કેટલાક પ્રતિભાશાળી ભારતીયો અમેરિકાથી પાછા ભારત આવવાનું કેમ વિચારી રહ્યા છે?

    • લેેખક, નિખિલ ઇનામદાર
    • પદ, બીબીસી ન્યૂઝ, મુંબઈ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એચ-1બી વિઝા ફીમાં અચાનક જ અનેક ગણો વધારો કરીને તેને એક લાખ ડૉલર કરી દીધી છે.

એવું કહેવાય છે કે ભારતના નીતિનિર્ધારકો પ્રતિભાવંત ભારતીયોને અમેરિકાથી સ્વદેશ પરત લાવવાના પ્રયાસોમાં લાગી ગયા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નજીકના એક અધિકારીએ તાજેતરમાં કહ્યું હતું કે સરકાર વિદેશમાં કામ કરી રહેલા ભારતીયોને સ્વદેશ પરત લાવવામાં અને દેશના વિકાસમાં ફાળો આપવા માટે પ્રોત્સાહિત કરી રહી છે.

બીજી બાજુ, વડા પ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના એક સભ્યે તાજેતરમાં એક મીડિયા કાર્યક્રમમાં કહ્યું હતું કે એચ-1બી વિઝા યજમાન દેશનાં હિતોની પૂર્તિ કરે છે.

એટલે વિઝા ફીમાં આ વધારો, ભારત માટે સારો સાબિત થશે, કારણ કે તેનાથી વૈશ્વિક પ્રતિભાને ભારત આકર્ષી શકીશું અને પોતાની તરફ ખેંચવાની ક્ષમતા વધશે.

આ બધી વાતોનો સાર એ છે કે હવે ભારત 'રિવર્સ બ્રેઇન ડ્રેન' એટલે કે વિદેશમાં વસતા કૌશલ્યવાન ભારતીયોને પરત બોલાવીને દેશમાં કામ કરવાલાયક માહોલ ઊભો કરવાની સારી એવી તક છે. વિશેષ કરીને ટૅક્નૉલૉજી, તબીબી અને સંશોધન સંબંધિત ક્ષેત્રોમાં.

કેટલાક ઉદાહરણ પરથી એવું લાગે છે કે અમેરિકામાં ઇમિગ્રેશન સંબંધિત નીતિઓ કડક બની છે, જેના કારણે કેટલાક ભારતીયો સ્વદેશ પરત ફરવા અંગે વિચાર કરી રહ્યા છે.

જોકે, કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે હજારો લોકોને અમેરિકા છોડીને બૅંગ્લુરુ (ભારત) વતન પરત ફરવા માટે મનાવવા સરળ નહીં હોય.

10 લાખ ડૉલરની નોકરી છોડી

નીતિન હસન છેલ્લાં 20 વર્ષથી અમેરિકામાં વસતા હતા, પરંતુ ગત વર્ષે તેમણે મોટું પગલું લીધું અને ભારત પરત ફરવાનો નિર્ણય લીધો. બહુ થોડા ભારતીયોએ આટલો લાંબો સમય અમેરિકામાં રહ્યા હશે.

નીતિન માટે આ નિર્ણય લેવો સરળ ન હતો, તેમણે મેટાની પોતાની કરોડોની નોકરી છોડી દીધી, જેથી કરીને સ્ટાર્ટઅપની અનિશ્ચિત દુનિયામાં ડગ માંડી શકે.

હસને બીબીસીને જણાવ્યું, "હું હંમેશાંથી મારું કંઈક કરવા માગતો હતો, પરંતુ અમેરિકામાં મારી ઇમિગ્રેશનની સ્થિતિએ એ સ્વતંત્રતાને મર્યાદિત કરી દીધી હતી."

નીતિને ભારત પરત ફરીને બે સ્ટાર્ટઅપ શરૂ કર્યા, જેમાંથી એક બી2આઇ (બૅક ટુ ઇન્ડિયા) છે. આ એક એવું પ્લૅટફૉર્મ છે કે જે અમેરિકામાં વસેલા ભારતીયોને પરત ફરવા માટે ભાવનાત્મક, આર્થિક અને વ્યાવસાયિક પડકારોને પહોંચી વળવામાં મદદ કરે છે.

નીતિન હસને બીબીસીને જણાવ્યું કે તાજેતરના મહિનાઓમાં અમેરિકાની ઇમિગ્રેશન નીતિઓમાં જે પરિવર્તન આવ્યાં છે, તેના કારણે ભારત ફરવાની ઇચ્છા ધરવનારાઓની પૂછપરછ વધી ગઈ છે અને એચ-1બી વિઝા વિવાદ પછી તેમાં વધારો થયો છે.

