દક્ષિણ આફ્રિકાનું વર્લ્ડકપ જીતવાનું સપનું ત્રણ વખત ઑસ્ટ્રેલિયાએ કેવી રીતે તોડી નાખ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, આર્જવ પારેખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
'એ હાડકું હજુ અમારા ગળામાં ફસાયેલું જ છે. જ્યાં સુધી અમે વર્લ્ડકપ નહીં જીતીએ ત્યાં સુધી આ વાત અમારો પીછો કરતી રહેશે.'
2023 વર્લ્ડકપની શરૂઆત થતા સમયે જ દક્ષિણ આફ્રિકાના કૅપ્ટન બાવુમાએ તેમની ટીમ પર લાગેલા ‘ચોકર્સ’ના ટૅગનો સ્વીકાર કરતા આ વાત કહી હતી.
વર્લ્ડકપની બીજી સેમિફાઇનલના પરિણામે એ વાત ફરીથી સાબિત કરી છે કે આફ્રિકી ટીમ સાથે જોડાયેલો આ ટૅગ હજુ પણ તેમની સાથે જોડાયેલો જ રહેશે.
કોલકાતામાં રમાયેલી વર્લ્ડકપની બીજી સેમિફાઇનલમાં ઑસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને અતિ રોમાંચક મૅચમાં ત્રણ વિકેટે હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.
છેક છેલ્લી ઘડી સુધી ચાલેલી મૅચમાં બંને ટીમોના ચાહકોના શ્વાસ અદ્ધર રહ્યા હતા.
આ સાથે જ ઑસ્ટ્રેલિયાએ વનડે વર્લ્ડકપની ફાઇનલમાં આઠમી વાર પ્રવેશ મેળવ્યો છે. ઑસ્ટ્રેલિયા અત્યાર સુધીમાં પાંચ વાર વર્લ્ડકપ વિજેતા રહી ચૂક્યું છે.
ફાઇનલમાં પ્રવેશવાની દક્ષિણ આફ્રિકાની આશાઓ પર ફરી એકવાર પાણી ફરી વળ્યું અને વનડે વર્લ્ડકપના ઇતિહાસમાં પાંચમી વાર દક્ષિણ આફ્રિકા સેમિફાઇનલમાંથી બહાર ફેંકાઈ ગયું હતું.
આ સાથે જ દક્ષિણ આફ્રિકા પર લગેલા ‘ચોકર્સ’ ના ટૅગની ચર્ચા ફરી થઈ રહી છે. દક્ષિણ આફ્રિકાની હાર થતાં જ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર #Chokers ટ્રેન્ડ થવા લાગ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેમ ઑસ્ટ્રેલિયા સૌથી મોટું કારણ?

ઇમેજ સ્રોત, Getty Images
1992માં દક્ષિણ આફ્રિકાએ પહેલીવાર વર્લ્ડકપમાં ભાગ લીધો ત્યારથી તે અત્યાર સુધીમાં પાંચ વખત સેમિફાઇનલ સુધી પહોંચ્યું છે. પરંતુ તે સતત સેમિફાઇનલમાંથી જ બહાર ફેંકાયું છે.
અને પાંચ વખત સેમિફાઇનલમાંથી બહાર ફેંકાઈ જનાર દક્ષિણ આફ્રિકાને આમાંથી ત્રણ વખત ઑસ્ટ્રેલિયા સામે પરાજય મળ્યો છે.
1999નો વર્લ્ડકપ, 2007નો વર્લ્ડકપ અને હવે 2023નો વર્લ્ડકપ- ત્રણેયમાં ઑસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાનું ફાઇનલમાં પ્રવેશવાનું તેમનું સ્વપ્ન રોળ્યું છે. આ સિવાય પણ દક્ષિણ આફ્રિકા 1992 અને 2015ના વર્લ્ડકપમાં પણ સેમિફાઇનલમાંથી બહાર ફેંકાયું હતું.
17 જૂન, 1999 બર્મિંઘમ, સેમિફાઇનલ

ઇમેજ સ્રોત, @ClassicCricket/YouTube
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
1992ના વર્લ્ડકપમાં દક્ષિણ આફ્રિકાની ટીમ સેમિફાઇનલ સુધી પહોંચી હતી પરંતુ ઇંગ્લૅન્ડ સામે હારી ગઈ હતી.
સિડનીમાં રમાયેલી મૅચમાં તે સમયે વરસાદે દક્ષિણ આફ્રિકાનો ખેલ બગાડ્યો હતો.
13 બૉલમાં 22 રનની જરૂર હતી પરંતુ વરસાદને કારણે મૅચમાં ઇંગ્લૅન્ડ વિજયી બન્યું હતું.
ત્યાર બાદ 1999માં દક્ષિણ આફ્રિકા સેમિફાઇનલમાં પ્રવેશ્યું હતું. આજથી 24 વર્ષ પહેલાં રમાયેલી આ સેમિફાઇનલ લૉ-સ્કોરિંગ હોવા છતાંપણ અતિશય રોમાંચક રહી હતી.
દક્ષિણ આફ્રિકન ટીમનું નેતૃત્વ હૅન્સી ક્રૉન્જેના હાથમાં હતું તો બીજી તરફ ઑસ્ટ્રેલિયન ટીમનું સુકાન સ્ટીવ વૉના હાથમાં હતું.
સેમિફાઇનલ મૅચ પહેલાં બંને ટીમો એકવાર સુપર સિક્સ સ્ટેજમાં ટકરાઈ હતી જેમાં ઑસ્ટ્રેલિયાની ટીમે સ્ટીવ વૉની સદીને સહારે આ મૅચ જીતી હતી. ઑસ્ટ્રેલિયા ત્યારે વર્લ્ડકપમાંથી જ બહાર ફેંકાઈ જવાને આરે હતું.
રનરેટ સારો હોવાને કારણે નૉકઆઉટ રાઉન્ડ પહેલાં ઑસ્ટ્રેલિયા દક્ષિણ આફ્રિકા કરતાં પૉઇન્ટ ટેબલમાં ઉપરના સ્થાને હતું. પણ આ જ રનરેટનો સામાન્ય દેખાતો ફર્ક આગળ જતાં દક્ષિણ આફ્રિકાનું ભાવિ નક્કી કરવાનો હતો.
દક્ષિણ આફ્રિકાના કૅપ્ટને ટૉસ જીતીને બૉલિંગ પસંદ કરી હતી અને તેમનો નિર્ણય જાણે કે સો ટકા સાચો સાબિત થયો.
દક્ષિણ આફ્રિકન બૉલિંગે શરૂઆતથી જ ઑસ્ટ્રેલિયન બૅટ્સમૅનો પર કાળો કેર વર્તાવ્યો અને 68 રન થવા સુધીમાં તો ઑસ્ટ્રેલિયાના ચાર બૅટ્સમેનો પેવેલિયન ભેગા થઈ ગયા હતા. રિકી પૉન્ટિંગ, ડૅરેન લેહમેન અને ઍડમ ગિલક્રિસ્ટ જેવા બૅટ્સમેનો આઉટ થઈ ગયા હતા.
સ્ટીવ વૉ અને માઇકલ બૅવને ઑસ્ટ્રેલિયાની ઇનિંગને આધાર આપ્યો હતો અને અનુક્રમે 56 અને 65 રન ફટકાર્યા હતા.
તેમની ઇનિંગના સહારે ઑસ્ટ્રેલિયાએ 49.2 ઑવરમાં 213 રન બનાવ્યા હતા. શૉન પૉલોકે પાંચ વિકેટ અને એલન ડૉનાલ્ડે ચાર વિકેટ ઝડપીને તરખાટ મચાવ્યો હતો.
પ્રમાણમાં સરળ લાગતા ટાર્ગેટને ચેઝ કરવા ઊતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમે શરૂઆત પણ સારી કરી હતી અને વિના વિકેટે 48 રન બનાવ્યા હતા. ત્યાં જ ઑસ્ટ્રેલિયન સ્પિનર શેન વૉર્ન ત્રાટક્યા અને તેમણે બંને ઓપનરો ગૅરી કર્સ્ટન અને હર્ષલ ગિબ્સને બૉલ્ડ કરી દીધા હતા. એક તબક્કે દક્ષિણ આફ્રિકાનો સ્કોર પણ ચાર વિકેટે 61 રન થઈ ગયો હતો.
જૅક કાલીસ અને જૉન્ટી રહોડ્સે 84 રનની ભાગીદારી કરી હતી પરંતુ તેઓ બંને પણ અંતે શેન વૉર્નનો શિકાર બન્યા હતા.
પરંતુ ઑસ્ટ્રેલિયાની જીતના માર્ગમાં દક્ષિણ આફ્રિકાના બૅટ્સમેન લાન્સ ક્લુઝનર અવરોધ બનીને ઊભા હતા. તેમણે 16 બૉલમાં 31 રન ફટકાર્યા હતા.
છેલ્લી ઓવરમાં જીત માટે આફ્રિકાને નવ રનની જરૂર હતી અને એક વિકેટ હાથમાં હતી. જોકે, ક્લુઝનરને કારણે આફ્રિકા સહેલાઈથી જીતી જશે તેવું લાગતું હતું.
પરંતુ ઑસ્ટ્રેલિયાએ પ્રયત્નો છોડ્યા ન હતા અને દબાણ ઊભું કર્યું હતું. જીતવા માટે હવે એક જ રન કરવાનો બાકી હતો. પરંતુ ઓવરના ચોથા બોલે રન લેવા જતાં નૉન-સ્ટ્રાઇકર ઍન્ડ પર રહેલા ડૉનાલ્ડ રનઆઉટ થયા અને મૅચ ટાઈ પડી.
એ સમયે સુપર ઓવરનો કોઈ નિયમ ન હતો અને વધુ સારો રનરેટ હોવાને કારણે ઑસ્ટ્રેલિયાને સીધી જ ફાઇનલની ટિકિટ મળી. રનરેટને આધારે મળેલી હાર દક્ષિણ આફ્રિકા માટે આઘાતજનક હતી.
25 એપ્રિલ, 2007 સૅન્ટ લ્યુસિયા, સેમિફાઇનલ

ઇમેજ સ્રોત, Getty Images
કેરેબિયાઈ ધરતી પર રમાયેલા આ વર્લ્ડકપને ઘણાં કારણોસર ક્રિકેટપ્રેમીઓ યાદ કરવા ઇચ્છતા નથી.
અતિશય વિવાદાસ્પદ ઘટનાઓ જેમ કે પાકિસ્તાનના કૉચ બૉબ વુલ્મરનું રહસ્યમય મૃત્યુ, મોટા ભાગે વન-સાઇડેડ મુકાબલા, ભારત અને પાકિસ્તાન જેવી એશિયન ટીમોનું નિરાશાજનક પ્રદર્શન, 47 દિવસ જેટલો અતિશય લાંબો કાર્યક્રમ, મિસમૅનેજમૅન્ટ – આ બધી બાબતોને કારણે જાણે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું જેમાં પ્રેક્ષકોને વર્લ્ડકપમાં રસ જ ન રહ્યો. કદાચ એટલે જ આઈસીસીના ઇતિહાસમાં 50 ઓવરના વર્લ્ડકપમાં સૌથી ખરાબ અને નીરસ વર્લ્ડકપ તરીકે 2007ના વર્લ્ડકપને સ્થાન આપવામાં આવે છે.
વર્લ્ડકપ જીતવાની પ્રબળ દાવેદાર એવી ભારત અને પાકિસ્તાન જેવી ટીમો પહેલા રાઉન્ડમાં જ બહાર ફેંકાઈ જતાં અતિશય નીરસ બની ચૂકેલા વર્લ્ડકપની મજાક ઊડાવતાં બીબીસીના ક્રિકેટ સંવાદદાતા જોનાથન ઍન્ગ્યુએ કહ્યું હતું, "એવી અફવા ચાલી રહી છે કે 50 ઓવરનો વર્લ્ડકપ એ હજુ પણ દૂરદૂર કોઈ કૅરેબિયન ટાપુમાં રમાઈ રહ્યો છે."
આ વર્લ્ડકપમાં ફરી એકવાર દક્ષિણ આફ્રિકન ટીમ કૅપ્ટન ગ્રીમ સ્મિથની આગેવાનીમાં સેમિફાઇનલમાં પહોંચી હતી. જોકે, સેમિફાઇનલમાં પહોંચવા છતાં પણ દક્ષિણ આફ્રિકન ટીમ આ વર્લ્ડકપને યાદ નહીં કરે.
ટૉસ જીતીને બૅટિંગ કરવાનો નિર્ણય દક્ષિણ આફ્રિકા માટે અતિશય ખોટો નીવડ્યો હતો અને દક્ષિણ આફ્રિકાની સમગ્ર ટીમ 43.5 ઓવરમાં 149 રનમાં જ ઑલઆઉટ થઈ ગઈ હતી. દક્ષિણ આફ્રિકા તરફથી જસ્ટિન કૅમ્પે સૌથી વધુ 49 રન કર્યા હતા.
ગ્લૅન મેકગ્રા અને શૉન ટૈટની ઘાતક બૉલિંગ સામે દક્ષિણ આફ્રિકાની ટીમ ધરાશાયી થઈ ગઈ હતી. તેમણે અનુક્રમે ત્રણ અને ચાર વિકેટ ઝડપી હતી.
લક્ષ્યનો પીછો કરવા ઊતરેલી ઑસ્ટ્રેલિયાની ટીમને કોઈ ખાસ મુશ્કેલી પડી ન હતી અને તેણે દક્ષિણ આફ્રિકાને 31.3 ઓવરમાં જ સાત વિકેટે કારમો પરાજય આપ્યો હતો.
એકવાર ફરીથી દક્ષિણ આફ્રિકા વર્લ્ડકપની ફાઇનલમાં પ્રવેશવામાં નિષ્ફળ રહ્યું હતું.
16 નવેમ્બર, 2023 કોલકાતા સેમિફાઇનલ

ઇમેજ સ્રોત, Getty Images
પાંચમી વાર સેમિફાઇનલમાં પહોંચેલી દક્ષિણ આફ્રિકન ટીમ સામે ફરી એકવાર ઑસ્ટ્રેલિયાનો પડકાર હતો. પરંતુ આ વર્લ્ડકપમાં તેમણે કરેલા પ્રદર્શનને કારણે દક્ષિણ આફ્રિકાનો આત્મવિશ્વાસ ઘણો સારો હતો.
આ વખતે દક્ષિણ આફ્રિકાની ટીમે એક-બે મૅચોને બાદ કરતા તમામ ટીમ સામે લીગ મૅચોમાં પ્રભુત્વસભર વિજય મેળવ્યો હતો.
102 રન, 134 રન, 229 રન, 149 રન, 190 રન... આ કોઈ ટીમનો સ્કોર નથી. પરંતુ દક્ષિણ આફ્રિકાએ હરીફ ટીમો સામે આ વર્લ્ડકપમાં મેળવેલા પ્રભુત્વસભર વિજયના માર્જિન છે.
ભારત અને નેધરલૅન્ડ સામે મળેલા આંચકાજનક પરાજયને બાદ કરીએ તો દક્ષિણ આફ્રિકાની ટીમે આ રીતે ભવ્ય વિજય મેળવ્યા હતા. વધુમાં લીગ સ્ટૅજમાં તેમણે ઑસ્ટ્રેલિયાને પણ 134 રનથી હરાવ્યું હતું.
પરિસ્થિતિઓ અને આંકડાઓ દક્ષિણ આફ્રિકાના પક્ષમાં હતા. પરંતુ મૅચ શરૂ થતાં જ એ આંકડાઓએ દક્ષિણ આફ્રિકાનો સાથ જાણે છોડી દીધો.
આ વર્લ્ડકપમાં પ્રથમ બેટિંગ કરતા પાંચ વખત 300થી વધુનો સ્કોર નોંધાવનાર આફ્રિકાની બેટિંગ સેમિફાઇનલમાં ધરાશાયી થઈ ગઈ અને મિલરના 101 રનના સહારે તેઓ માત્ર 212 રન જ નોંધાવી શક્યા.
ઑસ્ટ્રેલિયાને જીતવા માટે 213 રનનો પડકાર મળ્યો હતો. પરંતુ દક્ષિણ આફ્રિકાને 213 રનનો આંકડો જાણે કે સતત 1999ની ટાઈ થયેલી સેમિફાઇનલની યાદ અપાવી રહ્યો હતો.
જોકે, દક્ષિણ આફ્રિકી ટીમે છેક છેલ્લા બૉલ સુધી ઑસ્ટ્રેલિયા પર દબાણ જાળવી રાખ્યું હતું અને ઓછા સ્કોર છતાં આ મૅચ જીતવાનો પ્રયાસ છોડ્યો ન હતો.
છેક સુધી રોમાંચક બની રહેલી મૅચમાં અંતે ઑસ્ટ્રેલિયાએ ત્રણ વિકેટે જીત મેળવી હતી. આ સાથે જ વર્લ્ડકપની સેમિફાઇનલમાં ત્રીજીવાર ઑસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને હરાવ્યું. હારેલી દક્ષિણ આફ્રિકી ટીમના ખેલાડીઓના ચહેરા પર ફરી એકવાર ફાઇનલમાં પ્રવેશી ન શકવાનો વસવસો સ્પષ્ટપણે દેખાતો હતો.
એમ જ નથી લાગ્યું ‘ચોકર્સ’નું ટૅગ

ઇમેજ સ્રોત, ESPNCricinfo
1992માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાછા ફર્યા પછી વર્લ્ડકપમાં દક્ષિણ આફ્રિકા પહેલીવાર રમી રહ્યું હતું. સેમિફાઇનલમાં તેની ટક્કર ઇંગ્લૅન્ડ સામે હતી.
252 રનનો પીછો કરતા દક્ષિણ આફ્રિકાને 13 બૉલમાં 22 રન કરવાના હતા. ત્યાં જ વરસાદ આવ્યો અને અમ્પાયરોએ મૅચ અટકાવવી પડી.
વરસાદને કારણે ઓવરો કપાવાનો નિયમ લાગુ થયો અને પરિસ્થિતિ એવી ઊભી થઈ કે જ્યારે મૅચ શરૂ થઈ ત્યારે દક્ષિણ આફ્રિકાને એક બૉલમાં 22 રન કરવાના આવ્યા જે અશક્ય વાત હતી. આજે પણ લોકો આ સ્કોરબૉર્ડ યાદ કરીને દક્ષિણ આફ્રિકાના નસીબને તેના માટે જવાબદાર ગણે છે.
2003ના વર્લ્ડકપમાં પણ દક્ષિણ આફ્રિકાને આગળના રાઉન્ડમાં પ્રવેશવા માટે શ્રીલંકા સામેની મૅચ ફરજિયાત જીતવી પડે તેમ હતી. 268 રનના લક્ષ્યનો પીછો કરતા દક્ષિણ આફ્રિકાનો સ્કોર 6 વિકેટે 229 રન હતો ત્યારે વરસાદ આવ્યો. ત્યારબાદ વરસાદને કારણે મૅચ ફરીથી શરૂ થઈ શકી નહીં અને ડકવર્થ લુઇસના નિયમને આધારે મૅચ ટાઈ જાહેર કરવામાં આવી. દક્ષિણ આફ્રિકા માટે જીત ફરજિયાત હોવાને કારણે તેઓ વર્લ્ડકપમાંથી બહાર ફેંકાઈ ગયા હતા.
2011ની ક્વાર્ટર ફાઇનલમાં ન્યૂઝીલૅન્ડ સામે 222 રનના લક્ષ્યનો પીછો કરતા દક્ષિણ આફ્રિકાએ બે વિકેટે 108 રન બનાવી લીધા હતા. ત્યારબાદ ઓચિંતા જ ટીમનો ધબડકો થઈ ગયો અને દક્ષિણ આફ્રિકા 64 રને મૅચ હારી ગયું.
2015માં ન્યૂઝીલૅન્ડ સામેની સેમિફાઇનલ પણ વારંવાર વરસાદને કારણે ટૂંકાવીને 43 ઓવરની રમાડવામાં આવી હતી. જોકે, આ મૅચમાં દક્ષિણ આફ્રિકાએ છોડેલા કૅચ અને રનઆઉટ કરવાના ગુમાવેલા મોકાને કારણે લોકો તેને ‘ઇલિયટ ઇફેક્ટ’ તરીકે પણ ઓળખાવે છે. ફરી એકવાર સેમિફાઇનલમાં હારીને દક્ષિણ આફ્રિકા બહાર ફેંકાઈ ગયું હતું.
‘ચોકર્સ’ શબ્દનો અર્થ શું થાય છે?
સ્પોર્ટ્સમાં આશાઓ અનુરૂપ પ્રદર્શન ન કરનાર ટીમ કે ખેલાડી માટે ‘ચોકર્સ’ શબ્દનો ઉપયોગ થાય છે.
મોટેભાગે જે-તે ટીમ કે ખેલાડી જીતવા માટે સૌથી ફેવરિટ ગણાતા હોય અને ત્યારે અપેક્ષા અનુસાર પ્રદર્શન ન કરી શકે તો તેમના માટે આ શબ્દ પ્રયોજાય છે.
હાર્વર્ડ બિઝનેસ રીવ્યૂ પ્રમાણે અતિશય દબાણ હેઠળ ખેલાડી કે ટીમ મૂંઝાઈ જાય છે. જ્યારે પ્રદર્શન કરવા માટે સૌથી અગત્યનો સમય આવે ત્યારે તેઓ અપેક્ષા કરતાં નબળું પ્રદર્શન કરે છે. રમતમાં અતિશય કુશળતા અને નિપુણતા હોવા છતાં અને વર્ષોની પ્રૅક્ટિસ હોવા છતાં તેઓ જ્યારે આ પ્રકારનું પ્રદર્શન કરે તેને રમતની ભાષામાં ‘ચોકિંગ’ કહે છે.












