદ, ખેલ પત્રકાર

વર્લ્ડકપ 2023માં ભારતની આજે પ્રથમ મૅચ છે જેમાં મેજબાન ટીમ ચેન્નઈમાં ઑસ્ટ્રેલિયા સામે રમાશે.

40 વર્ષ પહેલાં 1983માં જ્યારે ભારતે પહેલીવાર ક્રિકેટ વર્લ્ડકપ જીત્યો હતો ત્યારે ટીમમાં લગભગ તમામ બૉલર્સ ઑલરાઉન્ડર હતા.

ઘણા ખેલાડીઓને અડધા બૉલર અને અડધા બૅટ્સમૅન કહેવાતા હતા. આમાંથી મોટાભાગના ખેલાડીઓ ફક્ત બૉલિંગના આધારે ટીમમાં પોતાનું સ્થાન બનાવી નહોતા શકતા. જોકે કેટલાક ખેલાડીઓ આમાં અપવાદ પણ હતા. તેમાં સૌથી મહાન બૉલર કૅપ્ટન કપિલ દેવ હતા.

તે સમયે ટીમમાં મદન લાલ, રૉજર બિન્ની, સંદીપ પાટીલ, મોહિન્દર અમરનાથ હતા અને ત્યાં માત્ર બે મધ્યમ ગતિના ઝડપી બૉલર હતા બલવિંદર સંધુ અને સુનીલ વાલ્સન. વર્લ્ડકપ જીતનાર ભારતીય ટીમમાં સ્પિનર કીર્તિ આઝાદ અને રવિ શાસ્ત્રી હતા. જોકે શાસ્ત્રીનો ફાઇનલની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો ન હતો .

1983ના વર્લ્ડ કપની ફાઇનલ મૅચમાં ભારતે છ બૉલરોને મેદાનમાં ઉતાર્યા હતા. સંદીપ પાટીલ પાસે બૉલિંગ કરાવવાની જરૂર ન હતી અને ઓપનર કૃષ્ણમાચારી શ્રીકાંત પાસે પણ બૉલિંગ કરાવાઈ ન હતી.

પછીના દિવસોમાં સામે આવેલા એક સારા બૉલર શ્રીકાંત પણ હતા અને તેમણે એક મૅચમાં તેમના ઑફસ્પિનથી ન્યૂઝીલૅન્ડ સામેની એક ઇનિંગમાં પાંચ વિકેટ લીધી હતી.

મોહિન્દર અમરનાથે હળવી ગતિવાળી બૉલિંગથી એવી કમાલ કરી બતાવી હતી કે સેમિફાઇનલ અને ફાઇનલ મૅચમાં તેઓ મૅન ઑફ ધ મૅચ બન્યા હતા.

પણ 40 વર્ષ અગાઉ વન-ડે ક્રિકેટને લઈને વિચારો થોડા અલગ હતા. એ સમયે વિકેટ લેવા કરતા વધારે ભાર વિરોધી ટીમને વધારે રન બનાવતી રોકવા પર અપાતું હતું.

સમય જતાં વન-ડે મૅચમાં ઝડપથી રન બનાવનારા બૅટ્સમેનને આઉટ કરવા પર ભાર અપાવા લાગ્યો. વિચાર એ હતો કે જેવાં બૅટ્સમેન આઉટ થઈ જાય તો રન આપોઆપ બનતા રોકાઈ જશે. આજના સમયમાં ડિફેન્સિવ બૉલિંગ કરવાના બદલે જરૂરિયાત એવા બૉલર્સની છે જે વિકેટ લઈ શકે.

2011માં જ્યારે ભારતે પોતાની ભૂમિ પર વર્લ્ડકપ જીત્યો ત્યારે એ સમયના બધા જ મોટા બૅટ્સમેન બૉલિંગ કરી શકતા હતા. તે સચીન તેંડુલકર હોય કે યુવરાજસિંહ હોય કે પછી વિરેન્દ્ર સહેવાગ હોય કે પછી સુરેશ રૈના હોય.

જોકે ફાઇનલ મૅચમાં ફક્ત સચીન તેંડુલકર અને યુવરાજસિંહ પાસે બૉલિંગ કરાવાઈ હતી. વિરાટ કોહલીએ પણ કેટલીક ઓવર ફેંકી હતી.

2023ની ટીમ 2011 કરતાં કેટલી અલગ?

2011ના વર્લ્ડકપમાં 12થી વધારે સફળ બૉલરમાંથી સાત તો મધ્યમ ગતિના ઝડપી બૉલર હતા. ઝહીર ખાને સૌથી વધારે 21 વિકેટ લીધી હતી. એટલી જ વિકેટ પાકિસ્તાનના લૅગ સ્પિનર શાહિદ આફ્રિદીએ પણ લીધી હતી.

2011માં વર્લ્ડકપ રમનારી ભારતીય ટીમમાં ઝહીર ખાન ઉપરાંત એસ. શ્રીસંત, મુનાફ પટેલ, આશિષ નહેરા, પ્રવીણકુમાર એ અન્ય ઝડપી બૉલર હતા.

ત્યારે ત્રણ સ્પિનર એટલે કે હરભજનસિંહ, પિયુષ ચાવલા અને રવિચંદ્રન અશ્વિન પણ ટીમમાં હતા. સ્પષ્ટ છે કે એ સમયે ઝડપી બૉલિંગ પર ભાર હતો અને આ વર્ષે પણ એ જ આશા છે.

1983ની ભારતીય ટીમમાં ઑલરાઉન્ડરનો દબદબો હતો. તો 2023ની ટીમમાં બૉલિંગમાં ખાસ નિષ્ણાત હોય તેવા બૉલર્સને પ્રાધાન્ય અપાયું છે.

ટોચના ખેલાડીઓમાં પણ અડધા ખેલાડી એવા છે જે બૉલિંગ કરી શકતા નથી. જોકે નીચલા ક્રમમાં બૅટિંગ કરવા આવતી બાકીની ટીમ માટે આ અન્યાય છે. કારણ કે, બૉલર્સ પાસે બૅટિંગની અપેક્ષા ઓછી જ રખાય છે.

આ ટૂંકા ગાળાની મૅચના તર્કની વિરુદ્ધમાં જાય છે. આવી મૅચમાં સૈદ્ધાંતિક રીતે દરેક ખેલાડી પાસેથી એવી અપેક્ષા રખાય છે કે તેની વિશેષતા ઉપરાંત તે રમતના અન્ય પાસાઓમાં પણ કંઈક કરી શકશે.

પરંતુ હવે અમારે જેમને વર્લ્ડકપ ટીમમાં સ્થાન અપાયું છે એ ખેલાડીઓથી જ કામ ચલાવવું પડશે.

બૉલિંગમાં સારા વિકલ્પો છે

ટીમમાં જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી, શાર્દૂલ ઠાકુર અને હાર્દિક પંડ્યા જેવા ખેલાડીઓ હોવાનો અર્થ એ છે કે ટીમ ઈન્ડિયાની તાકાત ઝડપી બૉલિંગ છે. ખાસ કરીને જ્યારે પીઠની ઈજામાંથી સાજા થઈ રહેલા જસપ્રિત બુમરાહ ટીમમાં છે ત્યારે આશા છે કે તેઓ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપશે.

જસપ્રિત બુમરાહની ભૂમિકા ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેશે. તો એશિયા કપની ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કરનાર મોહમ્મદ સિરાજને અન્યની સરખામણીએ વધારે મહત્ત્વ અપાઈ શકે છે.

જ્યારે ટીમમાં ત્રીજા ફાસ્ટ બૉલર માટે મોહમ્મદ શમી અને શાર્દૂલ ઠાકુર વચ્ચે પસંદગી કરવાની હોય, તો દેખીતી રીતે તમારી પાસે સારા બૉલરોની કોઈ કમી નથી.

