વર્લ્ડકપ: દક્ષિણ આફ્રિકા ફરી સેમિફાઇનલમાં હાર્યું, હવે અમદાવાદમાં ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે ટક્કર

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાયેલી વનડે વર્લ્ડકપની સેમિફાઇનલમાં રોમાંચક મુકાબલામાં ઑસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને ત્રણ વિકેટ માત આપી હતી.

આ જીત સાથે ઑસ્ટ્રેલિયન ટીમ ફરી એક વાર વનડે ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી હતી.

1991ના વર્લ્ડકપથી શરૂ કરીને પાંચ વખત સેમિફાઇનલમાં પહોંચનારી સાઉથ આફ્રિકન ટીમ આ વખત પણ સેમિફાઇનલનો પડકાર પાર પાડી ફાઇનલ સુધી પહોંચવામાં નિષ્ફળ રહી હતી.

નોંધનીય છે કે પાંચ સેમિફાઇનલ પૈકી ચારમાં સાઉથ આફ્રિકન ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે 1999ના વર્લ્ડકપમાં ઑસ્ટ્રલિયા સામેની મૅચ અનિર્ણિત (ટાઈ) રહી હતી.

જોકે, માત્ર 213 રનનો પીછો કરવા મેદાને ઊતરેલી ઑસ્ટ્રેલિયાની ટીમ માટે આ જીત અપેક્ષા પ્રમાણે સરળ રહી શકી નહોતી.

હવે આગામી રવિવારે ઑસ્ટ્રેલિયન ટીમ ભારત સામે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ફાઇનલમાં ટકરાશે.

નોંધનીય છે કે આ અગાઉ ઑસ્ટ્રેલિયાની ટીમ કુલ સાત વખત ફાઇનલમાં પહોંચી ચૂકી છે, જે પૈકી પાંચમાં તેને જીત પણ હાંસલ થઈ છે.

ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઊતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમ આ તકનો લાભ લઈ મોટો સ્કોર ખડકવામાં નિષ્ફળ રહી હતી.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પ્રારંભિક ફટકા બાદ ટીમ માંડ માંડ 212 રન બનાવી શકી હતી. જેમાં ડેવિડ મિલરની લડાયક સદીએ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો.

મિલરની સાથોસાથ બૅટ્સમૅન હાઇનરિક ક્લાસેને આક્રમક બેટિંગ પ્રદર્શન કરીને ટીમને સન્માનજનક સ્કોર સુધી લઈ જવામાં ભૂમિકા ભજવી હતી.

દક્ષિણ આફ્રિકાના કૅપ્ટન ટેમ્બા બાવુમાએ ટીમની હાર વિશે કહ્યું કે, “હાર વિશે કહેવું મુશ્કેલ છે. ઑસ્ટ્રેલિયાને ફાઇનલ પ્રવેશ માટે અભિનંદન. તેઓ સારું રમ્યા. બીજા હાફમાં અમે લડત આપી પણ છતાં સફળ ન રહ્યા. ઑસ્ટ્રેલિયાએ તમામ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવ્યો અને પરિણામ મેળવ્યું. મિલર અને ક્લાસેનની પાર્ટનરશિપની જરૂર હતી, કેમ કે એ મહત્ત્વનું હતું, પણ એ થયું નહીં. જોકે મિલરે છતાં ખૂબ પ્રભાવક બેટિંગ કરી.”

“અમને લાગ્યું કે સ્કોર કરી શકાય એવો છે. અમે શરૂઆત સારી કરી. વૉર્નરની વિકેટ પણ લીધી. શમ્શીએ ઑસ્ટ્રેલિયાનું દબાણ વધારી દીધું હતું. અમારી પાસે તક હતી પણ અમે ગુમાવી. યુવા બૉલરોએ સારું પ્રદર્શન કર્યું. અમારી ટીમ માટે તે ખૂબ મહત્ત્વનું છે. આ ટુર્નામેન્ટ સારી રહી અમે વિશ્વકપ જીતવા માગતા હતા પણ છતાં જેટલું રમ્યા એટલો આનંદ છે.”

ક્રિકેટ

ઇમેજ સ્રોત, Getty Images

સામેની બાજુએ વિજેતા ટીમ ઑસ્ટ્રેલિયાની જીતમાં પણ ટ્રેવિસ હેડ અને ડેવિડ વૉર્નરની ફટકાબાજીએ સર્જેલા દબાણે ટીમની જીતનો પાયો નાખ્યો હતો.

