You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એ બૉલ જે WPL 2023ની ફાઇનલમાં 'નો બૉલ' તરીકે વિવાદિત બની રહ્યો
- લેેખક, અર્ણવ વસાવડા
- પદ, બીબીસી ગુજરાતી
- WPL 2023ની ફાઇનલ જીતી મુંબઈની ટીમે ઇતિહાસ રચ્યો
- મુંબઈ ઇન્ડિયન્સની ટીમે ટોસ જીતી પહેલાં બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો
- દિલ્હી કૅપિટલ્સની ટીમે પહેલાં બેટિંગ કરતા 20 ઑવરમાં 131/9 નો સ્કોર નોંધાવ્યો.
- મુંબઈ ઇન્ડિયન્સની ટીમે ટાર્ગેટનો પીછો કરતા રસાકસી બાદ 19.3 ઑવરમાં 134/3 સ્કોર નોંધાવી WPL2023ની ફાઇનલ મૅચની ટ્રોફી પોતાને નામ કરી
- દિલ્હી કૅપિટલ્સની સ્ટાર બૅટર શેફાલી વર્માનું આઉટ થવું વિવાદોમાં સપડાઇ ગયું.
- શું હતો વિવાદ અહીં વાંચો તેનું વિશ્લેષણ.
આ પહેલો અવસર હતો જ્યારે ભારતમાં મહિલા ક્રિકેટમાં વિમૅન્સ પ્રીમિયર લીગ (WPL) રમાઈ અને આ પહેલી જ WPL 2023નો ખિતાબ હરમનપ્રિત કૌરના નેતૃત્વમાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમે પોતાના નામે કર્યો છે.
આ મૅચના રિપોર્ટ કાર્ડની વાત કરીએ તો મુંબઈની ટીમે ટૉસ જીતી પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો. જેના જવાબમાં સામે પક્ષે બેટિંગ કરવા ઊતરેલી મેગ લૅનિંગની દિલ્હી કૅપિટલ્સની ટીમે સ્કોરબોર્ડ પર 20 ઑવરના અંતે 9 વિકેટ ગુમાવી 131 રનનો પડકાર આપ્યો.
મુંબઈ ઇન્ડિયન્સની ટીમે વળતો પ્રહાર આપતા ખૂબ જ રસાકસીભર્યા વાતાવરણની વચ્ચે છેલ્લી ઑવરના ત્રણ બૉલ બાકી હતા ત્યાં જ 3 વિકેટ ગુમાવી 134 રન નોંધાવી આ ઐતિહાસિક મૅચ પોતાના નામે કરી.
પરંતુ આ મૅચ અન્ય એક કારણના લીધે પણ ખૂબ જ ચર્ચામાં રહી અને ક્રિકેટ ચાહકો વચ્ચે વિવાદનો વિષય પણ.
એ બૉલ જેણે WPL2023ની ફાઇનલ મૅચને વિવાદમાં ધકેલી દીધી
દિલ્હી કૅપિટલ્સની ટીમ માટે ઑપનિંગ કરવા માટે કૅફ્ટન મૅગ લૅનિંગ અને ભારતીય આક્રમક ખેલાડી શૅફાલી વર્મા બૅટિંગ કરવા ઊતર્યા. મુંબઈ ઇન્ડિયન્સની પહેલી ઑવરમાં દિલ્હીના માત્ર 2 રન નોંધાયા.
ત્યારબાદ મુંબઈ ઇન્ડિયન્સ તરફથી બૉલિંગ કરવા ઉતર્યાં ઇસિ વૉંગ, સામે ક્રિઝ પર હતા શૅફાલી વર્મા, વૉંગની પહેલા જ બૉલ પર શેફાલીએ લૉન્ગ ઑન તરફ આક્રમક સિક્સર ફટકારી પોતાના ઇરાદા વિરોધી ટીમને દર્શાવી દીધા હતા. ત્યારબાદ બીજા બૉલમાં પણ શેફાલીએ ડીપ બૅકવર્ડ પૉઇન્ટ તરફ કટ લગાવી ચોગ્ગો ફટકાર્યો હતો.
ઇસિ વૉંગે નાખેલા ત્રીજા બૉલને શૅફાલી ઊભા ઊભા જ રમવાનો પ્રયાસ કરે છે અને તે સીધો હવામાં ઉછળીને પૉઇન્ટ પર રહેલાં અમેલિયા કર્રના હાથમાં કૅચ થઈ ગયો હતો.