આ સમયે એ તો નથી જાણી શકાયું કે વર્લ્ડકપ માટે કેવા પ્રકારની પિચ તૈયાર કરાઈ રહી છે. (2011 વર્લ્ડકપ માર્ચ-એપ્રિલમાં રમાયો હતો) આવી સ્થિતિમાં ઝડપી બૉલર્સ શરૂઆતમાં મુખ્ય ભૂમિકા ભજવશે તેવું માની લેવામાં કોઈ નુકસાન નથી.

સ્પિનર્સ પણ કમાલ કરી શકે છે

શરૂઆતની મૅચો પછી પિચ સ્પિન બૉલર્સની મદદ કરવાનું શરૂ કરશે કારણ કે ઘણી મૅચો રમાવાની છે.

થોડા સમય પછી ઝાકળ પણ મહત્ત્વની ભૂમિકા ભજવશે. જે ટીમ પછી બૉલિંગ કરે છે તે ટીમના સ્પિનર્સ માટે ઝાકળ પડકાર બની જાય છે.

મૅચો ભારતીય સમય અનુસાર બપોરે બે વાગ્યે શરૂ થશે. તેથી લાઇટ ચાલુ થયા બાદ ઝડપી બૉલરોને બૉલ સ્વિંગ કરવાની તક મળશે.

આ પહેલાં સ્પિનર્સ પાસે પોતાનો કમાલ બતાવવાની થોડી તક ચોક્કસ હશે. તેથી મામલો એ જ સંતુલનમાં પાછો આવે છે. તમારે દરેક પ્રકારના બૉલર્સની જરૂર પડશે.

અને, ભારત પાસે આવા ખેલાડીઓ છે જ.

વન-ડે મૅચના વર્તમાન ફૉર્મેટમાં કુલદીપ યાદવ એક સફળ સ્પિનર ​​તરીકે ઊભરી આવ્યા છે. ઈજાગ્રસ્ત અક્ષર પટેલના સ્થાને રવિચંદ્રન અશ્વિનને અંતિમ ક્ષણોએ ટીમમાં સ્થાન અપાયું છે. આવી સ્થિતિમાં ભારત પાસે સ્પિનર્સની ઉત્તમ જોડી હશે. જો જરૂર પડશે તો ત્રીજા સ્પિનર ​​તરીકે રવિન્દ્ર જાડેજાને ટીમમાં સામેલ કરી શકાય છે.

ઇંગ્લૅન્ડ પાસે પણ સારા બૉલર્સ છે

ઇંગ્લૅન્ડની ટીમ પાસે માર્ક વૂડ, ક્રિસ વૉક્સ, રીસ ટોપલી, ડેવિડ વિલી અને સેમ કરનના રૂપમાં ઝડપી બૉલર્સની મજબૂત લાઇનઅપ છે.

જ્યારે ઑસ્ટ્રેલિયા પાસે મિશેલ સ્ટાર્ક, જૉશ હેઝલવુડ, પેટ કમિન્સ, માર્કસ સ્ટોઈનિસ અને કેમેરોન ગ્રીન છે.

જોકે નસીમ શાહને થયેલી ઈજાને કારણે પાકિસ્તાનને તેની ટીમમાં કેટલાક ફેરફારો કરવા પડ્યા હશે.

પરંતુ તેમની પાસે શાહીન આફ્રિદી, હરિસ રઉફ, હસનઅલી અને મોહમ્મદ વસીમના રૂપમાં સારા બૉલર્સ પણ છે.

આ સ્થિતિમાં આ વર્લ્ડકપ દરમિયાન ફાસ્ટ બૉલર્સ વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી શકે છે.

જો આવું થશે તો ભારત ખૂબ જ મજબૂત સ્થિતિમાં હશે. કારણ કે પહેલો વર્લ્ડકપ જીત્યા બાદ આ એવી ટીમ છે જે ભારત પાસેનું અત્યાર સુધીનું સૌથી પરફેક્ટ કોમ્બિનેશન મનાય છે.

(ખેલ પત્રકાર સુરેશ મેનને સચીન તેંડુલકર અને બિશનસિંહ બેદી પર પુસ્તકો લખ્યાં છે.)