નીતિન હસને કહ્યું, "અનેક પ્રોફેશનલ્સે હવે સ્વીકારી લીધું છે કે તેમને ક્યારેય ગ્રીન કાર્ડ નહીં મળે અને ટ્રમ્પના બીજા કાર્યકાળની શરૂઆતથી બી2આઇ પર આવનારી પૂછપરછ ત્રણ ગણી વધી ગઈ છે. ગત છ મહિનામાં બસ્સોથી વધુ એનઆરઆઇ (નૉન-રેસિડન્ટ ઇન્ડિયન) ભારત પરત ફરવાના વિકલ્પો અંગે અમારી સાથે ચર્ચા કરી ચૂક્યા છે."

અમેરિકાની યુનિવર્સિટીઓમાં ભારતીય પ્રતિભાને ખોજનાર અન્ય કંપનીઓનું વલણ પણ બદલાતાં જતાં વલણ પર પ્રકાશ પાડે છે.

બીડીઓ એક્ઝિક્યુટિવ સર્ચનાં સીઇઓ શિવાની દેસાઈએ બીબીસીને જણાવ્યું, "ચાલુ સિઝન દરમિયાન આઇવી લીગ (અમેરિકાનાં અતિપ્રતિષ્ઠિત વિશ્વવિદ્યાલયો) યુનિવર્સિટીઓ ભણતર પૂર્ણ કરીને ભારત પરત ફરવાની ઇચ્છા ધરાવનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં 30 ટકા જેટલો વધારો થયો છે."

એમણે કહ્યું કે આવી પરિસ્થિતિમાં અમેરિકામાં ઉચ્ચ પદો પર કામ કરતા ભારતીયો પણ હવે પોતાની કૅરિયર અંગે 'ગંભીરતાથી વિચારવા' માટે મજબૂર થઈ ગયા છે.

શિવાની દેસાઈ કહે છે, "જોકે, એમાંથી અનેક હજુ પણ ત્યાં ટકેલા છે, પરંતુ અમે જોઈ રહ્યાં છીએ કે ઉચ્ચ પદો પર બેઠેલા આવા અધિકારીઓ અને વરિષ્ઠ ટૅક લીડર્સની સંખ્યા વધી રહી છે, જે ભારતને ગંભીર વિકલ્પ તરીકે જુએ છે."

છેલ્લાં કેટલાંક વર્ષોથી આંતરરાષ્ટ્રીય કંપનીઓના ગ્લોબલ કૅપેબ્લિટી સેન્ટર્સ, (જીસીસી) એટલે કે રિમોટ ઑફિસ ભારતમાં મોટા પાયે ખૂલી રહ્યાં છે. કંપનીઓ આ સેન્ટર્સમાં સ્વદેશ પરત ફરવા માગતા ભારતીયોને સારું કામ કરવાની તક આપે છે.

ઍસેટ મૅનેજમૅન્ટ કંપની ફ્રૅન્કલિન ટેમ્પલટનના જણાવ્યા પ્રમાણે, જો અમેરિકાના ટૅક પ્રોફેશનલ્સ માટે પોતાના દરવાજા બંધ કરશે, તો આ લોકો ઑફશોર ઑપરેશન્સની વાટ પકડી શકે છે. આ સંજોગોમાં જીસીસી આવી પ્રતિભાઓ માટે વધુ આકર્ષક બની રહ્યા છે. વિશેષ કરીને ઑનસાઇટ તકો ઘટી રહી છે એટલે તે વધુ આકર્ષક બન્યા છે.

સરકારે શું કરવું જોઈએ?

પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહનસિંહના પૂર્વ મીડિયા સલાહકાર તથા 'સેસેશન ઑફ ધ સક્સેસફુલ: ધ ફ્લાઇટ આઉટ ઑફ ન્યૂ ઇન્ડિયા' પુસ્તકના લેખ સંજય બારૂ પણ આ મુદ્દે વાત કરી ચૂક્યા છે.

સંજય બારૂએ બીબીસીને જણાવ્યું, "મોટા પાયે રિવર્સ માઇગ્રેશન એટલે કે પ્રતિભાશાળી ભારતીયોને સ્વદેશ પરત લાવવા માટે સરકાર તરફથી સંગઠિત અને ગંભીર પ્રયાસોની જરૂર પડશે અને હાલમાં તેનો અભાવ છે."

સંજય બારૂએ કહ્યું, "સરકાર જેમને સ્વદેશ પરત લાવવા માગતી હોય, તેમની ઓળખ કરવી જોઈએ. જેમાં ઉચ્ચ વિજ્ઞાનીઓ, પ્રોફેશનલ્સ અને ઉદ્યમીઓ સામેલ છે. આના માટે ગંભીર પ્રયાસ કરવાની જરૂર છે તથા આના માટે ટોચ પરથી પહેલ થવી જોઈએ."

સંજય બારૂના કહેવા પ્રમાણે, ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ આ કામ કર્યું હતું, જેથી કરીને અંતરીક્ષ અને પરમાણુ પ્રૌદ્યોગિકી જેવાં ક્ષેત્રોના બાહોશ લોકોને ભારત પરત લાવીને ભારતીય વિજ્ઞાન સંસ્થા જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ સ્થાપી શકાય.

બારૂએ કહ્યું, "તેમનામાં ધ્યેય અને રાષ્ટ્રભક્તિની ભાવના પ્રબળ હતી. હવે પરત આવવા માટે શું પ્રોત્સાહન મળી રહ્યું છે?"

સંજય બારૂએ કહ્યું કે આનાથી વિપરીત દેશમાં હંમેશાં કોઈ ને કોઈ એવું કારણ હોય છે, જે કૌશલ્યવાન પ્રોફેશનલ્સને દેશ છોડી દેવા માટે મજબૂર કરે છે અને આ ચલણને અટકાવવાને બદલે હંમેશાં તેનો 'ઉત્સવ ઊજવવા'માં આવે છે.

અમુક દેશો ગોલ્ડન વિઝા, નાગરિકત્વ કે ઇમિગ્રેશન કાર્યક્રમો દ્વારા રૅસિડન્સી ઑફર કરે છે, જે પણ પુલ ફૅક્ટર્સ બની રહે છે અને આ પ્રકારની ઑફર કરનારા દેશોની સંખ્યા વધી રહી છે.

અમેરિકાએ જ્યારે એચ-1બી વિઝા સંબંધિત નિયમોને કડક બનાવ્યા, ત્યારે જર્મની જેવા દેશોએ કૌશલ્યવાન ભારતીય પ્રોફેશનલ્સને આકર્ષવા માટે ત્યારે પોતાના દરવાજા ખોલી દીધા.

ભારતીયો દેશ છોડીને કેમ જાય છે?

પુશ ફૅક્ટરની સૌથી જૂની અને મોટી સમસ્યા છે, જેમ કે ખરાબ સરકારી નિયમ-કાયદા, થકવી દેનાર સરકારી નોકરશાહી તથા ખરાબ વેપારી માહોલ. આવા અમુક કારણોને કારણે છેલ્લાં કેટલાંક વર્ષોથી અમીર અને ઉચ્ચ આવક ધરાવનારા લોકો દેશ છોડી જાય છે.

સરકારી આંકડા મુજબ, વર્ષ 2020 બાદ પાંચ લાખથી વધુ ભારતીયોએ દેશનું નાગરિકત્વ છોડ્યું છે. આ સિવાય ભારત વિશ્વના ટોચના પાંચ એવા દેશમાં સામેલ છે કે જ્યાંના કરોડપતિઓ પલાયન કરીને અન્ય દેશોનું નાગરિકત્વ કે રહેણાક લઈ રહ્યા છે.

નીતિન હસન કહે છે કે જો સરકાર ખરેખર વિદેશોમાં વસતા ભારતીયોને પરત લાવવા માટે ગંભીર હોય, તો તેણે "અનેક અવરોધોને એકસાથે હઠાવવા"ની દિશામાં કામ કરવું પડશે.

જેમાં ટૅક્સ સંબંધિત સરળ કાયદા, સ્પેશિયલ સ્ટાર્ટઅપ વિઝા જેવી યોજનાઓ તથા અન્ય મૌલિક સમસ્યાઓનું સમાધાન સામેલ છે. જેમ કે, મૂળભૂત સુવિધાઓનો અભાવ અને શહેરી વિસ્તારમાં ભીડ.

બારૂ કહે છે કે આ માટે દેશમાં રિસર્ચ અને ઉચ્ચ શિક્ષણને ખૂબ જ ઉત્તમ સ્તરના બનાવવા પડશે, કારણ કે એ કારણસર જ ગત 50 વર્ષથી ભારતીય પ્રતિભાને અમેરિકા આકર્ષે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન