You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવા અને પોતાની જ પાર્ટીના નેતાઓની 'મિલીભગત'ના આરોપો કેમ લગાવ્યા?
ભાજપે તાજેતરમાં જ નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્મા (પંચાલ)ની પસંદગી કરી છે ત્યારે જ ભરૂચ અને નર્મદા જિલ્લામાં પક્ષના 'આંતરિક મતભેદો' સપાટી પર આવી રહ્યા છે.
સોમવારે ભાજપના ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ એક પત્રકાર પરિષદ યોજીને આરોપો લગાવ્યા કે ભાજપના કેટલાક નેતાઓ આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ટેકો આપી રહ્યા છે.
તેમણે એવું કહ્યું કે ચૈતર વસાવાને ભાજપમાં લાવવા માટે નાંદોદનાં ભાજપનાં ધારાસભ્ય દર્શના દેશમુખ દ્વારા 'લૉલીપૉપ' આપવામાં આવી રહી છે.
ચૈતર વસાવા તાજેતરમાં જ જેલમાંથી બહાર આવ્યા છે અને તેમણે નર્મદા જિલ્લાના જૂનારાજ ગામે 14 કિમી લાંબો રોડ તાત્કાલિક રિપેર કરવાની માંગણી સાથે પદયાત્રા કરી હતી.
જ્યારે ચૈતર વસાવાએ પદયાત્રા કરી હતી તે સમયે જ મનસુખ વસાવાએ પ્રેસ કૉન્ફરન્સ યોજીને પોતાની જ પાર્ટીના લોકો સામે આક્ષેપો કર્યા હતા.
મનસુખ વસાવાએ કેવા આક્ષેપો લગાવ્યા?
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ એક પત્રકાર પરિષદ બોલાવીને કહ્યું કે, "જૂનારાજ મારું ગામ છે અને મારી જન્મભૂમિ છે. ગામમાં જે રસ્તાનું કામકાજ પૂરું નથી થયું તેનું કારણ એ છે કે આ જંગલનો વિસ્તાર આવે છે. જૂનારાજના અડધા લોકો બીજે વસવાટ કરે છે અને અડધા લોકો ગામમાં વસે છે. ગયા વર્ષે અહીં રસ્તો બનાવવાનું કામ મંજૂર થયું છે, પરંતુ વરસાદના કારણે હાલમાં કામ બંધ છે."
રસ્તાના મામલે ચૈતર વસાવાએ પદયાત્રા કાઢી તેના વિશે પૂછવામાં આવતા તેમણે આરોપ લગાવ્યો કે, "ચૈતર વસાવા આ મામલે નાટક કરે છે અને નાંદોદના ભાજપનાં ધારાસભ્ય દર્શના દેશમુખનો તેમને ટેકો છે."
તેમણે કહ્યું કે "નાંદોદ વિધાનસભામાં આમ આદમી પાર્ટીનું પ્લૅટફૉર્મ બનાવવા પ્રયાસ થાય છે. ચૈતરને કોઈ પણ ભોગે ભાજપમાં લાવવા માટે દર્શના દેશમુખ પ્રયાસ કરે છે, પરંતુ ચૈતર વસાવા ભાજપમાં નહીં આવે. જો તેઓ ભાજપમાં જોડાશે તો તેનાથી પાર્ટીને જ નુકસાન જ થવાનું છે. દર્શના દેશમુખ જ લોકોને કહે છે કે મેં ચૈતર વસાવાને ફસાવ્યાં છે અને જેલમાં ધકેલાવ્યાં છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આદિવાસી નેતાએ કહ્યું કે, "ડેડિયાપાડાના ધારાસભ્યને આટલા સમયથી જૂનારાજનો રસ્તો યાદ ન આવ્યો. હવે દિવાળી પછી કામ શરૂ થવાનું છે ત્યારે લોકોને ગેરમાર્ગે દોરે છે. જેલમાંથી છૂટીને તરત જૂનારાજમાં રોકાયા અને મિટિંગો કરી. ત્યાં તેમણે એક સંગઠન બનાવવાનો પ્રયાસ કર્યો આ એક નાટક છે."
ચૈતર વસાવાએ વળતા જવાબમાં શું કહ્યું?