ટ્રેવિસ હેડે માત્ર 48 બૉલમાં 62 રનની ઝંઝાવાતી ઇનિંગ રમી હતી. અંતે ઉપરાઉપરી વિકેટો ગુમાવવાને કારણે શરૂઆતમાં મેળવેલો આત્મવિશ્વાસ ગુમાવી બેસેલી ઑસ્ટ્રેલિયન ટીમની બાજી સ્ટીવ સ્મિથ અને જોસ ઇંગ્લિસે સંભાળી હતી.

જોકે, જીત માટે જરૂરી અંતિમ રન મિચેલ સ્ટાર્ક અને ટીમના કપ્તાન પેટ કમિન્સની જોડીએ સંઘર્ષપૂર્ણ બેટિંગનું પ્રદર્શન કરીને 47.2 ઓવરમાં જ બનાવી લીધા હતા.

ઑસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્ક અને પેટ કમિન્સે સૌથી વધુ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. જ્યારે હેઝલવૂડ અને ટ્રેવિસ હેડ બબ્બે-બબ્બે વિકેટ ઝડપી હતી.

જ્યારે સાઉથ આફ્રિકા તરફથી તબરેઝ શમસી અને જેરાડ કોએત્ઝીએ બબ્બે અને એઇડન મારક્રમ, કગિસો રબાડા અને કેશવ મહારાજે એક-એક વિકેટ મેળવી હતી.

અંતિમ લીગ મૅચમાં ગ્લેન મૅક્સવેલની ઝંઝાવાતી બેવડી સદીને બળે અફઘાનિસ્તાન સામે લડાયક અંદાજમાં જીત છીનવી લાવનાર ઑસ્ટ્રેલિયન ટીમ સામે દક્ષિણ આફ્રિકાની ટીમ 213 રનનું લક્ષ્ય જ મૂકી શક્યું.

જો વર્લ્ડકપમાં અત્યાર સુધીના બંને ટીમો પ્રદર્શનની વાત કરીએ તો દક્ષિણ આફ્રિકા અને ઑસ્ટ્રેલિયા બંને લીગ સ્ટેજમાં નવમાંથી સાત મૅચોમાં જીત મેળવીને ગજબ ફૉર્મનો પરચો આપી ચૂકી હતી.

બંને ટીમ પૉઇન્ટ્સ ટેબલમાં અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે હતી.

સાઉથ આફ્રિકાની નબળી શરૂઆત

મિલરની ફટકાબાજી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મિલરની ફટકાબાજી

દક્ષિણ આફ્રિકાએ ટૉસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. પરંતુ આક્રમક શરૂઆતની આશાએ મેદાનમાં ઊતરેલી આફ્રિકન ટીમની શરૂઆત અપેક્ષા મુજબ થઈ શકી નહોતી.

ટીમને તાબડતોડ શરૂઆત અપાવવાના નિર્ધાર સાથે મેદાને ઊતરેલી ક્વિન્ટન ડી કોક અને કપ્તાન તેમ્બા બાવુમાની જોડી ક્રીઝ પર વધુ સમય સુધી ટકી શકી નહોતી.

પ્રથમ ઓવરના અંતિમ બૉલે બાવુમા મિચેલ સ્ટાર્કના બૉલે વિકેટકીપર જોશ ઇંગ્લિસને કૅચ આપી બેઠા અને ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયા.

વર્લ્ડકપમાં જબરદસ્ત બેટિંગ પ્રદર્શન કરીને ટૉપ સ્કોરર બૅટ્સમૅનો પૈકી એક બની ગયેલા ડી કોક પાસે પ્રશંસકોને જોરદાર પ્રદર્શનની આશા હતી. પરંતુ તેઓ પણ જોશ હેઝલવૂડની ઓવરમાં બૉલને મેદાન બહાર પહોંચાડવાના પ્રયાસમાં પેટ કમિન્સને કૅચ આપી બેઠા. તેઓ 14 બૉલ રમીને ત્રણ રન જ કરી શક્યા.

છ ઓવરમાં માત્ર આઠ રને બે વિકેટ ગુમાવીને દક્ષિણ આફ્રિકાની ટીમ પહેલાંથી દબાણમાં જણાઈ રહી હતી.

જોકે, ઑસ્ટ્રેલિયન બૉલરોએ દક્ષિણ આફ્રિકા પરનું દબાણ ઓછું થવા ન દીધું.

બાદની ઓવરોમાં એઇડન મારક્રમ અને વન ડર ડુસેન પણ અનુક્રમે દસ અને છ રનના વ્યક્તિગત સ્કોરે આઉટ થઈ ગયા.

12 ઓવરમાં દક્ષિણ આફ્રિકાની ટીમ બે રનની સરેરાશથી ચાર વિકેટના નુકસાને માત્ર 24 રન જ કરી શકી હતી. ઑસ્ટ્રેલિયાનો બૉલિંગ ઍટેક દક્ષિણ આફ્રિકા માટે ઘાતક નીવડી રહ્યો હોય એમ લાગી રહ્યું હતું.

એક સમયે આ સ્થિતિને કારણે તો જાણે એવું લાગવા મંડેલું કે દક્ષિણ આફ્રિકાની ટીમ સેમિફાઇનલ જેવી નિર્ણાયક મૅચમાં 100 રન પણ નહીં બનાવી શકે.

જોકે, બાદમાં આવેલા બૅટ્સમૅન હાઇનરિક ક્લાસેન અને ડેવિડ મિલરે બાજી સંભાળવાની કોશિશ કરી હતી. પરંતુ મૅચમાં 14 ઓવર પૂરી થતાં વરસાદનું વિઘ્ન આવ્યું અને મૅચ અધવચ્ચે અટકાવી દેવી પડી હતી.

મિલરની લડાયક સદી

ડેવિડ મિલર

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, ડેવિડ મિલર

ખૂબ ઓછા સ્કોરે ચાર વિકેટ ગુમાવી મુશ્કેલીમાં દેખાઈ રહેલી દક્ષિણ આફ્રિકાની ટીમ માટે મિલર અને ક્લાસેનની જોડી જાણે ‘તારણહાર’ બની હતી.

બંનેએ ઑસ્ટ્રેલિયાની ઘાતક બૉલિંગ સામે સાવધાનીપૂર્વક રમતનું પ્રદર્શન કર્યું અને પાંચમી વિકેટ માટે 95 રનની ભાગીદારી કરી.

જોકે, 31મી ઓવરમાં ટ્રેવિસ હેડે ક્લાસેનને બોલ્ડ કરીને આ જોડી તોડી. આક્રમક વલણ અખત્યાર કરી રહેલા ક્લાસેન બે ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 48 બૉલમાં 47 રન કરી શક્યા.

તે બાદ મેદાનમાં આવેલા માર્કો જેનસેન પણ ટ્રેવિસ હેડના બીજા જ બૉલે ખાતું ખોલવ્યા વગર આઉટ થઈ ગયા. અને ફરી એક વાર આફ્રિકન ટીમ દબાણમાં આવી ગઈ હોય તેવું દેખાવા લાગ્યું.

જોકે, મેદાનમાં એક તરફથી ડેવિડ મિલરે બાજી સંભાળી રાખી હતી.

જોકે, 44મી ઓવરમાં ડેવિડ મિલર સાથે એક છેડો સાચવીને રમી રહેલા જેરાલ્ડ કોએત્ઝી પેટ કમિન્સના બૉલે વિકેટકીપર જોશ ઇંગ્લિસને કૅચ આપી બેઠા. તેઓ 39 બૉલમાં માત્ર 19 રન કરી શક્યા હતા. આ સમય સુધી દક્ષિણ આફ્રિકાની ટીમનો સ્કોર 172 રને સાત વિકેટનો હતો.

જોકે, વિકેટ પર ટકી ગયેલા ડેવિડ મિલરે અંતિમ ઓવરમાં ટીમના સ્કોરને ગતિ આપવા અને આક્રમક બેટિંગ શરૂ કરી હતી.

નવમા ક્રમે બેટિંગ કરવા ઊતરેલા કેશવ મહારાજ મિચેલ સ્ટાર્કના બૉલ પર મોટો શૉટ ફટકારવા જતા આઠ બૉલ રમીને ચાર રનના સ્કોરે સ્ટીવ સ્મિથના હાથે કૅચ આઉટ થયા હતા.

48મી ઓવરમાં પેટ કમિન્સના પ્રથમ બૉલે છગ્ગો ફટકારીને ઇન-ફૉર્મ ડેવિડ મિલરે પોતાની સદી પૂરી કરી. સદી બાદ ઑસ્ટ્રેલિયન બૉલરો પર આક્રમણ કરવા તૈયાર દેખાતા ડેવિડ મિલર આ ઓવરના બીજા જ બૉલે મોટો શોટ રમવા જતા બાઉન્ડરીએ ઝડપાઈ ગયા હતા.

