વર્લ્ડકપ : ઑસ્ટ્રેલિયાના એ ખેલાડી જે ફાઇનલમાં ભારતનો ખેલ બગાડી શકે છે?

ઑસ્ટ્રેલિયા

ઇમેજ સ્રોત, Getty Images

ભારતમાં આયોજિત વનડે ક્રિકેટ વર્લ્ડકપ અનેક રોમાંચક મુકાબલા બાદ તેના અંત તરફ આગળ વધી રહ્યો છે.

રવિવારે ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ફાઇનલ મુકાબલો યોજાશે.

બૅટ અને બૉલથી ખેલાડીઓના શાનદાર પ્રદર્શનને બળે વર્લ્ડકપમાં ‘અજેય’ રહેલી ટીમ ઇન્ડિયાનો આત્મવિશ્વાસ ટોચ પર જણાઈ રહ્યો છે.

જ્યારે સામેની બાજુએ લીગ મૅચો અને સેમિફાઇનલમાં જબરદસ્ત પર્ફૉર્મન્સ આપી ઑસ્ટ્રેલિયન ટીમ પણ ફૉર્મમાં જણાઈ રહી છે.

ભારતના પર્ફૉર્મન્સ અને ફૉર્મને જોતાં ક્રિકેટચાહકો અને નિષ્ણાતો ટીમ ઇન્ડિયાને ‘ક્લીયર કટ વિજેતા’ જાહેર કરી રહ્યા છે.

પરંતુ ઑસ્ટ્રેલિયન ટીમના કેટલાક ખેલાડીઓએ પાછલી અમુક મૅચોમાં દેખાડેલી પ્રતિભાને કારણે ફાઇનલમાં ભારતનો ‘ખેલ બગાડી’ શકતા ખેલાડી ઑસ્ટ્રેલિયન ક્રિકેટરોની પણ ચર્ચા જામી છે.

નોંધનીય છે કે ભારત 12 વર્ષ બાદ ચોથી વખત વનડે વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચ્યું છે. જ્યારે આ વખત ઑસ્ટ્રેલિયા આઠમી વખત ફાઇનલમાં પહોંચ્યું છે.

ઑસ્ટ્રેલિયાની ટીમના ધુરંધરો

ડેવિડ વૉર્નર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ડેવિડ વૉર્નર

જો ભારત માટે મુશ્કેલી સર્જી શકતા ઑસ્ટ્રેલિયન બૅટ્સમૅનોની વાત કરીએ તો આ વર્લ્ડકપમાં જબરદસ્ત પ્રદર્શનથી ઑસ્ટ્રેલિયન બેટિંગ લાઇનઅપે પોતાના કૌશલ્યનો પરચો આપી દીધો છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પછી ભલે એ અતિશય દબાણમાં અભૂતપૂર્વ આક્રમક વલણ સાથે ટીમને જીત અપાવનાર ગ્લેન મૅક્સવેલ હોય કે શરૂઆતમાં જ આવીને પોતાની ફટકાબાજીથી પ્રતિદ્વંદ્વી ટીમનું મનોબળ તોડી નાખનારા ડેવિડ વૉર્નર. ઑસ્ટ્રેલિયાના બૅટ્સમૅનોએ મોટો સ્કોર ખડકવાથી માંડીને રનચૅઝના દબાણનો સામનો કરવાની પોતાની કાબેલિયત સાબિત કરી બતાવી છે.

જો વર્લ્ડકપના ટૉપ રન સ્કોરરની વાત કરીએ તો તેમાં પણ ટૉપ -12માં ઑસ્ટ્રેલિયાના ત્રણ બૅટ્સમૅનોએ પોતાના પ્રદર્શનને બળે સ્થાન મેળવ્યું છે.

પોતાની ઘાતક બેટિંગને કારણે ઑસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વૉર્નર આ વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કરવામાં સફળ રહ્યા છે. તેમણે દસ મૅચમાં 52.80ની સરેરાશથી 528 રન ફટકાર્યા છે. જેમાં બે સદી અને બે અર્ધ સદી સમાવિષ્ટ છે. પોતાની આક્રમક બેટિંગ માટે જાણીતા વૉર્નર વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં છઠ્ઠા ક્રમે છે.

તેમજ ઑસ્ટ્રેલિયન બૅટ્સમૅન મિચેલ માર્શ પણ આ વર્લ્ડકપમાં બૅટથી શાનદાર પર્ફૉર્મન્સ કરતા જોવા મળ્યા છે. તેઓ પોતે રમેલી નવ મૅચોમાં 53.25ની સરેરાશથી 426 રન ફટકારી ચૂક્યા છે. તેઓ સૌથી વધુ રન બનાવનાર બૅટ્સમૅનોની યાદીમાં નવમા ક્રમે છે. તેઓ અત્યાર સુધી વર્લ્ડકપમાં બે સદી નોંધાવી ચૂક્યા છે.

ગ્લેન મૅક્સવેલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગ્લેન મૅક્સવેલ

આ સિવાય આ યાદીમાં 12મા ક્રમે ગ્લેન મૅક્સવેલ પણ છે. વર્લ્ડકપમાં ઑસ્ટ્રેલિયાની લીગ સ્ટેજની અંતિમ મૅચમાં અફઘાનિસ્તાન સામે એકલા હાથે બેવડી સદી નોંધાવી ટીમને મુશ્કેલ પરિસ્થિતિમાં અભૂતપૂર્વ જીત અપાવનાર મૅક્સવેલે ક્રિકેટચાહકોનાં દિલ જીતી લીધાં હતાં. આ યાદગાર ઇનિંગ રમનાર મૅક્સવેલ અત્યાર સુધી ટુર્નામેન્ટમાં 66ની સરેરાશથી 398 રન બનાવી ચૂક્યા છે. તેઓ પોતાની ધુરંધર બેટિંગના બળે ગમે ત્યારે મૅચનું પાસું પલટવાની ક્ષમતા ધરાવતા હોવાનો પુરાવો આપી ચૂક્યા છે.

ઑસ્ટ્રેલિયાની સામે રમનારી કોઈપણ ટીમ ઇચ્છશે કે મૅક્સવેલ સહિત વૉર્નર અને માર્શને પીચ પર ઝાઝો સમય ન ટકે. આ તમામ ખેલાડીઓ ગમે તે પ્રતિસ્પર્ધી ટીમના બૉલિંગ ઍટેકને ધ્વસ્ત કરવાની ક્ષમતા ધરાવે છે, તેમાં કોઈ બેમત નથી.

તેમજ ઑસ્ટ્રેલિયાના બૉલિંગ ડિપાર્ટમૅન્ટની ધુરા સંભાળનાર ધુરંધર બૉલરની વાત કરીએ તો ઍડમ ઝમ્પાએ વર્લ્ડકપમાં પોતાના સ્પિનની જાળમાં ભલભલા ધુરંધર બૅટ્સમૅનોને ફસાવી પેવેલિયન મોકલી આપ્યા છે.

દસ મૅચમાં તેઓ 22 વિકેટ ઝડપી વર્લ્ડકપમાં સૌથી વધુ વિકેટ મેળવનાર બૉલરોની યાદીમાં બીજા ક્રમે છે. જો ફાઇનલમાં ઝમ્પાનો જાદુ ચાલી ગયો તો ભારતીય બેટિંગ લાઇનઅપ માટે મુશ્કેલી જરૂર સર્જાઈ શકે છે.

ભારતીય ક્રિકેટરોની બોલબાલા

વિરાટ કોહલી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વિરાટ કોહલી

વર્લ્ડકપ ફાઇનલમાં ટીમ ઇન્ડિયાને ભારે પડી શકતા ઑસ્ટ્રેલિયન ક્રિકેટરો વિશે જ્યારે વાત થઈ રહી છે ત્યારે એની સામે વર્લ્ડકપમાં ભારતીય ટીમના બૉલરો અને બૅટ્સમૅનોએ લગાવેલી રેકૉર્ડની ઝડી અને શ્રેષ્ઠતાની સાબિતીઓ વિશે જાણવું જરૂરી બની જાય છે.

ઉપર વર્લ્ડકપના જે ટૉપ બૅટ્સમૅનો અને બૉલરોની યાદીની વાત કરાઈ, તે બંનેમાં ટોચ પર ભારતીય ક્રિકેટરો છે. આ વાત જ આ વર્લ્ડકપમાં ભારતીય ટીમના જબરદસ્ત ફૉર્મ અને પ્રદર્શનનો પુરાવો પૂરો પાડે છે.

વર્લ્ડકપમાં સદીઓની ઝડી લગાવી વનડે ક્રિકેટમાં 50 સદીનો કીર્તિમાન હાંસલ કરનારા વિરાટ કોહલીથી માંડીને કપ્તાન રોહિત શર્મા અને શ્રેયસ અય્યર જેવા બૅટ્સમૅનો રનચૅઝ હોય કે વિકરાળ સ્કોર ઊભો કરવાની વાત, બધી સ્થિતિમાં સામેની ટીમના બૉલિંગ ઍટેક પર હાવી થઈ રનનો અંબાર લગાવી દે છે.

વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવનાર બૅટ્સમૅનોની યાદીમાં વિરાટ કોહલી દસ મૅચમાં 101.57ની સરેરાશથી 711 રન બનાવી ટોચ પર છે. આટલું જ નહીં તેઓ અત્યાર સુધી યોજાયેલા તમામ વર્લ્ડકપમાં આજ દિન સુધી ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવવાનો કીર્તિમાન પણ પોતાના નામે કરી ચૂક્યા છે.

જ્યારે આ યાદીમાં રોહિત શર્મા અને શ્રેયસ અય્યર અનુક્રમે 550 અને 526 રન કરીને પાંચમા અને સાતમા ક્રમે છે. આ રેકૉર્ડ ભારતીય બેટિંગ લાઇનઅપની તાકાતનું સચોટ ચિત્ર રજૂ કરે છે.

જો બૉલિંગ ઍટેકની વાત કરીએ તો ભારતના પેસર મોહમ્મદ શમી વર્લ્ડકપમાં ‘જાદુઈ પર્ફૉર્મન્સ’ થકી માત્ર છ જ મૅચમાં 23 વિકેટ ઝડપીને સૌથી વધુ વિકેટ લેનારા બૉલર બની ચૂક્યા છે.

તેમની બૉલિંગનો તરખાટ કંઈક એવો હતો કે ક્રિકેટચાહકો અને નિષ્ણાતો તો ઠીક પરંતુ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ તેમના પ્રદર્શનનાં ભારોભાર વખાણ કર્યાં હતાં. આ બધા મહાનુભાવોએ તેમના બૉલિંગ પ્રદર્શનને ‘યાદગાર’ ગણાવ્યું હતું.

તેમના પ્રદર્શનની ખાસ વાત તો એ છે કે અડધા વર્લ્ડકપમાં તેમને અપાયેલી તક બાદ તેઓ માત્ર છ મૅચોમાં 210 રન આપીને વર્લ્ડકપના સૌથી સફળ બૉલરો પૈકી એક બન્યા હતા. પોતાના પ્રદર્શનને બળે છમાંથી ત્રણ મૅચોમાં તો તેમને ‘પ્લેયર ઑફ ધ મૅચ’ પણ જાહેર કરાયા છે.

શમીની સાથોસાથ બુમરાહ, સિરાજ, જાડેજા અને યાદવ પણ વર્લ્ડકપમાં શાનદાર બૉલિંગનું પ્રદર્શન કરીને લોકોની પ્રશંસાને પાત્ર બન્યા હતા.

રેડ લાઇન
રેડ લાઇન