આ બાજુ મુંબઈ ઇન્ડિયન્સની ટીમ સાથે ટીમના ચાહકો સ્ટેડિયમમાં ઉછળી પડે છે, પરંતુ પીચ પર રહેલા શેફાલી આ બૉલને 'નો બોલ' ગણવા માટે વિનંતી કરી હતી. સામી બાજુએ લૅનિંગે પણ અમ્પાયર સાથે ચર્ચા કર્યા બાદ થર્ડ અમ્પાયર રિવ્યૂ લીધો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રિવ્યૂમાં જોવા મળ્યું હતું કે શેફાલી ક્રિઝમાં ઊભાં છે અને વૉંગનો બૉલ સ્ટંપની પાછળ ગયો હતો. અમ્પાયરે બૉલ ટ્રેકરને જોઈને નિર્ણય આપ્યો હતો કે એ બૉલ 'નો બૉલ' નહોતો.
આમ શેફાલી ચાર બૉલમાં 11 રન નોંધાવી આઉટ થઈ ગયાં હતાં.
આપને જણાવી દઈએ કે ક્રિકેટના નિયમ અનુસાર જો કોઈ બૉલ ક્રિકેટરની કમરની ઉંચાઈથી વધુ ઉપર હોય તો અમ્પાયર તેને 'નો બૉલ' તરીકે ગણાવે છે.
એવામાં સોશિયલ મીડિયા પર આ બૉલને મુદ્દે ક્રિકેટ ચાહકોમાં ચર્ચાનો દોર શરૂ થઈ ગયો હતો.
‘શું તે નો બૉલ હતો?’
એક ટ્વિટર યૂઝરે ટ્વીટ કરી જણાવ્યું કે, ‘શેફાલી વર્મા એ બૉલમાં અલગ અલગ ચાહકોની દૃષ્ટીએ’
એક અન્ય ટ્વિટર યૂઝરે ટ્વીટમાં જણાવ્યું કે, ‘આ નો બૉલ કેમ ન હોઈ શકે? શા માટે પાઇન્ટ ઑફ કૉન્ટેક્ટને માન્ય ન રાખવામાં આવ્યો? જો બૉલ વિકેટની ઉપર જાય છે તો તે વૅસ્ટની (કમરની) ઉપર કઈ રીતે ન હોય? અમ્પાયર તરફથી ખોટો નિર્ણય કે પછી કંઈક બીજું જ રંધાઈ રહ્યું હતું? કમનસીબ.’
દિલ્હી કૅપિટલ્સની છેલ્લા ક્રમની આક્રમક ભાગીદારી
શેફાલી આઉટ શું થયાં કે દિલ્હીની ટીમમાં એક પછી એક વિકેટો પડવા લાગી. પંદર ઑવર પતી ત્યાં સુધીમાં દિલ્હીની ટીમનો સ્કૉર 9 વિકેટ ગુમાવી 79 રન પર હતો, પરંતુ ત્યારબાદ છેલ્લા ક્રમે ઊતરેલાં શિખા પાન્ડે અને રાધા યાદવની જોડીએ માત્ર 24 બૉલનો સામનો કરી આક્રમક 52 રન નોંધાવ્યા અને મુંબઈ ઇન્ડિયન્સની ટીમ સામે 131 રનનો સ્કોર ઊભો કર્યો.
મુંબઈ ઇન્ડિયન્સની ટીમનો સંઘર્ષ રંગ લાવ્યો
131 રનનો ટારગેટ ચૅઝ કરવા ઊતરેલી મુંબઈ ઇન્ડિયન્સની ટીમે શરૂઆતની 4 ઑરવમાં જ માત્ર 23 રને બે વિકેટ ગુમાવી દીધી. આ સમયે દિલ્હીની ટીમ ફરી ગૅમમાં પરત ફરતી હોય તેવું જણાઈ રહ્યું હતું.
પરંતુ ત્રીજા નંબરે ઊતરેલાં નૅટ-સિવર બ્રંટ અને ચોથા ક્રમે રમવા આવેલાં કૅપ્ટન હરમનપ્રિત કૌરે મુશ્કેલ જણાઈ રહેલા ટાર્ગેટનો પીછો કરતા ધીરજનું ઉદાહરણ પુરું પાડ્યું અને 74 બૉલમાં 72 રનની ભાગીદારી નોંધાવી ટીમને યોગ્ય સ્થિતિમાં પહોંચાડી. જેમાં 'પ્લેયર ઑફ ધ મૅચ' રહેલાં નૅટ-સિવર બ્રંટે 55 બૉલમાં 60 રન જ્યારે હરમનપ્રિત કૌરે 39 બૉલમાં 37 રન નોંધાવ્યા અને આખરે ખાસ્સી રસાકસી બાદ મુંબઈની ટીમે આ મૅચ પોતાના નામે કરી.