દરમિયાન ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મનસુખ વસાવાના તમામ આરોપો નકારી કાઢ્યા છે.
તેમણે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે, "મનસુખભાઈએ પાયાવિહોણા આક્ષેપ કર્યા છે. તેમના ગામમાં રસ્તો નથી અને મેં ત્યાંથી યાત્રા કાઢી તેથી લોકોને ગેરમાર્ગે દોરવા માટે તેમણે આવી વાત કરી છે."
તેમણે કહ્યું કે, "તેઓ (મનસુખ વસાવા) સાત ટર્મથી સાંસદ છે અને 30 વર્ષથી ભાજપની સરકાર છે. છતાં તેઓ રસ્તો ન બનાવી શકે અને એટલે મારે પદયાત્રા કાઢવી પડી. તેના કારણે તેમને લાગી આવ્યું અને પાયાવિહોણા આક્ષેપો કર્યા છે."
ભાજપના કેટલાક નેતાઓ તેમને પાર્ટીમાં લેવા પ્રયાસ કરે છે તે વાતને પણ તેમણે નકારી કાઢી હતી.
ડેડિયાપાડામાં તાલુકા પંચાયતની બેઠક દરમિયાન એક પદાધિકારી પર કથિત રીતે કાચનો ગ્લાસ ફેંકવાના આરોપમાં ચૈતર વસાવા સામે એફઆઈઆર દાખલ થઈ હતી અને પાંચમી જુલાઈએ તેમની ધરપકડ થઈ હતી. ત્યારથી તેઓ જેલમાં હતા. ચૈતર વસાવા પર હત્યાના પ્રયાસનો ગુનો દાખલ થયો હતો. સપ્ટેમ્બરના અંતમાં તેઓ નિયમિત જામીન પર બહાર આવ્યા છે અને તાજેતરમાં તેમણે જુનારાજ ગામના રોડ મામલે પદયાત્રા કાઢી હતી.
2024માં લોકસભાની ચૂંટણી વખતે મનસુખ વસાવા સામે ચૈતર વસાવાએ ભરુચમાં ઉમેદવારી નોંધાવી હતી. ચૂંટણીમાં ચૈતર વસાવા જીતી શક્યા ન હતા અને 85 હજાર મતથી પરાજય થયો હતો. પરંતુ મનસુખ વસાવાના જીતના માર્જિનમાં લગભગ બે લાખ મતનું ગાબડું પડ્યું હતું.
આપના નેતાઓ ગેરમાર્ગે દોરે છેઃ દર્શના દેશમુખ
બીજી તરફ ભાજપના નાંદોદનાં ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખે મીડિયાને કહ્યું કે, "મારે કોઈને ખુલાસો આપવાની જરૂર નથી." તેમણે દાવો કર્યો કે "આપના નેતાઓ ગેરમાર્ગે દોરે છે તે સાબિત કરવા માટે ભાજપ પાસે પુરાવા છે. આપના નેતાઓએ જ આ મામલે આરટીઆઈ કરેલી છે. "
ડૉ. દર્શના દેખમુખ એક સામાજિક કાર્યકર અને ગાયનેકૉલૉજિસ્ટ છે અને તેઓ નર્મદા જિલ્લામાં એસસી ઉમેદવાર માટે અનામત નાંદોદ વિધાનસભા બેઠક પર જીત્યાં છે.
તેમના પિતા ચંદુ દેશમુખ ભાજપના અગ્રણી હતા જેમણે 1989માં ભરૂચમાં કૉંગ્રેસના અહમદ પટેલને હરાવ્યા હતા.
ડૉ. દર્શના દેશમુખે કહ્યું હતું કે "મતદારોને ખોટા માર્ગે દોરવા માટે આપના નેતાઓ બિનજરૂરી ડ્રામા કરે છે. તેનાથી મતક્ષેત્રમાં વાસ્તવિક વિકાસકાર્ય અટવાઈ જાય છે. આપના નેતા ચૈતર વસાવા જે રોડના કામ માટે રેલી કાઢી રહ્યા છે તેનું કામ ચાલુ છે અને સરકારી પ્રક્રિયા મુજબ તે બનાવવામાં આવશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન