ક્રિકેટ વર્લ્ડકપ 2023 : ભારતને 6 વિકેટથી હરાવી ઑસ્ટ્રેલિયા વર્લ્ડ ચૅમ્પિયન બન્યું

ઇમેજ સ્રોત, Getty Images
આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2023ની અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલ મૅચમાં ઑસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટે હરાવીને છઠ્ઠી વખત વનડે ક્રિકેટનું વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે. ભારત ઘરઆંગણે વર્લ્ડકપ હારી ગયું છે. સમગ્ર ટુર્નામેન્ટમાં અજેય રહેલી ભારતીય ટીમ ફાઇનલમાં હારી ગઈ.
ઑસ્ટ્રેલિયાએ ભારતે આપેલા 241 રનના ટાર્ગેટને 4 વિકેટે પ્રાપ્ત કરી લીધું. ટ્રેવિસ હેડની સદીની મદદથી ઑસ્ટ્રેલિયા જીતી ગયું. તેમની સાથે લાબુશૅને પણ સાથ આપ્યો.
ટ્રેવિસ હેડે 137 અને લાબુશૅને 58 રન ફટકાર્યા. બંનેની ભાગીદારીએ ભારતને હરાવવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી.
ભારત તરફથી બુમરાહ અને શમી ઑસ્ટ્રેલિયાને શરૂઆતમાં અકુંશમાં લેવામાં સફળ રહ્યા.
બુમરાહે બે વિકેટ અને શમીએ એક વિકેટ લીધી. જોકે સિરાઝે પણ એક વિકેટ લીધી હતી.
ભારતની બેટિંગ ફાઇનલમાં નબળી પડી ગઈ જેથી તે મોટો સ્કોર ન કરી શકી.

ઇમેજ સ્રોત, Getty Images
ભારતના 241 રનના ટાર્ગેટનો પીછો કરવા આવેલી ઑસ્ટ્રેલિયન ટીમને બેવડો ફટકો પડ્યો હતો. સૌથી પહેલા મોહમ્મદ શમીએ પોતાની પહેલી જ ઑવરમાં આ ટુર્નામેન્ટમાં ઑસ્ટ્રેલિયાના સૌથી સફળ બૅટ્સમૅન ડેવિડ વૉર્નરને આઉટ કર્યા.
વૉર્નર શમીનો ગુડ લૅન્થ બૉલ રમવા માગતા હતા પરંતુ તેમના બૅટની બહારની કિનારીને બૉલ વાગતા તે સ્લિપમાં ઊભેલા વિરાટના હાથમાં ગયો અને કોહલીએ કોઈ ભૂલ ન કરી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મૅચની પાંચમી ઓવરમાં જસપ્રીત બુમરાહે મિચેલ માર્શને વિકેટ પાછળ આઉટ કરીને ઑસ્ટ્રેલિયાને બીજો ઝટકો આપ્યો હતો.
7મી ઓવરમાં બુમરાહે સ્ટીવ સ્મિથને LBW આઉટ કરીને ઑસ્ટ્રેલિયન ટીમને ત્રીજો ઝટકો આપ્યો હતો.
પરાજય બાદ રોહિત શર્માએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
રોહિત શર્માએ મૅચ બાદ કહ્યું કે, "ઑસ્ટ્રેલિયાને અભિનંદન. ઑસ્ટ્રેલિયા સારું ક્રિકેટ રમ્યું અને ટ્રેવિસ અને લાબુુશૅનની ભાગીદારી પણ સારી રહી."
"અમે 3 વિકેટ લીધી પણ પછી અમે વિકેટ ન લઈ શક્યા. પીચ પણ બેટિંગ માટે સારી થઈ ગઈ હતી."
"જ્યારે કોહલી અને રાહુલ રમી રહ્યા હતા ત્યારે હતું કે 270 કે 280 રન થઈ શકશે જે સારો સ્કોર રહેશે. પરંતુ અમારી વિકેટો પડતી જ ગઈ. છતાં મને ટીમ પર ગર્વ છે. અમે શરૂઆતથી સારું પર્ફૉર્મ કર્યું."
વિજય બાદ ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન પૅટ કમિન્સે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
ઑસ્ટ્રેલિયાના કપ્તાન પૅટ કમિન્સે વર્લ્ડકપની ટ્રૉફી હાથમાં લેતા પહેલાં કહ્યું, “આ વર્લ્ડકપ જીત અમને યાદ રહેશે."
"ભારત પણ સારું રમ્યું. જોકે અમે સમજી વિચારીને ટૉસ જીત્યા પછી બેટિંગનો નિર્ણય કર્યો હતો. ટ્રેવિસ અને લબુશેને બાજી સારી રીતે સંભાળી લીધી."
"અમે ભારતને દબાણમાં લાવી દીધું હતું. જોકે તેઓ પણ સમગ્ર ટુર્નામેન્ટમાં સારું ક્રિકેટ રમ્યા."
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટીમ ઇન્ડિયાને શું કહ્યું?