તેઓ 116 બૉલમાં લડાયક 101 રનની ઇનિંગ રમ્યા. તેમણે પોતાની ઇનિંગમાં પાંચ છગ્ગા અને આઠ ચોગ્ગા ફટકાર્યા હતા.

અંતિમ ઓવરમાં ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડવા માટે ફટકાબાજીના મૂડમાં લાગી રહેલા કગિસો રબાડા ઝાઝું કંઈ કરવામાં સફળ નહોતા રહ્યા. તેઓ મોટો શોટ રમવા જતા અંતિમ ઓવરમાં પેટ કમિન્સના બૉલે ગ્લેન મૅક્સવેલને બાઉન્ડરી પર કૅચ આપી બેઠા.

તેઓ 12 બૉલે દસ રન જ બનાવવામાં સફળ રહ્યા.

ઑસ્ટ્રેલિયાની તાબડતોડ બેટિંગ

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

213 રનનો પીછો કરવા ઊતરેલી ઑસ્ટ્રેલિયન ટીમના ઓપનર ડેવિડ વૉર્નર અને ટ્રેવિસ હેડે શરૂઆતથી જ દક્ષિણ આફ્રિકાના બૉલરો સામે જાણે કે આક્રમક વલણ અખત્યાર કર્યું હતું.

વૉર્નર અને હેડની ફટકાબાજીને કારણે દક્ષિણ આફ્રિકન પેસ ઍટેક ઑસ્ટ્રેલિયા પર દબાણ સર્જી નહોતું શક્યું.

જોકે, શરૂઆતના તબક્કામાં ફટકાબાજી કર્યા બાદ ઘાતક દેખાતા ડેવિડ વૉર્નરને સ્પિનર એઇડન મારક્રમે બોલ્ડ કરી પેવેલિનય ભેગા કર્યા હતા. તેઓ માત્ર 18 બૉલમાં ચાર છગ્ગા અને એક ચોગ્ગો ફટકારીને 29 રનની ધુંઆધાર ઇનિંગ રમ્યા હતા.

ઑસ્ટ્રેલિયાની ટીમ તોફાની શરૂઆતને કારણે આત્મવિશ્વાસથી ભરપૂર દેખાઈ રહી હતી.

ત્યાં તો આઠમી ઓવરમાં વનડાઉન આવેલા મિચેલ માર્શ ઓફ સાઇડમાં જબરદસ્ત શૉટ રમવા ગયા પરંતુ રેસી વેન ડર ડ્યુસેને લાજવાબ કૅચ કરીને તેમને ખાતુંય ન ખોલવા દીધા.

આ તબક્કા સુધી ઑસ્ટ્રેલિયન ટીમે 61 રને બે વિકેટ ગુમાવી દીધી હતી. છતાં રનની ગતિની બાબતે ટીમ દક્ષિણ આફ્રિકાથી ખૂબ આગળ હતી.

બીજી વિકેટ પડ્યા બાદ પણ ક્રીઝ પર ટકી રહેલા ઓપનર ટ્રેવિસ હેડે એક તરફથી ફટકાબાજી કરવાનું ચાલુ રાખેલું. તેઓ આક્રમક અંદાજમાં રમી રહ્યા હતા.

તેમની અને સ્ટીવ સ્મિથની જોડી જામી ગઈ હતી. પરંતુ ત્યારે જ સ્પિનર કેશવ મહારાજના સ્પિનની જાળમાં ફસાઈ તેઓ બોલ્ડ થયા. તેઓ માત્ર 48 બૉલનો સામનો કરીને 62 રન બનાવી ગયા. જેમાં તેમણે ચાર ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા.

આ તબક્કે ત્રણ વિકેટ ગુમાવી ઑસ્ટ્રેલિયાની ટીમને સાઉથ આફ્રિકાના સ્પિનરો સામે થોડી મુશ્કેલી પડી રહી હોવાનું જરૂર દેખાઈ રહ્યું હતું.

પરંતુ સાઉથ આફ્રિકાની ટીમના ફીલ્ડરો સ્પિનરોએ વિકેટ માટે સર્જેલી તકો ઝડપી લેવામાં ઊણા ઊતર્યા હતા.

આ તબક્કા બાદ દરેક પસાર થતી ઓવર સાથે ઑસ્ટ્રેલિયન ટીમ ધીરે ધીરે લક્ષ્યની નજીક પહોંચતી જઈ રહી હતી.

ઑસ્ટ્રેલિયન બેટિંગ ઑર્ડરના પાયા હચમચ્યા

જોસ ઇંગ્લિસ

ઇમેજ સ્રોત, Getty Images

ક્રીઝ પર સ્ટીવ સ્મિથ અને માર્નસ લાબુશેન જામેલા હતા.

પરંતુ ત્યારે વાંરવાર પોતાના સ્પિનથી ઑસ્ટ્રેલિયનો અને પ્રેક્ષકોને આશ્ચર્યમાં મૂકી દેનારા અને મૅચમાં વારંવાર તક સર્જી રહેલા બૉલર તબરેઝ સમશીના કિસ્મતે તેમનો સાથ દીધો. 22મા ઓવરમાં તેઓ પીચ પર જામેલા લાબુશેનને 18 રનના વ્યક્તિગત સ્કોરે એલબીડબ્લ્યૂ આઉટ કરવામાં સફળ રહ્યા.

તે બાદ ક્રીઝ પર આવ્યા ઑસ્ટ્રેલિયાની ગત મૅચના હીરો ગ્લેન મૅક્સવેલ.

જોકે, મૅક્સવેલ ગત મૅચમાં કરેલી કમાલ આ મૅચમાં રિપીટ કરી શક્યા નહોતા. તેઓ માત્ર એક રન બનાવીને 24મી ઓવરમાં પેવેલિયન પરત ફર્યા. તબરેઝ શમસીએ ફરી એક વાર બૉલથી પોતાના સ્પિનનો જાદુ બતાવી તેમને ક્લિન બોલ્ડ કર્યા હતા.

એક સમયે આસાનીથી જીત મેળવતી જણાઈ રહેલી ઑસ્ટ્રેલિયાની ટીમ 137 રને પાંચ વિકેટ ગુમાવીને હવે દબાણમાં દેખાઈ રહી હતી. જોકે, ક્રીઝ પર હજુ ધુરંધર બૅટ્સમૅન અને ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કપ્તાન સ્ટીવ સ્મિથ ટકેલા હતા. જેના કારણે ઑસ્ટ્રેલિયાની ટીમની જીતની આશા હજુ જીવંત જણાઈ રહી હતી.

મુશ્કેલીમાં જણાઈ રહેલી ઑસ્ટ્રેલિયન ટીમનો સ્કોર સ્ટીવ સ્મિથ અને જોશ ઇંગ્લિસ ધીરે ધીરે આગળ વધારી રહ્યા હતા.

જોકે, 34મા ઓવરના ત્રીજા બૉલે ગેરાલ્ડ કોએત્ઝીના બૉલે ક્વિન્ટન ડિ કોકે સ્મિથને કૅચ આઉટ કરી પેવેલિયન ભેગા કર્યા હતા. તેઓ 92 બૉલે 30 રન બનાવી શક્યા હતા.

આ તબક્કા સુધી ઑસ્ટ્રેલિયન ટીમને જીત માટે 39 રનની જરૂરિયાત હતી અને ટીમ પાસે હજુ ચાર વિકેટ બાકી હતી.

જોકે, દક્ષિણ આફ્રિકાના સ્પિનરો અને પેસરોની જોડી સામે બાકીના રન માટે ઑસ્ટ્રેલિયન બેટરો સંઘર્ષ કરતા દેખાઈ રહ્યા હતા.

જીત માટે માત્ર 20 રન બાકી હતા ત્યારે વિકેટ પર જામેલા ઑસ્ટ્રેલિયન બૅટ્સમૅન જોશ ઇંગ્લિશને જેરાડ કોએત્ઝીએ 28 રનના (49 બૉલ) વ્યક્તિગત સ્કોરે ક્લીન બોલ્ડ કરીને આઉટ કરી દીધા હતા.

અંતિમ ઓવરોમાં ઘાતક દેખાતી સાઉથ આફ્રિકન બૉલિંગ સામે ઑસ્ટ્રિલયન કૅપ્ટન પેટ કમિન્સ અને મિચેલ સ્ટાર્કની જોડીએ જીત માટે જરૂરી રન સાવધાનીપૂર્વક રમીને બનાવી લીધા અને ટીમને ત્રણ વિકેટ જીત અપાવી દીધી.

રેડ લાઇન
રેડ લાઇન