‘અમદાવાદની પીચ’ અંગે ફાઇનલ પહેલાં ઑસ્ટ્રેલિયાના ખેલાડીએ શું કહ્યું જેની ચર્ચા થઈ રહી છે?

ઇમેજ સ્રોત, Getty Images
ઘણા રોમાંચક મુકાબલા બાદ ભારતમાં વનડે વર્લ્ડકપ તેના સમાપન તરફ આગળ વધી રહ્યો છે.
રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ મુકાબલો યોજાશે. અને ક્રિકેટજગતને આગામી ચાર વર્ષ માટે ‘વનડે ક્રિકેટનો કિંગ’ મળી જશે.
નોંધનીય છે કે બુધવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ન્યૂઝીલૅન્ડ સામે યોજાયેલી પ્રથમ સેમિફાઇનલ મૅચમાં ભારતીય ક્રિકેટ ટીમ 70 રને ભવ્ય વિજય મેળવી ફાઇનલમાં પ્રવેશનાર પ્રથમ ટીમ બની હતી. જ્યારે ગુરુવારે કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે દક્ષિણ આફ્રિકાને હરાવી ઑસ્ટ્રેલિયન ટીમ ફરી એક ‘વર્લ્ડકપના દાવેદાર’ તરીકે ફાઇનલમાં ભારતને પડકારવા પહોંચી ગઈ હતી.
બંને મુકાબલા ઘણા રોમાંચક રહ્યા હતા. પરંતુ વાનખેડે ખાતે ન્યૂઝીલૅન્ડ અને ભારત વચ્ચેની મૅચ પહેલાં મીડિયામાં છપાયેલા એક અહેવાલને કારણે વિવાદનો પણ જન્મ થયો હતો.
આ વિવાદ હતો પીચનો. અહેવાલમાં દાવો કરાયો હતો કે ન્યૂઝીલૅન્ડ સામેની મૅચ પહેલાં આઈસીસીએ ભારતની વિનંતી સ્વીકારી ‘જૂની પીચ પર રમવા દેવાનો નિર્ણય કર્યો હતો.’ કહેવાઈ રહ્યું હતું કે પહેલાં મૅચ ‘નવી પીચ પર રમાવાની હતી.’ પરંતુ બાદમાં ‘નિર્ણય બદલી જૂની પીચ પર જ મૅચ રમાડવાનું નક્કી થયું હતું.’
આ વિવાદ અંગે આઈસીસીએ પણ સ્પષ્ટતા કરવી પડી હતી. સાથે જ વિશ્વના કેટલાક ક્રિકેટ નિષ્ણાતોએ પણ આ બાબતે પોતાના મંતવ્યો જાહેર કર્યા હતા.
હવે અમદાવાદમાં યોજાનાર ફાઇનલ પહેલાં ફરી એક વાર આ બાબત ચર્ચામાં આવી છે. ફાઇનલિસ્ટ ઑસ્ટ્રેલિયા ટીમના ઝડપી બૉલર મિચેલ સ્ટાર્કે આ મુદ્દે પત્રકારો સાથેની વાતચીતમાં પોતાના વિચાર રજૂ કર્યા છે.
ઑસ્ટ્રેલિયન પ્લેયરે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
દક્ષિણ આફ્રિકાએ સેમિફાઇનલમાં ઑસ્ટ્રેલિયા સામે મૂકેલા 213 રનના ટાર્ગેટને ટીમ માંડ માંડ ચૅઝ કરી શકી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અંતિમ ઓવરો અને વિકેટો સુધી ખેંચાયેલા આ પ્રદર્શન અંગે મિચેલ સ્ટાર્કને મૅચ બાદ પત્રકારોએ પ્રશ્ન કર્યા હતા.
એનડીટીવી ડોટ કૉમના એક અહેવાલ અનુસાર તેમને પૂછાયું હતું કે, ‘શું તેઓ સાઉથ આફ્રિકા સામેના રન ચૅઝને જોતાં અમદાવાદમાં યોજાનારી ફાઇનલ અંગે ચિંતિત છે ખરા?’
આ અંગે ઑસ્ટ્રેલિયન ફાસ્ટ બૉલરે કંઈક અલગ જ અંદાજમાં જવાબ આપ્યો હતો.
તેમણે કહ્યું હતું કે, “મને લાગે છે કે આ વાત અંગે આપણને જ્યારે અમે અમદાવાદ પહોંચીશું ત્યારે જ ખબર પડશે. એ જોયા બાદ કે વિકેટ ફ્રૅશ છે કે જૂની.”
તેમણે ઈડન ગાર્ડન્સની પીચ અંગે પણ વાત કરી હતી. સ્ટાર્કે કહેલું કે, “એ ખૂબ જ સપાટ પીચ હતી. કવરમાં રહેવાને કારણે તેના પર બેટિંગ કરવાનું થોડું અઘરું પણ બન્યું હતું. બૉલરોની ઝડપ અનિયમિત જણાઈ રહી હતી. જેના કારણે થોડા સમય માટે બેટિંગ કરવાનું મુશ્કેલ પણ હતું. જોકે, બૉલરોને થોડું સ્વિંગ પણ મળ્યું હતું.”
શું હતો ‘પીચનો વિવાદ’?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
આ મામલામાં મીડિયા રિપોર્ટોમાં દાવો કરાયો છે કે સેમિફાઇનલ અગાઉ કોચ રાહુલ દ્રવિડની આગેવાનીવાળી ટીમ મૅનેજમૅન્ટે પીચ ક્યૂરેટરને વિનંતી કરી હતી કે તો પીચ પરથી ઘાસ હઠાવી દે.
રિપોર્ટમાં દાવો કરાયો છે કે આ વિનંતીનો હેતુ ભારતીય સ્પિનરોને પીચ પર મદદ મળે એવો તેમજ ઘાસ હઠાવાયા બાદ ન્યૂઝીલૅન્ડના ઝડપી બૉલરોને મળનાર લાભ ખતમ કરી શકાય એવો હતો.
મીડિયા રિપોર્ટોમાં ડેલી મેઇલ અખબારના બુધવારના રિપોર્ટોનો હવાલો આપીને દાવો કરાયો હતો કે આઈસીસી પીચ કન્સલ્ટન્ટ એન્ડી એટકિન્સને આ અંગે નિરાશા વ્યક્ત કરી હતી.
તેમના અનુસાર ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે સેમિફાઇનલ મૅચ પહેલાં ફ્રૅશ સરફેસ (નવી પીચ) પર રમાવાની હતી પરંતુ હવે એ જૂની પીચ પર જ રમાશે.
મીડિયા રિપોર્ટોમાં એવો પણ દાવો કરાયો હતો કે ભારત વિરુદ્ધ પાકિસ્તાન મૅચ દરમિયાન પણ પીચ બદલાઈ હતી. ત્યારે મૅચ પીચ નંબર સાતના સ્થાને પીચ નંબર પાંચ પર રમાઈ હતી.

ઇમેજ સ્રોત, GETTY IMAGES
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અખબારના એક રિપોર્ટમાં દાવો કરાયો હતો કે ભારત અને ન્યૂઝીલૅન્ડની ‘સેમિફાઇનલ મૅચ પહેલાં પીચ નંબર સાત પર રમાવાની હતી. આ પીચ વર્લ્ડકપમાં અહીં રમાયેલી ચાર મૅચોમાં ઉપયોગમાં લેવાઈ નહોતી અને એ બિલકુલ નવી પીચ હતી.’
રિપોર્ટમાં દાવો કરાયો છે કે, “પરંતુ મંગળવારે એક ગ્રૂપમાં બીસીસીઆઈ અને આઈસીસીના 50 કરતાં વધુ અધિકારીઓને એક વૉટ્સઍપ મૅસેજ મોકલાયો. જેમાં પુષ્ટિ કરાઈ કે પ્રથમ સેમિફાઇનલ મૅચ પીચ નંબર છ પર થશે. એ પીચ પર ઇંગ્લૅન્ડ વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા અને ભારત વિરુદ્ધ શ્રીલંકાની મૅચ રમાઈ હતી.”
વિવાદ વધતાં આઈસીસીએ આ મામલે નિવેદન આપ્યું છે.
સેમિફાઇનલ કવર કરી રહેલા બીબીસી સંવાદદાતા નીતિન શ્રીવાસ્તવ પ્રમાણે આઈસીસીના પ્રવક્તાએ કહ્યું, “આટલા લાંબા આયોજનના અંતિમ તબક્કામાં પીચ રોટેશન માટે નક્કી કરાયેલી યોજનામાં બદલાવ એ સામાન્ય બાબત છે અને આવું અગાઉ પણ થઈ ચૂક્યું છે. આ બદલાવ મેદાનના ક્યૂરેટરની સલાહ પર મેજબાનની સંમતિ બાદ થયો છે.”
આઈસીસી પ્રવક્તાએ આગળ કહ્યું કે, “આઈસીસીના સ્વતંત્ર પીચ કન્સલ્ટન્ટને આ વાતની જાણકારી હતી એટલે એવું માનવાને કોઈ કારણ નથી કે આ પીચ પર સારી રમત નહીં રમાય.”