ઇમેજ સ્રોત, @narendramodi / X
વડા પ્રધાન નરેન્દ્ર મોદી વર્લ્ડકપની ફાઇનલ મૅચમાં જોવા માટે ખાસ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાજર રહ્યા હતા.
ભારતીય ટીમના પરાજય બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને ટીમનું મનોબળ વધાર્યું.
તેમણે ટ્વીટ કરીને લખ્યું, વર્લ્ડકપ દરમિયાન ટીમ ઇન્ડિયાની પ્રતિભા અને દૃઢ સંકલ્પ નોંધનીય છે.
પીએમ મોદીએ લખ્યું, "તમે ખૂબ જ સારા જોશ સાથે રમ્યા અને દેશને ગૌરવ અપાવ્યું. આજે અમે તમારી સાથે છીએ અને ભવિષ્યમાં પણ રહીશું."
વિરાટ કોહલી બન્યા 'પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ'

ઇમેજ સ્રોત, BBC Sport
વર્લ્ડકપની ફાઇનલ મૅચમાં ભારતને પરાજય આપીને ઑસ્ટ્રેલિયાને ચૅમ્પિયનશિપ બનાવનારા ટ્રેવિસ હેડને 'પ્લેયર ઑફ મૅચ' જાહેર કરવામાં આવ્યા હતા.
જ્યારે આ સમગ્ર ટુર્નામેન્ટમાં સાતત્યપૂર્ણ પ્રદર્શન માટે વિરાટ કોહલીને 'પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ' જાહેર કરવામાં આવ્યા હતા.
ભારતનો 241નો ટાર્ગેટ ઓછો નહોતો?

ઇમેજ સ્રોત, Getty Images
ઑસ્ટ્રિલિયાએ ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ લીધી હતી.
ભારતની બેટિંગની વાત કરીએ તો, વિરાટ કોહલી અને કે. એલ. રાહુલની અડધી સદીની મદદથી ભારતે ઑસ્ટ્રેલિયાને વર્લ્ડકપ 2023 જીતવા માટે 241 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
જ્યારે પૅટ કમિન્સે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું ત્યારે રોહિત શર્માએ કહ્યું કે, તે પણ પહેલા બેટિંગ કરવા માગે છે. રોહિતના નેતૃત્વમાં ટીમે જોરદાર શરૂઆત કરી હતી પરંતુ મોટો સ્કોર નોંધાવી શકી નહોતી.
રોહિત શર્મા અને શુભમન ગિલે ભારતીય દાવની શરૂઆત સાવધાનીપૂર્વક કરી હતી. આ દરમિયાન શુભમન ગિલને જીવતદાન મળ્યું પરંતુ તે માત્ર ચાર રન બનાવી શક્યા.
ગિલ પાંચમી ઓવરના બીજા બૉલ પર એડમ ઝમ્પાના હાથે મિચેલ સ્ટાર્કના દ્વારા કૅચઆાઉટ થયા હતા.
રોહિત શરૂઆતથી જ વિસ્ફોટક બેટિંગ કરી રહ્યા હતા. તેમણે જોસ હેઝલવૂડની પ્રથમ બે ઑવરમાં ચાર ચોગ્ગા અને મિચેલ સ્ટાર્કની બૉલ પર સિક્સર ફટકારી હતી.
7મી ઓવરમાં રોહિતે સ્ટાર્કના સતત ત્રણ બૉલ પર ચોગ્ગા ફટકાર્યા અને ભારતના સ્કોરને 50 રનથી આગળ લઈ ગયા.
ટ્રેવિસ હેડે પકડ્યો રોહિતનો મુશ્કેલ કૅચ

ઇમેજ સ્રોત, Getty Images
મૅચની 10મી ઓવરમાં મૅક્સવેલના સળંગ બૉલ પર સિક્સર અને ચોગ્ગો ફટકાર્યા બાદ રોહિત તેમના ગુડ લૅન્થ બૉલને લૉંગ ઑફ પર મારવા માગતા હતા પરંતુ બૉલ તેમના બૅટની કિનારીથી વાગીને કવર એરિયામાં હવામાં ઊછળ્યો હતો.
પૉઇન્ટ પર ઊભેલા ટ્રેવિસ હેડે ત્યાંથી પાછળની તરફ દોડવાનું શરૂ કર્યું અને અસંભવ જણાતો કૅચ લઈને રોહિતને પેવેલિયન પરત મોકલી દીધા હતા.
ટ્રેવિસ હેડને આ વર્લ્ડકપની શરૂઆતમાં ઈજા થઈ હતી. ફિટ થયા બાદ તેમણે 59 બૉલમાં સદી ફટકારીને ટીમમાં જોરદાર વાપસી કરી હતી.
સેમિફાઇનલમાં જ્યાં હેડે એક જ ઑવરમાં બે વિકેટ લઈને સાઉથ આફ્રિકાને સંપૂર્ણ રીતે બૅકફૂટ પર મૂકી દીધું હતું, ત્યાં તેમણે બેટિંગ કરતી વખતે એક છેડે અટકી ગયેલી ટીમ માટે 62 રનની સૌથી મોટી ઇનિંગ રમી હતી.
આ ફાઇનલ મૅચમાં પણ હેડે પોતાની પ્રતિભાની છાપ છોડી હતી.
ક્રિકેટ કૉમેન્ટેટર હર્ષ ભોગલેએ સોશિયલ મીડિયા સાઇટ X પર લખ્યું, "ઑસ્ટ્રેલિયા બતાવી રહ્યું છે કે કેવી રીતે ફિલ્ડિંગ મોટા દિવસે ફરક લાવી શકે છે."
ઑસ્ટ્રેલિયાએ ભારતને બૅકફૂટ પર ધકેલ્યું

ઇમેજ સ્રોત, Getty Images
રોહિત શર્મા 31 બૉલમાં 47 રન બનાવીને આઉટ થયા હતા. દરમિયાન તેમનો સ્ટ્રાઇક રેટ 151.61 હતો અને તેમણે ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા.
જ્યાં સુધી કૅપ્ટન રોહિત પીચ પર હતા ત્યાં સુધી ટીમના કુલ સ્કોરમાંથી 62 ટકા તેમના બૅટથી આવ્યા હતા.
બીજી જ ઓવરમાં ઑસ્ટ્રેલિયન કૅપ્ટન પૅટ કમિન્સે સેમિફાઇનલમાં સદી ફટકારનાર શ્રેયસ અય્યરને પેવેલિયન પરત મોકલીને ભારતીય છાવણીમાં ખળભળાટ મચાવી દીધો હતો.
10 ઓવરમાં આઠની એવરેજથી રમી રહેલી ભારતીય ટીમ પાંચ બૉલમાં આ બે આંચકાને કારણે બૅકફૂટ પર આવી ગઈ હતી.
પ્રથમ 10 ઓવરમાં 9 ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકારનાર ભારતીય ટીમ આગામી દસ ઓવરમાં ધીમી ગતિએ માત્ર 35 રન જ ઉમેરી શકી હતી.
ત્યારે કે. એલ. રાહુલ અને વિરાટ કોહલીની જોડી પીચ પર હતી. આખરે કે.એલ. રાહુલે મૅચની 27મી ઓવરમાં ચોગ્ગો ફટકારીને બાઉન્ડરીનો દુષ્કાળ સમાપ્ત કર્યો.
એ વિકેટ પડી અને મૅચમાં વળાંક આવ્યો

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મૅચની 26મી ઓવરમાં વિરાટ કોહલીએ વનડેમાં પોતાની 72મી અડધી સદી પૂરી કરી હતી. કોહલીએ 56 બૉલમાં ચાર ચોગ્ગાની મદદથી પોતાની અડધી સદી પૂરી કરી હતી.
પરંતુ આ પછી મૅચમાં ફરી એક વાર વળાંક આવ્યો જ્યારે વિરાટ કોહલી આઉટ થઈ ગયા.
29મી ઓવરનો ત્રીજો બૉલ વિરાટ કોહલીના બૅટની અંદરની કિનારી લઈને સ્ટમ્પ સાથે અથડાયો.
કોહલીને ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન પૅટ કમિન્સે બોલ્ડ કર્યા બાદ સ્ટેડિયમમાં સન્નાટો છવાઈ ગયો હતો.
કોહલીએ 54 રનની ઇનિંગ રમી હતી અને ચોથી વિકેટ માટે કે.એલ. રાહુલ સાથે 67 રનની ભાગીદારી કરી હતી.
આ પછી રવીન્દ્ર જાડેજા પીચ પર આવ્યા હતા, પરંતુ તેઓ પણ પેવેલિયન પરત ફર્યા ત્યારે ભારતે માત્ર 30 રન જ ઉમેર્યા હતા.
જાડેજા ફ્રન્ટ ફૂટ પર આવીને શૉટ મારવાનો પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ બૉલ તેમના બૅટ સાથે અથડાયો અને વિકેટની પાછળ ગયો અને વિકેટકીપર ઇંગ્લિસે કોઈ ભૂલ કરી ન હતી. તેમણે કૅચ લપકી લીધો.
જાડેજાએ 22 બૉલમાં 9 રન બનાવ્યા હતા.
બીજા છેડે કે.એલ. રાહુલ જેઓ ધીરે ધીરે પરંતુ સતત સ્કોર કરી રહ્યા હતા, તેમણે તેમની અડધી સદી પૂરી કરી, પરંતુ 42મી ઓવરમાં મિચેલ સ્ટાર્કના હાથે વિકેટ પાછળ કૅચઆઉટ થઈ ગયા.
ભારત માટે કે.એલ. રાહુલે 107 બૉલમાં 66 રનની સૌથી મહત્ત્વની ઇનિંગ રમી હતી.
ઑસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્કે ત્રણ, પૅટ કમિન્સ અને હેઝલવૂડે બે-બે વિકેટ લીધી હતી જ્યારે ગ્લેન મૅક્સવેલ અને એડમ ઝમ્પાને એક-એક વિકેટ મળી હતી.














